દીકરીના જન્મ અને દીર્ઘાયુ માટે બાધા રાખનાર આવાંબાઈ
સાંતા ક્રુઝ નામ પડ્યું કેવી રીતે?
માર્કો પોલોએ જોયેલું ઘોડ બંદર
અંગ્રેજોએ આપેલાં મોટા ભાગનાં નામ આપણે આઝાદી પછી બદલી નાખ્યાં છે. પણ કેટલાંક પોર્ટુગીઝ નામ હજી સુધી તો બચી ગયાં છે. તેમાંનું એક નામ તે સાંતા ક્રુઝ. કહેવાય છે કે મૂળ તો અહીં ‘ફૂલબાવડી’ નામનું નાનકડું ગામડું આવેલું હતું. મુખ્ય વસ્તી પોર્ટુગીઝ માછીમારોની. નજીકની એક ટેકરી ઉપર તેમણે લાકડાનો ક્રોસ ઊભો કરેલો. હવે, એક વખત બન્યું એવું કે આ ક્રોસ પર નાની નાની કૂંપળ ફૂટી નીકળી. ચોમાસામાં લાકડાનો ક્રોસ પાણીથી સતત ભીંજાતો એટલે આમ થયું હશે. પણ ભોળા માછીમારોએ એને દૈવી ચમત્કાર માની લીધો. અને એટલે એ ક્રોસને નામ આપ્યું ‘સાંતા ક્રુઝ’, એટલે કે પવિત્ર ક્રોસ. પછી તો એ જગ્યાએ બંધાયું ચેપલ અને આખો વિસ્તાર સાંતા ક્રુઝ તરીકે ઓળખાવા લાગ્યો. આજે એ જગ્યાએ જ સેક્રેડ હાર્ટ સ્કૂલ ઊભી છે. અને જ્યાં લાકડાનો ક્રોસ હતો, લગભગ તે જ જગ્યાએ, બીજો ક્રોસ ઊભો છે. જો કે દરેક શબ્દનું મૂળ સંસ્કૃતમાં શોધવાના હઠાગ્રહીઓ ‘શાંત કુંજ’માંથી ‘સાંતા ક્રુઝ’ નામ ઊતરી આવ્યું એમ કહે છે. પણ ભલા માણસ, એટલો તો વિચાર કરો કે પોર્ટુગીઝ માછીમારો સંસ્કૃત જાણતા હોય ખરા? એ જગ્યાની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે મૂળ ચેપલ જોન ડિસોઝા નામના એક પૈસાદાર વેપારીએ બંધાવેલું. બાજુમાં એક કૂવો પણ ખોદાવેલો જેને લોકો ‘જોનાચી બાવડી’ તરીકે ઓળખતા. જો કે સરકારી દસ્તાવેજો પ્રમાણે આ ચેપલ ૧૮૫૦માં બંધાયું હતું, પણ તેની દેખભાળ રાખનારું કોઈ હતું નહિ એટલે જીર્ણ થઈ ગયું હતું. એટલે ૧૮૯૦માં તે ફરીથી બંધાયું હતું. જો કે મુંબઈના કલેકટરે આ અંગે પૂછાવ્યું ત્યારે રેવરન્ડ ફાધર અલ્વારીસે જણાવ્યું હતું કે મુખ્ય ભીંત પરની તક્તીમાં ૧૮૫૪ની સાલ લખેલી છે.
ઘોડ બંદરનો કિલ્લો
લોકલ ટ્રેન આવી તે પહેલાં આ વિસ્તાર તળ મુંબઈ સાથે રસ્તા વડે જોડાઈ ચૂક્યો હતો. સાલસેટના ટાપુને વાંદરાના ટાપુ સાથે જોડતો માહિમ કોઝ વે ૧૮૪૬માં બંધાઈને પૂરો થયો હતો. આ રસ્તો બાંધવા માટે એક પણ ફદિયું આપવાની સરકારે ના પાડી દીધી એટલે એક લાખ ૫૭ હજારનો પૂરેપૂરો ખર્ચ સર જમશેદજી જીજીભાઈનાં ધણિયાણી આવાંબાઈએ આપ્યો હતો. પણ સાથે શરત મૂકી હતી કે આ રસ્તા પરથી આવ-જા કરનારા પાસેથી સરકાર ક્યારે ય ‘ટોલ’ નહિ ઉઘરાવે. પણ આવાંબાઈને આ દાન આપવાનું સૂઝ્યું કેવી રીતે? કારણ એ વખતે સાલસેટ અને માહિમ વચ્ચે આવ-જા કરવા માટે હોડી એ એક માત્ર સાધન હતું. ૧૮૪૧માં દરિયાઈ તોફાનને કારણે આવી ૧૫-૨૦ હોડી ડૂબી ગઈ અને અને મોટી સંખ્યામાં મોત થયાં. ભવિષ્યમાં ફરી આવું ન થાય એ માટે રસ્તો બાંધવાનું આવાંબાઈને સૂઝ્યું અને તે માટે એક લાખ રૂપિયા દાનમાં આપવાનું મુંબઈ સરકારને જણાવ્યું. પણ સરકારે કહ્યું કે બાકીની રકમ સરકાર ઊભી કરી શકે તેમ નથી. એટલે આવાંબાઈએ પૂરેપૂરો ખરચ આપવાનું પોતાને માથે લીધું. ૧૮૪૫ના એપ્રિલની આઠમી તારીખે બાંધકામ પૂરું થયું. આ રસ્તાના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેલાં આવાંબાઈએ માહિમ બજારથી કોઝ વે સુધીનો રસ્તો બાંધવા માટે બીજા બાવીસ હજારનું દાન જાહેર કર્યું.
આવાંબાઈએ આટલું મોટું દાન આપ્યું એની પાછળ પણ એક ખાસ કારણ હતું. આવાંબાઈને ત્રણ દીકરા, પણ દીકરી એકે નહિ. બે દીકરી જન્મ્યા પછી થોડા વખતમાં જ મૃત્યુ પામેલી. આવાંબાઈને દીકરીની ઝંખના પારાવાર. એટલે એમણે માઉન્ટ મેરીની બાધા રાખી કે જો મને દીકરી થશે અને તે સાત વરસ સુધી જીવતી રહેશે તો હું મોટી રકમનું દાન કરીશ. ૧૮૩૪માં આવાંબાઈએ પિરોજાબાઈને જન્મ આપ્યો અને તે સાત વરસની થઈ તે જ અરસામાં માહિમ કોઝ વેના બાંધકામ અંગેની ચર્ચા ચાલી રહી હતી. એટલે એ બાંધવા માટે દાન આપવાનું આવાંબાઈએ નક્કી કર્યું. તેમણે માઉન્ટ મેરીને મોતીનો હાર પણ ચડાવ્યો અને તે દેવળ સુધી જવા માટેનાં પગથિયાં પણ બંધાવી આપ્યાં. હજી આજે પણ દીકરી જન્મે એ માટે બાધા રાખનાર આપણા સમાજમાં ભાગ્યે જ કોઈ સ્ત્રી જોવા મળશે. જ્યારે છેક ૧૯મી સદીના પૂર્વાર્ધમાં આવી બાધા રાખનાર આવાંબાઈ વિષે આજે નારીવાદીઓ પણ કેટલું જાણતા હશે, કોને ખબર!
વહાણમાં ચડાવાતા ઘોડા
પણ હજી વાંદરાની ઉત્તરે આવેલો ભાગ તો મુંબઈથી વિખૂટો જ હતો. એ ખોટ પૂરાઈ ૧૮૬૨માં વાંદરાને ઘોડબંદર સાથે જોડતો રસ્તો બંધાઈ રહ્યો ત્યારે. અલબત્ત, શરૂઆતમાં તે પાકો રસ્તો નહોતો, કાચી સડક હતી. આ ઘોડ બંદર ઘણું જૂનું છે. પ્રખ્યાત ઇટાલિયન મુસાફર માર્કો પોલો ઈ.સ. ૧૨૯૨થી ૧૨૯૪ સુધી હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યો ત્યારે આ બંદર હયાત હતું. પરંપરાગત રીતે આપણા દેશમાં યુદ્ધમાં ઘોડાનું ખૂબ જ મહત્ત્વ હતું. જૂદા જૂદા રાજવીઓ પોતાના અશ્વદળને મજબૂત કરવા જાતવાન ઘોડાની શોધમાં સતત રહેતા. ઘોડાઓમાં અરબી ઘોડા શ્રેષ્ઠ મનાતા. આ ઘોડા વહાણો દ્વારા લાવીને જે બંદર પર ઉતારતા તેને નામ મળ્યું ઘોડ બંદર. ઘોડાનો આ વેપાર કેટલો મહત્ત્વનો હતો એનો ખ્યાલ આપતાં માર્કો પોલો લખે છે કે થાણાના રાજાએ દરિયાઈ ચાંચિયાઓ સાથે ખાસ કરાર કર્યો હતો કે તેમણે ઘોડા લાવતાં વહાણોને લૂંટવાં નહિ.
ઘોડ બંદરનો કિલ્લો જીતનાર ચીમણાજી આપ્પા
ઠાણે જિલ્લામાં ઉલ્લાસ નદીને કિનારે ઘોડબંદર નામના ગામડામાં કિલ્લો આવેલો છે એ તો ઘણો મોડો બંધાયો. એ બાંધેલો પોર્ટુગીઝોએ. તેનું બાંધકામ શરૂ થયેલું ૧૫૩૦માં, પણ પૂરું થયું છેક ૧૭૩૦માં! આજના ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે આ કિલ્લા નજીક એકમેકને મળે છે. આ કિલ્લો બંધાયા પછી જો કે ઘોડાની આયાત ધીમે ધીમે બંધ થઈ ગઈ. કારણ અહીં નાંગરતાં જ નહિ, પણ ઘોડ બંદર નજીકથી પસાર થતાં વહાણો પાસેથી પણ પોર્ટુગીઝો ભારે નૂર વસૂલ કરતા. ૧૬૭૨માં છત્રપતિ શિવાજી મહારાજના સૈન્યે આ બંદર પર આક્રમણ કરેલું, પણ ફાવ્યા નહિ. પણ ૧૭૩૭માં ચીમણાજી આપ્પાની સરદારી હેઠળ મરાઠા સૈન્યે આ કિલ્લો જીતી લીધો. તે પછી શંભાજી મહારાજે કિલ્લાને વધુ મજબૂત બનાવ્યો. ૧૮૧૮માં આ કિલ્લો અંગ્રેજોના હાથમાં આવ્યો. તેમણે થાણા જિલ્લાનું વડું મથક અહીં રાખ્યું. વાંદરાના બંદર અને ઘોડ બંદરને જોડતો ઘોડ બંદર રોડ એક જમાનામાં મુંબઈનો સૌથી લાંબો રસ્તો હતો. આઝાદી પછી આપણે જથ્થાબંધ રીતે રસ્તા, ઈમારત, સંસ્થા વગેરેનાં નામ બદલી નાખ્યાં. ખાસ તો અંગ્રેજોનાં નામ કાઢીને આપણા લોકોનાં નામ આપ્યાં. આ ‘ઘોડ બંદર’ નામ સાથે તો કોઈ બ્રિટિશ રાજવી, ગવર્નર, કે જજનું નામ જોડાયું નહોતું છતાં એના ઘણા મોટા હિસ્સાનું નામ બદલીને તેને સ્વામી વિવેકાનંદ રોડ નામ આપવામાં આવ્યું. મુંબઈગરા પાસે જો કોઈ વસ્તુની જબરી ખોટ હોય તો તે ટાઈમની. એટલે આ રોડ ઓળખાય છે એસ.વી. રોડ તરીકે.
આ રોડના નામ સાથે સંકળાયેલો એક કિસ્સો યાદ આવે છે. નોકરીને કારણે આ લખનાર દસ વરસ દિલ્હીવાસી બન્યો હતો. એક સાહિત્યિક કાર્યક્રમ શરૂ થતાં પહેલાં થોડા લેખકો નાના નાના જૂથમાં વાતો કરી રહ્યા હતા. ત્યારે આપણા એક અત્યંત પ્રતિષ્ઠિત લેખકે એકાએક આ લખનારને પૂછ્યું: ‘ગુલાબદાસ (બ્રોકર) રહે છે એ રોડનું નામ શું?’ અસ્સલ મુંબઈગરો જવાબ આપ્યો : ‘એસ.વી. રોડ.’ અને પેલા લેખક મહાશય ભડક્યા : ‘આપણા મહાપુરુષોનાં નામ લેવામાં આવો સંકોચ ન રાખવો જોઈએ. ટૂંકુ નામ નહિ, ‘સ્વામી વિવેકાનંદ રોડ’ એમ આખું નામ જ બોલવું જોઈએ.’ એ અમદાવાદી લેખકને તો જવાબ ન આપ્યો, પણ મનમાં કહ્યું : ટ્રેનમાંથી ઊતરીને મુંબઈના કોઈ ટેક્સીવાળાને કહી જોજો કે મને સ્વામી વિવેકાનંદ રોડ લઈ જા. એ તરત પૂછશે કે એ રોડ વળી ક્યાં આવ્યો?’
જૂનું સાંતા ક્રુઝ સ્ટેશન
બ્રિટિશરોમાં કોઠાસૂઝ ભારે. એટલે રસ્તા કે સ્થળનાં નામ બને ત્યાં સુધી બે શબ્દના જ રાખતા, જેથી લોકોને યાદ રાખવાનું અને બોલવાનું સહેલું પડે. લંડનના રસ્તાઓનાં નામ જોજો. બે શબ્દ કરતાં મોટાં નામ ભાગ્યે જ જોવા મળશે. હિન્દુસ્તાનમાં પણ તેમણે આ ચાલ અપનાવ્યો. હોર્નબી રોડ, એલ્ફિન્સ્ટન રોડ, ગ્રાન્ટ રોડ … બે શબ્દોનાં જ નામ. તે એટલે સુધી કે કિન્ગ્ઝ સર્કલ કે ક્વીન્સ રોડ કે પ્રિન્સેસ સ્ટ્રીટ સાથે પણ જે તે રાજા, રાણી, કે રાજકુંવરીનું નામ જોડ્યું નહિ. વિક્ટોરિયા ટર્મિનસ નામ પાડ્યું ત્યારે પણ આગળ ‘ક્વીન’ ઉમેર્યું નહિ. ત્યારે આપણે કેવાં નામ પાડ્યાં? ડોક્ટર ગોપાળરાવ દેશમુખ માર્ગ, એન.એસ. પાટકર માર્ગ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રોડ, ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક, વગેરે. વી.ટી.નું આપણે પહેલાં છત્રપતિ શિવાજી ટર્મિનસ કર્યું. પછી એ ય ઓછું લાગ્યું એટલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કર્યું. આખું નામ બોલો એટલી વારમાં તો લોકલ ટ્રેન બીજે સ્ટેશને પહોંચી ગઈ હોય! આવાં લાંબાં નામો યાદ કોણ રાખે, અને બોલે કોણ? એટલે જૂનાં બ્રિટિશ નામ વપરાશમાં રહ્યાં. જેમ કે એકાદ વરસ બંધ રહ્યા પછી એક રસ્તો ફરી ખુલ્યો ત્યારે ઘણાંખરાં છાપાંએ ‘હ્યુજીસ રોડ’ ફરી ચાલુ થયો એમ જ લખ્યું, ‘એન.એસ. પાટકર માર્ગ’ ફરી ચાલુ થયો એમ ભાગ્યે જ કોઈએ લખ્યું.
સાંતાક્રુઝમાં ઘણું ફરવાનું હજી બાકી છે. પણ તેને બદલે આપણે છેક ઘોડ બંદર પહોંચી ગયા. એટલે આવતે અઠવાડિયે ફરી સાંતા ક્રુઝ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2021