Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—100

દીપક મહેતા|Opinion - Opinion|19 June 2021

મુંબઈનું મેઘદૂત, ઓગણીસમી સદીના અંગ્રેજોની કલમે 

વરસાદને માણવાના આ દિવસો છે. પારકાંને પોતીકાં બનાવવાના દિવસો છે. પોતીકાંની વધુ નિકટ જવાના આ દિવસો છે. નિકટનાં નજીક ન હોય તો મેઘદૂતનો પ્રેમ-સંદેશ મોકલવાના દિવસો છે. પણ દુનિયામાં બધે પડતો વરસાદ એક સરખો નથી. બ્રિટન, યુરપના ઘણા દેશોમાં ચોમાસા જેવી ઋતુ જ નથી. ત્યાં બારે માસ ગમે ત્યારે વરસાદ પડે છે. ‘આવે આવે ને જાય રે મેહુલિયો’ એવો. આથી જ બારે માસ પડતા વરસાદથી અકળાયેલું બાળક ગાય છે : Rain, rain go away. જ્યારે આપણા દેશમાં આઠ આઠ મહિના રાહ જોયા પછી વરસાદ આવે તો આવે. એટલે અહીંનું બાળક ગાય છે : ‘આવ રે વરસાદ.’ કેટલાક અંગ્રેજ લેખકોએ મુંબઈના વરસાદ વિષે ૧૯મી સદીમાં જે લખ્યું તેમાંથી આજે અહીં થોડાં અમી છાંટણાં.

એમ.ડી.ની ડિગ્રી ધરાવતા હેન્રી મોઝીસ વ્યવસાયે ડોક્ટર હતા અને હિન્દુસ્તાનની મુસાફરી પછી તેમણે આ પુસ્તકમાંના લેખો લખ્યા હતા જે પહેલાં મિસિસ મિલ્નરે ‘ધ ઇંગ્લિશ વુમન્સ મેગેઝીન’માં પ્રગટ કર્યા હતા. આથી લેખકે પુસ્તક તેમને અર્પણ કર્યું છે. આ લેખક વિષે વધુ માહિતી મેળવી શકાઈ નથી.

*

મુંબઈના દરિયા પર ઘેરાયેલાં  વાદળાં – ‘સ્કેચિસ ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાંથી

ઘણી રાહ જોયા પછી છેવટે એ દિવસ આવ્યો જ્યારે આભના આગળા ખૂલી ગયા, અને માણસો, જનાવર, અને વનસ્પતિની આતુરતાનો અંત આવ્યો. બપોર પડતાં સુધીમાં નૈરુત્ય દિશામાં કાળાં વાદળાંએ દેખા દીધી, અને જોતજોતામાં તો આખા આકાશમાં છવાઈ ગયાં. અજવાળું ભૂખરું થઈ ગયું, ગરમી ઘટી ગઈ. કોણ જાણે ક્યાંથી શીતલ પવન વાવા લાગ્યો. સમુદ્ર એકાએક આકુળ-વ્યાકુળ થઈ ગયો. એક બાજુથી પવનની થપાટો, અને બીજી બાજુ કિનારા પરના પથરા પર મોજાંની થપાટો. દૂરના ડુંગરાઓ પર થતી ગડગડાટી અહીં સુધી સંભળાતી હતી. વીજળીના ઝબકારા ક્ષણાર્ધ માટે બધું અજવાળતા હતા. નાળિયેરી પરનાં સૂકાં પાન એક્બીજાં સાથે અથડાઈને જાણે કે ખંજરી બજાવી રહ્યાં હતાં. કુદરતનાં તત્ત્વો એકબીજા સામે યુદ્ધે ચડ્યાં હતાં.

વરસાદનાં મોટાં મોટાં ટીપાં વરસવા લાગ્યાં. એ જમીન પર પડે ત્યારે ધૂળનાં નાનાં નાનાં ટીપાં ઊછળકૂદ કરવા લાગ્યાં. જોતજોતામાં તો વરસાદનું જોર વધ્યું, અને અહીં, તહીં બધે, બધું જ જળબંબાકાર થઈ ગયું. ખેતરમાં કામ કરતો ખેડૂત તેની માટીની મઢુલીમાં ભરાઈ ગયો અને ધીમા સાદે રામરક્ષાકવચ ગણગણવા લાગ્યો. તો મુંબઈ શહેરના કોટ વિસ્તારમાંની ઊંચી ઈમારતો દરેક ગડગડાટ સાથે ધ્રૂજવા લાગી. દરેક મકાનના છાપરા પરથી પાણીનો ધોધ પડવા લાગ્યો. અને ઘણાં મકાનોનાં છાપરાં પરથી પડતાં પાણીએ રસ્તાઓને નદીમાં પલટી નાખ્યા. આપણે અંગ્રેજોએ આપણા દેશમાં આવો વરસાદ ક્યારે ય જોયો નથી. આપણે તો લગભગ બારે માસની ઝરમરથી ટેવાયેલા છીએ. એટલે અહીંનું ચોમાસું પહેલી વાર જોતી વખતે ઘણા અંગ્રેજો તો એમ જ માને છે કે હવે આ પૃથ્વી રસાતાળ જવાની છે.

હેન્રી મોઝિસ, સ્કેચિસ ઓફ ઇન્ડિયા, (૧૮૫૦)માંથી 

મુંબઈનો વરસાદ – વોટર કલર

એમનું આખું નામ જ્યોર્જ ક્રિસ્ટોફર મોલ્સવર્થ બર્ડવૂડ. ૧૮૩૨માં જન્મ, ૧૯૧૭માં અવસાન. કારકિર્દી દરમ્યાન અનેક બંદરનાં પાણી પીધેલાં. ડોક્ટર થઈને ૧૮૫૪માં બોમ્બે મેડિકલ સર્વિસમાં જોડાયા. ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર બન્યા. પછી યુનિવર્સિટી ઓફ બોમ્બેના રજિસ્ટ્રાર. ૧૮૫૮માં મુંબઈના પહેલવહેલા મ્યુઝિયમના પહેલા ક્યુરેટર બન્યા. (આજે આ મ્યુઝિયમ ભાઉ દાજી લાડ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.) મુંબઈના શેરીફ બન્યા. પણ પછી નબળી તબિયતને કારણે ૧૮૬૮માં ઇંગ્લંડ જઈ સ્થાયી થયા.

*

મુંબઈથી ખંડાળા સુધીના આખા વિસ્તાર પર સ્વચ્છ, શાંત અજવાળું પથરાઈ ગયું હતું. એકેએક ગામડું, તેની એકેએક ઝૂંપડી, દરેક રસ્તો અને દરેક કેડી, અરે, ચોક આગળ આવેલી નદી પરનો પુલ સુધ્ધાં એકદમ સાફસૂથરાં, સ્પષ્ટ દેખાતાં હતાં. વૃક્ષો પર કોઈએ લીલા રંગની જાદુઈ પીંછી ફેરવી દીધી હોય તેમ લાગતું હતું. આછા, પણ સ્પષ્ટ પ્રકાશમાં દરેકે દરેક ઝરણું જાણે પાણીનું નહિ પણ પ્રવાહી રજતનું હોય એમ લાગતું હતું. પનવેલ અને નાગોઠાણા નદીઓ તો અરીસાની જેમ ચમકતી હતી, અને દરિયા પર જે વધતા-ઓછા પ્રકાશના શેરડા પડતા હતા તેને કારણે જાણે કુદરત કોઈ મહાકાય પિયાનો વગાડી રહી હોય એવું લાગતું હતું.

લગભગ પાંચેક વાગ્યે વાવાઝોડાની સવારી વાજતેગાજતે આવી પહોંચી. કડાકાભડાકા, વીજળીના ચમકારા. લગભગ એક કલાક સુધી આ ચાલુ રહ્યું. ક્યારેક તો લાગતું હતું કે આ તોફાન ડુંગરોને ઉખેડીને અધ્ધર હવામાં ફંગોળી તો નહિ દે ને! મુંબઈના દરિયા પર પશ્ચિમ આકાશમાં આછું, સોનેરી અજવાળું પથરાઈ ગયું. પછી ધીમે ધીમે ચંદ્રોદય થયો. અને ધરતીથી આકાશ સુધીનો એક રૂપેરી પુલ બંધાઈ ગયો. પણ પછી બીજે દિવસે સાવ શાંતિ, જાણે કશું બન્યું જ નહોતું! પણ ત્રીજે દિવસે ફરી વાદળાં ઊભરાવા લાગ્યાં. બપોરે બે વાગતા સુધીમાં તો આખું આકાશ કાળુંધબ્બ! બિહામણું! અને ચાર વાગ્યે મોસમનો પહેલો વરસાદ.

સર જ્યોર્જ બર્ડવૂડ, ‘લંડન ટાઈમ્સ’, જાન્યુઆરી ૧૮૮૦માંથી

સર થોમસ અર્સકીન પેરીનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૨. વ્યવસાયે વકીલ. મુંબઈ ઈલાકાની ‘સુપ્રીમ કોર્ટ’ના ન્યાયાધીશ. પછીથી એ જ કોર્ટના ચીફ જસ્ટિસ (૧૮૪૭-૧૮૫૨). ઇન્ડિયન બોર્ડ ઓફ એજ્યુકેશનના દસ વરસ સુધી પ્રમુખ. ૧૮૫૪થી ૧૮૫૯ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય. ૧૮૫૯થી ૧૮૮૨ સુધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય. પ્રિવી કાઉન્સિલના સભ્ય નિમાયા, પણ માંદગીને લીધે શપથ ન લઈ શક્યા.

*

ચોમાસાનું આગમન એ હવામાન શાસ્ત્રની દૃષ્ટિએ પશ્ચિમ હિન્દુસ્તાનમાં એક મોટી ઘટના બની રહે છે. મે મહિનાને અંતે મુંબઈમાં સૂરજ બરાબર માથે તપતો હોય છે. અત્યાર સુધી વહેતો રહ્યો હતો એ દરિયાઈ પવન થંભી જાય છે. વાતાવરણમાં ગૂંગળામણ. છેલ્લા આઠ મહિનાથી વરસાદની એકાદ ઝડી પણ વરસી નથી, એટલે ધરતી છે સાવ ઉજ્જડ, વેરાન, ભેંકાર. દરિયા કિનારા પરની નાળિયેરીનાં પાંદડાં પણ જાણે બેભાન હોય તેમ ઝૂકી ગયાં છે. રોજ સાંજ પડ્યે દક્ષિણ દિશામાંથી આવીને વાદળાંના ઢગલેઢગલા આકાશને ભરી દે છે. સૂર્યાસ્ત વખતે એ બધાં જાતજાતના રંગોમાં જાણે કે ધોવાઈ જાય છે. થોડા દિવસ પછી આવી પહોંચે છે કાળાં ડિબ્બાણ વાદળાંનાં ઝુંડનાં ઝુંડ. આકાશની દિવાલ પર વીજળીના ઝબકારા કોઈ અજાણી લિપિમાં કોઈક સંદેશ લખી રહ્યા છે. દિવાલો પર જાહેર ખબર ચિતરનારા છોકરાઓની જેમ વાદળાં ડુંગરોના એક શિખર પરથી બીજા શિખર પર દોડાદોડી કરી રહ્યાં છે. પણ રાત સુધીમાં તો બધું શાંત. આકાશમાં ચંદ્ર બરાબર માથા પર આવી ગયો છે. છતાં, આપણા દેશમાં ક્યારે ય જોવા ન મળે એટલા તારા આકાશમાં જોઈ શકાય છે.

અહીં વરસાદની શરૂઆત અનેક રીતે થાય છે. કોઈક વાર વીજળી અને કડાકાભડાકા સાથે રાજાશાહી ઠાઠથી એ પધારે છે. ક્યારેક નવોઢાની જેમ દબાતે પગલે આવે છે. તો ક્યારેક તોફાની બાળકની જેમ સંતાકૂકડી રમતો આવે છે. પણ ભલે એ ગમે તે રીતે આવે, થોડા જ વખતમાં ધરતી પરથી ભૂખરો રંગ ગાયબ થઈ જાય છે અને અહીં, તહીં, સર્વત્ર લીલા રંગનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે.

સર અર્સ્કીન પેરી, બર્ડઝ આઈ વ્યૂ ઓફ ઇન્ડિયા, (૧૮૫૫)માંથી 

બે લેખકો: બર્ડવૂડ અને અર્સકીન

સ્કોટલેન્ડ, ઇંગ્લંડ, હિન્દુસ્તાન, આયર્લેન્ડ, અને ફ્રાન્સમાં વસવાટ કરનાર એલિઝાબેથ ગ્રાન્ટનો જન્મ ૧૭૯૭માં, અવસાન ૧૮૮૫. પિતા પાર્લમેન્ટના સભ્ય. ૧૮૨૭માં એલિઝાબેથ અને તેમનું કુટુંબ મુંબઈ રહેવા આવ્યું. જીવનનાં ઘણાં બધાં વરસ તેમણે એકધારી રીતે ડાયરી અને નોંધ લખ્યાં. તેમના નામ વગર તેમાંનાં કેટલાંક લખાણો સામયિકોમાં પ્રગટ થયાં હતાં ‘મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી’ લખાયું હતું તો માત્ર કુટુંબના સભ્યોના વાચન માટે. તેમની દીકરીની પરવાનગી મેળવીને તેનું પહેલું પ્રકાશન ૧૮૯૮માં થયું હતું. જો કે તેનું સંપાદન કરનાર જેન મારિયા સ્ટ્રેચીએ તેમાં ઘણી કાપકૂપ કરી હતી. એક જ વરસમાં તેનાં ચાર પુનર્મુદ્રણ થયાં. કશી કાપકૂપ વગર સંપૂર્ણ પુસ્તક ૧૯૮૮માં પહેલી વાર પ્રગટ થયું.

*

એલિઝાબેથ ગ્રાન્ટ

મને બરાબર યાદ છે. તે દિવસે બપોરે મારી મા અને હું જમવા બેઠાં હતાં. એકાએક અમે ગુંગળામણ અનુભવવા લાગ્યાં. ભર બપોરે એકાએક અંધારું ઊતરી આવ્યું. દૂરથી ગડગડાટી સંભળાતી હતી. કશુંક અસાધારણ બનવાનું છે એમ લાગ્યું. નોકરો બારી તરફ દોડ્યા અને મકાનની એક બાજુની બધી બારી બંધ કરી દીધી. હા, આ એ બાજુ હતી જે બાજુથી વાવાઝોડું ત્રાટકવાનો સંભવ હતો. અને બે પાંચ ક્ષણોમાં જ પવન એવો તો સૂસવાટાભેર વાવા લાગ્યો કે અમે બીજું કશું જ સાંભળી શકતાં નહોતાં. નોકરો કૈંક બોલી રહ્યા હતા એ અમને દેખાતું હતું, પણ કશું સંભળાતું નહોતું. અને ત્યાં તો ધૂળની ડમરી ઘોડાપૂરની ઝડપે આવી. ફર્શ, બેઠકો, ટેબલ, બધું ધૂળથી ઢંકાઈ ગયું. પછી થોડી વાર નિઃસ્તબ્ધતા. જાણે કશું બન્યું જ નહોતું. પછી આકાશમાં ગડગડાટી. નજીક ને નજીક આવતી રહી એ, અને છેવટે જાણે અમારા ઘર પર જ ત્રાટકી. અને પછી શરૂ થયો મૂશળધાર વરસાદ. મારી મા અને હું તો એવાં ડઘાઈ ગયેલાં કે કાપો તો લોહી ન નીકળે! તે દિવસે મને જેટલી બીક લાગી હતી એટલી ન તો પહેલાં ક્યારે ય લાગેલી, ન તો પછી ક્યારે ય લાગી છે. તે દિવસે જે ધોધમાર વરસાદ શરૂ થયો તે બીજા દિવસે બ્રેકફાસ્ટના ટાઈમ સુધી સતત ચાલુ રહ્યો. આવા વરસાદનો અમારો આ પહેલો અનુભવ.

એલિઝાબેથ ગ્રાન્ટ, મેમ્વાર્સ ઓફ અ હાઈલેન્ડ લેડી, (૧૮૯૮)માંથી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિ-ડે”, 19 જૂન 2021

Loading

19 June 2021 admin
← રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved