1.
મળ્યું તે ઢળ્યું ને થયો જામ ખાલી,
કરી બેઠો છું ઘટને બદનામ ખાલી.
કથા વાંચવાની શરત આકરી છે,
શરૂઆત ઠાલી ને પરિણામ ખાલી.
સદી પારનાં કારણો શોધવામાં,
વળે છે ક્ષણોને ઘણો ઘામ ખાલી.
ગયું કોણ એવું અહીંથી કહો કે,
મને લાગતું ઘર,ગલી,ગામ ખાલી?
સમયનાં વમળમાં ઝબોળી ગઝલને,
થવાનું બધાંએ સરેઆમ ખાલી.
2.
ન બોલાતી ક્ષણોનો શબ્દમાં પોકાર લાગે છે,
હવે હું મૌન છું ને મૌનનો પણ ભાર લાગે છે.
નગર આ શબ્દનું ખીલવી શકે ના નામનાં ફૂલો,
મને પણ મૌન આ અંધારનો ચિત્કાર લાગે છે.
બધે પોંખાય છો સૂરજ બિલોરી કાચના ઘરમાં,
મને તો આજ સૂના આભનો ભેંકાર લાગે છે.
કદી જો શિલ્પ જેવું કોતરું અજવાસની આંખે,
હજી પણ ટેરવાંની રૂક્ષતાનો ભાર લાગે છે.
હવે ક્યાં સૂરનો સંગાથ માંગે છે હ્રદય વીણા,
હકીકતમાં અહીં એકાદ ઢીલો તાર લાગે છે.
3.
ક્ષણો કેટલું છળી ગઈ,
નદી તો મત્સ્ય થઈ ગઈ.
ક્ષણોના કાચધરમાં,
ઉઝરડો તું કરી ગઈ.
હતો ઉત્સવ પવનનો,
અને આંઘી ફરી ગઈ.
હતી જે ગુપ્ત પીડા,
હવે હોઠે ચઢી ગઈ.
ગલીને શાંત જોઈ,
મુસાફર આંખ થઈ ગઈ.
ઉદાસી જેમ તું પણ,
ગઝલમાં વિસ્તરી ગઈ.
4.
ભૂલવા જોગ કૈં હતું જ નહીં,
યાદ રાખ્યે ય કૈં વળ્યું જ નહીં.
કંઈ થવાની વકી હતી પૂરી,
ને થવાકાળ કંઈ થયું જ નહીં.
ઓ બરફના શહેરના મિત્રો,
તાપણું ક્યાંય ભડભડ્યું જ નહીં.
લોક સત્કારવા ગયું’તું પણ,
એ કશે પણ પ્રગટ થયું જ નહીં.
વ્હેમ રાખી પતંગનો નિર્મન ,
કોઈ દીવા સુધી ગયું જ નહીં.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
7.10.25.