લોકડાઉન-3માં એક વીડિયો આવ્યો તેમાં પાંચ માઈલ લાંબી લાઇન મનોરથી ગુજરાત આવવા નીકળેલી અસંખ્ય કારની હતી. એનું પ્રોપર ચેકિંગ થઈ રહ્યું હોવાની વાત પણ ગૌરવભેર કહેવાતી હતી. મને થયું આ કાર કઈ અનિવાર્યતાને કારણે રોડ પર હતી? આ શ્રમિકો હતા? અહીં તેમને રહેવા ખાવાની તકલીફ હતી? ખરેખર તો આ બધાંને અટકાવવાની જરૂર હતી તેને બદલે આગળ જવા દેવાતા હતા.
કાલે એક ચેનલ, પેટ્રોલપંપ પર લોકો લાઈનમાં પેટ્રોલ ભરાવી રહ્યા હતા તે દૃશ્ય બતાવતી હતી. આ લોકો સરકારી અધિકારીઓ ન હતા કે તેમને વાહનની અનિવાર્યતા હોય. આ સાધારણ વાહન ચાલકો હતા. એ લોકો જ પછી વાહનો લઈને રખડે છે, ભીડ કરે છે. પેટ્રોલ ન મળે તો આવાં લોકો ઘરમાં રહે એવું નહીં? આવે વખતે પોલીસ પણ લાચાર થઈને જોઈ રહેવા સિવાય કૈં કરી શકતી નથી.
ખબર નથી પડતી કે એક જાહેરાત કશુંક બંધ કરવાની થાય છે કે લોકો દુકાનો પર, લારીઓ પર ટોળે વળી જાય છે. સરકાર જેમ જેમ કડક થવા મથે છે કે લોકો વધારેને વધારે અધીરાં થઈ જાય છે. આ ત્રાસ ગુજરાતમાં વધતો આવે છે. તકલીફ કોરોનાની છે પણ લોકો દુકાળ પડ્યો હોય તેમ રઘવાયાં થઈને દોડે છે. એની સામે ગંભીર વાત એ છે કે કોરોના પોઝિટિવની સંખ્યા બેફામ રીતે વધતી આવે છે. મરણનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
આ સ્થિતિમાં સંયમ નહીં જળવાય તો કોની સ્થિતિ ખરાબ થશે તે કહેવાની જરૂર છે? એવું થવા દેવાનું છે?
જે પગલાં લેવાય છે તેમાં સૂઝ્યું તેવું જ લાગુ કરી દેવાની ઉતાવળ જોર પર છે. એમાં કેવી પ્રતિક્રિયા આવશે એની ચિંતા થતી હોય એવું લાગતું નથી.
એનું પરિણામ એ દેખાય છે કે બધું બંધ હોવું જોઈએ તેને બદલે બધું જ ચાલુ હોવાનો વહેમ પડે છે. ટ્રેનો દોડે જ છે. બસો ચાલે જ છે. ટ્રાફિક જામ સર્જાય જ છે. સ્કુટરો, કાર, સડકો પરથી સરકે જ છે. લોકો લારીઓ પર ભીડ કરે જ છે. દુકાનો પર ખરીદી ચાલુ જ છે …
ખબર નથી પડતી કે લોકડાઉન એટલે બધું ચાલુ કે બધું બંધ? વિચારીએ ને ગંભીર થઈએ.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


પ્રતિવર્ષ પહેલી મે એટલે નાનકડો ઉત્સવ! ડફલી સાથે ક્રાંતિકારી ગીતો ગવાતાં, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્થિતિનું મજૂરસંદર્ભે મૂલ્યાંકન થાય. પણ આ વખતે લૉક ડાઉનના કારણે મે દિવસની ઉજવણી કયાં ય જોવા ન મળી! એના સામા છેડે લૉક ડાઉનના કારણે એકાએક ત્રાહિમામ્ થઈ ગયેલાં કામદારોનાં વરવાં ચિત્રો જોવાં મળ્યા. આમ કેમ બન્યું ?