રોજ ફતવા, ક્યાસ આપો.
મોતને અવકાશ આપો.
દર્દ ભારે, કેમ સ્હેવું?
શ્વાસ આપો, શ્વાસ આપો.
ખોટ ઢંઢેરા, રસી કયાં?
લાઇનોમાં પાસ આપો.
બાળવાનાં લાકડાં છે!
વોરિયર છું, લાશ આપો.
વેન્ટિલેટર ચાલુ કયાં છે?
આગ, પંચ તપાસ આપો.
રોગનાં તો કૈંક નામો,
રામદેવી ઘાસ આપો.
બાદબાકી બસ વિપક્ષની,
ચૂંટણીય પ્રવાસ આપો.
કોહવાતા વ્હેણ મડદાં,
ત્રાસદી આભાસ આપો.
જૂઠ મીડિયા, માલ આપો.
ચાપલૂસી ચાન્સ આપો.
રોજ માણસ દારુ માંગે,
આટલો શું ત્રાસ આપો?
જાય તો કયાં? ડરનો માર્યો.
બેડ મોંઘી, લાશ આપો.
કામધંધા બંધ રાખ્યા,
ફંડ આપો, આશ આપો.
આ દિવસ પણ છે જવાનાં,
માણસાઈ ભાસ આપો.
ગ્યા કરોડો, તો ય જલસા,
થાક લાગ્યો, હાશ આપો.
ગ્યા પુરાણોમાં ય હિટલર,
છૂટકારો ખાસ આપો.
12/5/2020
e.mail : naranmakwana20@gmail.com
![]()


રવીન્દ્રનાથ ટાગોરની ૧૬૦મી જન્મજયંતી ૭મી મેએ ઉજવાઈ ત્યારે કેટલી ય નવી વાતો, નવી રચનાઓ, નવાં ગીતો વિશે જાણવા મળ્યું. અમે ભાઈ-બહેન નાનાં હતાં ત્યારે મમ્મી એક ગીત ગાઈને અમને ઘણીવાર ઊંઘાડતી. એ ગીત હતું ; પેલા …, પેલા પંખીને જોઇ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું. એના પછીની પંક્તિમાં અમને બહુ મજા આવતી. એ પંક્તિ એવી છે કે, ઘડિયાળમાં દસ વાગે ટન ટન ટન ટન ટન ટન ટન ટન ટન. આ ટન ટન બોલવામાં જે આનંદ આવતો! સપનાં ય પછી પંખીનાં આવતાં અને ઊંચી ઉડાનની કલ્પનાઓ પણ આવાં ગીતો આપતાં. આ ગીતના મૂળ કવિ રવીન્દ્રનાથ ટાગોર અને આ સુંદર અનુવાદ કરનાર પિનાકીન ત્રિવેદી. એ વખતે તો ક્યાંથી ખબર હોય ક્યાં ગીતના કવિ કોણ! એ વખતે તો માના કંઠે સાંભળીએ એટલે એ જ કવિ ને એ જ સંગીતકાર. પરંતુ, લેખક-વિવેચક દીપક મહેતાએ રવીન્દ્ર જયંતીએ કેટલાંક ગીતોનો અનોખો ખજાનો ધરી દીધો.
પિનાકીન ત્રિવેદી શાંતિ નિકેતનથી શિષ્ટ તેમ જ લૌકિક સંગીતની શાસ્ત્રીય તાલીમ લઈ આવેલા હતા. એમનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ. કળાનો આત્મા પૂરેપૂરો સમજેલા. મહાદેવભાઈના અનુવાદો વિશે બેમત ન જ હોઈ શકે છતાં ઝવેરચંદ મેઘાણી પિનાકીન ત્રિવેદી વિશે એમના ત્રણ રેકોર્ડ વિશેના એક રિવ્યૂમાં સાવ જુદો અભિપ્રાય આપે છે. મેઘાણી લખે છે, "પેલા પંખીને જોઇ મને થાય શબ્દો એમના કંઠમાંથી બહાર પડે ત્યારે સાદા શબ્દો દ્વારા કેટલું ઉન્નત વાતાવરણ સર્જી શકાય તેની ખાતરી થાય છે. ચાર વર્ષના બાળકથી માંડીને સાઠ વર્ષના વૃદ્ધ બંનેને આ સરખી રીતે આકર્ષી શકે છે. એક રેકોર્ડમાં એક બાજુ રવીન્દ્રનાથના એકલો જાને રે …ને બીજી બાજુ ચિંતા કર્યે ચાલશે નહિ ગીતો છે જે મહાદેવભાઈએ કરેલા સમભાષી તરજુમા છે.
ગાંધીજી પણ રવીન્દ્ર સંગીતથી પ્રભાવિત હતા. અમર ભટ્ટે જીબન જોખોન શુકાયે જાય…ના કરેલા સમગેય અંનુવાદ; જીવન જ્યારે સુકાય ત્યારે, કરુણાધારે આવો … સંદર્ભે લખ્યું છે કે, "ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જેલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલન થયું. તે જ દિવસે અંગ્રેજ વડા પ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જ્યારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઠેરઠેર જોવા મળે છે કે ઓક્સિજનના મશીન, ઇન્જેક્શન વગેરેનું પ્રમાણ ઓછું .. દરદીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ. ભયનો માહોલ .. એ સામે એવું લાગે છે કે માણસ પોતે પણ આ બીમારી માટે જવાબદાર નથી શું? પ્રદૂષણ, વૃક્ષોનો વાળી દેવાતો સોથ, અસ્વચ્છતા વગેરે … જો એ હટે તો રોગ ઘટે / મટે, પર્યાવરણનું જતન માણસજાતના અસ્તિત્વનો એક આધાર છે. એવો સંવાદી સંદેશ મારી આ લઘુકથામાં વણી લેવાનો પ્રયત્ન છે. આશા છે એ આપને ગમશે.