= = = = ધિસ નૉવેલ ઇઝ ટુ રીડ બીફોર વી ડાઇ = = = =
= = = = આ જ જિપ્સીએ બ્વેન્દ્યાઓનો વીગતસભર ઇતિહાસ લખ્યો છે, સમયથી ૧૦૦ વર્ષ આગળનો ! અને તે ય આપણી મા-ની મા, સંસ્કૃતમાં ! = = = =
આ કોરોના જશે કે કેમ? એની પાછળ આવેલો ડેલ્ટા જશે કે કેમ? મરણના આંકડાને લોક ગણકારતું નથી, માસ્ક પ્હૅરતું નથી, ડિસ્ટન્સ જાળવતું નથી, એ ત્રણ વાતો હવે જૂની થઈ ગઈ છે. શી છે નવી વાત? વૅક્સીન જ્યાં ઝટ મળવી જોઈએ ત્યાં મળતી જ નથી અને જ્યાં જોઇએ એટલી મળે છે ત્યાં ઘણા બધાને લેવી જ નથી, એ છે નવી વાત. છોડો …
પણ આજે મારે તને, માય ડીયર રીડર તને, એક એવી નવલકથા સૂચવવી છે જેને વિશે હું દોઢ કલાકથી વધુ સમયનાં વ્યાખ્યાનો આપતાં થાક્યો નથી. એ નવલ એવી છે કશીક જે તારા માંહ્યલાને સંતર્પશે. એ માટે મારે તને કહેવું છે કે —ધિસ નૉવેલ ઇઝ ટુ રીડ બીફોર વી ડાઇ …
કઈ? ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ’. લેખક, ગૅબ્રિયલ ગાર્સિયા માર્કવેઝ …

Picture Courtesy : G Adventures
પોતાનું સમગ્ર લેખન માર્કવેઝે પહેલેથી સ્પૅનિશમાં જ કર્યું. મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર. આ નવલકથાથી જગવિખ્યાત થયા. એને અનુલક્ષીને 1982–માં એમને નોબેલ પ્રાઇઝ અપાયું.
કોઇ પણ ભાષામાં તેમ સ્પૅનિશમાં ય ‘બાઇબલ’ સૌથી વધુ વેચાયું હોય, પણ એ પછીના ક્રમે કોઇનાં પુસ્તકો વેચાયાં હોય તો તે માર્ક્વેઝનાં. વિશ્વની ૨૫-થી પણ વધુ ભાષાઓમાં આ અને એમની બીજી નવલકથાઓના અનુવાદ થયા છે — ૫૦ મિલિયનથી પણ વધુ નકલો વેચાઇ છે !
ગૅબ્રિયલનું લોકોમાં હુલામણું નામ છે, ‘ગાબો’. પ્રારમ્ભે પત્રકાર હતા. કહેતા કે હું પત્રકાર છું અને મારે હમેશાં પત્રકાર રહેવું છે. કેમ? કેમ કે પત્રકારત્વથી વાસ્વિકતાનો ભેટો થતો — જે એમના સાહિત્યસર્જનની ભૉંય બની રહેતો. પણ પછી? કહું કે માર્ક્વેઝમાં વાસ્તવ અવાસ્તવની એવી કોટિ પકડે છે, જેમાં હકીકત કલ્પના લાગે છે, કલ્પના હકીકત — ફૅક્ટ અને ફિક્શનની લીલા. લીલા જાદુ જ લાગે ! એટલે તો માર્ક્વેઝને ‘મૅજિક રીયાલિઝમ’ના સર્જક કહીએ છીએ.
અહીં સમાય એટલી એની થોડીક, થોડીક જ વાત કરું.
નીતર્યાં નીરની નદીને કિનારે માકોન્ડો ગામ. એમાં બ્વેન્દ્યા પરિવાર વસે. પરિવારના મોભી હોસે આર્કાદિયોએ વસાવેલું. નીર એવાં તો પારદર્શી, નીચે સૂતેલી ચમકીલા પથ્થરોની પથારી દેખાય. પથ્થરો સફેદ — માર્ક્વેઝની સર્જકતા છલાંગ લગાવે, કહે છે, પથ્થરો પ્રાગૈતિહાસિક ઇંડાં જેવડા મોટા !
ગામમાં માત્ર વીસ ઘરાં. કેટલીયે વસ્તુઓ એવી જેનાં ગામવાસીઓએ નામ જ નથી પાડ્યાં — આંગળી ચીંધીને ઓળખાવે. માર્ચમાં જિપ્સીઓ આવે, તંબૂ તાણીને પડાવ કરે. દુનિયાભરની અવનવી વસ્તુઓ ને શોધખોળો લાવ્યા હોય. ગામલોક કૃત્રિમ બરફ, ટેલિસ્કોપ કે લોહચુમ્બક સુદ્ધાંને જાણે નહીં. મેલ્ક્વીયાદેસ નામના જિપ્સીએ ઘેર ઘેર જઇને લોહચુમ્બકનો પ્રતાપ દેખાડ્યો : પૉટ ને પૅન ને લોખંડની અનેક વસ્તુઓ કૂદી કૂદીને નીચે પડવા લાગી. ચૂંકો અને સ્ક્રુના હચમચાટથી બીમ કડકડવા લાગ્યાં. વરસોથી ખોવાયેલી ચીજો બહાર આવી પહૉંચી.
નવલના અન્ત ભાગમાં આપણને જાણ થાય છે કે આ જ જિપ્સીએ બ્વેન્દ્યાઓનો વીગતસભર ઇતિહાસ લખ્યો છે, સમયથી ૧૦૦ વર્ષ આગળનો ! અને તે ય આપણી મા-ની મા, સંસ્કૃતમાં ! એમાં ખાસ તો પરિવાર અને ગામ બન્નેના પૂર્વનિર્ધારિત ઉત્થાન અને પતનની આગાહી હતી — જે છેવટે સાચી પડી.
માકોન્ડોમાં પછી તો ફોનોગ્રાફ, ટેલિફોન એમ બહારની દુનિયાની અનેક ચીજો ખડકાય છે. ગામવાસીઓની વાસ્તવિકતા તો પુરાણગાથાઓ, જાદુ, ઉડણખટોલા ને પીળાં પુષ્પોની વર્ષા જેવી કુદરતી ઘટનાઓથી ઘડાયેલી. તે આ બધી નવતાઓ એમને જચે કે પચે શી રીતે ? જો કે ક્રમે ક્રમે એઓ જાદુ અને વિજ્ઞાનને જોડે જોડે જીવતા થઇ જાય છે. પછી તો માકોન્ડોમાં પરદેશીઓ વડે રેલવે અને બનાના-પ્લાન્ટેશન નંખાય છે. તેથી રાજકારણ, શોષણ અને દમન. તેથી સિવિલ વૉર. મજદૂરોની હડતાળ અને હિંસાચાર. તેથી માકોન્ડો વળી પાછું એકલુંઅટૂલું, કશા જાદુ વિનાનું, હતપ્રભ, નષ્ટભ્રષ્ટ, પછાત.
કથા બ્વેન્દ્યા પરિવારની છ પેઢીઓ લગી વિસ્તરેલી છે. દરેક પેઢી એ-ની-એ ભૂલો કરે છે જે એમનાં વડવાંઓએ કરેલી. એ જ વિજયોત્સવો મનાવે છે જે એમનાં પૂર્વજોએ મનાવેલા. માર્ક્વેઝ સૂચવે છે કે મનુષ્યસ્વભાવમાં કશું જ બદલાતું નથી, બધું ચક્રાકારે પુનરાવર્તન પામ્યા કરે છે. બ્વેન્દ્યા પરિવાર પુનરાવર્તનચક્રમાં ફસાયેલું છે.
એટલે જ જાણે માર્ક્વેઝે પરિવારનાં સભ્યોનાં નામો પણ એ-નાં-એ રાખ્યાં છે — ભલે પેઢી બદલાઇ ગઇ હોય ! પુરુષો હોસે આર્કાદિયો કે ઑરેલિયાનો કહેવાય. સ્ત્રીઓ ઉર્સુલા, અમરન્તા કે રેમેડિયોઝ. પરિવારમાં પેઢી દર પેઢી જન્મ, મૃત્યુ, પ્રેમપ્રકરણો ને લફરાં-નો સિલસિલો ચાલે છે અને એમ જાણે ૧૦૦ વર્ષ વીતી જાય છે.
પરિવારના કેટલાક પુરુષો જંગલી. સૅક્સની બાબતે વેશ્યાઓ પાસે જાય કે બળાત્કાર કરવા લગી પહોંચી જાય એવા શૂરા. પણ કેટલાક સુ-શાન્ત અને પોતાનાં કામોમાં રૂમોમાં પુરાયેલા રહેનારા એકાન્તવાસી ! એવાઓને સોનાની નાની નાની માછલીઓ બનાવવી હોય. જૂની હસ્તપ્રતોમાં મગજ રોકીને સંશોધનો કરવાં હોય.
મેમિ જેવી પરિવાર-સ્ત્રીઓ ઉપદ્રવી પણ ગમી જાય એવી. એક વાર એ બૉર્ડિન્ગ સ્કૂલનાં એનાં ૭૨ મિત્રોને ઘરે લઇ આવેલી ! ફર્નાન્ડા અતિવિનયી પણ નિજી. પોતાનાં લગ્ન વખતે એણે એવું નાઇટગાઉન પહેરેલું જેના કચ્છભાગમાં જ કાણું હતું ! જો કે, હોસે આર્કાદિયો બ્વેન્દ્યાની પત્ની ઉર્સુલા મતભેદો ભૂલીને પરિવારભાવનાનું ગૌરવ કરનારી એક અનોખી સ્ત્રી છે — પરિવારનો આત્મા છે.
કથા સૂચવે છે, જીવનના પુરાણા અને નવ્ય તરીકાઓ વચ્ચેનો, પરમ્પરા અને આધુનિકતા વચ્ચેનો, જીવલેણ સંઘર્ષ. અન્તે ઑરેલિયાનો, મેલ્ક્વીયાદેસની વાણીમાં પોતાની નિયતિ વાંચે છે એ ઘટના રસપ્રદ છે એટલી જ સૂચક છે.
કથાકથનમાં માર્ક્વેઝની અપાર સર્જકતા છે — ફિલસૂફી, કવિતા અને નાટક પણ છે : રૂમ પછી રૂમ પછી રૂમ ખૂલતા જાય. દર્પણમાં દર્પણ, તેમાં ય દર્પણ — મૃગજળમાં મૃગજળ. બાળક ડુક્કરની પૂછડીવાળું જન્મ્યું હોય. પરિવારમાં વારતહેવારે અવૈધ સન્તાનો હક્ક કરતાં આવી ચડે. મજદૂરોનાં શબ ખડકાયાં હોય તે પર પાંચ વર્ષ અવિરત વરસાદ થયો હોય.
વગેરે, માર્ક્વેઝ માર્ક્વેઝ !
ડીયર રીડર, ધિસ નૉવેલ ઇઝ ટુ રીડ બીફોર વી ડાઇ …
= = =
(August 1, 2021: USA)
![]()





આ નાટકના અગત્યનાં પાત્રો છે : કાકા જેઓ પોતાને આંબેડકરજીના ચુસ્ત, સમર્પિત અને પ્રતિબદ્ધ કાર્યકર માને છે, હેમા એમની પુત્રવધૂ – ભત્રીજાવહુ છે જે શિક્ષિત અને જ્ઞાતિથી બ્રાહ્મણ છે, સતીશ હેમાના જીવનસાથી છે જે સંતુલિત વિચારનાર, આદર્શવાદી પ્રોફેસર છે, ગુરુજી સવર્ણ શિક્ષક છે જે દંભી સત્યાગ્રહી કાર્યકર્તા છે, અર્જુન ઊગતો દલિત પ્રતિભાવંત કાર્યકર – નેતા છે, સોનલ ગુરુજીની દીકરી છે, શેવંતા દલિત, ગરીબ, વિધવા સ્ત્રી છે, બેત્રણ વિદ્યાર્થીઓ અને એક પોલીસ અધિકારીનું અછડતું સક્રિય પાત્ર છે, પરંતુ ઓછાં સાધનો-સન્નિવેશ સાથે આ નાટ્યમંચનને ખાસ્સો અવકાશ છે. નાટકનું કથાવસ્તુ દલિત સમસ્યાઓ અને સાંપ્રતયુગ, બ્રાહ્મણવાદી માનસ અને દલિતમાનસ, સ્ત્રી-પુરુષ સમાનતાની આછી પરંતુ વાસ્તવિક ઝલક, જો દલિતોને પોતાના દરજ્જા વિશે આક્રોશ છે તો સામે દલિત પરિવારમાં બ્રાહ્મણ પુત્રવધૂએ વારંવાર અનુભવતી પડતી દ્વિધા અને ઓળખની કટોકટીનો મુદ્દો મુખર થઈને અહીં પ્રગટ્યો છે. દલિત – સવર્ણની અરસપરસને સમજવાની માનસિકતા પણ અહીં અત્યંત વાસ્તવિક રૂપે ઊભરી આવી છે, અન્યોન્ય પર અવિશ્વાસ, શંકા, વર્ષો જૂનું ઊંડું ઉતરેલું ઝેર જેવું વલણ અને વિરોધ પ્રદર્શન માટે મોરચા કે રેલી કાઢવી અને સામાજિક-રાજકીય કાવાદાવામાં ચરમસીમા જેવું નિરૂપણ અહીં જે રીતે થયું છે તેથી આને સાહિત્યિકને બદલે પ્રચારાત્મક કૃતિ તરીકે ખપાવી કાઢવામાંયે આવે, પણ વાસ્તવવાદી કૃતિસર્જક એ જોખમ વહોરીને પણ કૃતિસર્જન સંપન્ન કરે જ છે. તેથી જ તો દલિત, નારીવાદી, આદિવાસી અને હવે ઈતર / અન્ય એવા ચોકા પડ્યા છે અને તે સ્વીકૃત પણ બની રહ્યા છે. આ કૃતિને માણી એમ ન કહું કારણ કે એ મનોરંજક નથી અને હોવી પણ ન જોઈએ. એ તો સોંસરી, વીંધતી અને અસ્વસ્થ કરે તેવી હોય તો જ સફળ કૃતિ બને એટલે હું એનાથી ચોક્કસ જ એ રીતે પ્રભાવિત થઈ છું. મને ઉશનસ્ સરની નવનિર્માણ આંદોલનના પરિવેશ અને માહોલમાં લખાયેલી નાટ્યકૃતિ ‘પંતુજી’ યાદ સતત આવતી રહી. અમે વલસાડમાં એનું પણ પઠન જ ગોઠવેલું. બધું જ એકમેકને મળતું ફક્ત મુદ્દા જુદા. જો કે હવે વાસ્તવિકતા વધારે વિકરાળ બની ચૂકી છે, પ્રવીણભાઈનું શીર્ષક સાચું કહેવાય તેવી સ્થિતિ છે છતાં દલિત સાહિત્ય અકાદમી વિવેકસભર, તટસ્થ, સંતુલિત અને ખુલ્લું વલણ ધરાવે છે તે તો સાબિત થાય છે કારણ કે એમણે અમારું સાહિત્ય એટલે અમારો ચોકો કરીને કાલિન્દીના અનુવાદને નજરઅંદાજ કર્યો નથી અને પ્રકાશન કર્યું છે તે જ રીતે સમગ્ર કૃતિ સંતુલિત પણ બની રહી છે. એ મુખર બની જવાની વેળા આવે અને સતીશ જેવું પાત્ર એને સમતોલ કરી દે.