કવિ ચંદ્રેશ ઠાકોર ગુજરાતના કાવ્યવિશ્વમાં કદાચ ઓછા જાણીતા હશે, પણ એમણે ડિટ્રોઈટ મુકામે કુંદનબહેન ભરતભાઈ જેવાં મિત્રો સાથે મળીને “ડિટ્રોઈટ સાહિત્યવર્તુળ” ચલાવ્યું છે. પ્રત્યેક વિદેશપ્રવાસી ગુજરાતી કવિ જો ડિટ્રોઈટ ગયા હોય તો એમણે ચંદ્રેશભાઈની મહેમાનગતિનો લહાવો માણ્યો જ હશે. 80 વર્ષની વય સુધી ઉત્સાહ અને સ્ફૂિર્તથી ધગધગતું રહેલું આ જીવંત વ્યક્તિત્વ કાળની ગતિને આધીન થયું છે, ત્યારે એમને હું મારી આદરાંજલિ અર્પું છું.
મૂળ ભરુચના, ગોધરા અને જૂનાગઢમાં જીવનનો પૂર્વાર્ધ વિતાવી છેલ્લા ચાર પાંચ દાયકાથી ભારતીય અને અમેરિકન સંસ્કૃિતમાંથી “બેસ્ટ ઓફ બોથ”ને જાળવી તારવીને જીવતા ચંદ્રેશભાઈ મારે મન એક અમેરિકન ભારતીય કેવો હોવો જોઈએ એનો એક આદર્શ હતા. એમના પત્ની જ્યોતિબહેન ઠાકોર (સુરત જીવનભારતી કેળવણીમંડળના સ્થાપક શ્રી. સી.સી. શાહનાં દીકરી) એક મોટાં ગજાનાં કલાકાર. સુંદર મજાનાં ચિત્રો અને શિલ્પોનો ખજાનો એમની પાસે. આ પ્રસન્ન દાંપત્યને અમેરિકાના પ્રવાસોમાં કાયમ નિહાળ્યું. આ જોડી ખંડિત થવાનો વિષાદ હૈયે રહેવાનો.
ગુજરાતી સાહિત્ય રસિકોને આજે એમના સાત હાઈકુનો પરિચય કરાવીને ખ્યાલ આપવો છે કે કેવી કેવી કાવ્યપ્રતિભાઓને સમયસર પોંખવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ.
આ નાનકડાં કોડિયાં જેવાં સાત કાવ્યો મારા મનને એ વાતની પ્રતીતિ કરાવે છે કવિ ચન્દ્રેશ ઠાકોરની કલમ સૂરજના ખડિયામાં બોળીને લખે છે, નહિતર કોડિયાંમાં આવું અજવાળું! સાત અલગ અલગ વિષયો પર આ કાવ્યો છે, કવિએ કોઈ કારણસર એમને હાઈકુ કહેવાનું ટાળ્યું છે. વાંચતા લય પકડાય અને મનોહારી આંતરપ્રાસ પણ ક્યાંક ક્યાંક કાને પડે એ વધારાની શોભા. પણ મને આકર્ષે છે કવિનો કસબ જે નાના નાના ચિત્રો પકડી એમને સિફતથી, સાહજિકતાથી, સલૂકાઈથી એમનું સૌંદર્ય અળપાવા દીધા વગર, તમારી હથેળીમાં વિચાર-પતંગિયાઓ બનાવી મૂકે દે છે.
ઘાટ ઘડાયો
મારો, તારા હાથની
રૂ હથોડીએ
એક અસ્તિત્વ, વ્યક્તિત્વ બને એ માટે એણે ઘાટ ઘડાવાનો આઘાત, એની પીડા સહેવી પડે છે. અહીં કવિ ભાગ્યશાળી છે. જીવનમાં જે પૂરકપાત્ર મળ્યું છે, એ ઘાટ ઘડવાની ફરજ તો અદા કરે જ છે પણ એનું ઓજાર હથોડો નથી, હથોડી છે, અને એ ય રૂની હથોડી છે. પ્રસન્ન દાંપત્યનું સુંદર ચિત્ર!
મન આંખો તો
ખડકી નહીં, પણ
આયખું માપે
મનની આંખ એટલે વિચાર. વિચારની ગતિ સ્થળમાં ઓછી અને કાળમાં વધારે તેથી એ ખડકીને નહીં પણ આયખાને માપતી રહે છે. મનની આંખ વિચારના પિંજણા પર ભૂતકાળ અને ભવિષ્યને ચૂંથતી રહે છે.
અશબ્દ સાવ
શીખવે છે ખડક
મૌનતાકાત
‘ખડક અશબ્દ છે’ એમ કવિ કહે છે ત્યારે કવિને એ કહેવાની ય જરૂર નથી કે એ ખડક ઘૂઘવતા સાગરના ભારે અવાજ સાથે નિરંતર પછડાતાં વેગવંતા મોજાંની વચ્ચે જીવે છે. અને કવિને એ ય કહેવાની જરૂર નથી કે ખડક અડગ રહી મોજાની ગતિની તાકાતને વિફળ બનાવે છે. કવિ તો આપણે માટે બસ એટલું તારવી આપે છે કે મૌનની તાકાત કેવી હોય!
આંખ કદીય
પહેરી શકે નહીં
મૌનનાં વાઘાં
સંવાદનાં, પ્રત્યાયનનાં માધ્યમો ભાષા વાણી કે શબ્દ સિવાય પણ ઘણાં હોઈ શકે. હૃદયની ભાષાને બુદ્ધિ વિચારથી સમજે અથવા ભાષા કે શબ્દોથી અભિવ્યક્ત કરે એના કરતાં કંઈ વધુ ઝડપથી માણસનું શરીર એને વ્યક્ત કરી દે છે. એમાં ય ગમો-અણગમો આકર્ષણ-અપાકર્ષણ વ્યક્ત કરવામાં આંખ જીભ કરતાં વધુ બોલકી હોય છે. જીભ પર લગામ લગાવી શકાય પણ આંખ કદી મૌનના વાઘાં પહેરી શકે?
કાંકરો લીલો
મગદાણાંય લીલા
મા છેતરાય?
અનેક કવિઓએ કશા ય ઉધામા કે મોટા દાવાઓ વગર ઘરનાં નાનાંનાનાં કામોમાં જીવ રેડતી માનાં સુંદર ચિત્રો આલેખ્યાં છે, કાવ્યવિશ્વની એ શોભામાં ઉમેરો કરતું આ લાજવાબ લઘુકાવ્ય છે. મગ ઓરતાં પહેલાં પોતાના સ્નેહીજનોના હિતાર્થે અનિવાર્યપણે કાંકરા ચૂંટતી માના આ નાનકડાં કાર્યમાં રહેલ પડકારને અને એ પડકારને પહોંચી વળવાનાં માનાં કૌશલ્યને કાવ્યદેહે વણી લેવા માટે કાંકરા વીણનારી મા જેવી જ ચકોર કવિનજર અપેક્ષિત છે.
રસ્તો વળે છે
હું જો નહીં વળું તો
ક્યાં જઈશ?
તૈયાર રસ્તાઓ, પરાપૂર્વથી બનેલા રસ્તાઓ પર જ ચાલવાની માનવની નિયતિ આઝાદમિજાજ કવિજીવને ખૂંચે, એ વાત તો જૂની છે. પણ અહીં કવિએ ‘વળવું’ શબ્દનો અદ્દભુત ઉપયોગ કર્યો છે. રસ્તો વળાંક લે છે, ત્યારે સીધું ચાલવાવાળા પાસે પોતાની દિશા પકડી રાખવાની ટેક કે અકડ છોડવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. અહીં ‘રસ્તા વળે એટલે સાથે વળવું પડે’ એ એક વાચ્યાર્થ છે પણ સાથે સાથે અકડ છોડીને વળવું (જેમ કે, કોઈ વાળે તેમ વળવું) એ શબ્દપ્રયોગમાં લવચીકતા, સમાધાન અને ઝૂકવાનો પણ સૂર છે.
પાપા પગલી
ભાગે જલદી, લેજો
હૈયે ઝડપી
બાળક પા પા પગલી ભરવા જેવડું પગભર થાય કે તરત માનો પાલવ કે બાપની આંગળી છોડી પોતાની ગતિથી આસપાસના જગતને ખૂંદી વળે છે. એ ચંચળ બાળકની સુરક્ષા માટે ચિંતિત માબાપ એને પકડવા, એને ઝડપવા એની પાછળ દોડતાં હોય છે, આ ચિત્ર આપણાં સૌની અનુભૂતિનો હિસ્સો છે. આ પરિચિત દૃશ્યના સહારે કવિ બીજું નિશાન તાકે છે. બાળકની પા પા પગલી માત્ર સ્થળને નહીં, કાળને ય ખૂંદે છે અને બાળક જોતજોતા મોટું થઈ જાય છે. કવિ કહે છે કે વાત્સલ્યના આનંદની ક્ષણોને હૈયામાં ઝડપી લેવાનું જો જો ચૂકી ન જતાં! અહીં ‘ઝડપવું’ શબ્દને બે રીતે વાપરી કવિએ કમાલ કરી છે.
આ હાઈકુઓમાં ચંદ્રેશભાઈનો શ્વાસ હજુય ધબકે છે. અનુભવાયો?
https://www.facebook.com/raeesh.maniar/posts/878426308877173?comment_id=878461975540273¬if_t=feed_comment_reply