છેવટે, પૃષ્ઠભર ને બાગેબહાર સરકારી જાહેર ખબર સાથે ગુજરાતે પચાસમા વરસમાં પ્રવેશ કર્યો ! રાજય સરકારને એ વાતે ધોખો છે (અને તે સ્વાભાવિક પણ છે) કે ચૂંટણીની આચારસંહિતાવશ કેવળ છાપામાં જાહેર ખબરથી નભાવી લેવું પડ્યું : તાજેતરનાં વરસોમાં ગુજરાત દિવસની જાહેર ઉજવણીનો જે ખાસ ચાલ ઊભો કીધો છે તે આ વરસે શક્ય નહોતો. જોકે એનો ખંગ વાળવો હોય એમ મુખ્યમંત્રી મોદીએ શુભેચ્છા સંદેશમાં સંબંધિત સૌને આશ્વસ્ત કર્યા છે કે વરસ દરમ્યાન જરૂર મોટાં આયોજનો (ઉર્ફે ઉજવણાં) હાથ ધરાશે.
સ્વર્ણિમ ગુજરાત વિષયક જા xખમાં જણે જણ અગર તો મતદાનના ત્રીજા દોરમાં જોવા મળ્યું તેમ ‘પટેલ’ અગર ‘હિંદુ’ કે પછી ‘મુસ્લિમ’ કને નહીં પણ નાગરિક કને એવી અપેક્ષા સેવવામાં આવી છે કે પોતે સમૃદ્ધ, શિક્ષિત, નીરોગી, નિર્મળ, હરિયાળા અને આધુનિક એવા સ્વર્ણિમ ગુજરાત વાસ્તે સક્રિય ભાગીદાર બની રહેશે. એક રીતે, સમારોહ પ્રબંધન (ઈવેન્ટ મેનેજમેન્ટ) અને પ્રતિમા-પ્રક્ષેપણ (ઈમેજ પ્રોજેક્શન)ની જે એક વિશેષ તરાહ અને તાસીર તાજેતરનાં વરસોમાં જોવા મળી છે એમાં બાકી શોર વચાળે સમૃદ્ધિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, પર્યાવરણ અને આધુનિકતાના ખયાલોની સુધબુધ રહે તો એમાં કંઈ ખોટું પણ નથી.
અહીં જે બધા ખયાલોનો નિર્દેશ થયો છે તે દેશનું કોઈ પણ રાજ્ય આવે પ્રસંગે સેવવા ઈચ્છે તે સહજ છે. એમાં પણ ગુજરાતની તો પોતાની એક ધીંગી પરંપરા છે. કદાચ, આ પરંપરાની કદર રૂપે જ વચ્ચે ટાઈમ્સ ઑફ ઈંડિયાએ તંત્રીલેખની અટારીએ એ મુદ્દે તુલનાત્મક કૌતુક કીધું હતું કે ગુજરાતનો વિકાસ (ખાસ કરીને 2001-02ની આસમાની-સુલતાની પછી અને છતાં) પાટે ચડી પ્રકાશી રહ્યો હોય તો એમાં ગુજરાતની પોતાની પરંપરા અને પ્રણાલિ તેમ નેતૃત્વનો ફાળો જરૂર છે. પણ બિહાર જેવા રાજ્યમાં, જ્યાં આ પ્રકારની પરંપરાઓ અને પ્રણાલિકાઓ નથી ત્યાં પકડાઈ રહેલો વિકાસવેગ નીતિશકુમારના નેતૃત્વને વિશેષરૂપે ઉપસાવી રહે છે.
જોકે પચાસમા વરસની વળતી સવારે દેશ સમસ્તના સંદર્ભમાં તેમ વિશેષે કરીને ગુજરાત સરખા વિકાસમાન પ્રદેશને અનુલક્ષીને ઉઠાવવા જેવો સવાલ અને કરવા જોગ કૌતુક કદાચ બીજું છે. ખબર નથી, કેટલા લોકોના ધ્યાનમાં એ આવ્યું હશે કે દેશના જિલ્લાઓમાં સૌથી ગરીબમાં ગરીબ જિલ્લો કોઈ હોય તો તે ડાંગ છે. અહીં અપેક્ષિત નિર્દેશ અલબત્ત ડાંગની વનસંપદા પરત્વે નથી. સવાલ, વનશ્રી વચ્ચે પાંગરવી જોઈતી જીવનશ્રીનો છે; અને બાકી જિલ્લાઓને મુકાબલે સર્વાધિક ગરીબીને કારણે અહીં જીવનની શ્રી બાબતે કેમ જાણે કોઈ કુંડાળામાં પગ પડેલ હોય એવો ઘાટ વરતાય છે.
વૈશ્વિક મંદીને કારણે છેલ્લા વરસમાં આપણે ત્યાં વિકાસ-અને -વૃદ્ધિ-દર મોચવાયેલ હોય તોપણ જેમ દેશમાં તેમ ગુજરાતમાં એણે ઊંચો આંક જરૂર હાંસલ કર્યો છે. પણ એકંદર તરાહમાં જોવા મળતી એક વાત એ છે કે દેશમાં બે વર્ગો વચ્ચેની વિષમતા અગર તો અંતર યથાવત્ જ નહીં પરંતુ વધેલ સુદ્ધાં છે. ગરીબીની રેખાની વ્યાખ્યા બદલી અગર અન્યથા એની નીચે રહેનારાઓની સંખ્યા ઘટેલી ને ઘટતી દર્શાવ્યા પછી પણ જોવા મળતું દુર્દૈવ વાસ્તવ આ અને આ જ છે. ડાંગમાં એક જિલ્લા તરીકે ગરીબીનું પ્રમાણ સૌથી વધુ છે એમ કહેવું તે બીજી રીતે રાજ્યની અંદર પ્રવર્તતી આંચલિક (રિજનલ) વિષમતાનો દાખલો પણ છે. પરંતુ, હકીકતે રાજ્યભરમાં જેમ સામાજિક ઊંચનીચનો પેઢી દર પેઢી સિલસિલો તેમ આર્થિક વિષમતા, છતે વિકાસે, હજુ સુધી તો એક સ્થાયી ભાવ છે.
પચાસ વરસ પાછળ નજર કરીએ ત્યારે જીવરાજ મહેતા (પ્રથમ મુખ્યમંત્રી), રવિશંકર મહારાજ (રાજ્યનો આરંભ કરનાર મંગલમૂર્તિ) અને ઈન્દુલાલ યાજ્ઞિક (મહાગુજરાત આંદોલનના ઝંડાધારી) એ ત્રિપુટીનું સહજ સ્મરણ થાય છે. પરંતુ આ ક્ષણે એમને સંભારવા પાછળ કંઈક સાભિપ્રાયતા પણ છે. એક વાત ત્યારે માર્કાની કહી હતી જીવરાજભાઈએ કે ભાઈ વારે વારે ગજરાત સમૃદ્ધ છે એવું ગૌરવ બોલી ન બતાવશો. આપણે હજુ કેન્દ્ર સરકાર પાસેથી અને અન્ય સ્રોતોમાંથી ઘણું ઘણું લેવું છે; પણ ‘તમે સમૃદ્ધ છો’ એ વાત એમને નકાર સારુ ફાવતી થઈ પડશે ! જીવરાજભાઈમાં એક વણિકની કોઠાસૂઝ હતી અને એમણે વહેવારુ શાણપણની વાત કહી હતી એ સાચું; પણ જનસાધારણની સાથે તાદાત્મ્ય ધરાવતા રવિશંકર મહારાજ અને ઉદ્દામ રાજકારણમાં રમેલા ઈન્દુલાલ યાજ્ઞિકની નિસબત, ‘આ સમૃદ્ધિ કોની અને કેટલાની’ એ વાતે પણ હતી સ્તો.
1991માં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા અને મનમોહનસિંહ નાણાપ્રધાન બન્યા તે સાથે દેશે નિયો-લિબરલ વિકાસનો રાહ લીધો છે અને એનાં ફળ મેળવ્યાં છે. ગુજરાત પણ ત્યારથી એનું લાભાર્થી રહ્યું છે. પણ રવિશંકર મહારાજે અને ઈન્દુલાલ યાજ્ઞિકે ઉઠાવેલા સવાલોને કે અમર્ત્ય સેન અને બીજા જે માનવ વિકાસ આંક પ્રકારની કસોટીઓ સૂચવે છે તે લક્ષમાં લઈએ તો સહભાગી અને સર્વસમાવેશક વિકાસનો વણઉકલ્યો કોયડો તેમજ વણભેદ્યો કોઠો તરત સામે આવે છે.
સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પમાં નાગરિક પરત્વે ‘સક્રિય ભાગીદાર’ બનવાની વાત છે, અને તે ઠીક જ છે. જે જરૂરી છે તે વળતો શાસકીય કોલ કે સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં અમે સહભાગી વિકાસનો અભિગમ અપનાવીશું. વધતી વિષમતાની વાસ્તવિકતા સામે આ અભિગમ વિના આપણું દળદર ફીટવાનું નથી અને ગૌરવ બનવાનું નથી.
1991થી લગભગ એકસરખા આર્થિક દર્શનમાં રમી રહેલાં કૉંગ્રેસ-ભાજપ વગેરે જો સ્વાતંત્ર્યગ્રામમાં ઉભરેલ ગાંધીવિચારને ધોરણે, હાલની દુનિયામાં અનુભવાતી આર્થિક અફરાતફરીના ઉજાસમાં, કશોકે પુનર્વિચાર ન કરવાનાં હોય, કંઈક નવેસર ને જુદેસર ચાતરવાનાં ન હોય તો સ્વર્ણિમ ગુજરાતનાં ઉજવણાં બેમતલબ બની રહેશે. આવાં ઉજવણાં જેમ પ્રજાને ઉત્સાહ આપી શકે તેમ ઘેનમાં પણ નાખી શકે, અને એ ઘેનગાફેલ માહોલમાં સ્વર્ણિમ સમણાં જરૂર આવી શકે. પણ ચોક્ક્સ સંજોગોમાં, સમણાં તે જાગૃતિની સાહેદી કરતાં વધુ તો નિદ્રાની ચાડીરૂપ પણ હોઈ શકે.
પચાસમા વરસની વળતી સવારે આટલું પ્રગટ ચિંતન, નિ:સ્વપ્ન જાગૃતિ વાસ્તે.