નહોતો જ્યારે મનુષ્ય,
ધમધમતી હતી ધરા
ડાયનોસોરના ભારેખમ પગલાં થકી.
મને શક છે,
કદાચ કોરોના નહીં, તો તેનો ભાઈ
ત્રાટક્યો હશે
ડાયનોસોર પર,
કર્યો હશે તેમનો સર્વનાશ.
આજે પ્રગટ્યો છે કોરોના
કદાચ કરવા સર્વનાશ
માનવજાતનો. ડાયનોસોર તો હતાં
અબુધ,
નિ:સહાય, નિ:શસ્ત્ર. અમે નથી એવા
અબુધ, નિ:સહાય, નિ:શસ્ત્ર.
અમારી પાસે છે
વિજ્ઞાન.
ભગવાન નહીં,
વિજ્ઞાન જ બચાવશે
માનવજાત.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020
![]()



તા. ૧૮મી એપ્રિલે મારી નાની બહેન હેમાંગિનીનો રાત્રે ફોન આવ્યો. એનો નિકટનો મિત્ર અક્રમ એમ. આર. તરીકે કામ કરે છે. તે કોરોનાનાં લક્ષણ ધરાવતો હતો, એવી જાણ થઈ. અક્રમ ૧૮મી એપ્રિલની સાંજથી ૧૦૪ નંબર પર સતત ફોન કરી રહ્યો હતો કે કૉર્પોરેશનની ટીમ આવીને તેને હૉસ્પિટલ સુધી પહોંચાડે. ઘણા ફોન છતાં કોઈ ન આવ્યું, એટલે તે જાતે સવારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો. ૧૯મીની રાત્રે એક વાગ્યે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. મારે તેની સાથે ૨૦મી એપ્રિલે સવારે વાત થઈ. એ દિવસે સવારના અગિયાર વાગ્યા સુધી કોઈ દરદીને ચા-નાસ્તો કંઈ જ અપાયું ન હતું. દરદીઓ વચ્ચે પાણીનો એક જ જગ, એક જ ટોઇલેટ અને ગંદકીથી ભરેલો વૉર્ડ. ૧૯મીની સવારે દાખલ થયેલા અક્રમે ૨૨મી એપ્રિલ સુધી એક પણ ડૉક્ટર કે મૅડિકલ સ્ટાફને એક પણ વાર જોયાં નહીં. એક માત્ર રિસેપ્શનિસ્ટથી કામ ચાલતું હતું. સિવિલની ૧,૨૦૦ પથારીવાળી અલાયદી હૉસ્પિટલની ગુનાઇત બેદરકારી વિશે છાપાં, ન્યૂઝ ચેનલોમાં ભરપૂર આવ્યું. એટલે એની વિગતોમાં નથી જતી. દરરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, રાજ્યના આરોગ્ય સચિવ અને શહેરના મ્યુનિસિપલ કમિશનરની વીડિયો કોન્ફરન્સના અહેવાલથી લોકો સમક્ષ આપણા તંત્રની સજ્જતાનું જે ફૂલગુલાબી ચિત્ર ઊભું થયું હતું, તે તાજેતરના અહેવાલોથી સાવ ભાંગી પડ્યું.