"સાહેબ, એક જબ્બર આઇડિયા છે. આ આફત છે, પણ એને આપણે અવસરમાં ફેરવી શકીએ એમ છીએ."
"આપણે અંદરોઅંદર જુમલા ફટકારવા પડે એ હદે સ્થિતિ કથળી ગઈ છે?"
"ના, સાહેબ. સૉરી. મને થયું કે આપણે આ કોરોનાને લગતા ખાસ સિક્કા બહાર પડાવીએ તો કેવું? એમાં એક બાજુ વાઇરસનું ચિત્ર હોય અને બીજી બાજુ …"
"બ્રિલિયન્ટ! આ મને કેમ ન સૂઝ્યું?"
"સાહેબ, મને પહેલેથી હિસ્ટ્રીમાં બહુ રસ. તો પેલા એક બાદશાહે કંઈક આવું જ કરેલું. રાજધાની બદલેલી ને સિક્કા ય પડાવેલા. તો મેં'કુ આપણાથી કેમ ન થાય?"
"સાહેબ, વધુ એક આઇડિયા. આપણે એક જબ્બર ફેસ્ટીવલ યોજીએ. એનું નામ જ 'કોરોના પરાજય ઉજવણી મહોત્સવ' રાખવાનું. બધી ભાષાઓમાં એનાં બેનર ચીતરાવવાનાં."
"પછી?"
"સાહેબ, તમેય શું મશ્કરી કરો છો! પછીનું તો બધું લોકો જ ઉપાડી લે ને.”
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020
![]()


અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ભારત-ચીન સીમા પર ચાલતી તંગદીલી વિશે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને નરેન્દ્ર મોદીનો મૂડ સારો નથી. તેમણે શબ્દ વાપર્યા છે; ‘આઈ કેન ટેલ યુ, આય ડીડ સ્પીક ટુ પ્રાઈમ મીનિસ્ટર મોદી, હી ઈઝ નોટ ઇન અ ગૂડ મૂડ અબાઉટ વ્હોટ ઈઝ ગોઇંગ ઓન વિથ ચાઈના.’ તેમણે ભારત અને ચીન વચ્ચેના સીમાસંઘર્ષને મોટા સંઘર્ષ (તેમના શબ્દોમાં ‘બીગ કોન્ફલિક્ટ’) તરીકે ઓળખાવ્યો છે અને કહ્યું હતું કે પ્રત્યેક દેશ એક અબજ ચાલીસ કરોડની વસ્તી ધરાવે છે અને બંને દેશ પાસે મોટું લશ્કર છે એ જોતાં ‘હું (અમેરિકા નહીં, હું) બે દેશો વચ્ચે મધ્યસ્થી કરવા કે લવાદી કરવા તૈયાર છું.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘ભારતની જનતા મને ચાહે છે. કદાચ અમેરિકન મીડિયા કરતાં ભારતમાં હું વધારે લોકપ્રિય છું. મને નરેન્દ્ર મોદી ગમે છે, હી ઈઝ અ ગ્રેટ જેન્ટલમૅન.’