વો સુબહ કભી આયેગી ક્યા?
સમગ્ર વિશ્વમાં આદિવાસીઓ ભૂતકાળમાં ઉપનિવેશી સત્તાઓથી અને હવે મૂડીવાદી તાકાતોથી પીડિત છે. મબલખ કુદરતી સંસાધનો અને વિશાળ જમીનો પર વસતાં આદિવાસીઓને હંમેશાં ભોગવવાનું આવ્યું છે. સાંપ્રત સમયમાં વિશ્વભરમાં આદિવાસીઓનાં પારંપરિક રહેઠાણ સ્થળો અને જીવનરીતિ પર હલ્લો બોલાયો છે એ સર્વવિદિત બાબત છે. આ અઠવાડિયે ન્યુઝીલૅન્ડની સંસદમાં બનેલી ઘટનાથી વિશ્વમાં એના પડઘા પડ્યાં અને આદિવાસીઓ અને એમના હકની ચર્ચાએ જોર પક્ડયું છે.
ન્યુઝીલૅન્ડની સંસદમાં ડિબેટીંગ ચેમ્બરમાં પુરુષ સંસદ સભ્યએ પ્રશ્ન પૂછવા માટે ટાઈ પહેરેલી હોવી ફરજિયાત છે. આ પ્રથા ન્યુઝીલૅન્ડમાં બ્રિટિશ રાજ વખતની છે. આવો જ કાયદો બ્રિટનમાં ૨૦૧૭માં રદ્દ કરવામાં આવેલો. ૯ ફૅબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રાવિરી વાઈટિટીને પ્રશ્નો પૂછવાથી સ્પીકર ટ્રૅવર મલાર્ડે બે વખત રોક્યા. “આ બાબત ટાઈને લગતી નથી, સાંસ્કૃતિક ઓળખને લગતી છે”, વાઈટિટીએ ચેમ્બરમાંથી બહાર નીકળતા કહ્યું એમ સ્થાનિક સમૂહ માધ્યમોએ જણાવ્યું. આદિવાસી પ્રતિકારના ભાગરૂપે વાઈટિટીએ ટાઈ પહેરવાનો ઇનકાર કર્યો હતો. ટાઈને “ઉપનિવેશક ગાળિયો” કહી એને બદલે એમણે ગળામાં “હેઇ-ટીકી” (પારંપારિક ગ્રીનસ્ટોનનું માઓરી પૅન્ડન્ટ) ધારણ કર્યું. પાંચ રાજકીય પક્ષોમાં કુલ ૧૨૦ સાંસદોના ૨૧% સાંસદો માઓરી છે. મિસ્ટર વાઈટિટી એમની લાક્ષણિક કાઉબૉય હૅટ અને આખા ચહેરા પરના ટૅટૂમાં સજ્જ (છૂંદણું, જેને માઓરી પરંપરામાં ‘ટા મોકો’ કહે છે) હોઈ પોતાની માઓરી હાજરી નોંધાવ્યા વિના રહેતા નથી.
બીજી વખત રોકવામાં આવ્યા બાદ, મિસ્ટર વાઈટિટીએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું અને છેવટે મિસ્ટર મલાર્ડે એમને ચેમ્બર છોડીને બહાર નીકળી જવા ફરમાવ્યું. મિસ્ટર વાઈટિટીએ આ ફરમાનને “અયોગ્ય” ગણાવ્યું અને ઉમેર્યું કે એ માઓરી બિઝનસ વેશમાં સજ્જ છે. પોતે ટાઈમાં સજ્જ માઓરી પાર્ટીના સહઆગેવાન ડૅબી ગારેવા-પૅકરે એમના સાથીદારની તરફેણ કરી પરંતુ કંઈ કરી ન શક્યાં.
સાંસદ અને સ્પીકર વચ્ચે ટાઈ મામલે આ સૌથી તાજી બોલાચાલી છે. ગયા વર્ષે પણ મિસ્ટર વાઈટિટીને કહેવામાં આવેલું કે જો એ ટાઈ નહીં પહેરે તો એમને બહાર કાઢી મુકવામાં આવશે. સંસદમાં એમના પ્રથમ ભાષણમાં એમણે કહેલું, “મારા ગળામાંથી આ ગાળિયો કાઢી લો જેથી હું મારું ગીત ગાઈ શકું.” ‘ધ ન્યુઝીલૅન્ડ હૅરલ્ડ’માં મિસ્ટર વાઈટિટીએ લખ્યું છે કે મેં આવું પ્રતિરોધના ચિહ્નરૂપે કર્યું છે. “મેં ઉપનિવેશી ટાઈ એટલા માટે ફગાવી દીધી કે એ ઉપનિવેશક ગુલામી, ગૂંગળામણ અને દબાણનું ચિહ્ન છે.”
મોટા ભાગના દેશોમાં આદિવાસીઓ અને દેશના બિન-આદિવાસી સત્તાધીશો વચ્ચે ‘કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રૅસ્ટ’ને કારણે ઘર્ષણ થતું રહેતું હોય છે. ન્યુઝીલૅન્ડનો કિસ્સો પણ આવો જ છે. ન્યુઝીલૅન્ડના માઓરી આદિવાસી પૉલિનીસિયન આઇલૅન્ડ પરથી સદીઓ પહેલાં સ્થળાંતર કરીને ન્યુઝીલૅન્ડ આવેલાં. ૮ ઑક્ટોબર, ૧૭૬૯ના દિવસે યુરોપિયનોએ ન્યુઝીલૅન્ડ પર પ્રથમ ડગ માંડેલો. બ્રિટિશ ટૂકડી સાથે કૅપ્ટન કૂક ઘણાં પાછળથી આવેલા. કૅપ્ટન કૂક અને એમની ટૂકડી સાથે માઓરી આદિવાસીઓની લડાઈ થયેલી જેમાં કેટલાં ય માઓરીઓની કતલ થયેલી.
ટીના ગાટા જેવાં માઓરી આદિવાસી કર્મશીલો મુજબ આજે પણ માઓરી આદિવાસીઓ ઉપનિવેશક વારસાથી પીડિત છે. “અમારા લોકોની કતલ કરનારનો, અને હજુ પણ ચાલુ હોય એવી અનુભૂતિનો પ્રારંભ જેણે કર્યો હોય એનો ઉત્સવ મનાવવામાં આવે તે અમારા માટે ખૂબ અપમાનજનક છે. આ તો એક આક્રમણની અને સામ્રાજ્યના વિસ્તરણની ઘટનાનો સ્મારક-ઉત્સવ છે. માઓરી આદિવાસીઓ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું છે, રહેણાક વ્યવસ્થા નબળી છે, બાળ મૃત્યુદર ઊંચો છે, કેદમાં બંધ માઓરી વ્યક્તિઓનો આંકડો પણ દુનિયામાં સૌથી ઊંચો છે,” ટીના ગાટા વધુમાં કહે છે કે, “ઉપનિવેશક પ્રક્રિયા દ્વારા અમારું આત્મનિર્ધારણ છીનવી લેવામાં આવ્યું છે. આ બધા મુદ્દાઓ માટે જવાબદાર કારણોનો ઉત્સવ મનાવવા માટે લખલૂટ ડૉલર ખર્ચવામાં આવી રહ્યા છે. આ જોઈને લાગણી દુભાય છે અને ખૂબ માઠું લાગે છે.”
ન્યુઝીલૅન્ડનાં અમલદારોનું માનવું છે કે આ તિથિ દેશ માટે ખૂબ મહત્ત્વની છે. સાથે માઓરી અને અન્ય દરિયા ખેડનારાઓનો ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે. Te Ha Trustના ગ્લૅનિસ ફિલિપ-બાર્બરા જણાવે છે, “ભૂતકાળમાં બન્ને પક્ષોને અનુકૂળ લાગે એવી રીતે માઓરી આદિવાસીઓ અને પાકેહા લોકો (ન્યુઝીલૅન્ડના શ્વેત નાગરિકો) વચ્ચે અવકાશ સર્જવામાં અમે બહુ સફળ નથી રહ્યાં. પોતાની કહાણીઓ એકબીજા સાથે વહેંચવા માટે લોકો તત્પર છે. બધાંને સારું લાગે અને બધાંને આદર મળે, આગામી દિવસોમાં અમારા એ જ પ્રયાસો રહેશે.” પ્રત્યુત્તરમાં ટીના ગાટા કહે છે, “કૂકની કહાણી અને એની કહાણીની બર્બરતાને આટલો લાંબો સમય દબાવી રાખી છે એ હકીકતનો સંબંધ ન્યુઝીલૅન્ડે જે વધુ મોટો મુદ્દો આગળ કર્યો છે કે અમે સાચે બિન-માઓરીઓ સાથે સુસંગત છીએ એની સાથે છે. વળી, અમે જ એ વાતને સ્વીકારી છે એટલે અમારા ઉપનિવેશને નકારવાને લીધે અપરાધની તીવ્ર લાગણી અનુભવીએ છીએ. આઓટેરોઆમાં (ન્યુઝીલૅન્ડનું મૂળ નામ) ઉપનિવેશક વંશવાદના પાયા પર અન્ય વંશવાદના પ્રકારો આધારિત છે.
વડા પ્રધાન જૅસિન્દા આર્ડેને આખા મામલાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે. એમણે કહ્યું “આ એવી બાબત નથી જેના અંગે મારો કડક મત હોય. બીજા ઘણા મહત્ત્વના મુદ્દા છે. આ મામલાને નિપટાવી શકાય એમ છે. ન્યુઝીલૅન્ડના મોટા ભાગના નાગરિકોને ટાઈની પડી હોય એવું હું માનતી નથી.”
મિસ્ટર મલાર્ડે પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું કે અંગત રીતે એ ફરજિયાત ટાઈ પહેરવાના નિયમમાં ફેરફારના પક્ષમાં છે, પરંતુ અન્ય સાંસદો સાથે વાત કર્યા બાદ એમને જાણવા મળ્યું કે મોટા ભાગના સાંસદો ફરજિયાત ટાઈની તરફેણમાં છે એટલે એમણે નિયમ કબૂલ રાખ્યો.
રસપ્રદ બાબત એવી બની કે બીજા જ દિવસે હંગામી સમાધાનના ભાગરૂપે મિસ્ટર મલાર્ડે મિસ્ટર વાઈટિટીને ગળામાં ટાઈ પહેર્યાં વિના પ્રશ્ન પૂછવાની અનુમતિ આપી અને મોડી સાંજે જાહેરાત કરી કે હવે ફરજિયાત ટાઈનો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે. એમણે કહ્યું કે સર્વસંમતિ ન થઈ શકી, પરંતુ બહુમતી આ નિયમ નાબૂદ કરવાની તરફેણમાં હોઈ આ નિર્ણય લેવાયો છે.
બીજા ઘણાં દેશો આદિવાસીને લગતાં પ્રશ્નોનો સામનો કરી રહ્યાં છે. એમાંના અમુક નીતિ સુધારના માર્ગો અથવા પોતાના કાયદાઓ અને પરંપરાઓમાં ભેદભાવયુક્ત વલણો દૂર કરવાની પેરવીમાં છે. આદિવાસીઓ સાથેના બદવ્યવહાર અને શરમજનક ભૂતકાળ સાથે સંઘર્ષ કરતા ઑસ્ટ્રેલિયાએ દેશની સ્થાપના પૂર્વેથી વસતાં આદિવાસીઓની હાજરીનું સમર્થન કરવા પોતાના રાષ્ટ્રગીતમાંથી “for we are young and free” (કે અમે યુવાન અને સ્વતંત્ર છીએ) એવી લીટીમાંથી ‘young’ (યુવાન) શબ્દ દૂર કરી દીધો છે. આમ છતાં ૧૭૮૮માં ઑસ્ટ્રેલિયા પહોંચેલા બ્રિટિશની સ્મૃતિમાં ‘ઑસ્ટ્રેલિયા ડૅ’ મનાવવામાં આવે છે જેને ત્યાંના આદિવાસીઓ ‘ઇન્વેઝન ડૅ’ (આક્રમણ દિવસ) ગણે છે.
૨૦૧૬માં નાનાઈઆ મહુટા ન્યુઝીલૅન્ડની સંસદમાં સમગ્ર ચહેરાનું પવિત્ર ટૅટૂ, મૉકૉ કૌએ, ધારણ કરનાર પ્રથમ મહિલા સાંસદ હતાં. ગયા વર્ષે જ્યારે તેઓ વિદેશ મંત્રી બન્યાં ત્યારે એક રૂઢિવાદી ન્યુઝીલૅન્ડ લેખિકા ઓલિવ્યા પિયરસને ટૅટૂને “કદરૂપા, અસંસ્કૃત વોકડમ*ની (પરાકાષ્ટા” ગણાવી કહ્યું કે રાજદૂત માટે ટૅટૂ ધારણ કરવું અયોગ્ય ગણાય. જો કે લેખિકાની આ ટીપ્પણી વખોડી કાઢવામાં આવી અને એક પુસ્તકની દુકાનમાંથી એમના પુસ્તકો દૂર કરવાની ફરજ પડી.
ન્યુઝીલૅન્ડમાં આદિવાસીઓને પોતાની પરંપરાઓ જાળવવાથી રોકવામાં આવતાં હતાં. જો કે હાલ, માઓરી ભાષા, જેને ન્યુઝીલૅન્ડના આદિવાસીઓને બોલવાની મનાઈ હતી, એમાં પુન:જાગરણ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં માઓરી અભિવાદનોનું ચલણ વધ્યું છે, માર્ગો પર સૂચનાઓ બેઉ ભાષાઓમાં મુકાય છે અને ઘણાં માઓરી યુવાનો પોતાનો વારસો પાછો મેળવવા સરકારી સહાયથી ચાલતાં માઓરી ભાષાના વર્ગોમાં પ્રવેશ મેળવી રહ્યાં છે.
ઑસ્ટ્રલિયાની સૌથી વિખ્યાત મોનાશ યુનિવર્સિટીના મોનાશ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ઑસ્ટ્રેલિયા અને ગુજરાતના આદિવાસીઓની કવિતાના પ્રૉજૅક્ટ દરમ્યાન જાણવા મળ્યું કે મૂળનિવાસીઓની જમીન પર સંસ્થા ઊભી કરી એના બદલામાં દરેક જગ્યાએ નીચે મુજબ ઋણસ્વીકાર કરવામાં છે — ઈમેલના તળિયે, વૅબસાઈટ પર, વગેરે.
We acknowledge the Traditional Owners, and Elders past and present, of all the lands on which Monash University operates.
મોનાશ યુનિવર્સિટી જ્યાં સ્થિત છે તે તમામ જમીનોનાં પારંપરિક માલિકો અને પૂર્વેના અને વર્તમાનના વડવાઓનો ઋણસ્વીકાર કરીએ છીએ.
……………….
We acknowledge and pay respects to the Elders and Traditional Owners of the land on which our four Australian campuses stand.
અમારા ચાર ઑસ્ટ્રૅલિયન કેમ્પસ જે જમીનો પર ઊભા છે એનાં પારંપરિક માલિકો અને વડવાઓને અમારો આદર અને ઋણસ્વીકાર વ્યક્ત કરીએ છીએ.
* વોકડમ / wokedom – વોક / wokeનો અર્થ હતો જરૂરી સઘળી બાબતો પ્રત્યે સભાન, ત્યારબાદ અર્થમાં વધારો થયો — વંશવાદ સંબંધી અથવા સામાજિક ભેદભાવ અને અન્યાય પ્રત્યે સભાન. ૨૦મી સદીની મધ્યથી અર્થમાં હજુ વધારો થયો છે — રાજકીય કે સાંસ્કૃતિક રીતે સભાન કે જાગૃત.
~
સંદર્ભ :
1. bbc.com
2. nytimes.com
![]()


૨૦૧૯ના જૂન મહિનામાં બિહારના મુઝફ્ફરપુરની શ્રી ક્રિષ્ના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૦૦થી વધારે બાળકોનાં આરોગ્યસંભાળની સિસ્ટમની નિષ્ફળતાને કારણે મૃત્યુ થયાં, આ નિમિત્તે મારા મનમાં ત્રણ વિચાર આવ્યા. (આવું જ નજીકનાં વર્ષોમાં યુ.પી., મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ બન્યું.)
કોરોનાની મહામારી દુનિયાના દરેક દેશમાં વ્યાપી વળી અને ભારતમાં પણ તેણે પગપેસારો કર્યો. એને ખાળી શકાય એ હેતુથી આપણે ત્યાં વડા પ્રધાને લગભગ તાત્કાલિક કહી શકાય એ અસરથી લૉકડાઉન જાહેર કર્યું. ઉપરાછાપરી ત્રણ લૉકડાઉન આવ્યાં. આ સંજોગોમાં દેશના તમામ વર્ગના લોકોને બે પ્રકારે ગંભીર પરિસ્થિતિનો સામનો અચાનક જ કરવાનો આવ્યો. કોરોનાનો અને લૉકડાઉનનો. પોતે જ્યાં હતાં ત્યાં સ્થગિત થઈ ગયેલાં લોકો હતપ્રભ બની ગયાં? કોરોનાનો ડર અને લૉકડાઉનની ઘરના અર્થતંત્ર પર અસર ઘણાંને માટે જીવલેણ નીવડ્યાં. મૃત્યુ દર અને આપઘાત દરમાં ધરખમ વધારો હજી પણ થોભવાનું નામ નથી લેતો.