પહેલો વરસાદ છે જરા, એમાં પલળી તો જો,
તન મન ભીંજાઈ જાશે, આભ નીચે આવી તો જો.
ખૂબ તપ્યો તો તાપમાં હવે, અમી વર્ષાની ઠંડક માણી તો જો
રોમ રોમ પુલકિત થઈ જશે, ફૂલની જેમ ખીલી તો જો.
ભીની માટીની આ સોડમ જરા માણી તો જો
પાણીનાં ખાબોચિયામાં છબછબિયાંની મજા લઈ તો જો
આ તો પ્રેમ છે, ક્યારે પડી જશે એમાં ખબર નહિ પડે
દિલની આ લાગણીનો રસ ચાખી તો જો
તરબોળ થઈ જશે જિંદગી, પ્રેમમાં પડી તો જો,
છલકતો જામ છે આ, જરા નશો કરી તો જો.
ઝૂમી ઊઠશે "મૃદુલ મન" તારું,
જિંદગીમાં આ પ્રેમની મોસમ માણી તો જો.
08/05/2021
e.mail : mruduls.ms@gmail.com
![]()


હું ૨૧ વર્ષની વયે જાની પરિવારમાં ચોથા નંબરની પુત્રવધૂ તરીકે આવી. આજથી ૪૦ વર્ષ પહેલાં … મનીષી સાથે મારાં પ્રેમ લગ્ન અને સહજ રીતે જ અજાણ્યા કુટુંબમાં સ્વીકાર ને નવાં વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈશ તેની મૂંઝવણ! વળી, વિભક્ત કુટુંબમાંથી ને તેમાં ય અમે માત્ર બહેનો જ એટલે પાંચ ભાઈઓ, ત્રણ જેઠાણીઓ ને સાસુ-સસરાવાળાં કુટુંબમાં શું થશે? એમાં ય રસોઇ બિલકુલ આવડે નહીં … ને આપણા સમાજમાં સાસુને તો હંમેશાં વિલન તરીકે જ ચિતરવામાં આવી છે. .. …વળી, લગ્ન પણ કોઈ જાતનાં વિધિ-વિધાન વગર કમુરતાંમાં કરેલાં … ને તે પણ બ્રાહ્મણ કુટુંબમાં …. એટલે શું થશે એવી બધી જ મથામણ … પણ પહેલાં જ દિવસે મારાં સાસુ સહનબહેને મારું બહુ જ ઉમળકાભેર સ્વાગત કર્યું ને બધી જ દુવિધાઓ દૂર થઈ ગઈ. ને હંમેશ માટે હું આ પરિવાર સાથે ગોઠવાઈ ગઈ. મારી મમ્મીને પણ આશ્ચર્ય થતું કે આ છોકરી કોઈ દિવસ સાસુની ફરિયાદ કેમ નથી કરતી!