સમસામયિક ગુજરાતી સાહિત્યલેખનની એક સર્વસામાન્ય ક્ષતિ કે ખામી એ છે કે કેટલાં ય લેખન ભાષાશુદ્ધ નથી. શબ્દપસંદગી, જોડણી, વાક્યરચના અને વિરામચિહ્નો – એ ચાર બાબતે દોષયુક્ત લખાણોનાં અનેક દૃષ્ટાન્તો મળે છે. સુખદ અપવાદો નથી એમ નથી, પણ એ અપવાદોની સંખ્યા પણ હવે નાની થવા માંડી છે.
ક્ષતિ કે ખામીનો આ મુદ્દો નીવડેલા કે નવોદિત સર્જક વિવેચક અધ્યાપક વિદ્યાર્થી – સૌને લાગુ પડે છે. એમાંથી ટૂંકીવાર્તાના લખનારાઓને બાદ કરી શકાય એમ નથી.
આ મુદ્દો વ્યાકરણસંગત પરિશુદ્ધ લેખનની શિસ્ત સાથે સંકળાયેલો છે, એટલે હાલ જતો કરું છું.
++
મારે રજૂ કરવાં છે, ટૂંકીવાર્તાને વિશેનાં મારાં પોતાનાં મન્તવ્યો. એ મન્તવ્યો, પહેલી વાત એ કે ટૂંકીવાર્તાઓ મેં સરજી, તેનાં ફળ છે. બીજી વાત એ કે છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી અન્યોની વાર્તાઓ જોતો-તપાસતો રહ્યો છું તેનાં પરિણામે છે. ત્રીજી વાત એ કે ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશે વર્ગમાં વ્યાખ્યાનો આપ્યાં કે અન્યત્ર હજી આપું છું, લેખો લખ્યા, હજી લખું છું, તે વિદ્યાવ્યાસંગનો એમાં ફાળો છે. ચૉથી વાત એ કે આ મન્તવ્યો કોઈ સિદ્ધાન્તગ્રન્થમાંથી તો નથી જ નથી, અને કોઇ કોઇ મન્તવ્યોના સગડ કોઇ કોઇ સિદ્ધાન્તગ્રન્થમાં જડી આવે, તો એ પાંચમી વાત ખુશ થવા જેવી વાત છે.
આ મન્તવ્યો મુખ્યત્વે ટૂંકીવાર્તાના સર્જન અંગે છે. વાર્તાપઠન વાર્તાશ્રવણ વાર્તાવાચન અને વાર્તાવિવેચન અંગેની મારી માન્યતાઓ ને ટીકાટિપ્પણીઓ એમાં જરૂરત પ્રમાણે ઉમેરાતી રહેશે. તમામ મન્તવ્યો ફેરવિચાર અને સુધારને પાત્ર ગણીને ચાલીશ, છતાં, સંલગ્ન દરેક વિચારને પૂરતો ન્યાય આપીશ, કાચોપાકો છોડી નહીં દઉં.
મને સૂઝશે તેમ લખતો જઈશ એટલે લેખોનો ક્રમ ટૂંકીવાર્તાની ઍનેટોમીને – દેહના સંરચનાશાસ્ત્રને – અનુસરતો નહીં લાગે. જેમ કે, ઘડીમાં ટૂંકીવાર્તાના શિરની વાત કરતો હોઈશ, ઘડીમાં ધડની, તો ઘડીમાં એના હાથપગની. પણ એ ન નભે એવું નથી. હવે પછીના આવા દરેક લેખમાં પાંચ મન્તવ્યો રજૂ કરીશ. આવા અનેક લેખોની શ્રેણી કલ્પી છે.
++
૧ :
ટૂંકીવાર્તામાં એકાદ ઘટનાનું નિરૂપણ હોય છે એ જાણીતી વાતમાં હું એક ઉમેરણ કરવા માગું છું.
જીવનમાં ઘટના ઘટે પછી એક સંવેદન બચી જતું હોય છે. દાખલા તરીકે, કોરોનાને કારણે સંભવેલી મૃત્યુની ઘટના આજકાલ એક દુખદ સંવેદન છોડી જતી હોય છે.
એ કે એવું કોઇપણ સંવેદન વાર્તાકારનું પોતાનું હોય, એના કોઇ સ્વજનનું હોય, પરાયા જનનું પણ હોય. ટૂંકમાં, અંગત હોય તેમ બિનંગત પણ હોય.
મારું મન્તવ્ય છે કે વાર્તાકારે જીવનમાંથી મળેલી ઘટના લઈને સીધા જ મંડી પડવાને બદલે સૌ પહેલાં ઘટનામાંથી જન્મેલા સંવેદનનું સંવનન કરવું જોઈશે – જેમ કામભોગ પૂર્વે સંવનન જરૂરી મનાય છે તેમ.
તો સમજાશે કે અમથાલાલને કોરોના કેમ વળગ્યો – માસ્ક ન્હૉતા પ્હૅરતા – ડિસ્ટન્સ ન્હૉતા જાળવતા, વગેરે. એમના એ બેહૂદા વર્તનનાં અનેક કારણો હતાં. એમની વિકૃત માનસિકતા, માનિસકતામાં જવાબદાર એમનો ઉછેર, ઉછેરમાં કારણભૂત સામાજિક સાંસ્કૃતિક વગેરે પરિબળો. એ બધાં જ તત્ત્વોએ ભાગ ભજવેલો. લેખક સંવેદનનું સંવનન કરશે એથી એ પરિબળોનાં એને બહુરૂપ દર્શન થશે. સમજાઈ જશે કે ઘટનાનાં મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયેલાં છે, ઘટના કેવી કેવી રીતેભાતે ઘડાઈ છે. જીવનમાંથી મળેલી એ ઘટનાનું એને સરળ વિશ્લેષણ મળી જશે, એનો એને સહજ સાક્ષાત્કાર થઈ જશે.
એ સાક્ષાત્કારની ભૂમિકાએથી લેખક પોતે લખવા ધારેલી વાર્તાનો પ્રારમ્ભ કરી શકશે. એને થશે કે મળી આવેલી એ ઘટનામાં પોતે કશુંક ઉમેરી શકે એમ છે. ઘટનાનું પોતાની દૃષ્ટિમતિ અનુસારનું અર્થઘટન કરશે. જીવનની ઘટનાનું પોતાની વાર્તાને માટેનું એને એક કામચલાઉ રૂપ દેખાઈ જશે. એ રૂપનું એ એવું લેખન શરૂ કરી શકશે જે એની સર્જકતાને પ્રતાપે એક લીલા રૂપે આગળ વધશે. વાતનો સાર એ કે જીવન અને સર્જન વચ્ચે એક ચૉક્કસ અનુબન્ધ ઊભો થશે. પરિણામે, વાર્તા ઠોસ લાગશે, તકલાદી કે વાતૂલ નહીં લાગે.
૨ :
ટૂંકીવાર્તામાં પાત્ર પાત્ર વચ્ચેના સમ્બન્ધો લેખકે સ્પષ્ટ કરી દેવા અથવા સૂચવી દેવા એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. દાખલા તરીકે, આ ભાઇ તો નાયિકાના ભાઈ નથી પણ વર છે, એવી જાણ વાચકને કે શ્રોતાને બહુ જ મૉડેથી થાય તે ન ચાલે. આ સસરા છે, બાપ નથી; આ દીકરી નથી, પુત્રવધૂ છે; બગીચામાં બેઠેલું યુવક-યુવતીનું જોડું પ્રેમલા-પ્રેમલી લાગે, પણ એમ ન યે હોય, બન્ને ભાઇ-બેન હોય ને મા-ની બીમારીની ચિન્તા કરતાં હોય ! યથાસમયે સમ્બન્ધની સ્પષ્ટતાઓ કરી દેવી અનિવાર્ય છે. યાદ રહે કે જીવન પણ સમ્બન્ધોને લીધે એક વાર્તા જેવું ભાસે છે ! એ જ રાહે, સાહિત્યમાં પણ વાર્તા, પાત્ર પાત્ર વચ્ચેનાં વિચાર વાણી વર્તનથી રચાતી હોય છે. ત્યારે એ સમગ્ર માનવીય વ્યવહારને સમજવા માટે કોણ કોનું શું થાય છે તે ઝટ જણાવી દેવું જરૂરી બની જતું હોય છે.
૩ :
લેખકે સમજીવિચારીને નક્કી કરી લેવું જોઈએ કે વાર્તા કહેશે કોણ.
પાત્ર પોતે કહી શકે – જેને આપણે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’ કહેતા આવ્યા છીએ. (પણ એને સુધારી લેવાની જરૂર છે. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહેવું જોઈએ. મૂળે એ, ફર્સ્ટ ‘પર્સન’ નૅરેટિવ કે નૅરેશન છે. સમાજમાં બધે તેમ અહીં પણ ‘પુરુષ’ ઘુસાડી દીધું છે, એ અનાચાર છે.) આ કેન્દ્રથી રચાતી વાર્તા વધારે પ્રામાણિક લાગશે કેમ કે પાત્ર પોતે જ પોતાનાં વીતક કહેતું હોય છે.
બીજું, લેખક પણ વાર્તા કહી શકે. એમ મનાય છે કે બધાં પાત્રોનો તેમ જ સ્થળકાળ અને બધી પરિસ્થતિઓનો એ જાણકાર છે. એને આપણે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ કહીએ છીએ.
ત્રીજું, બન્ને કથનકેન્દ્રના જરૂરી સંમિશ્રણથી પણ વાર્તા કહી શકાય.
તેમ છતાં, વાર્તાકારોએ એ સમજી રાખવાનું છે કે કોઈ પણ ક્ષણે સર્વજ્ઞની જરૂર પડવાની છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં ચાલતી હોય ત્યારે સર્વજ્ઞનો પ્રવેશ કોઇક વખતે અનિવાર્ય બની જાય છે. એવા પ્રસંગે સર્વજ્ઞ મને ડાયરેક્ટર તેમ જ સિનેમેટોગ્રાફર રૂપે ઉપકારક લાગ્યો છે. ત્યારે ઘટનાના સઘળા પરિવેશનું કામ સર્વજ્ઞ કરી દે. સ્થળો વગેરેની ગોઠવણી કહી બતાવે, દૃશ્યોનાં સૅટિન્ગ્સ સૂચવી દે. કેમ કે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી સરજાયેલું પાત્ર તો બાપડું જીવે કે આપણને સ્થળો બતાવે?
૪ :
પોતે વાર્તા લખનારો છે એટલે વાર્તાકારે શું વાર્તા જ કહ્યા કરવાની છે? ના. એણે એવી રચના કરવાની છે જે ટૂંકી હોવા છતાં પોતાની ચોપાસ અર્થભાવનાં વલય સરજી રહી હોય અને એમ કશી વ્યંજનાની રીતે વિકસી હોય. નહિતર, વાર્તાકાર જો વાર્તા જ કહ્યા કરશે તો એ કૃતિ ઇતિહાસનું, નવલકથાનું કે પાત્રની જીવનકથાનું કે આત્મકથાનું પ્રકરણ બનીને ઊભી રહેશે !
વાર્તા તો નાનકડા જોકમાં, લઘુકથામાં, લઘુનવલમાં, નવલકથામાં કે મહાનવલમાં પણ હોય છે. પરન્તુ એનો અર્થ એ નહીં કે દોર આપ્યા જ કરીએ ને વાર્તારૂપી પતંગને ચગતો જાય એ દિશામાં ચગવા જ દઈએ. વાચક જ કાપી નાખશે ! એવી સહેલગાહ ટૂંકીવાર્તાના સર્જકને નથી છાજતી.
ઘણા એમ માને છે કે ટૂંકીવાર્તા લખું છું એટલે ટૂંકી પણ કહું તો વાર્તા જ ! પણ ટૂંકી એટલે કેટલી? માપ કોણ નક્કી કરે? સામયિકના તન્ત્રીએ તો શરત મૂકી છે કે તમારી વાર્તા ૨૦૦૦ શબ્દની મર્યાદામાં હોવી જોઈશે. વાર્તા ટૂંકી થશે, લાઘવના ગુણ થકી. થોડામાં ઘણું સૂચવાઈ જાય, ઇશારામાં કે લસરકામાં કહેવાઈ જાય. બાકી કહ્યા જ કરીએ તો એનો તો અન્ત જ નથી. જીવનની કઇ વાતને છેડો છે?
૫ :
સમગ્ર લેખન ટૂંકીવાર્તાની શરતે થવું જોઈએ. સંગીત તો બધે હોય છે, પણ રાગે રાગે આગવી રીતે પ્રગટે છે. યમનકલ્યાણનું ગાયન કરવા માગતા હોવ તો યમનકલ્યાણના બંધારણનું પૂરી અદબ જાળવીને પાલન કરવું પડે. એમાં બાગેશ્રી કે ભૈરવીના સૂર ન ભેળવાય. સમજાય એવું છે.
બધી જ રમતો આનન્દ આપે છે, પણ આનન્દ આપવાની દરેકની રીત જુદી હોય છે. એટલે, તમે ક્રિકેટ રમો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે એ થપ્પો કે પકડદાવ નથી. હુતુતુ, લંગડી નથી કે લંગડી, કોથળાદોડ નથી. ટૂંકીવાર્તા ટૂંકીવાર્તા જ રહેવી જોઈએ. યાદ રહે કે એ વહીવંચો નથી, રીપોર્તાજ નથી, નિબન્ધ નથી, પત્રલેખન નથી.
હા, કાવ્યથી માંડીને કોઈ પણ સાહિત્યપ્રકારનું કિંચિત્ ક્યારેક એ જરૂર લઈ શકે છે – પણ ત્યારે એ એની સર્જકતાની મોટી કસોટી હશે.
બીજા પાંચ મુદ્દા હવે પછી, અવકાશે …
નૉંધ : આ પાંચ મુદ્દા બહારની કોઈ પણ ચર્ચાને અહીં સ્થાન નથી. અભદ્ર ભાષામાં પુછાયેલા વિવેકહીન પ્રશ્નોને અહીં જરા પણ સ્થાન નથી. કોઈપણ ભોગે વિષયસંલગ્ન રહેવું એ વિદ્યાપ્રેમીઓ માટે કશી મુશ્કેલ ચીજ નથી. લિટરરી ઍટિટ્યુડ અને ઍટિકેટ દાખવવાનું પણ સાહિત્યપ્રેમીઓ માટે કદી કઠિન નથી હોતું.
= = =
(August 15, 2021: USA)
સૌજન્ય : લેખક, સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલ પરેથી સાભાર
![]()


અંગ્રેજી ભાષાનો શબ્દકોશ તૈયાર કરનાર બ્રિટિશ વિદ્વાન સેમ્યુઅલ જોહ્ન્સને ૧૭૭૫માં કહ્યું હતું કે, પેટ્રીઓટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઓફ ધ સ્કૈઉન્ડ્રલ – દેશપ્રેમ બદમાશ લોકોનું છેલ્લું આશ્રયસ્થાન છે. એનો અર્થ એ થાય કે દેશપ્રેમના નામે કોઈ પણ અપરાધ કે ગેરવર્તન ચલાવી લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં, ૧૭૭૪માં, જોહ્ન્સને બ્રિટિશ મતદારો સામે આપેલા એક ભાષણમાં સરકારમાં બેઠેલા લોકોના ખોટા દેશપ્રેમની ટીકા કરી હતી. એ ભાષણ પછી ‘ધ પેટ્રીઓટ’ તરીકે પ્રગટ થયું હતું. તેમાં તેણે કહ્યું હતું : “દેશપ્રેમી એ છે જેનો સાર્વજનિક વ્યવહાર તેના દેશ માટેના પ્રેમથી નિયંત્રિત હોય. સંસદના પ્રતિનિધિ તરીકે તેનામાં પોતાના માટે ન કોઈ આશા કે ડર હોય, ન દયા કે ઘૃણા હોય, પણ તેની દરેક બાબતમાં આમ જનતાનું હિત હોય.”
૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.
અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.