ચાર વિવેચનાત્મક વિધાનો : ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ :
પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય – ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય – થિયરેટિકલ ક્રિટિસિઝમ.
દાંતનો કોઈ ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠો હોય, ડિગ્રી-સર્ટિફિકેટો લટકાવ્યાં હોય, પણ માંખો મારતો હોય, તો એ ડૉક્ટર ખરો પણ નામનો જ ! કૉલેજમાં થિયરી બહુ ભણ્યો હોય, પણ દર્દીઓની ખરેખરી સારવાર શરૂ કરે ત્યારે જ એને ડૉક્ટર કહેવાય છે. ત્યારે એ પોતાના ભણતરની પ્રૅક્ટિસ કરતો હોય છે. દર્દી સાજો થઈ જાય કે ન થાય પણ ત્યારે એના ડૉક્ટરી સિદ્ધાન્તોના જ્ઞાનની કસોટી થતી હોય છે. એવા જ કોઈ કારણે ઘણા વિવેચકો સિદ્ધાન્તમાં જ સ્થિર થવાનું અને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હોય છે.
પ્રત્યક્ષ વિવેચનને ‘પ્રૅક્ટિકલ ક્રિટિસિઝમ’ કહેવાય છે. એ શબ્દપ્રયોગ આપ્યો હતો આઇ.એ. રીચાર્ડ્ઝે, એ જ નામના પુસ્તકમાં, છેક ૧૯૨૯માં.
મહિમા બન્નેનો છે, જરૂરત બેયની છે. બન્ને એકબીજાંનાં પૂરક છે.
પણ આપણને કૃતિઓ અને કર્તાઓ વિશે, કહો કે, સમગ્ર સર્જન-લેખન વિશે, તોલમોલ કરીને સાહિત્યપદાર્થનું અને સરવાળે ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિનું મૂલ્ય આંકી આપનારા પ્રૅક્ટિસિન્ગ ક્રિટિક્સની જરૂર વધારે હોય છે. આપણે ઇચ્છતા હોઇએ છીએ કે તેઓ સદા આપણને પ્રત્યક્ષ થાય.
એટલે, હમણાં તો હું પ્રત્યક્ષ વિવેચનની વાત જ ચાલુ રાખીશ.
આ અગાઉના લેખમાં કહ્યું હતું કે વિવેચન-લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એ ચાર વાનાં હકીકતે વિવેચનાત્મક વિધાનો છે – ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ : વર્ણનપરક, અર્થઘટનપરક, સમજૂતીપરક અને મૂલ્યાંકનપરક.
વિવેચનની પ્રત્યક્ષ-પાંખે, નાના અવલોકનલેખથી માંડીને મોટા સમીક્ષાલેખ સુધીનાં કોઇપણ વિવેચનલેખનમાં આ ચારેય વિધાનો આછાપાતળા કે એકદમના સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળશે.
વાત એમ છે કે આ ચારેય વિધાનો વિવેચનનાં અનિવાર્ય તત્ત્વો કે પરિમાણ કે પાસાં છે.
એ વિધાનોથી થાય છે શું? એથી લખાણ વિવેચન બને છે. એથી વિવેચનનું ’કૉન્ફિગરેશન’ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. એટલે કે, એક એવું સમાયોજન રચાય છે, એક એવું સંયોજન, કે જેમાં કૃતિનું વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન યથાસ્થાને ગોઠવાઈ ગયાં જાય છે. અટકું, શાસ્ત્રીયતામાં ન ધપી જઉં. એક વ્યવહારુ દૃષ્ટાન્ત રજૂ કરું :
ધારો કે, આપણે પિત્તળનું એક ફ્લાવરવાઝ લાવ્યા છીએ. બે વર્ષ પર મારા મિત્રને મેં એવું જ એક ભેટ આપેલું. ધારો કે, એ ફ્લાવરવાઝ વિશે હું આવું બધું કહું છું : એકાદ ફૂટ ઊંચું છે. હલકું નથી, વજનદાર છે. એમાં પાણી રેડી શકાય છે પણ એનું પિત્તળ ઊંચી ક્વૉલિટીનું છે, પ્રોસેસ્ડ્ છે, કદી કટાશે નહીં. એનું ગળું એવું માપસરનું છે કે ઘણાં બધાં ફૂલોની ડાળખીઓને એ બરાબર પકડી રાખશે.

વાઝ : Ebay
Pic courtesy : Faire
નમણું અને રૂપાળું દેખાય છે. માત્ર વાઝ નથી લાગતું, આકર્ષક કલાકૃતિ લાગે છે. મનને ગમે છે, પ્રસન્ન થવાય છે. એમાં મશીન અને માણસની સર્જકતાનો સુમેળ સધાયો છે. મૉંઘું છે પણ ભેટ તરીકે આપીએ તો વ્યક્તિ ખુશ થઈ જાય. આકર્ષક ટિપોઇ પર સજાવી રાખે. એની પૉલિશ એટલી સરસ છે કે સોનાનું લાગે છે. ઉત્પાદકોએ લખ્યું જ છે : ગોલ્ડ ફિનિશ. એમ પણ લખ્યું છે : સાથે અમે ફૂલો નથી આપતા, તેની નૉંધ લેવી. એ નૉંધ રમૂજ પમાડે છે, પણ જરાક ધંધા-બાજુની લાગે છે, ન મૂકી હોત સારું થાત.
આ મેં વાઝ વિશે કહ્યું લગભગ તેવું જ પ્રત્યક્ષ વિવેચનમાં સાહિત્યકૃતિ વિશે કહેવાતું હોય છે. ને ત્યારે એમાં ચારેય વિવેચનાત્મક વિધાનો સંભવ્યાં હોય છે. સ્વયંભૂ લાગે. વિવેચકથી જાણ્યે-અજાણ્યે પણ થઈ ગયાં હોય. જો કે સારો વિવેચક એ વિશે હમેશાં સભાન અને સતર્ક રહેતો હોય છે.
એ દરેક વિધાન વિશે, હવે પછી …
સૂચના :
1. આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રોએ નૉંધ લેવી.
2. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.
= = =
(October 11, 2021: USA)
![]()


હિન્દુત્વવાદીઓ બસ આટલું જ ઇચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના!
પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો. પેન્ડોરા નામ જે ગ્રીક દંતકથા પરથી આવ્યું છે તેને વિશે મોટા ભાગનાંને જાણ હશે. પેન્ડોરાઝ બૉક્સમાં પેન્ડોરા જ્યારે એપિમેથિયસને પરણી, ત્યારે ઝિયસે લગ્નમાં ભેટ તરીકે એક પેટી આપીને તેને ક્યારે ય ન ખોલવાની શરત મૂકી, ઉત્સુક પેન્ડોરાથી રહેવાયું નહીં. આખરે એક દિવસ તેણે એ પેટી ખોલી નાખી. એ પેટીમાંથી ઇર્ષ્યા, ધિક્કાર, નિરાશા, યુદ્ધ, ગરીબી, ભૂખ, રોગચાળો જેવી વ્યથા અને પીડાઓ જગતમાં ફેલાઇ ગઇ અને ત્યારથી માણસ જાત આ બધાંયનો ભોગ બનીને તે પીડતી રહે છે. અત્યારે જે પેન્ડોરા પેપર્સ ચર્ચામાં છે તેમાં જે રીતે મોટાં માથાંઓનાં પૈસા ખદબદે છે તે જોતાં આ બધી દુન્યવી પીડાઓની ટીસ હ્રદયના કોઇને કોઇ ખૂણે તો આકરી બને જ. માળા, રહી ગયાની લાગણી થાય, કોઇને એમ થાય કે એટલું કમાઇએ કે એક વખત આવા કોઇ કાંડમાં આપણું ય નામ આવે. આ તો સ્વભાવગત સપાટી પર આવી જતી લાગણીઓ છે. શકીરાથી માંડીને જેકી શ્રોફ અને સચિન તેંડુલકરનું જેમાં નામ ઉછળ્યું તે પેન્ડોરા પેપર્સની પાછળનો તર્ક સમજવાનો પ્રયાસ કરીએ.