અમે રમકડાં, અમે રમકડાં, પડઘમચી ને વાનરભાઈ
જ્યારે ૭૧ બાળકોએ રોયલ ઓપેરા હાઉસમાં ભજવ્યું નાટક
આ ઘોડિયું, પારણું, ઘૂઘરો શબ્દો આવ્યા ક્યાંથી?
અમે રમકડાં, અમે રમકડાં,
પડઘમચી ને વાનરભાઈ,
ગામની ગાયો, ડાહીનો ઘોડો,
બંદુકવાળો બનું સિપાઈ.
ગુરુવાર, ૧૯૩૪ના ડિસેમ્બર મહિનાની ૨૦મી તારીખ. મુંબઈના રોયલ ઓપેરા હાઉસ થિયેટરમાં આ ગીત ગુંજી, ના, ગાજી રહ્યું હતું. ગુજરાતના એક માત્ર નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા – બાળકોના વહાલા ચાંદામામા–ના નાટક ‘રમકડાંની દુકાન’નો પહેલવહેલો પ્રયોગ પૂરો થઈ રહ્યો હતો. એનું આ છેલ્લું ગીત. એ જોયા પછી માત્ર બાળકો જ નહિ, મોટેરાંઓ પણ મનમાં ગણગણી રહ્યાં હતાં : અમે રમકડાં, અમે રમકડાં.

બાળનાટક રમકડાંની દુકાન – લેખક : ચંદ્રવદન મહેતા
નાટક ભજવ્યું હતું ન્યૂ ઈરા સ્કૂલનાં બાળકોએ. નાટક દરમ્યાન એક યા બીજા પાત્રમાં કુલ ૭૧ બાળકો સ્ટેજ પર આવ્યાં હતાં, બોલતાં, ગાતાં, નાચતાં. હસતાં-હસાવતાં, રડતાં-રડાવતાં. હા, સાથે કેટલાક શિક્ષક-શિક્ષિકા પણ સ્ટેજ પર હતાં. અને દુકાનદાર હુસેનચાચાનું પાત્ર ભજવ્યું હતું ખુદ ચાંદામામાએ પોતે. પછી તો ઠેર ઠેર ભજવાયું. ત્રણ-ચાર વાર પુસ્તકરૂપે છપાયું. (બાળનાટકનું હતું છતાં, હોં!) ગુજરાતી બાળનાટકોમાં આવું બીજું નાટક મળવું મુશ્કેલ.
પણ આજે આ નાટક યાદ કેમ આવ્યું? એની પાછળ આ લખનારનો ઋણાનુબંધ પણ ખરો, પણ એની વાત કદાચ ક્યારેક કરશું. આજે તો ૭૫-૮૦ વરસ પહેલાંનાં બાળકો જે રમકડે રમતાં એની વાત કરવી છે. ના. ૭૫-૮૦ વરસ પહેલાંના મુંબઈના સૌથી વધુ ધનવાન કુટુંબોનાં બાળકો પાસે પણ આજના મધ્યમ વર્ગનાં બાળકો પાસે હોય છે તેવાં રમકડાં નહોતાં – કારણ કાં એ શોધાયાં જ નહોતાં, કાં આપણા દેશ સુધી પહોંચ્યાં નહોતાં. અલબત્ત, એનો અર્થ એવો નહોતો કે મુંબઈમાં ઈમ્પોર્ટેડ રમકડાં મળતાં નહિ. અબ્દુલ રહેમાન સ્ટ્રીટની દુકાનોમાં મળતાં, પણ મોટે ભાગે જાપનીઝ. અને એ વખતે જાપનીઝ શબ્દનો અર્થ થતો તકલાદી. આજે ‘ચાઈનીઝ’નો થાય છે તેમ. એ રમકડાં ઘણુંખરું પતરાનાં, કારણ પ્લાસ્ટિક તો હતું નહિ. અને આજના જેવી જાતભાતકદની બેટરી એ વખતે નહોતી એટલે બેટરીવાળાં પણ નહિ.
ગુજરાતી અને અંગ્રેજી ભાષા વચ્ચે બીજી કોઈ સમાનતા હોય કે ન હોય, પણ એક સમાનતા છે. '‘રમકડું' અને Toy શબ્દો ક્યાંથી આવ્યા, મૂળ કઈ ભાષાના, એ આજ સુધી નક્કી થયું નથી. રમકડું શબ્દ ગુજરાતીમાં નાન્યતર જાતિમાં વપરાય છે, પણ કચ્છીમાં નર જાતિમાં વપરાય છે – રમકડો. કારણ સિંધી-હિન્દી-પંજાબીની જેમ કચ્છીમાં પણ નાન્યતર જાતિ નથી. મરાઠીમાં ખેળણી શબ્દ નારી જાતિમાં વપરાય છે. મરાઠીમાં પણ નાન્યતર જાતિ નથી. હિન્દીમાં શબ્દ છે ખિલોના. એ પણ નર જાતિનો. પણ આ બધી ભાષામાં શબ્દને સીધો સંબંધ છે રમવાની કે ખેલવાની ક્રિયા સાથે.
એ જમાનાના બાળકનું પહેલું રમકડું કયું? બાળકને લાકડાના ઘોડિયામાં કે પારણામાં સૂવડાવવાનો ચાલ. પહોંચતું-પામતું કુટુંબ હોય તો સંખેડાનું રંગબેરંગી ચિતરામણવાળું ઘોડિયું. માથે લાકડાની ચરકલડી લગાડી હોય તે ઝૂલતી રહે. મા કે મોટી બહેન હાલરડાં ગાતાં ગાતાં ઘોડિયાને ઝૂલાવતી રહે. એની સાથે પેલી ચરકલડી ઝૂલતી રહે. ઊંઘ આવે તે પહેલાં બાળક તેને તાકી રહે. સારી ગાયિકા જ હાલરડાં ગાઈ શકે એવું જરા ય નહિ. હાલરડું ગાતી વખતે દરેક સ્ત્રીનો અવાજ મધુર બની જ જાય : ‘તમે મારા દેવના દીધેલ છો …’ અલબત્ત, છોકરી માટે કોઈ આ હાલરડું ગાય નહિ – ત્યારે, કે આજે ય પણ.
બાળક હાથ વીંઝતું થાય એટલે એના હાથમાં અપાય ઘૂઘરો. હવે એને ‘રેટલ’નો મોભો મળ્યો છે. આમ તો જન્મ વખતે જ ભેટમાં બે-પાંચ કે વધારે આવ્યા હોય. તે હવે હાથમાં મૂકાય. બને ત્યાં સુધી પહેલો ઘૂઘરો ચાંદીનો હોય. (ચાંદીનો ભાવ એ વખતે ચાર આને તોલો. તોલો એટલે આજના લગભગ ૧૨ ગ્રામ.) નહિતર પછી લાકડાનો કે પતરાનો પણ ચાલે. પગમાં બંધાતા ઘૂઘરાની જેમ આ ઘૂઘરો પણ ઘમઘમતો રહે, બાળક હાથ હલાવે ત્યારે. બાળક એ હલાવતું, જોતું, સાંભળતું રહે. અજાણપણે એનાં હાથ, કાન, આંખનું કોઓર્ડિનેશન સધાતું આવે.
આ ઘોડિયું, પારણું, ઘૂઘરો શબ્દો આવ્યા ક્યાંથી? ત્રણ શબ્દકોશ જોયા. ત્રણે મૂંગા. અને ત્રણે ઘોડિયું અને પારણું બંને શબ્દોને સમાનાર્થી ગણે છે! જ્યારે વ્યવહારમાં બંને વચ્ચે સ્પષ્ટ ભેદ છે જ. આપણી ભાષાના ઘણાખરા શબ્દકોશ પુરુષોએ જ બનાવ્યા છે એટલે આમ બન્યું હશે. એક તુક્કો સૂઝે છે. ઘોડાના ખુલ્લા મોઢાના નીચલા ભાગના આકાર જેવો આકાર ધરાવતા વહાણને ‘ઘોડ’ કહે છે. ઝોળી બાંધેલા ઘોડિયાનો આકાર પણ ઉપરથી જોતાં ઘોડાના ઉઘાડા મોઢાના નીચલા ભાગ જેવો દેખાય છે એટલે તો એને ‘ઘોડિયું’ કહેતા નહિ હોય ને? મરાઠીમાં ઘોડિયા માટે ‘ઝોપાળા’ શબ્દ વપરાય છે જેને સીધો સંબંધ છે ‘ઝોપ’ (ઊંઘ) સાથે. પણ ઘોડિયા શબ્દનો સંબંધ ઊંઘ સાથે જોડવાનું અઘરું છે.
પણ પછી ઘરનાં અનુભવી બુઢિયાંઓની જગ્યાએ આવ્યા ચાઈલ્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. કહે, ઘોડિયાં નહિ, પારણાં નહિ, ઘૂઘરા નહિ. બાળકને હીંચકાવાય જ નહિ. આ દરેકથી બાળકને કેવા કેવા ગંભીર અકસ્માત, રોગ, ઇજા થઈ શકે છે એની વાતો વહેતી થઈ. છેલ્લાં ૭૫-૮૦ વરસ દરમ્યાન એક વખત એવો પણ આવેલો કે જ્યારે માતાના દૂધનો વિરોધ અને ડબ્બાના દૂધનો જોરશોરથી પ્રચાર થયેલો. કેમિસ્ટની દુકાનમાં દવાઓ કરતાં વધુ જગ્યા દૂધના ડબ્બા રોકતા હોય એ આ લખનારે નજરે જોયું છે. વિદેશી કંપનીઓ લાખો-કરોડો રૂપિયા કમાઈ ગઈ. પણ પછી ડહાપણ પાછું આવ્યું.

લાકડાનો ઘૂઘરો
એ વખતના બાળક પાસે હોય જ હોય એવાં કેટલાંક રમકડાં આજે તો રમકડાં જ ગણાતાં નથી! એમાં સૌથી પહેલાં ફુગ્ગો. ફુગ્ગો? એ તે કાંઈ રમકડું કહેવાય? બર્થ ડે પાર્ટી, ક્રિસમસ, કે બીજા કોઈ પ્રસંગે એ તો શણગાર તરીકે વપરાય. પણ એ વખતે બપોર પછી રસ્તે રસ્તે ફુગ્ગા વેચવાવાળા નીકળી પડે, રંગબેરંગી રબરના ફુગ્ગા લઈને. ફુગ્ગાની પાછી ત્રણ મુખ્ય જાત. મોઢાથી કે સાઈકલના પંપથી હવા ભરેલા સાદા ફુગ્ગા. બીજા ગેસવાળા ફુગ્ગા. એ વખતે ગેસની ટાંકી રસ્તા પર લાવવા અંગે પ્રતિબંધ નહોતો. એટલે ગેસની ટાંકી સાથે જ હોય. બાળક જે ફુગ્ગો પસંદ કરે તેમાં ગેસ ભરીને, મજબૂત ગાંઠ મારીને દોરી બાંધીને તેના હાથમાં ફુગ્ગો મૂકાય. ફુગ્ગામાં ગેસ ભરાતો જોવો એનો અલગ આનંદ હતો. સાવિત્રીની આંગળી અડવાથી મરેલી માછલી સજીવન થઈ ધીમે ધીમે તડફડવા લાગે એમ ગેસ ભરાતો જાય તેમ ઢીલા ઢફ્ફ ફુગ્ગામાં જીવ આવતો જાય. અને પછી સાવિત્રીના હાથમાંથી પાણીમાં સરી પડતી માછલીની જેમ ગેસ ભરેલો ફુગ્ગો આવી પડે બાળકના હાથમાં. ત્રીજો તે પિપૂડિયો ફુગ્ગો. વાંસની પોલી ભૂંગળીને એક છેડે ઢીલો ઢફ્ફ પડ્યો હોય. બાળક બીજે છેડેથી ફૂંકી ફૂંકીને હવા ભરે. ફુગ્ગો ફૂલ્યા પછી ભૂંગળીથી મોઢું દૂર. ધીમે ધીમે હવા બહાર નીકળતી જાય, પેં પેં પેં એવો અવાજ કરતી જાય. સાદા ફુગ્ગાનો એક પૈસો, ગેસનો ફુગ્ગો બે પૈસા અને પિપૂડી ફુગ્ગાનો એક આનો. બાળક બહુ હઠ કરે તો જ પિપૂડી ફુગ્ગો અપાવવા મોટેરાં માંડ રાજી થાય. એક તો મોંઘો દાટ, અને પછી કલાકો કે દિવસો સુધી ઘરમાં અવારનવાર ભેંકડો તાણતો રહે.
એની સરખામણીમાં ફરફરિયું સાવ અહિંસક. પાતળા નેતરને વાળીને ગોળાકાર બનાવાય. પછી રંગબેરંગી પાતળા કાગળની પાંખો બનાવીને તેના પર ચોડાય. હવાના વહેણની સામી દિશામાં ધરો એટલે ચકરડું ઘૂમવા લાગે. હવે તો ફરફરિયાં ય હાઈ-ટેક થઈ ગયાં છે. પ્લાસ્ટિકનાં, ફરવાની સાથે અવાજ અને તણખા પણ થાય. આપણો એક શબ્દકોશ તો ફરફરિયું અને ફીરકીને એક જ માને છે! એ શબ્દકોશ બનાવનારા હુરટી ટો નિ જ હોય.

ઘર ઘર રમવાનાં વાસણો
બીજાં બે રમકડાં આજે તો મુંબઈમાં ભાગ્યે જ જોવા મળે. મોટે ભાગે એક ચોક્કસ જાતિની ફેરિયા સ્ત્રીઓ એ વેચતી. બંને હાલતાં-ચાલતાં રમકડાં. પહેલી તડતડ ગાડી. માટીના મોટા કોડિયાના મોઢા પર જાડો મીણિયો કાગળ ચોડયો હોય. ઉપર હાથે કરેલું ચિતરામણ. તેના પર વાંસની બે સળી એવી રીતે ગોઠવી હોય કે ગાડીનાં પૈડાં ફરે ત્યારે સળી કાગળ પર અથડાઈ ‘તડ તડ’ અવાજ કરે. બાંધેલી દોરીથી બાળક ગાડીને ખેંચે. તડ તડ તડ તડ સાંભળીને હરખાય. મોટેરાં કાન ઢાંકે. એની સરખામણીમાં કાગનો વાઘ – સોરી, કાગળનો મગર, નિરુપદ્રવી. રંગીન કાગળના લાંબા પટ્ટાને ગડીઓ વાળીને મગર બનાવ્યો હોય. આગળ પૂંઠાનું ચીતરેલું મોઢું. તેની નીચે રબરની દોરીથી લાકડાનું ખાલી રીલ એવી રીતે બાંધ્યું હોય કે દોરી ખેંચો એટલે મગર ચાલવા/દોડવા લાગે.
રાસ રમવા તૈયાર ઢીંગલી
આ બધાં રમકડાંથી મોટે ભાગે તો ઘરના છોકરા રમે, છોકરી નહિ. ભાઈ રમતો ન હોય ત્યારે આજુબાજુ જોઈને, કોઈ જોતું તો નથીને એની ખાતરી કરીને બહેન બે-પાંચ મિનિટ રમી લે. એટલે છોકરીઓ માટે રમકડાં હતાં જ નહિ? હતાં ને! તેમાં સૌથી પહેલી ઢીંગલી. આજના જેવી ઈમ્પોર્ટેડ, સોફેસ્ટિકેટેડ નહિ. રંગીન કપડાંના કટકામાં કાપૂસ કે ભૂસું ભરીને હાથે બનાવેલી. હાથ-પગ, મોઢું, થોડાંઘણાં હાલેચાલે. કોઈકનું પેટ દબાવો તો ચું-ચું અવાજ કરે. અને બીજો ‘ભાતુકળી’ કહેતાં રસોડાનાં વાસણનો સેટ, હલકા પિત્તળનો કે લાકડાનો બનાવેલો. ચૂલો, તપેલીઓ, લોહ્યું (કડાઈ) ચમચા-ચમાચી વગેરે વાસણો, સાચા જેવાં, પણ સાવ નાનાં. છોકરી રસોઈ કરે, ઢીંગલીને જમાડે, વાસણો માંજીને સાફ કરે, એવું એવું રમે. આજે પણ પ્લાસ્ટિકના કિચન સેટ મળે છે. તેમાં માઈક્રો, ફ્રિજ, વોશિંગ મશીન, ગેસના ચૂલા-સિલિન્ડર, મિક્સર, ટોસ્ટર વગેરે હોય છે. એ જમાનામાં કોઈએ સપનાંમાં પણ આ બધું જોયું નહતું, તો એવાં રમકડાં તો ક્યાંથી હોય?
રમકડાંથી રમનારાઓ વિષે વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 20 નવેમ્બર 2021
![]()


દિવાળી જાય છે ને દિલ્હીમાં પ્રદૂષણની બૂમ પડે છે. હવા ઝેરી થવા લાગે છે ને દિલ્હીના મુખ્ય મંત્રી રાબેતા મુજબ વાહનો માટે ઓડ-ઇવન ફોર્મ્યુલા, લોકડાઉન, સ્મોગ ટાવર, વર્ક ફ્રોમ હોમ જેવાં પગલાં લાગુ કરવા મચી પડે છે. સુપ્રીમ કોર્ટ પણ દર વર્ષે રાજ્ય અને કેન્દ્રને ચેતવણીઓ આપ્યાં કરે છે, સરકારો થોડી ઘણી સળવળે છે ને પછી બધું હતું તેવું થઈ જાય છે. રાજ્ય વર્ક ફ્રોમ હોમ માટે તૈયાર થાય છે તો કેન્દ્ર સરકારને એ માફક નથી આવતું. મહત્ત્વની ન હોય એવી ટ્રકોને રાજ્ય બહાર રોકવાના આદેશો અપાય છે, શિક્ષણ 21મી સુધી બંધ કરી દેવાય છે ને એવું ઘણું ઘણું થાય છે ને વળી એક દિવાળી જાય છે કે નવી ગિલ્લી, નવો દાવ-ની જેમ ફરી સુપ્રીમ કોર્ટ ચેતવણીઓ આપે છે, વળી સ્કૂલ-કોલેજો બંધ થઈ જાય છે ને વળી સરકારો પ્રદૂષણ અટકાવવાના એ જ જૂના ઉપાયો અજમાવી પ્રદૂષણ રોકવાના પ્રયત્નો કરે છે ને એમ બધું વર્ષોથી ચાલ્યા કરે છે. 2015માં દિલ્હી હાઇ કોર્ટ દિલ્હીને ગેસ ચેમ્બર કહી ચૂકી છે એ પરથી પણ ખ્યાલ આવશે કે આ સાતેક વર્ષ જૂનો રોગ છે ને એનો કાયમી ઈલાજ જડે તેની રાહ જોવાની રહે જ છે.
તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ લાઇક કરીએ છીએ ને ટૂમચ હાર્ટ કરીએ છીએ, કેમકે તે ‘ઇતર પ્રવૃત્તિ’ છે, પિતા ઝવેરચંદની નવકલથાઓનો અંગ્રેજી અનુવાદ! પાઠમાળાબ્રાન્ડ કર્તાકર્મક્રિયાપદ સ્ટાઇલ રૂખુંસૂકું ઇસ્ત્રીટાઇટ અંગ્રેજી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માડૂ સડસડાટ વાંચી શકે તેવું ડિક્શન!ઝવેરચંદની લખેલી નવલકથા વેવિશાળ રાઇટ? તેના શીર્ષક વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ? ફિયાન્સ–ફિયાન્સી? એન્ગેજમેન્ટ?
કમળ, રાતનું કમળ, નદીનું કમળ, કાદવનું કમળ. હવાઇયન ભાષામાં નાળિયેર માટે અસંખ્ય શબ્દો છે, લીલું નાળિયેર, સુક્કું, પાણીવાળું, પાણી વિનાનું, તાજું ને સડેલું એમ દરેક જાતના નાળિયેર માટે અલગ અલગ શબ્દ છે.
સંતુનું આ ભોળપણ અને બાલસુલભ કિન્નાખોરીનો ઇશારો મળે છે મૂળ અંગ્રેજીની ઇલિઝા રાજાને કહે છે, “હેય કિંગ!” તેના ઉપરથી. અને ફક્ત તેટલા પરથી ગુજરાતીની સંતુ કહે છે કે “સુધરેલી બોલીમાં ટૌકો કરીને કઇસ, રાજાના વાંહામાં ઘુંબો મારીને કઇસ” અને તે પછી તેને ઇલિઝાની કોઈ પરવા રહેતી નથી, સંતુ કોઈની અનુકૃતિના સ્થાને સ્વતંત્ર નાયિકા તરીકે પેશ આવે છે.