દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામન્નાએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં શાસક પક્ષ ઈચ્છે છે કે તે જે કાંઈ કરે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે અને વિરોધ પક્ષો ઈચ્છે છે કે તેઓ જેનો વિરોધ કરે છે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે છે, જ્યારે કે ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ છે. બહુ મુદ્દાની વાત તેમણે કરી છે. બંધારણમાં આવી જ જોગવાઈ છે, બંધારણ ઘડનારાઓની આવી જ અપેક્ષા હતી અને એ જ ન્યાયતંત્રનો ધર્મ છે. નિમણૂક પામેલા જજસાહેબો જજ તરીકે સોગંદ લેતી વખતે પણ આ જ વાતના સોગંદ લે છે. આ સિવાય નાગરિકશાસ્ત્રમાં પણ આ જ શીખવવામાં આવે છે.
તો પછી આમાં નવું શું છે? જાહેરમાં આ વિષે ઊહાપોહ કરવાની શી જરૂર પડી? ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને વફાદાર હોવું જોઈએ એ દેખીતી રીતે અપેક્ષિત છે. નવું એ છે કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બીજા પાસેથી અપેક્ષા રાખે છે કે મહેરબાની કરીને અમને કફોડી સ્થિતિમાં ન મૂકો. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું પણ છે કે લોકશાહીમાં દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. તેમણે દુઃખ સાથે કહ્યું હતું કે આઝાદીનાં ૭૫ વરસ પછી અને દેશ પ્રજાસત્તાક થયો તેનાં ૭૨ વરસ પછી પણ શાસનસંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરે છે.
દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. પણ સાહેબ, આ તો અપેક્ષા થઈ. વાસ્તવિકતાનું શું? શું બંધારણ ઘડનારાઓ માત્ર અપેક્ષા રાખીને ગયા હતા કે પછી અપેક્ષાભંગ થાય તો તેનું નિરાકરણ કરવાની કોઈ જોગવાઈ પણ કરતા ગયા છે? તેઓ એવી જોગવાઈ અને તેનું નિરાકરણ કરવાનો અધિકાર અથવા સત્તા કોને આપીને ગયા છે? જવાબ છે; ન્યાયતંત્રને અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતને. બંધારણમાં આવી સ્પષ્ટ જોગવાઈ છે અને સર્વોચ્ચ અદાલત પાસે અધિકાર અને સત્તા બન્ને છે. બંધારણ ઘડનારાઓને ખબર હતી કે લોકશાહીમાં લોકશાહી સંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરતી રહે છે. ક્યારેક જાણીબૂજીને, ક્યારેક સ્વાર્થવશ તો ક્યારેક અનાવધાને. અદાલતો પણ મર્યાદા ઓળંગે છે. એવું જ્યારે થાય ત્યારે તેનો ઈલાજ કરવાનું કામ ન્યાયતંત્રનું અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. બહુ સ્પષ્ટ જોગવાઈ છે. ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલત કોઈની અરજી વિના, પોતાની જાતે, સુ મોટો હસ્તક્ષેપ કરી શકે છે.
આ બાજુ ન્યાયતંત્ર અનાવધાને કોઈ ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે, કારણ એ છે કે ત્યાં ખુલ્લી અદાલતમાં બધાની સામે દલીલો કરવામાં આવે છે. કોઈ પણ ઘટનાની દરેક બાજુ વકીલો કે પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં આવી જ સ્થિતિમાં અપાયેલા ચુકાદાઓ પ્રમાણ તરીકે રજૂ કરવામાં આવે છે. આ સિવાય અખબારો અને બીજાં માધ્યમોમાં ચર્ચા થાય છે. ન્યાયાધીશોએ કોઈ નિર્ણય ઉતાવળે રાતોરાત લેવાનો હોતો નથી, શાંતિથી બન્ને પક્ષોને કે જેટલા પક્ષો હોય એ દરેકને સાંભળ્યા પછી નિર્ણય લેવાનો હોય છે. વળી મહત્ત્વની બાબત એક કરતાં વધુ જજોની ખંડપીઠ સાંભળે છે એટલે પણ ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે. અને છેલ્લે બંધારણ નામનો અંતિમ પ્રમાણનો ગ્રંથ તો તેમની પાસે હોય જ છે. ન્યાયતંત્રનું પ્રતીક જ ત્રાજવું છે જે તોળવાનું કામ કરે છે. ન કોઈને વધારે ન કોઈને ઓછું. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ અનાવધાને ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે.
માટે બંધારણ ઘડનારાઓએ દુરુસ્તીનું કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે. બંધારણ ઘડનારાઓને જાણ હતી કે લોકતંત્ર નામનાં શરીરમાં વ્યાધિઓ આવતી રહેવાની છે એટલે કોઈ એક કાયમી દાકતર જોઈએ, જે દરેક પક્ષને ધીરજપૂર્વક સાંભળીને નીરક્ષીર વિવેક કરે અને ઈલાજ કરે. તેને એવો અબાધિત અધિકાર પણ આપવામાં આવ્યો છે. શબ્દપ્રયોગ પર ધ્યાન આપવામાં આવે, અબાધિત અધિકાર. આ સિવાય માત્ર અધિકાર નહીં તેનો આ ધર્મ છે એમ પણ કહેવામાં આવ્યું છે. પક્ષપાત વિના ઈલાજ તબીબનો ધર્મ છે અને તબીબ ધર્મ ચૂકી ન શકે એવાં જે હિપોક્રેટીક સોગંદ તબીબે લેવા પડે છે એમ જજ પણ લે છે. લોકોએ આરોગ્ય કેમ જાળવવું જોઈએ અને જીવન જીવવામાં કેવી રીતના સંયમ પાળવા જોઈએ એ વિષે તબીબ રોટરી ક્લબમાં કે અન્યત્ર ક્વચિત સલાહ આપશે, પણ રોગનો ઈલાજ કરવાનું એ ચૂકતો નથી. જજ પાસેથી પણ એવી જ અપેક્ષા છે. સલાહ જરૂર આપો, ઊહાપોહ કરો (જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિએ અમેરિકામાં કર્યો), શાબ્દિક ફટકારો; પણ ઈલાજ કરો.
દેશનું ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત આ કરે છે? એક કરતાં વધુ જજોની પીઠ હોવા છતાં, દરેક પક્ષ અને દરેક બાજુને સાંભળવા માટે જોઈએ એટલો સમય હોવા છતાં, આગળનાં ચુકાદાઓનાં પ્રમાણ તરીકે આધાર હોવા છતાં, બંધારણ નામનું અંતિમ પ્રમાણનું બાયબલ સામે હોવા છતાં કેમ સર્વોચ્ચ અદાલત ઈલાજ કરતી નથી? મહેરબાની કરીને તમારી અપેક્ષાઓ લઈને અમારી પાસે નહીં આવો અને આવો તો આવો, પણ અમારા ઉપર દબાણ નહીં લાવો એવી કાકલૂદી શા માટે? ખોટી અપેક્ષાઓને ફગાવી દેવાનો તમને અધિકાર છે અને દબાવમાં નહીં આવવાનું રક્ષાકવચ પણ છે. જો અદનો નાગરિક કોઇથી ડર્યા વિના સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત ધરાવતો હોય તો તમારી પાસે તો અધિકાર અને સત્તા બન્ને છે. ઉપરથી રક્ષાકવચ છે. અદના નાગરિક પાસે તો આમાનું કાંઈ જ નથી.
તો શું ખૂટે છે? દેશનું લોકતંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે કે પછી લોકતંત્રનો ઈલાજ કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે એ તબીબ નિષ્ફળ નીવડી રહ્યો છે? બીજા પાસેથી અપેક્ષા તો નિરાધાર અદનો નાગરિક રાખે, જ્યારે તમારી પાસે તો અધિકાર અને રક્ષાકવચ એમ બન્ને છે. જો નિરાધાર નાગરિક બંધારણીય ભૂમિકા લઈ શકે, તાકાતવાનોને પડકારી શકે તો તમે કેમ તે ન કરી શકો? તમારી પાસે તો પદ, પ્રતિષ્ઠા, સત્તા અને બંધારણીય સંરક્ષણ એમ બધું જ છે. સરકારને ઊઠબેસ કરાવો તો પણ કોઈ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. બીજી બાજુ તીસ્તા સેતલવાડ જેવાં અદના નાગરિકો પાસે પોતાનાં અંતરાત્માનો અવાજ, કાયદાના રાજ માટેની પ્રતિબદ્ધતા, અન્યાયરહિત સમાજ માટેની નિસ્બત વગેરે મૂલ્યોની ગાંસડી સિવાય બીજું કશું જ નથી. તેઓ નિરાધાર હોવા છતાં ય બંધારણચિંધ્યા મૂલ્યોની ગાંસડી ફગાવી દેતા નથી, પણ સર્વોચ્ચ અદાલતના જજો ફગાવી દે છે.
દેશ માટે ચિંતાનો વિષય આ છે. લોકતંત્રનું એટલી હદે ક્ષરણ થયું છે કે લાચાર મુખ્ય ન્યાયમૂર્તિ બીજાઓ પાસેથી મર્યાદાના પાલનની અપેક્ષા રાખે છે કે જેથી સર્વોચ્ચ અદાલતના જજોની ન્યાયનિષ્ઠાની કસોટી ન થાય. તેમની આબરૂની કસોટી ન થાય. સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતોના જજોની આવી કસોટી પહેલીવાર નથી થઈ રહી. ઇન્દિરા ગાંધીના સમયમાં પણ જજોની આવી કસોટી થઈ હતી. ત્યારે પણ અનેક જજો પાણીમાં બેસી ગયા જે રીતે આજે જોવા મળી રહ્યું છે. ત્યારે પણ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના જેવાઓએ સામી છાતીએ ન્યાયધર્મનું પાલન કર્યું હતું અને તેની કિંમત ચૂકવી હતી. કોઈકે યોગ્ય સૂચન કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતની લોનમાં ન્યાયમૂર્તિ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવી જોઈએ.
સ્થાપિત હિતોનો સ્વભાવ છે કે તે કાયદાકીય તેમ જ નૈતિક મર્યાદાઓનો લોપ કરે. રેલવેમાં ચોથી સીટ ઉપર બેસવાનો ઉતારુનો અધિકાર હોવા છતાં ત્યાં કોઈ ન બેસે અને તમારી મોકળાશ જતી ન રહે એ માટેના પ્રયત્નો તમે કરો છો એના જેવું. આ સ્વાભાવિક છે. બીજી બાજુ ચોથી સીટ જો કોઈ ઉતારુને જોઈતી હોય તો તેણે તે સીટ પચાવી પાડનારા પાસેથી માગવી પડે અને ક્યારેક તે માટે ઝઘડવું પડે છે. પોતાના કાયદાકીય અધિકાર માટે લડવું પડે છે. પણ કાયદાનું રક્ષણ ન મળે તો? તો પછી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ જોવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેની પાસે ધા નાખવાનો અર્થાત્ અદાલતમાં જવાનો માર્ગ બચે છે. લોકતંત્રમાં અથવા સભ્ય સમાજમાં આ છેલ્લો આશરો છે. બંધારણ ઘડનારાઓને સમાજના સ્વભાવની જાણ હતી જ. માટે તેમણે મર્યાદાભંગ કરવામાં ન આવે એવી અપેક્ષા માત્ર નહોતી રાખી, એ મર્યાદાલોપ ન કરી શકે અને કરે તો તેને તેની જગ્યા બતાવવામાં આવે એની પણ તજવીજ કરી હતી. અને જો છેલ્લો આશરો પણ નાગરિક સાથે વિશ્વાસઘાત કરે અને ન્યાય કરવામાં નિષ્ફળ નીવડે તો? તો સમજી લેવું કે સંસ્કારિતા અને સભ્યતાનો અંત આવી ગયો છે. આપણે ધીરે ધીરે એ દિશામાં જઈ રહ્યા છીએ.
અત્યારે દેશમાં સ્થાપિત હિતો પહોળા થઈ રહ્યા છે. જેને કાયદાની અમલબજાવણીનું કામ સોંપવામાં આવ્યું છે એ હવે સ્થાપિત હિતોના ભાગીદાર જોવા મળે છે. જેમનું કામ જાહેરહિત માટે ઊહાપોહ કરવાનું છે એ મીડિયા અત્યારે સ્થાપિત હિતોની માલિકીનાં છે. લોકતાંત્રિક સંતુલન જાળવનારી સી.એ.જી. કે ચૂંટણીપંચ જેવી લોકશાહી સંસ્થાઓ પાણીમાં બેસી ગઈ છે. ઊંટની પીઠ પરનાં છેલ્લાં તણખલા સમાન સર્વોચ્ચ અદાલત સહિત અદાલતોના જજો કાં તો ડરીને અથવા વેચાઈને મોઢું ફેરવી રહ્યા છે. છેલ્લી આશા અને છેલ્લો આશરો પણ ખતમ થઈ રહ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રામન્ના બાવીસ વરસથી જજ છે. ૨૦૧૪થી સર્વોચ્ચ અદાલતમાં છે. તેમની નજર સામે સર્વોચ્ચ અદાલતના જજોએ બંધારણવિરુદ્ધ ચુકાદા આપ્યા છે. તેમની નજર સામે જજો વેચાયા છે. તેમની નજર સામે કરોડરજ્જુ વિનાના જજોએ સામાન્ય નાગરિકને અન્યાય કર્યો છે. માત્ર તીસ્તા સેતલવાડો કે જિગ્નેશ મેવાણીઓ જેવાં પારકી છઠ્ઠીના જાગતલ હિંમતથી સ્થાપિત હિતોનો મુકાબલો કરી રહ્યાં છે.
છેલ્લા કેટલાક વખતથી એક નવી રમત જોવા મળી રહી છે. ન્યાયની ખુરશીમાં બેઠા હોઈએ ત્યારે સાચવીને ચુકાદા આપવાના કે જેથી અંગત લાભથી વંચિત ન રહેવાય કે અંગત નુકસાન ન થાય, પણ જાહેરમાં લોકતાંત્રિક આદર્શોની મોટી મોટી વાતો કરવાની. બંધારણ અને મૂલ્યો માટેની નિસ્બત માત્ર જાહેરમંચ પર બતાવવાની. આ રીતે પાપ નહીં ધોવાય, મી લૉર્ડ.
[07-07-2022]
![]()


પૃથ્વી આપણાં સૂર્યમંડળના આઠમાંનો એક ગ્રહ છે. આપણાં સૂર્યમંડળનો વ્યાસ (diameter) આશરે નવ અબજ કિલોમીટર છે. આપણી ગેલેક્સિ જે આકાશગંગા (milky way) તરીકે ઓળખાય છે, તેમાં લગભગ ચાર અબજ જેટલા તારા છે તથા છ અબજ જેટલા પૃથ્વી જેવા ગ્રહો છે. આપણે જે વિસ્તારને બ્રહ્માંડ (universe) કહીએ છીએ તેમાં આવી કરોડો ગેલેક્સિઓ સમાયેલી છે. બ્રહ્માંડના પરિપ્રેક્ષમાં આપણી પૃથ્વી એક સૂક્ષ્મ કણ પણ ન કહી શકાય એટલી સૂક્ષ્મ છે. વૈજ્ઞાનિકો હવે એમ પણ કહે છે કે બીજું બ્રહ્માંડ હોવાની પણ શક્યતા છે.
જૂનની વહેલી સવારે, 93 વર્ષની ઉંમરે પાલોનજીનું મુંબઈમાં અવસાન થયું, ત્યારે દેશના સૌથી મૂલ્યવાન ખાનગી સાહસ તરીકે, તેમના શાપૂરજી પાલોનજી ગ્રુપની કિંમત 2.5 બિલિયન ડોલર હતી. તેઓ આઈરિશ સ્ત્રીને પરણ્યા હતા અને આઈરિશ નાગરિકત્વ સ્વીકાર્યું હતું, એટલે તેમના અવસાન સમયે તે સૌથી ધનાઢ્ય આઈરિશ હતા.
1945માં, ‘ફિલ્મઇન્ડિયા’ નામના સામાયિકમાં ‘મુઘલ-એ-આઝમ’ની જાહેરાત થઇ હતી. 1946ના તેના અંકોમાં, ફિલ્મનું શૂટિંગ જારી હોવાના સમાચારો આવ્યા હતા. ભારતમાં ત્યારે વિભાજનને લઈને માહોલ ગરમાગરમ હતો. અકબર સલીમ-અનારકલીના પ્રેમમાં વિલન બને કે ન બને, વિભાજન વિલેન બન્યું. ફિલ્મના ફાયનાન્સર શિરાઝ હકીમ અને એક્ટર હિમાલયવાલાએ નક્કી કર્યું કે તેઓ પાકિસ્તાન જઈને તેમનું નસીબ અજમાવશે. બાકી હોય તેમ, મુખ્ય એકટર ચંદ્રમોહનનું અવસાન થઇ ગયું. કે. આસિફને ફિલ્મ શૂટ કરવાનો દસ ટ્રક ભરાય એટલો કાચો માલ માથે પડ્યો.
“હું શાપૂરજી મિસ્ત્રી અને પાલોનજી મિસ્ત્રીને સારી રીતે જાણતો હતો. હું તેમના ઘરે જતો હતો અને પરિવારની સ્ત્રીઓ જે રીતે ચાની સાથે પર્સિયન વ્યંજન પરોસરતી હતી, તે જોઈને મને પેશાવરની યાદ આવતી હતી, જ્યારે અમારા ઘરમાં ટેબલ પર ભાવતું ખાવાનું ગોઠવાતું હતું. એ બહુ સારા અને શાલીન લોકો હતા. હું મુઘલ-એ-આઝમ વખતથી તેમને ઓળખતો હતો. શાપૂરજીએ મારી પાસેથી ‘ગંગા-જમુના’ની વાત સાંભળી હતી. તેમને વાર્તા ગમી હતી. મારા ભાઈ નાસિરને હું બાગી બનું એવા પાત્રમાં શંકા હતી. મેં થોડો વિચાર કર્યો હતો અને શાપૂરજીને વાર્તામાં વિશ્વાસ હતો એટલે હું આગળ વધ્યો. મેં શાપૂરજીને કહ્યું હતું કે ફિલ્મના શૂટ માટે મારે ઉત્તર ભારતનાં અંતરિયાળ વિસ્તારોમાં જવાનું છે. શાપૂરજીએ હું આરામથી ફરી શકું તેની ગોઠવણ કરી આપી હતી. એ મને દીકરા જેવો માનતા હતા. એ તેમના દીકરાઓ અને સ્ટાફને મારું ઉદાહરણ આપીને કહેતા કે થાક્યા વગર કેવી રીતે કામ થાય. તેમને ય ક્યારેક થતું કે હું એક્ટિંગના જટિલ અને અસાધારણ વ્યવસાયને કેવી રીતે જીરવી શકું છું.”