નામદાર ન્યાયાધીશની દેશદેવડીએ એક નાગરિકને નાતે ધા નાખવાનો તકાજો અને તાકીદ – ખરેખર તો એને અંગે ધા નાખવાની અનિવાર્યતા – આજના દિવસોમાં કેમ જાણે ભીંત પરના અક્ષર પેઠે કે નિયોનઝબૂક જેમ સાફ વંચાય છે. આ લખું છું ત્યારે કરોડરજ્જુમાંથી ટાઢી કંપારી પસાર થતી અનુભવું છું.
ટાઢી કંપારી વચાળે લગરીક હૂંફનો અનુભવ આ ક્ષણે છત્તીસગઢના સર્વોદય કાર્યકર હિમાંશુ કુમારની એ સોજ્જી રણક – બલકે નાગરિક ડણક – થકી કરું છું કે ચાહે જેલ જવું પડે, મારા કુટુંબના સભ્યોનીયે મને સંમતિ છે કે ભલે જેલ જવું પડે, દંડ ભરવાનો નથી. છત્તીસગઢમાં નક્સલ પ્રતિકાર ને નાબૂદીના અભિયાનમાં ઉચ્ચસ્તરીય પોલીસ કારવાઈ કે અર્ધલશ્કરી કામગીરીમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાતો રહ્યો છે. વિનાયક સેન સરખા તબીબી સેવાકર્મીને કથિત નક્સલ સંડોવણી સબબ વરસો લગી જામીનછૂટ નહોતી તે તો હવે ઇતિહાસવસ્તુ થઈ. પણ નિર્દોષ નાગરિક હત્યા વાટે ‘નક્સલ નિકંદન’ની જુમલાબાજીનું જે રાજકારણ ત્યાં ચાલે છે એની સામે અને બીજાં અનર્થકારણ સામે પણ હિમાંશુ કુમાર ને સોની સોરી સરખી નરવીનક્કુર હાજરી હોવાની હકીકત સત્તા-પ્રતિષ્ઠાનને સોરવાતી નથી.
હિમાંશુ કુમારનું એક અવલોકન આ અનર્થકારણને હસ્તામલકવત્ સ્પષ્ટ કરી આપનારું છે : તમારા પર નકસલ ભય ઝળુંબે છે એટલે તમને સલામત સ્થળે ખસેડીએ છીએ એમ કહીને ગામો ખાલી કરાવાય છે, અને પછી એ ખુલ્લી જમીનો પર ‘ઓમ કોર્પોરેટાય સ્વાહા’નો સત્તાવાર જગન મંડાય છે. ગમે તેમ પણ, છત્તીસગઢમાં નક્સલ પડકારને ખાળવાને નામે નાગરિક સતામણીનો એક સત્તાવાર રવૈયો રહ્યો છે, અને પ્રસંગે અદાલતને પણ એમાં લોકતરફે દરમ્યાન થવાનું બન્યું હશે. તેમ છતાં, સત્તા-પ્રતિષ્ઠાન અને સર્વોચ્ચ ન્યાયાલય સ્તરે કેટલીકવાર જે અણચિંતવ્યું સંધાન માલૂમ પડે છે તે ચિંતાજનક છે.
હિમાંશુ કુમાર પરનો તાજેતરનો દંડફટકાર એનું તરતનું ઉદાહરણ છે. કટોકટીકાળે સર્વોચ્ચ અદાલતે હેબિયસ કોર્પસને હવે કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા અને ‘નિર્બલ કે બલરામ’ની નાગરિક આરતને ભોંયપછાડનો અનુભવ કરાવ્યો હતો એનું આ ભલે અણચિંતવ્યું પણ સંધાન જણાય છે.
કહેવું જોઈએ કે જુલાઈનું પહેલું પખવાડિયું જ આ રીતે બેઠું છે. હિમાંશુ ઘટનાએ સંકેલાતું પખવાડિયું તીસ્તા અને બીજાઓ સાથે બેઠું હતું. ઝકિયા ઝાફરીના કેસમાં સર્વોચ્ચ અદાલતે કર્મશીલ સંડોવણી વિશે જે ટીકા કરી તેમાંથી સંકેત (ખરું જોતાં વાચાળ સૂચના કે સૂચન) મળી રહ્યું અને તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ, શ્રીકુમાર સૌને પકડવા સારુ ઘડિયા કારવાઈ થઈ.
જ્યાં સુધી ગુજરાત ૨૦૦૨ના ઘટનાક્રમનો સવાલ છે, શાંતિ ને સ્વસ્થતાથી વિચારીએ તો સાફ સમજાય છે કે સામે પૂરે કર્મશીલોએ જે પહેલ ને પ્રયાસ કીધાં તે પછી, રિપીટ, તે પછી જ, અદાલતો જાગી અને કાનૂની કારવાઈ શક્ય બની. પક્ષપરિવાર સાથે સીધુ સંધાન ધરાવતાં પબ્લિક પ્રોસીક્યુટરોને અને રાજ્ય સરકારની ધરાર નામરજીને વટીને કર્મશીલ મથામણે અદાલતી રાહે ન્યાયનો પથ પ્રશસ્ત કર્યો. જસ્ટિસ ક્રિષ્ણા અય્યરના વડપણ હેઠળના નાગરિક પંચે, ખુદ માનવ અધિકાર પંચે કર્મશીલોની સક્રિયતાને પગલે ન્યાયિક પ્રક્રિયા શક્ય બનાવી એ હકીકત છે. બેસ્ટ બેકરી પ્રકરણમાં તો માનવ અધિકાર પંચના તત્કાલીન અધ્યક્ષ જસ્ટિસ આનંદે કહ્યું તેમ ‘ન્યાયની કસુવાવડ’નોયે અનુભવ એક તબક્કે થયો હતો. કર્મશીલો મારફત શક્ય બનેલી કાનૂની સક્રિયતા અને વિશાળ માનવ સાંકળ પ્રકારનાં નાગરિક નિદર્શનોએ બાજી પલટી હતી. શ્રીકુમાર તીસ્તા પેઠે સીધા કર્મશીલ ખાનામાં ન આવે, પણ એક શુર્ચિદક્ષ પોલીસ અધિકારી તરીકે એમને હસ્તકની અધિકૃત વિગતોએ પણ ન્યાયની પ્રક્રિયામાં કંઈક સુવાણ જરૂર સરજ્યું હશે. આપણી આખી આ વ્હિસલબ્લોઅર સંભાવના સર્વોચ્ચ અદાલતની તાજેતરની ટિપ્પણીઓ અને આદેશવશ પ્રકારાન્તરે ગેરબંધારણીય રાહે દંડાઈ રહી છે એ કોણ કોને કહેશેસમજાવશે. ન જાને.
અદાલતો પાસે, સન્માન્ય ન્યાયમૂર્તિઓ પાસે એમના નિર્ણય પૂંઠે ટેકનિકલ ખુલાસા ખસૂસ હશે. પણ નકરી ટેક્નિકલ સમજૂતમાં ખેંચાઈ અને ખોવાઈ જવું તો હેબિયસ કોર્પસ જેવા હેબિયસ કોર્પસને નકારવાનું લૉજિક પૂરું પાડે છે – અને એકવાર આવું ઉલાળિયું થયું કે હું અગર તમે કે ખુદ તેઓ પણ હોતે છતાં નથી હોવાના, એ સમજાય છે ? વ્હિસલબ્લોઅરનું દંડાવું તે નાગરિકમાત્રને વાસ્તે છતે બંધારણે, છતે ન્યાયતંત્રે કેવી મોસમનાં એંધાણ છે એ કહેવા વાસ્તે કોઈ જોષીનજૂમીની કે ભડલીવાક્યવેત્તાની જરૂર ખરું જોતાં હોવી તો ન જોઈએ. કરોડસોંસરી ટાઢી કંપારી પૂરતી છે.
તીસ્તા વગેરે વિશે ઘડિયા પકડના હુકમો થ્રી નોટ થ્રીની પેઠે છૂટ્યા ત્યારે ક્યાંક એવી પણ નુક્તેચીની જોવા મળી હતી કે ‘નિરીક્ષક’નીયે તપાસ કેમ નહીં. ભાઈ, જે કેસો નવેસર ઉઘાડી શકાયા એમાંથી મળતું ચિત્ર ઝોકફેરે ‘નિરીક્ષક’ દીધું નથી તો શું છે. રાજ્યપ્રેરિત અગર રાજ્યસમર્થિત કે શાસનને પક્ષે આંખ આડાકાનગત હિંસા તપાસનો વિષય હતો, છે અને રહેશે.
જુલાઈ ૧૬, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 01-02
![]()


સનદી સેવાની શરૂઆત પરતંત્ર ભારતમાં અંગ્રેજોએ કરી હતી. ઇન્ડિયન સિવિલ સર્વિસની આ પરીક્ષા લંડનમાં લેવાતી હતી અને ભારતના કથિત ઉચ્ચ વર્ણો માટે તેમાં અનામત બેઠકોની જોગવાઈ હતી. ઈ.સ. ૧૮૬૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર પહેલા ભારતીય હતા જેમણે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. ઈ.સ. ૧૯૨૨માં આઈ.સી.એસ.ની પરીક્ષા પ્રથમ વખત ભારતના અલ્હાબાદમાં લેવાઈ હતી, તે ઘટનાને આ વરસે સો વરસ થયાં. સ્વતંત્ર ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ બની છે. દેશની આ સૌથી મોભાદાર અને મહત્ત્વની સરકારી સેવાની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાય છે. ૨૦૨૧ની યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં આઝાદીના પંચોતેર વરસ બાદ પ્રથમ વખત ત્રણ મહિલા ટોપર બન્યાં છે.
સ્વામી આનંદનું સાહિત્ય ગતિશીલ છે; તળપદું છે અને જિવાતા જીવનના રંગો ઉપસાવવામાં તે સક્ષમ છે. સ્વામીશૈલીમાં સત્ત્વ ઠાંસીઠાંસીને ભર્યું છે અને તેથી તેમને વાંચવા — ગ્રહણ કરવામાં સમય વહેવા દેવો પડે છે. ગુજરાતી સાહિત્યમાં સ્વામીશૈલીનું લેખન દીર્ઘ સમય સુધી જડતું નથી. બળકટ ગદ્યમાં અનેક પુસ્તકો લખ્યાં છતાં લેખક તરીકેની ઓળખમાં તેમનું ફકીરી વલણ છે. અને તે પણ એટલે સુધીનું કે ઉંમર વીત્યે ઘણું લખ્યું છતાં ય તેને ગ્રંથસ્થ કરવાની પરવાનગી ન આપી.