મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં. અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું એ લોકભાષાનો પ્રયોગ કર્યો આ બંને વિભૂતિએ. તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે

પ્રકાશ ન. શાહ
કેમ કે પર્યુષણનો માહોલ છે, થાય છે, થોડી વાત મહાવીર વિશે કરું – અને તે પણ બને તો નાગરિક છેડેથી.
બુદ્ધ હો કે મહાવીર, આપણા સમયમાં એમને વિશે ને મિશે વાત કરવાનું મને સદૈવ આકર્ષણ રહ્યું છે, કેમ કે તથાગત ને તીર્થંકર, બુદ્ધ ને મહાવીર, બેઉ રાજકુળના હશે તો હશે (બલકે છે જ); પણ બંને ક્ષત્રિયજાયા લોકતંત્રનાં સંતાન છે.
બેઉ વિભૂતિઓની, જેમ કે, ઉપદેશભાષા જ જુઓ ને : જ્ઞાનચર્ચા આખી સંસ્કૃતમાં ચાલતી’તી પણ એમ વેંત ઊંચે ડહાપણ ડહોળવાને બદલે એમણે લોકભાષામાં વાત કરવાનું પસંદ કર્યું. મહાવીરે અર્ધમાગધીમાં તો બુદ્ધે પાલીમાં અડધોઅડધ મગધ જે ભાષા વાપરતું હતું, અર્ધમાગધી, મહાવીરે એમાં કામ લીધું. મગધ પંથકનો કેટલોક ગ્રામવિસ્તાર (પલ્લી) જે ભાષા વાપરતો હશે, પાલી, બુદ્ધે એમાં કામ લીધું.

તીર્થંકર મહાવીર
તથાગત ને તીર્થંકર બંનેએ લોકભાષા મારફતે રોડવ્યું એ તો છેક જ સાદો પણ બિલકુલ બુનિયાદી દાખલો છે. જે વજ્જી ગણરાજ્ય સાથે (જેની રાજધાની વૈશાલી હતી એની સાથે) બેઉ પોતપોતાને છેડેથી સંકળાયેલા હતા. એમાં પણ મહાવીર તો વૈશાલીના ઉપનગર વત્ ક્ષત્રિયકુળના હતા – જ્યાં તે કાળની મર્યાદામાં પ્રાતિનિધિક રૂપે કામ ચાલતું. મર્યાદિત પણ જે મતદારો હતા તે ‘રાજા’ને ચૂંટતા. બુદ્ધ ને મહાવીર બંને આ રીતે રાજઘરાનાના હતા; પણ પ્રથા તો ગણરાજ્યની હતી એટલે એમનો મિજાજ કોઈ ઉપરથી પરબારા ઊતરી આવેલ જણનો (આજકાલ જેમ નૉનબાયોલોજિકલ વિભૂતિયે જોવા મળે છે એવો) નહોતો.
પોતે જે પ્રથાનું સંતાન હતાં તેને વિશે એમનો ખયાલ કેવો હશે તે બૌદ્ધ પરંપરામાં સચવાયેલ એક સંવાદ પરથી સમજાય છે. રાજા અજાતશત્રુ, કેમ કે તે રાજાશાહી રાજા છે, યુદ્ધ તો એમનો ખાનદાની પેશો કહેવાય. આ અજાતશત્રુ, પોતાના મંત્રી વર્ષકારને બુદ્ધ પાસે મોકલે છે કે અમે વજ્જી ગણરાજ્ય પર આક્રમણ કરવા ઈચ્છીએ છીએ તો આપના આશીર્વાદની જરૂર છે. વાતે સાચી, રાજા મુઆ છીએ તો યુદ્ધ તો કરવું જ પડે. અને એ ય સાચું કે તમે ભગવાન થયા હો એટલે આંખ મીંચીને આશીર્વાદે ટટકારવા પડે!

તથાગત બુદ્ધ
પણ બુદ્ધ જેનું નામ, તમે જુઓ, ડાબે વર્ષકાર ઉભેલ છે અને જમણે શિષ્ય આનંદ છે – તો એ આનંદને સંબોધીને વાત શરૂ કરે છે :
‘વજ્જીઓ નિયમિત સભા રૂપે મળી વિચાર વિનિમયપૂર્વક નિર્ણય કરે છે?’
‘હા.’
‘સભામાં અને નગરજીવનમાં વૃદ્ધોનું સન્માન જળવાય છે?’
‘હા.’
‘ગણરાજ્ય આખામાં સ્ત્રીઓની સલામતી સચવાય છે?’
‘અને નાનાવિધ લોકસ્થાનકોનું સન્માન અનુભવાય છે?’
‘હા.’
આ સંવાદ પછી (ભલે આનંદ સામે જોતે છતે) વર્ષકાર જોગ બુદ્ધનો જવાબ શો હોય, સિવાય કે ‘તો પછી, એમને કોણ જીતી શકે!’
મહાવીરચર્ચાને પૂરક-પોષક બૌદ્ધ પરંપરાની વાત નીકળી જ છે તો આપણે ત્યાં દલાઈ લામાની હિજરતી તિબ્બત સરકારોનોયે એક દાખલો આપી જ દઉં. જરૂર પડ્યે શસ્ત્ર સજી શકનાર એક બગાવતી મિજાજના બૌદ્ધ લેખકે અજાતશત્રુ સંદર્ભે ચાલેલ સંવાદનું અભિનવ અર્થઘટન પણ કીધું છે : તમારાં ઉપલાં / નીચલા ગૃહ બરાબર મળતાં રહે છે? તમારાં સ્થાનકો (યુનિવર્સિટી, લાઈબ્રેરી, મ્યુઝિયમ વ.) સચવાય છે? તમારા ‘વૃદ્ધો’ એટલે કે સર્જકો, કલાકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતોનું માન જળવાય છે? એમની સલાહ કાને ધરાય છે? (મહાભારત સાંભરે છે – તે સભા, સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો, વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય વદતા નથી.)
વારુ, આ જે ગણરાજ્યનો લોકમિજાજ એમાંથી યુદ્ધ અંગે કેવોક અભિગમ વિકસે? રાજ્યો વચ્ચે, ખાસ કરીને સામ્રાજ્યશાહી તો તે વિના ચેન જ ન પડે. મુસોલિની કહેતો, સ્ત્રીને સારુ જેમ માતૃત્વ તે રાજ્યને સારુ યુદ્ધ એ સહજ ઘટના છે! પણ મહાવીરનો ઉપદેશ જે રાજાઓ સ્વીકારતા ગયા તે શો હતો? વૈશાલી ગણતંત્રના રાજા ચેટક અનાક્રમણનું વ્રત લે છે. મતલબ, પોતાના ઉપર પ્રહાર ન થાય ત્યાં સુધી સામા પર પ્રહાર કરવો નહીં. રાજ્યનું શસ્ત્રો પરત્વે વલણ કહેવું હોય તો કહ્યું કે અવ્યાપારનું. વળી ઉમેર્યું, અવિતરણનું – અને હા, શસ્ત્રોના અલ્પીકરણનું (આજની ભાષામાં નિ:શસ્ત્રીકરણનું.)
નવાઈ લાગે પણ સ્વાતંત્ર્યનો ખયાલ તો એવો કે મહાવીરે કોઈની પાસે ‘દીક્ષા’ લીધી નથી. આગળ ચાલતાં પોતે સંઘ રચ્યો ત્યારે પણ સંઘમાં જોડાયા વિનાયે કોઈ જ્ઞાની (અશ્રુત્વા કેવળી) થઈ શકે એમ અક્ષરશ કહ્યું. વળી સ્પષ્ટ કર્યું કે મારા ધર્મસંપ્રદાયમાં આવો તો જ મુક્તિ, એવું નથી.
ધર્મતત્ત્વ, કહો કે સત્ય, અનેક છેડેથી જોઈ અને સમજી શકાય છે. કોઈ એક જ છેડો તે સાચું નથી. બધા મળીને સમગ્ર ચિત્ર બને છે. આ જે અનેકાન્ત દૃષ્ટિ, એ જૈન પરંપરાનો અભિગમવિશેષ છે.
બુદ્ધ અને મહાવીરની પરંપરામાં આપણા સમયમાં ગાંધીનું આવવું એ નવી સહસ્ત્રાબ્દી જોગ શુભ શકુન છે. ચારેક દાયકા પર સરસ કહ્યું હતું, એકાવન જેટલી નોબેલ પ્રતિભાઓએ કે માનવ સંસ્કૃતિએ આગે બઢવા સારુ ‘બે જ ચાવીઓ છે – શાંતિમય સહઅસ્તિત્વ અને સવિનય કાનૂનભંગ. ગાંધીપરંપરામાં નેલ્સન મંડેલા આવ્યા અને નાગરિક જીવનમાં ક્ષમાપના પર્વને નવી ઓળખ મળી – ટ્રુથ એન્ડ રીકન્સિલિએશન કમિશન.
મહાવીરનું અગ્રચરણ સ્તો!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 ઑગસ્ટ 2025