Opinion Magazine
Number of visits: 9449815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનના મજૂર-આંદોલનનાં પહેલાં એશિયન નારી : જયાબહેન દેસાઈ

જયન્ત પંડ્યા, જયન્ત પંડ્યા|Profile|3 January 2017

બીબીસી રેડિયોના ‘વિમેન્સ અવર’ એ સુપ્રતિષ્ઠ શોની, તાજેતરમાં ૭૦મી વરસગાંઠ ઉજવાઈ તે નિમિત્તે છેલ્લા સાત દાયકામાં ઇંગ્લૅન્ડમાં ઉભરેલી પ્રભાવશાળી મહિલાઓની બહાર પડાયેલી યાદીમાં માર્ગરેટ થેચર (વડાપ્રધાન), બાર્બરા કેસલ (લેબર એમપી) અને જરમેઈન ગ્રિયર (નારીવાદી લેખિકા) સાથે નડિયાદની દેહણ જયાબહેન પટેલનું પણ નામ જોવા મળે છે. ડૉ. શિરીન મહેતાએ ઇંગ્લૅન્ડની અભ્યાસમુલાકાત દરમ્યાન ૨૦૦૮માં તેમની મુલાકાતને આધારે તૈયાર કરેલો લેખ ‘નિરીક્ષક’ને આ સમાચાર બહાર આવતાં ઉષ્માથી મોકલી આપ્યો હતો. તે પ્રેસમાં જવામાં હશે ત્યાં જ, અન્યત્ર એમની આ જ સામગ્રી આધારિત લેખ પ્રગટ થતાં ‘નિરીક્ષકે’ વિકલ્પે જે એક બીજા લેખનો ઉપયોગ મુનાસીબ ધાર્યો તે અહીં પ્રસિદ્ધ કરતી વેળાએ બે વાનાં ખાસ નોંધવાં જોઈએ. એક તો, આ લેખ ‘નિરીક્ષક’ના પૂર્વતંત્રી જયન્ત પંડ્યાની કલમે લખાયેલો છે – અને, સવિશેષ, સદ્‌ગત જયાબહેન ‘નિરીક્ષક’ના સન્માન્ય આજીવન સભ્ય હતાં.

•••

બ્રિટનમાં નોકરી કરવાની વેળા આવે, ત્યારે રંગભેદનો અનુભવ ન થાય તો જ નવાઈ. માણસ વખાનો માર્યો આવીને કામે લાગ્યો હોય, તો તેના માલિકની તોરતુમાખી ખમી ખાય. પરંતુ સહન કરવાની સરહદ ક્યાં પૂરી થાય અને બળવાની જ્વાળા ક્યાંથી ભભૂકી ઊઠે, એની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને હોઈ શકે. જયાબહેન દેસાઈના ભાગ્યમાં પ્રતિકારનો ઝંડો ઉઠાવવાની વેળા આવી, ત્યારે પડકારનો બૂંગિયો આંદોલનમાં ફેરવાયો, જોતજોતાંમાં એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા, એટલું જ નહીં, નામદાર મહારાણીની સરકારના કૅબિનેટ પ્રધાનો એમાં ભાગ લેતા હોય એ સિદ્ધિ, પાછું ફરીને જોતાં સ્વપ્ન જેવી લાગતી હોય તો પણ બ્રિટનના અનેક ચોપડે અંકાયેલી તવારીખ છે, તેને નકારી શકાય તેમ નથી.

તવારીખના કેન્દ્રસ્થાને જે નારી છે, તેમનું નામ જયાબહેન દેસાઈ. ઈશ્વરે દીધેલું કદ ચાર ફૂટ દસ ઇંચનું. પાલવની ગાંઠે યુનિવર્સિટીની ડિગ્રી નહીં. જમા પાસું ગણો તો ચરોતરી પાટીદારનું ખમીર. એ ખમીર ‘ગ્રનવીક ફોટોપ્રોસેસિંગ લૅબોરેટરીઝ લિ.’ના ગોરા માલિકોને ભારે પડી ગયું. ૧૯૭૬-૭૮ના ગાળામાં ચાલેલા આંદોલનના પાયામાં ભાગ ભજવનારા અર્ધો ડઝન માણસ એવાં કે કોઈ ટ્રેડયુનિયનના સભ્ય ન હતા, એમણે કદી હડતાળ પાડેલી નહીં અને છતાં ગ્રનવીકમાં બળવો ? એનાં કારણો અને કંપનીના ઇતિહાસમાં જવાનું અહીં જરૂરી નથી. જરૂર છે કંપનીના ટૂંકા પરિચયની અને સારરૂપ કારણોની.

ઍન્ટની ગ્રન્ડી, જ્યૉર્જ વોર્ડ અને જોન હિકી એ ત્રણ કંપનીના સ્થાપકો. દરેકના પૂંછડામાંથી એક-બે અક્ષરો ભેગા કરીને નામ બનાવ્યું ગ્રનવીક. ૧૯૬૫થી કંપનીની શરૂઆત થયેલી. કામ એમનું પ્રોસેસિંગ કે પ્રિન્ટિંગ અને ડેવલપિંગનું. કંપનીની ચેપ્ટર રોડની શાખામાં એશિયન સ્ત્રીઓ ઠીક- ઠીક સંખ્યામાં કામ કરે. મૅલ્કમ ઓલ્ડન એ શાખાનાં મૅનેજર. મૅનેજર સખ્તાઈના પાઠ અને ધાકધમકીની ભાષા શીખીને આવેલા. એમના શબ્દકોશમાં કદાચ તેથી જ ‘મૃદુતા’ જેવા શબ્દનો પ્રવેશ નહીં થયેલો. કડકાઈની લાકડીથી એ સહુને હાંક્યા કરે. એમની ઇચ્છા થાય ત્યારે ઓવરટાઇમ કરવાનો હુકમ ફરમાવે અને કોઈ કારણસર કર્મચારી આનાકાની કરે તો કૉન્ટ્રૅક્ટ-કરારનામું યાદ કરાવે. દરેકને માથે અસલામતીની, ભયની, છૂટા કરી દેવાની તલવાર સતત લટકતી રહે. કામના સ્થળની હાલત પણ કેદખાના જેવી. આને કારણે ધૂંઘવાટ અને અજંપાનો અગ્નિ અંદરઅંદર ધખ્યા કરે.

એવામાં બન્યું એવું કે જયાબહેન એમનું કામ પૂરું કરીને ઘેર જવાની તૈયારી કરતાં હતાં, ત્યાં એક સુપરવાઈઝરે પૂછ્યું, ‘હુ ટોલ્ડ યુ ટુ પૅક અપ ?’ જયાબહેન માટે આ પ્રશ્ન વસમો હતો. પોતાનું કામ એ પૂરી ચોકસાઈથી કરતાં અને નિયમસર આવતાં-જતાં. આજ સુધી આવો પ્રશ્ન કોઈએ તેમને પૂછ્યો ન હતો. આજે શા માટે ? એમાં બીજા એક મૅનેજર પીટર ડફી વધારાનું – ઓવરટાઇમનું – કામ લઈને આવ્યા. આવી રીતે અણધાર્યો ઓવરટાઇમ માથે ઝીંકવાની કોઈ નવાઈ ન હતી. કામ કરનારાં માટે એ પણ ઉકળાટનું એક કારણ હતું. જયાબહેન, સુપરવાઇઝર અને પીટર ડફી વચ્ચે ચાલતી રકઝકમાં બાકી હતા તે નામદાર ઑલ્ડન પધાર્યા. એમણે બધાંને પીટર ડફીની ઑફિસમાં બોલાવ્યાં અને ધમકાવવા માંડ્યા. જયાબહેને કહ્યું, ‘લૂક મિ. ઑલ્ડન ! ઇફ યુ વોન્ટ ટુ શાઉટ, આઈ એમ નોટ પ્રીપેર્ડ ટુ લિસન.’

ઑલ્ડને વળતાં કહ્યું : ‘આઈ વૉર્ન યુ.’

જયાબહેનને યાદ આવ્યું કે ‘વૉર્ન યુ’ શબ્દ એ નોકરીમાંથી છૂટા કરતાં પહેલાંના શબ્દ હોય છે. એમને ઑલ્ડનના ચલણી શબ્દો યાદ આવ્યા – ‘એની બડી, એની ટાઇમ, કેન એક્સપેક્ટ અવર સેક.’ જયાબહેન એ બલિ થવા નહોતાં આવ્યાં. એમણે કહ્યું, ‘લૂક, આઈ ડૉન્ટ વોન્ટ યોર વૉર્નિંગ. આઈ ડુ નૉટ વોન્ટ ટુ વર્ક વિથ યુ. પ્લીઝ ગીવ મી માય કાર્ડ સ્ટ્રૈટ અવે.’ એમ કરીને એ બોલતાં બોલતાં ઑફિસની બહાર નીકળ્યાં. એમનો દીકરો શિવ પણ ઉનાળુ કામ માટે ગ્રનવીકમાં જોડાયેલો. એણે માતાને આમ નીકળતાં જોઈને પોતાનું કામ પડતુ મૂક્યું અને કહ્યું : What you are running here is not a factory. It is a Zoo. But in Zoo there are many types of animals. Some are monkeys, who dance on your finger-tips, others are lions, who can bite your head off. We are those lions, Mr. Manager. વાત હવે એવા મુકામે પહોંચી હતી કે જ્યાં સંગઠન કર્યા વિના છૂટકો ન હતો. સંગઠન અંગે તેમણે બ્રેન્ટની ટ્રેડ કાઉન્સિલની સલાહ માગી અને તે પ્રમાણે એપેક્સ(એસોસિયેશન ઑફ પ્રોફેશનલ્સ, ઍક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કમ્પ્યૂટર સ્ટાફનું સંગઠન)ના સભ્યો થવાનું નક્કી કર્યું. તે સંગઠને તેમને આવકાર્યાં તેમ જ જરૂરી સગવડો કરી આપી. માલિકો સાથે વાટાઘાટો આરંભી, પરંતુ તેનું પરિણામ ન આવતાં હડતાલનું એલાન કરવામાં આવ્યું. એક અઠવાડિયાના ગાળામાં એને ટ્રેડયુનિયન કૉંગ્રેસનો ટેકો મળ્યો. ત્રણેક માસમાં એણે છાપાંનાં મથાળાંમાં, રેડિયો અને ટેલિવિઝનમાં સ્થાન મેળવ્યું. દસ મહિનામાં આંતરરાષ્ટ્રીય સમાચાર બની એ હડતાળ ચર્ચાતી રહી.

આ હડતાળ એકધારી અને વિક્રમસર્જક હતી. એ હડતાળે સાડાપાંચસોથી ય અધિક માણસોની ધરપકડ કરાવી. દૂરદૂરથી મોટરો ભરીને અસંખ્ય મજૂરોની વણજાર એની પિકેટલાઇન ઉપર ખડકાવા માંડી. પાંચ-પાંચ હજારની માનવમેદની બેનર્સ લઈ અને સૂત્રોચ્ચાર કરીને સરકારની ઊંઘ હરામ કરતી રહી. એનાથી ગભરાઈ ઊઠેલી સરકારે કોર્ટ ઑફ ઇન્ક્‌વાયરીની રચના કરી. એ હડતાળે એક શુક્રવારે પાર્લમેન્ટના પાંચસો સભ્યોને હાઉસ ઑફ કૉમન્સમાં હાજર રહેવાની ફરજ પાડીને યુદ્ધોત્તર ઇતિહાસ રચ્યો. સરકારના ત્રણ પ્રધાનો પિકેટલાઇનમાં હડતાળિયાની સાથે જોડાયા. પિકેટલાઇન ઉપર એક લેબર પક્ષના એમ.પી. ઓડ્રી વાઇઝે ધરપકડ વહોરી. આ સમગ્ર હિલચાલના કેન્દ્રસ્થાને, ઊંચા અને પડછંદ પોલીસોની હરોળો સામે, ખેડા કે બોરસદના સત્યાગ્રહોનું પુનરાવર્તન કરતી, ધર્મજમાં જન્મેલી અને માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ પામેલી, ટૂંકા કદની અને સાડી પહેરીને ઘૂમતી નારી. એ નારી તે જયાબહેન દેસાઈ.

પછી તો એ જયાબહેને ચલાવેલા આંદોલનની દસ્તાવેજી ફિલ્મો અને ટી.વી. ફિલ્મો બની. એમની પ્રેસ-કૉન્ફરન્સો અને સભાઓ થઈ. પાર્લમેન્ટરી હેવાલોમાં અને ગ્રંથોમાં એ જંગની નોંધો લેવાઈ. નાટકો રચાયાં અને બ્રિટનને એક ગુજરાતી નારીના ચહેરાની ઓળખ મળી. આમ, કીર્તિની ટોચે પહોંચ્યાં છતાં જયાબહેનની મુખાકૃતિ ઉપર નેતાગીરીનો છાક ક્યાંયે ન વરતાયો. ફક્ત ઘર ચલાવવું અને યથાશક્તિ સમાજમાં કામો કરવાં, એટલો રવૈયો એ સાચવતાં રહ્યાં છે.

૨ એપ્રિલ, ૧૯૩૩, એ જયાબહેનની જન્મતારીખ. પિતાનું નામ ગોરધનભાઈ અને માતાનું નામ કમળાબહેન. પિતાએ કામની શરૂઆત ૧૯૨૧માં ખાદીભંડારથી કરેલી. જુગતરામ દવે સાથે તેમને મૈત્રી હતી. એમને પિંગળનું ય જ્ઞાન. માતા કમળાબહેન વ્યવહારકુશળ અને રૂપાળાં. સરસ કંઠ. કવિતા પણ ગાઈને શીખવાડે. માતાપિતા બંનેની લાક્ષણિક ધારાઓ જયાબહેને ઝીલી છે. એમને ઘણાં ગીતો, કવિતાઓ મોઢે છે અને હલકથી ગાય છે. નાનપણમાં એમનું ગીત સાંભળીને પીતાંબર પટેલે એમને રેડિયો પર ગાવાનું ઇજન આપેલું, પણ પિતાએ ના પાડેલી. એ અફસોસનો લસરકો ઠીક-ઠીક વખત સુધી એમના મનમાં રહેલો.

૧૯૫૫માં એમનાં લગ્ન થયાં સૂર્યકાન્ત દેસાઈ સાથે. મૂળ નડિયાદના, પણ આફ્રિકામાં જઈને વસેલા સૂર્યકાન્તે કૅમ્બ્રિજની પરીક્ષા પસાર કરેલી અને તરત કૌટુંબિક જવાબદારી નિભાવવા નોકરી સ્વીકારેલી. એમનો પાંચેક વર્ષનો વસવાટ દારેસલામમાં. ૧૯૬૧માં ટાન્ગાનિકાને સ્વતંત્રતા મળી, તેની સાથે રાજકીય સમીકરણો બદલાયાં. દેસાઈ દંપતીને લાગ્યું કે આફ્રિકામાં બાળકો માટે આશા બંધાવે એવું કોઈ ભવિષ્ય નથી, એટલે ૧૯૬૪માં ભારત ગયાં. ચારેક વર્ષ ભારતમાં ગુજાર્યા પછી સૂર્યકાન્ત દેસાઈ ૧૯૬૮માં લંડનના વેમ્બલી ઉપનગરમાં આવ્યા અને રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી લીધી. છ મહિના પછી જયાબહેન બે દીકરા સાથે ઇંગ્લૅન્ડ આવ્યાં અને ‘જ્યુડી’ નામની નવી શરૂ થયેલી ફૅક્ટરીમાં કામ મેળવી ડ્રેસ બનાવ્યો. સિલાઈકામ તો એ શીખેલાં હતાં. પરંતુ મશીન ચલાવતાં શિખવાડ્યું માલિકની માએ. પછી સેમ્પલ બનાવનાર તરીકે અઠવાડિયાના પંદર પાઉન્ડ મેળવતા થયાં.

ધીમેધીમે, નિષ્ઠાપૂર્વક કામમાં કુશળતા મેળવી ઘર લીધું. સિલાઈ માટે મશીન લીધું. એક સરખી ગુણવત્તાએ આબરૂ મેળવી આપી અને જીવનને સ્થિરતા મળવા લાગી. પછી થયું કે ઘેર સિલાઈકામ ચાલુ રાખીને બચતા સમયમાં પાર્ટટાઇમ કામ કેમ ન કરવું ? એ શોધ એમને ૧૯૭૪માં લઈ ગઈ ગ્રનવીકને બારણે. પાર્ટટાઇમ ક્રમશઃ વિસ્તરીને ફૂલટાઇમ થઈ ગયો અને ગ્રનવીકને માથે કાગડી ભમી. ગોરા માલિકની તુમાખી તથા જોહુકમી સામે એમણે જંગ માંડ્યો અને બ્રિટનના ટ્રેડયુનિયનના ઇતિહાસમાં સ્થાન આંકી લીધું.

પ્રાપ્ત થયેલી કીર્તિને પોતાના લાભમાં ફેરવી નાખવાની કશી પેરવીમાં પડ્યા વિના, લડત પૂરી થયા પછી ઘેર બેસીને સિલાઈકામ ચાલુ રાખ્યું. એમાં આલ્પરટનની એક ફૅક્ટરીએ ઘેરબેઠાં કામ કરવાની સગવડ આપી, તેનાથી સંસાર નભતો થયો. સૂર્યકાન્ત દેસાઈ પણ રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાંથી બ્રિટિશ રેલ સાથે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. બીજી બાજુએ જયાબહેને પણ ‘બ્રેન્ટ ઇન્ડિયન એસોસિયેશન’ના કૉમ્યુિનટી ડેવલપમેન્ટ ઑફિસરની ટીમમાં કામગીરી સંભાળી. એમાંથી કામની શાખા-પ્રશાખા ફૂટવા માંડી. ઘરડાં લોકો માટે પેન્શનર્સ ક્લબ શરૂ કરી. તેમના ભોજન માટે હાર્લ્સડનમાં ચાલતા રસોડામાંથી મોટરવૅન મારફતે રસોઈ પહોંચતી થાય એવી ગોઠવણ કરી અને કમાણીમાં એમને મળ્યો બાપના જેવો પ્રેમ.

પછી આવ્યો બહેનોનો વારો. એમને ગુજરાતી શિખવાડવા બે-ત્રણ શાળાઓમાં વર્ગો ચલાવ્યા. એમાં સિલાઈકામ પણ ખરું. કિલબર્ન કૉલેજમાં એનો અભ્યાસક્રમ ચાલુ કરાવ્યો ને હેરોની કૉલેજમાં ‘સર્ટિફાઇડ એશિયન ડ્રેસમેકિંગ કોર્સ’ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો. છેલ્લાં છસાત વર્ષથી વેમ્બલીના ‘ડેનિસ જેક્સન સેન્ટર’માં ચાલતાં મહિલામંડળની પ્રવૃત્તિ સાથે, યોગ તથા રિફ્‌લેક્સોલૉજીની તાલીમમાં એ વિલાસબહેન ધનાણીની સાથે મળીને કામ કરે છે. આ સંસ્કારો ભારતના સ્વરાજઆંદોલનના સમયની દેન હશે? જયાબહેનની કોઠાસૂઝમાં અનુભવના અને વિશ્રંભકથામાં સાદગી અને અનાસક્તિના સૂર સંભળાય છે. ગ્રનવીકના આંદોલનકાળમાં એક પત્રકારને તેમણે કહેલું : Remember, that all this industrialisation is still only materialistic. It brings happiness, yes but it brings misery too. ગાંધી પણ સાંભળીને રાજી થાય એવું આ વિધાન એમની ધાણીફૂટ અંગ્રેજીમાં જોઈને સહેજે અચરજ થાય.

પરિવારમાં એમને બે પુત્રો છે : મોટા શિવકુમાર અમેરિકામાં, અને તેમનાથી નાના રાજીવ બ્રિટનમાં છે. બંને સારા સ્થાને છે. કુટુંબ હર્યુંભર્યું છે. જયાબહેન અને સૂર્યકાન્ત તેમની નિવૃત્તિની વચ્ચે મનપસંદ પ્રવૃત્તિ ખોળી લઈને જીવનધારાને સતત લીલી રાખે છે.

ગયે વર્ષે, ૧૯૯૯ની બાવીસમી મે અને શનિવારને દિવસે જયાબહેન પાસેથી તેમની જીવનચર્યા વિશે પૂછપરછ કરીને જરૂરી નોંધો ટપકાવી લીધી હતી. યોગાનુયોગ તે કેવો! આજે બરાબર એ જ બાવીસમી મે, ૨૦૦૦ અને સોમવારે ખુદ જયાબહેનના ઘરમાં બેસીને આ વર્તુળ પૂરું થાય છે. પૂરું થાય છે એમ તો શી રીતે કહી શકાય? આ દંપતીની પાસે નવાં શિખરો સર કરવા સિલકમાં ઘણાં વર્ષો પડેલાં છે.

[નિરીક્ષક,  ૧૬-૭-૨૦૦૦માંથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 08-09

Loading

3 January 2017 admin
← આ પ્રવાસનું ફર્સ્ટ હેન્ડ વર્ણન
કેશલેસ : પૈસા જ્યારે પૈસા નહીં, પ્રાઇવસીનો અધિકાર સ્ટેમ્પ હોય →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved