Opinion Magazine
Number of visits: 9740469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિસ્ટોલ : રાજા રામમોહન રાયના અંતિમ દિવસોનું સંભારણું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 January 2025

ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રાજા રામમોહન રાયની પ્રતિમા

રોહિત બારોટ

સુદૂર બ્રિસ્ટોલમાં અધ્યાપક મિત્ર રોહિત બારોટના નિધનના સમાચાર બે’ક અઠવાડિયાં પર જાણ્યા ત્યારે દિલમાં એક અપરિભાષિત ખટાકો બોલી ગયો. અમારે સારુ લંડનની ગુજરાતી લિટરરી એકેડેમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણી થકી એ ડાયસ્પોરા છેડે એક સાંસ્કૃતિક એલચી સરખા હતા; કેમ કે બ્રિસ્ટોલના રાજા રામમોહન રાયના સ્થાનકની અમારી યાત્રા અને કંઈક સમજ એમના સથવારાને આભારી હતી.

પ્રકાશ ન. શાહ

હમણાં મેં સુદૂર બ્રિસ્ટોલ એમ કહ્યું, પણ નૈઋત્ય ઇંગ્લેન્ડનું આ નગરવિશેષ મને કંઈ નહીં તો પણ ત્રણેક દાયકાથી ઢૂંકડું જ વરતાતું રહ્યું છે. 1983માં આપણા એકના એક કમળાશંકર પંડ્યાની સરક્યુલરી સ્ફૂર્તિથી ગુજરાતમાં રાજા રામમોહન રાયના મૃત્યુની સાર્ધ શતાબ્દી સાથે જોડાવાનું બન્યું તે વારાથી જ્યાં રાજા રામમોહન રાયની આખર પથારી થઈ હતી તે બ્રિસ્ટોલ હૃદયસરસું બની ગયું. એમાં વળી એમના સહવાસથી યજમાનપુત્રી મેરી કાર્પેન્ટરને મળેલી સેવાદીક્ષા વિશે જાણ્યું એથી તો બધું નજીક નજીક આવી લાગ્યું; કેમ કે ગુજરાતની ઓગણીસમી સદીની વિકાસવાર્તામાં ઑક્ટોબર 1866ના અરસામાં સુરત-અમદાવાદની, આ કાર્પેન્ટરબાઈની કેમિયો તો કેમિયો મુલાકાતનોયે કંઈક હિસ્સો છે જે એમણે પોતે, ‘સિક્સ મન્થ્સ ઈન ઇન્ડિયા’(1868)માં આલેખેલ છે.

બ્રિસ્ટોલના મુલાકાતીઓએ (અને અલબત્ત આ લખનાર જેવા યાત્રીઓએ) નોંધ્યું જ હોય કે સિટી કાઉન્સિલ અને કોલેજ ગ્રીન પરિસરમાં રાણી વિક્ટોરિયા અને રાજા રામમોહન રાયની પ્રતિમાઓ કંઈક સામસામે ખડી છે. રોહિત બારોટની ઇતિહાસ અને સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ વર્ણવું તો આ વિલક્ષણ તારામૈત્રકમાં હિંદમાં બ્રિટિશ રાજવટ અને નવજાગ્રત હિંદવી મૉડર્નિટીની એકમેક સાથેની દોસ્તી-દિલ્લગી તો કંઈક પડકાર લાગણી વરતાય છે. સાંસ્થાનિક કાળની ને અનુસાંસ્થાનિક કાળની, ઠીક ઠીક નજીક એટલી જ અઠીક આકુળવ્યાકુળ સંબંધનીયે જાણે કે આ સામસામી સૂરતમૂરત છે.

ઘરઆંગણે અંગ્રેજ નવશિક્ષણથી માંડી સતીપ્રથાના વિરોધ સમેતની કારકિર્દી(અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનીયે ઊંચી કામગીરી)ના પૂર્વરંગ સાથે 1831માં રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા. એમની ‘રાજા’ એ માનવાચક (ખરું જોતાં દરજ્જાવાચક) સંજ્ઞા તત્કાલીન દિલ્હીના નામકે વાસ્તે બાદશાહ અબુ-નાસર મુઈનુદ્દીન અકબરને આભારી હતી. બાદશાહના દૂત તરીકે એ ઇંગ્લેન્ડના રાજદરબાર સમક્ષ વર્ષાસન વૃદ્ધિની માંગણી સારુ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સતીપ્રથાની નાબૂદી માટેની એમની હિલચાલ સામે પ્રિવી કાઉન્સિલમાં રજૂઆત થવાની હતી એના પ્રતિવાદનો પણ ખયાલ હતો. વળી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્ટરનીયે ચર્ચાનો અવસર હતો. ત્રણે મુદ્દે-મોરચે રાજા રાય યશસ્વી રહ્યા અને 1833માં બ્રિસ્ટોલ પહોંચ્યા તે યુનિટેરિયન ચર્ચના મિત્રને મળવા જ્યાં તેમની પુત્રી મેરીને રાયના જીવનકાર્યમાં રસ જાગ્યો અને એક અંતરાલ પછી તે સંદર્ભે એ હિંદ પણ આવી.

બ્રિસ્ટોલમાં આવી રાજા રામમોહન રાયની છત્તર મુકામે રોહિત બારોટ, પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણીની ત્રિપુટી

આપણે બ્રિસ્ટોલ ઓથે વ્યાપક અર્થમાં ઇંગ્લેન્ડની અને હિંદની છેલ્લાં બસો વરસની સંબંધગાથાનાંયે પડ ઉકેલીએ છીએ. રાજાના મૃત્યુ પછી ખાસાં સાડત્રીસ વરસે કેશવચંદ્ર સેન બ્રિસ્ટોલ પહોંચ્યા હતા અને એમના સહયોગમાં એક ઇન્ડિયન એસોસિયેશનનીયે સ્થાપના મેરી કાર્પેન્ટરે કરી હતી. સેનથી ઘણા પહેલાં બ્રિસ્ટોલ જતીઆવતી પ્રતિભાઓ પૈકી ખાસ તો દ્વારકાનાથ ટાગોર હતા, રવીન્દ્રનાથના દાદા. એમણે સ્તો બ્રિસ્ટોલમાં રાજા રામમોહન રાયની સુંદર છત્રી (ભુજ જાવ તો જેને છતરડી કહે છે, તેવું કાંક) નિર્માણ કરી હતી.

એક તબક્કે ખાસો મજૂરકાફલો ઇંગ્લેન્ડ હિંદથી પહોંચ્યો હશે તે પછીનો દોર બંગાળના અભિજાત ભદ્રલોકનો હતો. કલકત્તા (કોલકાતા) ત્યારે અંગ્રેજ રાજધાની હતું અને બંગાળ-ઇંગ્લેન્ડનો દેશના બીજા ભાગો કરતાં કંઈક વિશેષ સંપર્ક હોય એ સહજ હતું. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યાપનની લાંબી કામગીરી અને વિધિવત નિવૃત્તિ પછી પણ વિઝિટિંગ ફેલો રહેલા રોહિતભાઈએ અઠ્ઠાવીસેક પાનાંની પુસ્તિકામાં હિંદ-બ્રિસ્ટોલ સંબંધગાંઠની ઠીક વિગતો આપી છે.

કેશવચંદ્ર સેનના સહયોગથી અસ્તિત્વમાં આવેલ ઈન્ડિયન એસોસિયેશન પછી લાંબે ગાળે બીજું એક ઇન્ડિયન એસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો આગલી સમાજસુધારાની ને મવાળ રાજકારણની ધારા કરતાં સ્વાતંત્ર્યચળવળ જોડે વધુ સક્રિય સંબંધ રહ્યો. એનું નેતૃત્વ કરનાર બ્રિસ્ટોલવાસી ડો. સુખસાગર દત્તા હતા. આ દત્તાની પૃષ્ઠભૂ રોહિત બારોટે વર્ણવી છે તે ભારતછેડેથી પણ રોમાંચક પરિવર્તનકથા તરીકે જોવા-સમજવા જેવી છે. દત્તા બંગાળના ભદ્રલોકનું સંતાન. એક ભાઈએ બારીન્દ્રનાથ ઘોષના યુગાન્તર જૂથ સાથે રહી આંદામાનવાસ પણ વેઠેલો. સુખસાગર દત્તા લંડન પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણવર્મા અને ‘ઇન્ડિયા હાઉસ’ના સંપર્કમાં મૂકાવું સહજ હતું.  એક તબક્કે એ અને સાવરકર એક જ ખોલીમાં સહભાડુઆત પણ હશે. ધીમે ધીમે એમનું દિલ ખુલ્લા રાજકારણ ભણી વળ્યું ને લેબર પાર્ટીમાં ગોઠવાયું. આ પાર્ટી હિંદની આઝાદી પરત્વે અભિમુખ હતી અને એમાં જહાલ કાર્યક્રમ સાથે લોકશાહીની અજબ મિલાવટ હતી – છેવટે તો, એના આરંભકારોની એક પ્રેરણા તો રસ્કિન અને ‘અન ટુ ધી લાસ્ટ’ હતી, જે ગાંધીની પણ હતી.

જોગાનુજોગ, નવ ઈસવી સંવંતના પ્રથમ દિવસ સારુ લખી રહ્યો છું અને રાજા રામ મોહન રાય વિશે વાત કરવાનો મોકો આવી મળ્યો ! આપણા આ રેનેસાંપુરુષે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંથી કેટલું ઉશેટી જાય છે એનો આરંભિક અંદાજ પણ આપેલો છે જે એમને દાદાભાઈના શકવર્તી ક્લાસિક ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ના નાંદીકાર ઠરાવવા પૂરતો છે. રેનેસાંની પહેલી છાલક કોલકતા પછી સુરત વાગી છે. 1844માં દુર્ગારામ મહેતાજીની ‘મનવધર્મ સભા’ આવી છે. (જો કે દૂરાકૃષ્ટ પણ એક યાદ ટાંકી જ દઉં − આ સ્તો માર્ક્સની અર્લી મેન્યુસ્ક્રિપ્ટસનો ગાળો છે, માર્ક્સ બીફોર માર્કિસઝમ !) હજુ ‘મહારાજ’ ફિલ્મ આડે અવરોધ આવે છે, આ આપણે ?!

ગમે તેમ પણ, નવું વરસ, બ્રિસ્ટોલની સામસામી તારામૈત્રક સ્મૃતિએ ઠીક બેઠું, એટલું તો ખરું જ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સંવર્ધિત સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 જાન્યુઆરી 2025

Loading

1 January 2025 Vipool Kalyani
← ખભે ચઢવું
અન્યાય સામે લડવું એ જ ધર્મ છે : કાકાસાહેબ કાલેલકર →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved