
રાજ ગોસ્વામી
તમે એને કેશિયસ ક્લે જુનિયરના નામથી બોલાવો કે મોહમ્મદ અલીના નામથી, તેના મુક્કાની અસર એક સરખી જ હતી. બોક્સિંગની દુનિયામાં એક એકથી ચઢિયાતા મુક્કાબાજ થયા છે, પરંતુ મોહમ્મદ અલી જેવો કોઈ થયો નથી. મુક્કાબાજ જેવી અસામાન્ય રમતના ખેલાડીઓનો પરિચય લોકોને આપવો પડે, પણ અલી એક એવો મુક્કાબાજ હતો જે પૂરી દુનિયામાં કોઈ પરિચયનો મોહતાજ નહોતો. બાળકોથી ઘરડાં સુધી સૌએ તેનું નામ સાંભળ્યું છે.
એ માત્ર મુક્કાબાજ જ નહોતો, પણ એક સાંસ્કૃતિક પ્રતિક હતો, અમેરિકાના અશ્વેત સમુદાયનો અવાજ હતો. અલીની આક્રમકતા અને વિજયની ભૂખને ગોરાઓના વર્ચસ્વ સામેના પ્રતિરોધના રૂપમાં જોવામાં આવે છે. કેશિયસ ક્લે જન્મે ઈસાઈ હતો, પણ અમેરિકન સમાજમાં ચાલતા રંગભેદના વિરોધમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને તે મોહમ્મદ અલી બની ગયો હતો.
તેની સાથે અને તેના સમાજના લોકો સાથે થતા ભેદભાવથી તેને કેટલી પરેશાની થતી હતી તેનો એક સૂચક કિસ્સો છે.
1960માં, રોમમાં યોજાયેલા ઓલેમ્પિકમાં કેશિયસ ક્લે (ત્યારે તે મોહમ્મદ અલી બન્યો નહોતો) મુક્કાબાજીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ઉંમર 18 વર્ષની હતી. તેને વિમાનની મુસાફરીનો ડર લાગતો હતો અને પેરાશુટ પહેરીને તે રોમની ફ્લાઈટમાં ગયો હતો. તેણે તેનાથી આઠ વર્ષ મોટા અને કદાવર ઝિન્ગી પિત્રઝક્વાસ્કીને પછાડીને મેડલ જીત્યો, તો વતનમાં ઓહાયો નદી કિનારે વસેલા લુઇસવિલે શહેરમાં લગ્ન જેવો માહોલ હતો. કેશિયસ માત્ર ક્લે પરિવાર જ નહીં, શહેરના પૂરા અશ્વેત સમુદાયનું ગૌરવ વધાર્યું હતું.
એ પછી એક ઘટના બની, જે તેને મોહમ્મદ અલી બનવા તરફ એક ઔર ધક્કો મારવાની હતી. નાનપણથી ‘નીગર’(નીગ્રો, જે અમેરિકામાં ગાળ ગણાય છે)નાં મહેણાં સાંભળીને મોટો થયેલો અલી એકવાર લુઇસવિલેની રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો, પણ તે અશ્વેત હતો એટલે રેસ્ટોરન્ટવાળાઓ તેને ખાવાનું આપવાની ના પાડી દીધી. અલી અકળાઈને ત્યાંથી નીકળી ગયો, નજીકમાં ઓહાયો નદીના જેફરસન કાઉન્ટી બ્રિજ પર ગયો અને ગળામાંથી ઓલમ્પિક ગોલ્ડ મેડલ ઉતારીને તેને નદીમાં ફેંકી દીધો.
1975માં પ્રગટ થયેલી તેની આત્મકથા ‘ધ ગ્રેટેસ્ટ’માં અલી લખે છે કે તે દિવસે બેવાર અપમાન થયું હતું. અલી અને એના ભાઈબંધની મોટરબાઈક ચોરતી ગેંગના એક માણસ સાથે મારામારી થઇ હતી. એ બંનેની બાઈક ચોરવા આવ્યો હતો. એ પહેલાં રેસ્ટોરન્ટ વાળાએ તેને અશ્વેત હોવાથી કાઢી મુક્યો હતો. મેડલને ફેંકી દીધો તે ક્ષણને યાદ કરીને અલી લખી છે, “મને ત્યારે પીડા કે પસ્તાવો થયો નહોતો, માત્ર રાહત અને નવી તાકાત મળી હતી.”
•••
મંગળવારની સાંજે, દિલ્હીમાં જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી ધરણાં કરી રહેલાં દેશનાં પહેલવાનો (વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા) તેમના ઓલેમ્પિક તેમ જ વિશ્વ મેડલ ગંગા નદીમાં વિસર્જિત કરવા માટે હરદ્વાર પહોંચ્યાં ત્યારે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મોહમ્મદ અલીની ઘટનાને તાજી કરી હતી (અમુક લોકોએ જો કે અલીની કહાનીને કાલ્પનિક પણ ગણાવી હતી, કારણ કે અલીનો મેડલ નદીમાં ડૂબી ગયો હતો કે તેનાથી ક્યાંક ખોવાઈ ગયો હતો તેને લઈને સ્પષ્ટતા નથી.)
પહેલવાનો ગંગા કિનારે પહોંચી પણ ગયાં હતાં, પરંતુ કિસાન નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પાંચ દિવસ માટે મેડલોનું વિસર્જન મુલતવી રાખ્યું હતું. ભારતીય પહેલવાન સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે મહિલા પહેલવાનોના જાતીય શોષણના આરોપસર ત્રણ પહેલવાનો એક મહિનાથી ધરણાં કરી રહ્યાં છે. રવિવારે, નવી સંસદના ઉદ્દઘાટન વખતે સંસદ સામે જ મહિલા પંચાયતનું આયોજન કરવા બદલ દિલ્હી પોલીસે પહેલવાનો સામે કાર્યવાહી કરી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધરણા સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. પરિણામે, પહેલવાનોએ મેડલને ગંગામાં વહાવી દેવાનું નક્કી કર્યું હતું.
તેમણે કહ્યુ હતું, “અમને આ મેડલોની જરૂરનથી કારણ કે તેને લટકાવીએ છીએ ત્યારે વહીવટીતંત્ર મોહરા તરીકે અમારોઉપયોગ કરે છે અને પછી અમારું શોષણ કરે છે. અમે જો શોષણ સામે બોલીએ તો જેલમાં પુરવાની ધમકી આપે છે. અમે તેને મા ગંગામાં વહાવી દઈશું. અમે ગંગાને પવિત્ર માનીએ છીએ – અમે મેડલો જીતવા માટે એટલી જ પવિત્રતાથી મહેનત કરી છે.”
બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલાં પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઘસેટી રહી હતી તે જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા. બંને વિરોધાભાસી દૃશ્યો આખા દેશે જોયાં હતાં.
રવિવાર અને મંગળવારની ઘટના પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ એક નિવેદનમાં કહ્યું છે કે પહેલવાનો સાથેનો વ્યવહાર અસ્વસ્થ કરનારો છે. કમિટીએ આરોપો સામે ઝડપી પોલીસ કાર્યવાહીની માંગણી કરી છે.
પોલીસ બ્રિજ ભૂષણ સિંહ સામે કેમ કારવાઈ નથી કરી રહી તે આશ્ચર્ય છે. તેની સામે એક સગીર વયની પહેલવાનના જાતીય શોષણનો આરોપ છે. દિલ્હી પોલીસે તેના પરથી 29 એપ્રિલે પોક્સો ધારામાં ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી પોલીસ પહેલવાનોના આરોપો પર ધ્યાન નથી આપતી તેવી ફરિયાદ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં પછી પોલીસે સિંહ સામે ફરિયાદ દાખલ કરી હતી.
પોક્સો ધારા બાળકોના યૌન શોષણને રોકવા માટેનો કાનૂન છે અને તેમાં તત્કાળ ધરપકડની જોગવાઈ છે. ધરપકડ પછી પોલીસ આરોપીને જામીન નથી આપી શકતી. આ ધારામાં દેશમાં અનેક ધરપકડો થઇ ચુકી છે. બ્રિજ ભૂષણ સિંહ સામે તો આમ પણ 30 કેસ દાખલ થયેલા છે. તે 6 વખતથી સંસદ સભ્ય છે. ઉત્તર પ્રદેશમાં સામાજિક અને રાજકીય રૂપે તેની મોટી વગ છે.
રાજ્ય સભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો છે કે પોક્સોમાં તત્કાળ ધરપકડની જોગવાઈનો અમલ ભા.જ.પ.ના સંસદ સભ્ય અને અન્ય અપરાધીઓ માટે અલગ છે? દિલ્હી પોલીસે કહ્યું છે કે આ સંવેદનશીલ કેસમાં તપાસ ચાલુ છે અને તેનો અંતિમ રિપોર્ટ સંબંધિત અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.
પહેલવાનોના આરોપનું એક કાનૂની પાસું છે તો બીજું રાજકીય પાસું પણ છે. સાધારણ કેસ હોત તો પહેલવાનોએ સડકો પર આવવું જ પડ્યું ન હોત, પરંતુ બ્રિજ ભૂષણ સિંહનું રાજકીય-સામાજિક કદ મોટું છે. એટલે જ પહેલવાનોના ન્યાય માટે શરૂ થયેલું અંદોલન હવે રાજકીય સૂચિતાર્થો સુધી પહોંચ્યું છે.
બ્રિજ ભૂષણ સિંહ જાટ સમુદાયમાંથી આવે છે. ઉત્તર ભારતમાં જાટ સમુદાયનું વર્ચસ્વ ખૂબ છે. લગભગ 30 જેટલી લોકસભા બેઠકો પર જાટ મતો નિર્ણાયક છે. એટલા માટે રાજકીય પક્ષો સાવધાનીપૂર્વક આ મુદ્દાને સ્પર્શી રહ્યા છે. પહેલવાનોના સમર્થનમાં પહેલીવાર પ્રિયંકા ગાંધી મહિના પહેલાં બહાર આવી હતી. તે પછી તરત જ બ્રિજ ભૂષણ સિંહે આરોપ કર્યો હતો કે હરિયાણાના કાઁગ્રેસ સાંસદ દીપેન્દ્ર હૂડાએ તેમની સામે રાજકીય કાવતરું ઘડ્યું છે. હૂડાએ વળતામાં સિંહ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા ધમકી આપી હતી.
ભા.જ.પ. માટે પણ સિંહ એટલા માટે જ ‘મૂલ્યવાન’ છે. એનો તાજો પુરાવો એ છે કે ખુદ બ્રિજ ભૂષણ સિંહે પોક્સો ધારામાં સુધારાની માંગણી કરી છે અને પોતાના સમર્થનમાં અયોધ્યાના સંતોને ઉતાર્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉતરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું છે કે સિંહને પોક્સો ધારામાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. સંતોએ 5મી જૂને અયોધ્યામાં રામ કથા પાર્કમાં પોક્સો સામે જાગૃતિ રેલીનું પણ આયોજન કર્યું, જેની અયોધ્યા પ્રશાસને મંજૂરી ના આપી. સિંહે પણ આક્રમક તેવર અખાત્ત્યાર કરતાં કહ્યું છે કે , “મારી સામે એકપણ આરોપ સિદ્ધ થશે તો હું ખુદ ફાંસી લગાવી દઈશ.”
દરમિયાનમાં, તમે એક્ટર મનોજ બાજપાઈની નવી ફિલ્મ “સિર્ફ એક બંદા કાફી હૈ” જોઈ છે? તેમાં જાતીય શોષણના આરોપ હેઠળ પોક્સો ધારાનો સામનો કરી રહેલા એક બાબાના વકીલો, ફરિયાદી સગીર યુવતીને પુખ્તવયની સાબિત કરવા માટે અદાલતમાં જન્મ તારીખને લઈને પુરાવાઓનું યુદ્ધ લડે છે.
કંઇક એવો જ વળાંક બ્રિજ ભૂષણ સિંહના કેસમાં આવ્યો છે. તેની સામે જાતીય શોષણનો આરોપ કરનારી રોહતક – હરિયાણાની સગીર પહેલવાન યુવતીના કાકાએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે તેમની ભત્રીજી સગીર નથી અને સરકારી નોકરીની લાલચ આપીને તેની પાસે ખોટો આરોપ કરાવામાં આવ્યો છે.
પહેલવાનોનું આ અંદોલન લાંબુ ચાલ્યું તો આ કેસમાં આવા અનેક અણધાર્યા વળાંક આવશે. વળાંકોનું એ ઊંટ કઈ તરફ બેસશે એ કોઈ અનુમાન કરી શકે તેમ નથી.
લાસ્ટ લાઈન:
“નૈતિકતા એટલે તમારે પાસે શું કરવાનો અધિકાર છે અને શું કરવું અધિકૃત છે તે વચ્ચેના ફરકની સમજ.”
— પોટર સ્ટેવર્ટ, અમેરિકન વકીલ અને જજ
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 04 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર