
હેમન્તકુમાર શાહ
ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દૈવાસુરસંપદવિભાગયોગ નામના સોળમા અધ્યાયમાં આસુરી વૃત્તિના મનુષ્યનાં લક્ષણો અર્જુનને આ મુજબ જણાવે છે :
(૧) એ શું કરવા જેવું અને શું ન કરવા જેવું છે તે જાણતો નથી.
(૨) એ ધર્મ અને અધર્મ શું છે તે જાણતો નથી.
(૩) ઊંધા વિચારો પકડીને એ અહિતકારી કર્મો કરે છે.
(૪) એ દંભ, મદ અને અભિમાનથી ભરેલો હોય છે.
(૫) ભોગવિલાસ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એમ એ માને છે.
(૬) અન્યાય વડે ધન મેળવવાની એ આશા રાખે છે.
(૭) મેં આ શત્રુનો નાશ કર્યો અને હવે બીજા શત્રુનો નાશ કરીશ એમ જ એ વિચાર્યા કરે છે.
(૮) હું સિદ્ધ છું અને હું બળવાન છું એમ જ એ માને છે.
(૯) એ પોતાને વખાણ્યા કરે છે અને પોતાની મોટાઈ બતાવ્યા કરે છે.
(૧૦) એ દ્વેષી અને અહંકારી હોય છે.
(૧૧) એ સારા માણસોની નિંદા કરે છે.
(૧૨) ખોટું કર્મ કરતાં જેને શરમ ન આવે.
ભગવાન શ્રીકૃષ્ણ આસુરી વૃત્તિ ધરાવતી વ્યક્તિનું આવું બધું વર્ણન કર્યા પછી સોળમા અધ્યાયના ૧૯મા શ્લોકમાં એમ કહે છે કે આવા માણસને તેઓ નરક તરફ જવાના માર્ગમાં હડસેલે છે અને આસુરી યોનિમાં નાખે છે.
કોઈ મોટીવેશનલ સ્પીકરો કે કથાકારો આ લક્ષણો વિશે સીધેસીધી વાત રાજનેતાઓને સંબોધીને કરે ખરા? કે પછી એ બધી શિખામણો સામાન્ય લોકોને જ આપ્યા કરે?
બોલો, આજના ભારતના રાજનેતાઓમાં આસુરી વૃત્તિ વિશેનાં મોટા ભાગનાં લક્ષણો સૌથી વધુ કોને લાગુ પડે છે?
અને હા, આ સોળમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં સત્પુરુષનાં લક્ષણો દર્શાવતાં ભગવાન શ્રીકૃષ્ણ પહેલું લક્ષણ ‘અભય’ છે એમ કહે છે. વિનોબા ભાવે અભય વિશે એમ કહે છે કે અભય એટલે કશાથી કે કોઈનાથી ડરવું નહીં અને કોઈને ડરાવવા પણ નહીં. બોલો, આજે સમાજમાં સરકાર દ્વારા કેટલો બધો ડર ઘૂસી ગયો છે કે ઘૂસાડી દેવામાં આવ્યો છે! સરકાર એટલે સરકારમાં બેઠેલા માણસો, સરકાર કંઈ પ્રેમ, દયા કે કરુણા જેવું ભાવવાચક નામ નથી.
જે સત્ય અને અહિંસાનું પાલન કરે છે તે સત્પુરુષ છે એમ પણ શ્રીકૃષ્ણ કહે છે કે જે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે! આ તો મહાત્મા ગાંધીની વાત થઈ! બંને મોહનની એક જ વાત!
તા.૦૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર