ખોરાક અને પોષણ સંબંધી, ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન’નો ૨૦૧૮નો અહેવાલ , દુનિયામાં ૨૦૧૫થી ભૂખમરો વધી રહ્યો હોવાનું જણાવે છે. [http://www.fao.org/state-of-food-security-nutrition/en/] દુનિયાની કુલ વસ્તી પૈકીની ૧૧ ટકા વસ્તી અર્થાત્ ૮૨.૧ કરોડ લોકો એવા છે જેમને પેટનો ખાડો પૂરવા ધાન મળતું નથી. એશિયા ખંડની કુપોષિત વસ્તી ૫૧.૫ કરોડ છે અને તેમાંથી લગભગ ૪૦ ટકા ભારતમાં હોવાનો અંદાજ છે. ૨૦૧૮નો વિશ્વ ભૂખ સૂચકાંક ભારતમાં ભૂખમરો વધ્યાનો નિર્દેશ કરે છે. આ સઘળી હકીકતો, ૨૦૨૨માં ભારતને અને ૨૦૩૦માં વિશ્વને ભૂખમરામુક્ત કરવાના અભિયાન સામે સવાલ બનીને, પડકાર બનીને ઊભી છે.
૨૦૦૬ના વરસથી જર્મનીની સંસ્થા વેલ્થહંગરહિલ્ફે “ગ્લોબલ હંગર ઈન્ડેક્સ” જાહેર કરીને વિશ્વને ભૂખમરાથી સાવધ કરી રહી છે. ૨૦૧૮ના વરસના તેના તેરમા રિપોર્ટમાં, જે ૧૧૮ દેશોનો વિશ્વ ભૂખ સૂચકાંક જાહેર થયો છે તેમાં, ભારતનો ક્રમ ૧૦૩ છે. ૨૦૧૫માં ભારતનો ક્રમ ૮૫, ૨૦૧૬માં ૯૭, ૨૦૧૭માં ૧૦૦ હતો. જેટલો આંક ઊંચો એટલો ભૂખમરામાં ક્રમ આગળ એમ જણાવતો આ હેવાલ નોંધે છે કે ભારતનો હંગર ઈન્ડેક્સ એશિયાના અન્ય બે દેશો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં જ સારો છે. એશિયાના અન્ય ગરીબ ગણાતા દેશોમાં ભારત કરતાં ભૂખમરાની સ્થિતિ બહેતર છે. શ્રીલંકાનો ભૂખ સૂચકાંક ૬૭, મ્યાંમારનો ૬૮, નેપાળનો ૭૨ અને બાંગ્લાદેશનો ૮૬ છે. ભારતનું અર્થતંત્ર જેની સાથે સ્પર્ધામાં હોવાનું કહેવાય છે તે ચીનમાં ભારત કરતાં ભૂખમરો નહિવત્ છે અને તેનો હંગર ઈન્ડેક્સ ૨૫ છે.
વૈશ્વિક, રાષ્ટ્રીય અને ક્ષેત્રિય એમ તમામ સ્તરે ભૂખમરાનું આલેખન વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં કરવામાં આવે છે. તેમાં અલ્પપોષણ, બાળકોમાં અલ્પપોષણ, પાંચ વરસ સુધીના બાળકોનો શારીરિક વિકાસ (ઊંચાઈ અને વજન) તથા બાળમૃત્યુ દરને મહત્ત્વના માપદંડ માનીને ભૂખમરાની તીવ્રતા કે ઘટાડો તપાસાય છે. ભારતના નીતિ આયોગે એમ કહીને આ વરસના ભૂખ સૂચકાંકમાં ભારતનો ક્રમ ૧૦૦થી વધીને ૧૦૩ થયો તેને નકાર્યો છે કે તેમાં કુપોષણ અને બાળકોનાં કુપોષણને વધારે પડતું પ્રાધાન્ય આપ્યું છે.
દુનિયાની અમીરી અને ગરીબી વિશે જાતભાતના સર્વે અને સંશોધનો પ્રકટ થતાં રહે છે. સરકારો તેને માફક આવે તેવા સર્વે-સંશોધનોને ફુલાવીને પ્રચારિત કરતી રહે છે તો તેનું નીચાજોણું થાય તેવા સંશોધનો નકારતી ફરે છે. હાલમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે રાજ્યો બહુ આયામી ગરીબી આંક(મલ્ટીલેવલ પ્રોવર્ટી ઈન્ડેક્સ)માં મોખરે છે. પણ તે કોઈ ચૂંટણી મુદ્દો બનતો નથી. મધ્યપ્રદેશનો એમ.આઈ.પી ૦.૧૮૧ છે. જે દુનિયાના સૌથી ગરીબ દેશ નામીબિયા જેટલો છે. છત્તીસગઢનો બહુઆયામી ગરીબી આંક ઝિમ્બાવે જેટલો, રાજસ્થાનનો ગ્વાટેમાલા જેટલો, ઉત્તરપ્રદેશનો કોંગો જેટલો અને બિહારનો મલાવી જેટલો છે. દેશનું સૌથી શિક્ષિત રાજ્ય કેરળ બહુ આયામી ગરીબીમાં સાવ જ તળિયે છે. તેનો એમ.આઈ.પી દુનિયાના સૌથી સુખી દેશ જોર્ડન જેટલો, ૦.૦૦૪, છે.
એક તરફ યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અહેવાલ મુજબ ભારતમાં ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવી ગયાનું જણાવાય છે. તો બીજી તરફ વિશ્વના ૪૫ ભૂખમરાગ્રસ્ત દેશોમાં હજુ ભારત સામેલ છે તે પણ વાસ્તવિકતા છે. ભારત વિશ્વના કુલ કુપોષિતો પૈકીના ૧૯ કરોડ એટલે કે દુનિયાના ૧૧ ટકા કુપોષિતો ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૭ કરોડ ૨૨ લાખ મુસલમાનો અને ૨૦ કરોડ ૧૪ લાખ દલિતોમાંથી ૪ કરોડ ૨૫ લાખ મુસલમાનો અને ૬ કરોડ દલિતો રોજના ૨૮ થી ૩૩ રૂપિયામાં જીવન ગુજારો કરવા મજબૂર છે. તેમાં જો આદિવાસીઓનો ઉમેરો થાય તો ચિત્ર કેટલું બિહામણું બની રહે ! જે લોકો એક ટંક ખાવાનું પામતાં નથી તેવા ભારતીયોમાં દેશની અર્ધી આબાદી એવી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા ઘણી મોટી છે.
જ્યારે દુનિયા ધનના અને ખાસ તો ધાનના ઢગલાથી ફાટફાટ હોય ત્યારે આટલો મોટા પાયા પરનો ભૂખમરો કોઈને પણ અકળાવે તેવો છે. ૨૦૧૬ની તુલનામાં ૨૦૧૭માં વિશ્વમાં અનાજનું ઉત્પાદન ૧.૨ ટકા વધ્યું હતું. ભારતમાં પણ અનાજની કોઈ ખેંચ નથી. આફ્રિકાના દેશોમાં ૨૦૧૭ના વરસમાં ગત વરસની સરખામણીએ અનાજનું ઉત્પાદન ૧૦.૧૮ ટકા વધ્યું હતું. જો કે અનાજની જરૂરિયાતવાળા ભૂખમરાગ્રસ્ત ૨૯ દેશો આફ્રિકાના જ છે. આ હકીકતો આપણાં નીતિ નિર્માતાઓએ લક્ષમાં લઈને જ્યારે અનાજની ટંચાઈ ન હોય ત્યારે લોકો ખરીદશક્તિના અભાવે, જોબલેસ ગ્રોથવાળા વિકાસના પ્રતાપે પેટ ભરવા જોગ દાણાપાણી ન મેળવી શકે તે સ્થિતિ નિવારવી પડશે. ભારતમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજનો પુરવઠો પહોંચાડવાની જાહેર વિતરણ વ્યવસ્થા તથા શાળાના બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજના વધુ સક્ષમ કરવાની જરૂર છે.
ભારતમાં આર્થિક વિષમતા સતત વધતી રહે છે. ગરીબ કલ્યાણ મેળાઓ અને મોલ કલ્ચરનું ભારતમાં સહઅસ્તિત્વ છે. મોટી મહેલાતોની બાજુમાં જ ઝૂંપડપટ્ટીઓ પણ છે. ટોચના ૧૦ ટકા ધનપતિઓ દેશના ૮૦ ટકા સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમાંના એકાદ ટકો તો પાછા એવા છે જે તેમાંના ૬૦ ટકા સંસાધનોના માલિકો બની બેઠા છે. આ એક ટકામાં મોટા અમીરો અને રાજકારણીઓ છે. આજના ભારતમાં જાણે કે આ અસમાનતા કોઈને અખરતી જ નથી. દેશના પાંચપંદર અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપતિના અડધાથી વધુ સંપત્તિ હોય તે વિષમતા ભયંકર ગણાવી જોઈએ. કેમ કે આ સંપત્તિ મજદૂરોના શોષણ પર ખડી થયેલી છે. ભારતની લોકસભામાં ૧૯૬૩માં, વિપક્ષના નેતા સમાજવાદી એવા ડો. રામમનોહર લોહિયા અને વડાપ્રધાન પંડિત નેહરુ વચ્ચે ત્રણ આના વિરુદ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. આ દેશમાં ગરીબ રોજના ત્રણ આના કમાતો હોય અને વડાપ્રધાનના કૂતરા પાછળ ત્રણ રૂપિયા ખર્ચાતા હોય તેની સામે લોહિયાનો વિરોધ હતો. ભારતની સંસદમાં આવી ચર્ચા હવે દુષ્કર છે. સર્વસમાવેશી વિકાસની વાતો તો બધી જ સરકારો કરે છે, પણ ભૂખમરાના ભીષણ આંકડા દર્શાવે છે કે વિકાસ હજુ તળિયે પહોંચ્યો નથી. આ વાસ્તવિકતા સ્વીકારીને સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરતી નીતિઓ સાથે અન્નનો અધિકાર આપીશું તો જ ભૂખમરામુક્ત ભારત અને વિશ્વ બનાવી શકાશે. રોટીની અવેજીમાં વચનોનાં આભલાં બહુ લાંબા નહીં ટકે.
e.mail : maheriyachandu @gmail.com