
ભૂખ તો બધાને લાગે છે. પશુઓ, પક્ષીઓ, જળચરો અને વૃક્ષોને પણ ભૂખ લાગે છે પણ ભૂખનો 'સ્વાદ' બહુ ઓછા લોકોને ખબર હોય છે. ભૂખનો સ્વાદ એટલે શું?
ભૂખ રોજેરોજ કરોડો લોકોને મળવા આવે છે પણ બહુ ઓછા લોકો તેને રોટીથી ભગાડે છે, ભગાડી શકે છે. દુનિયામાં લાખો લોકો એવા પણ છે, જેમની પાસે ભૂખને મારવા રોટી નથી. આ એવા લોકો છે જે ભૂખ્યા રહીને ભૂખને મારે છે, ભૂખનો શિકાર કરે છે. જો કે, ભૂખનો શિકાર કરવામાં તેમને વારંવાર સફળતા નથી મળતી. એક દિવસ ભૂખ આવે છે, બિલ્લી પગે, અને ખુદ શિકારીનો જ શિકાર કરીને જતી રહે છે, બિલ્લી પગે. આ એવા કમનસીબો હોય છે, જેમને ભૂખે બરાબર સ્વાદ ચખાડ્યો હોય છે. ભૂખનો સ્વાદ એટલે મોતનો સ્વાદ. એટલી બધી ભૂખ કે પછી ક્યારે ય ભૂખ આવવાને લાયક જ નથી રહેતી. ભૂખ જ્યાં આવે છે એ શરીરનું જ અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય છે.
ભૂખ લાગે ત્યારે જેમની પાસે તૈયાર ટિફિન હોય છે, ભાવતું ભોજન રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવાની કે ઘરે મમ્મી-પત્ની પાસે ભાવતું ભોજન બનાવડાવવાની ચોઈસ હોય છે, એ લોકો નસીબદાર છે. આપણા જેવા કરોડો લોકોને ભૂખનો અસલી સ્વાદ ખબર નથી પણ આપણે ભૂખ એટલે શું એ સમજી જરૂર શકીએ.
***
દુનિયામાં સૌથી વધારે અનાજ અને દૂધનું ઉત્પાદન કરતા ભારતમાં દર વર્ષે અનેક લોકો ભૂખ અને કુપોષણથી મરી જાય છે. અમેરિકાની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટ દર વર્ષે કયા દેશમાં કેટલા લોકો ભૂખે મરે છે અને કુપોષણથી કમોતે મરે છે એના આંકડા જાહેર કરે છે. જેમ વિવિધ દેશના જી.ડી.પી., માથાદીઠ આવક અને ફુગાવાના આંકડા હોય છે એવી જ રીતે, ભૂખના પણ આંકડા હોય છે. આ આંકડા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જી.એચ.આઈ.) તરીકે ઓળખાય છે.
આ વર્ષે જાહેર કરાયેલા જી.એચ.આઈ. પ્રમાણે, સૌથી વધારે ભૂખે મરતા ૧૧૮ દેશમાં ભારતને ૯૭મું સ્થાન મળ્યું છે. જો કે, જી.એચ.આઈ.માં ક્રમનું નહીં, પણ વસતીના પ્રમાણમાં કયા દેશમાં કેટલા ટકા લોકો વધારે ભૂખે મરે છે અને કુપોષણથી પીડાય છે એનું મહત્ત્વ વધારે હોય છે. જી.એચ.આઈ.માં ભારતનું સ્થાન આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત નાઇજર, ચાડ, ઇથિયોપિયા, સિયેરા લિયોન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશો સાથે છે. ભારતનો જી.એચ.આઈ. સ્કોર (ટકા નહીં) આ બધા દેશો જેવો જ છે. જેમ કે, વર્ષ ૨૦૧૬માં ભારતનો જી.એચ.આઈ. સ્કોર ૨૮.૫ છે, જ્યારે પાકિસ્તાનનો ૩૩.૪ ટકા છે. એટલે કે ભારત કરતાં પાકિસ્તાનમાં વધારે લોકો ભૂખમરા અને કુપોષણથી પીડાય છે. પાડોશી દેશોમાં ભારતની સ્થિતિ એકમાત્ર પાકિસ્તાન કરતાં સારી છે. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આનંદના' સમાચાર છે. ખેર, એ સિવાય બાંગ્લાદેશ (૨૭.૧), શ્રીલંકા (૨૫.૫), મ્યાંમાર (૨૨), નેપાળ (૨૧.૯) અને ચીન (૭.૭) વગેરે દેશોના બાળકોની સ્થિતિ ભારત જેટલી બદતર નથી. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આંખ આડા કાન કરવા' જેવા સમાચાર છે.
એવું નથી કે, ભારત મોટો દેશ છે એટલે તેના હાલ ખસ્તા છે. ભારતની વસતી વધારે છે એટલે વધારે લોકો ભૂખે મરે છે કે કુપોષણથી પીડાય એ વાત સાચી, પરંતુ વસતી તો ચીનમાં પણ વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રાજકીય વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ ભારતની સરખામણી ચીન સાથે કરે છે કારણ કે, આ બંને દેશ લગભગ સરખી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે. હવે ચીનના આંકડા જુઓ. ચીનનો જી.એચ.આઈ. સ્કોર ફક્ત ૭.૯ છે, જ્યારે ભારતનો ૨૮.૫ ટકા. ભારતની કુલ વસતીના ૧૫.૨ ટકા લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, જ્યારે ચીનમાં ફક્ત ૮.૮ ટકા. એવી જ રીતે, ભારતમાં કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકો ૩૮.૭ ટકા છે, જ્યારે ચીનમાં આ આંકડો ૮.૧ ટકા છે. ભારતમાં ગર્ભવતીઓને પોષણયુક્ત ભોજન નહીં મળતું હોવાથી આ આંકડો આટલો ઊંચો છે.
ચીનમાં પણ વસતી વધારાની મુશ્કેલી છે પણ ચીને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ સામે લડવા જડબેસલાક યોજનાઓ બનાવી છે. ભારતમાં પણ ભૂખમરા અને કુપોષણ સામે લડવા વિશ્વની સૌથી મોટી યોજનાઓ ચાલે છે, મધ્યાહ્ન ભોજન અને આંગણવાડી. જો કે, આ પ્રકારની યોજનાઓમાં પણ બાળકોના હિસ્સાનું ઘણું બધું ભોજન નાના-મોટા રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ જ હજમ કરી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક લોકો આ યોજનાઓમાંથી જ તગડા થયા છે, આર્થિક અને શારીરિક એમ બંને અર્થમાં.
એવું પણ નથી કે, ભારતમાં અન્નનું ઉત્પાદન ઓછું થાય છે. દેશમાં ૧૨૫ કરોડ લોકોને બે ટંક ભોજન આપી શકાય એનાથી પણ વધારે અન્નનું ઉત્પાદન થાય છે. ભારત તો હરિયાળી અને શ્વેત ક્રાંતિનાં ગુણગાન ગાતાં થાકતું નથી. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૦૮માં પંજાબ જેવા હરિયાળી ક્રાંતિના 'પોસ્ટર બોય' રાજ્યનો જી.એચ.આઈ. સ્કોર ૩૦.૯ એટલેે કે 'એક્સ્ટ્રિમલી એલાર્મિંગ'ના ખાનામાં હતો. એવી જ રીતે, શ્વેત ક્રાંતિ માટે દેશવિદેશમાં નામના પામેલા સમૃદ્ધ ગુજરાતના દોઢ લાખ બાળકો સિવિયર એક્યુટ માલન્યુિટૃશન એટલે કે અત્યંત ગંભીર કુપોષણનો ભોગ બનેલા છે.
ભારત જાતભાતના વિરોધાભાસોથી ભરેલો દેશ છે. અહીં એક તરફ લાખો લોકો ભૂખે મરે છે અને બીજી તરફ, ગોદામોના અભાવે કે ખામીયુક્ત જાહેર વિતરણ વ્યવસ્થાના કારણે જગતના તાતે લોહી-પરસેવો સીંચીને પકવેલું લાખો ટન અન્ન સડી જાય છે. તાજા આંકડા પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે ૬૭ કરોડ ટન અન્નનો બગાડ થાય છે, જેની કિંમત આશરે રૂ. ૯૨ હજાર કરોડ જેટલી થાય છે! આ આંકડામાં ફક્ત ગોદામોમાં અને ટ્રાન્સપોર્ટેશન વખતે બગડી જતાં અન્નનો સમાવેશ કરાયો છે, હોટેલ-રેસ્ટોરન્ટ અને લગ્નોમાં વેડફાતા રાંધેલા ખોરાકનો નહીં.
'સંવેદનશીલ દેશપ્રેમીઓ' દલીલ કરે છે કે, દેશ મોટો છે એટલે મેનેજમેન્ટ થઈ શકતું નથી પણ આ બધી બકવાસ દલીલો છે. મેનેજમેન્ટ કરવું સરળ પડે એટલે જ તો દેશ રાજ્યો, જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યો છે. ભૂખ અને કુપોષણ સામે લડવા આ બધી જ યોજનાઓનો ઉપરથી નીચે સુધી અમલ થાય જ છે, પણ મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓનો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતને સ્થાન અપાવવામાં આ પ્રકારના પરિબળો પણ એટલા જ કારણભૂત છે.
વર્ષ ૨૦૧૩માં સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કરીને ભૂખ અને કુપોષણ સામે લડવા ત્રણ મોટી યોજનાનો અમલ કર્યો હતો, પરંતુ આ યોજનાઓ વચ્ચે પણ સંકલનનો અભાવ છે. જેમ કે, શહેરોમાં આંગણવાડીઓ ચલાવવાનું કામ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈ.સી.ડી.એસ.) હેઠળ થાય છે, જ્યારે ગર્ભવતીઓ-બાળકોના આરોગ્ય માટે તેમની સાથે સંપર્કમાં રહેવાનું અને તેમની જરૂરિયાતો સંતોષવાનું કામ મ્યુિનસિપાલિટીઓ કરે છે. મુશ્કેલી એ છે કે, આઈ.સી.ડી.એસ. અને મ્યુિનસિપાલિટીનું તંત્ર એકબીજા સાથે કામ કરવાના બદલે સ્વતંત્ર રીતે કામ કરે છે. પરિણામે યોજનાનો અમલ બિનઅસરકારક રીતે થાય છે. ગુજરાતમાં પણ આ ફરિયાદો થઈ ચૂકી છે. આ તો શહેરોની વાત થઈ, પણ આટલાં વર્ષો પછીયે ભારતના હજારો ગામડાંમાં ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓનાં પોષણ અંગે પાયાની સમજણ અને જાગૃતિ સુદ્ધાં નથી.
કદાચ એટલે જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં કહેવાયું છે કે, ભારત સરકારે 'સસ્ટેઇનેબલ ડેવપલમેન્ટ ગોલ' અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી ભૂખ અને કુપોષણ જેવી મુશ્કેલીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું આયોજન કર્યું છે, પરંતુ ભારત સરકારને તેમાં સફળતા નહીં મળે …
શું આપણે ધારીએ તો આ શબ્દોને ખોટા ના પાડી શકીએ?
——
જી.એચ.આઈ.નું માપ કેવી રીતે કઢાય છે?
ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટે વિશ્વભરમાં ભૂખથી થતા મોત સામે લડવા વર્ષ ૨૦૦૬થી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. આ ઈન્ડેક્સનું માપ કાઢવા મુખ્ય ચાર માપદંડનો આધાર લેવાય છે. ૧. વસતીના પ્રમાણમાં કુપોષણથી પીડાતા લોકો. ૨. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સંપૂર્ણ કુપોષિત બાળકોની ટકાવારી ૩. કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકોની ટકાવારી અને ૪. ભૂખમરા-કુપોષણના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામતા બાળકો. આ ચારેય માપદંડો પ્રમાણે ભારતની સ્થિતિ ભયાનક છે.
આ સંસ્થા ફક્ત ઈન્ડેક્સ જાહેર કરીને બેસી નથી રહેતી, પરંતુ વિકાસશીલ દેશોને ભૂખ અને કુપોષણ સામે લડવા કૃષિ વિજ્ઞાન, ટેક્નોલોજી, જાહેર વિતરણ વ્યવસ્થા અને ક્લાયમેટ ચેન્જ જેવા તમામ મુદ્દે મદદરૂપ થાય છે.
(શીર્ષક પંક્તિ : ચંદ્રકાંત બક્ષી)
—-
આ મારા લેખની લિંક છે : http://vishnubharatiya.blogspot.com/2016/10/blog-post_23.html
e.mail : vishnubharatiya@gmail.com
 

