Opinion Magazine
Number of visits: 9449978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભોગીલાલ ગાંધી, સેવા રૂરલ, પુસ્તક મેળો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 May 2016

ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ

ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (સંપાદન : પ્રકાશ ન.શાહ, રમણ સોની અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૬, રૂ. ૫૨૫/-) : ‘બુદ્ધનિષ્ઠ કર્મશીલનું વિરલ દૃષ્ટાન્ત’ એવા લેખક, સંપાદક, ચિંતક, પત્રકાર અને પ્રકાશક ભોગીલાલ ગાંધી (૧૯૧૧-૨૦૦૧) નવી પેઢી માટે સાવ જ અજાણ્યા બની જાય અને તેમની વૈચારિક મહત્તાને સમજનારી પેઢી અસ્ત પામે તે પહેલાં પરિષદે આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું તે સારું થયું. ભોગીભાઈના એકંદર જીવનકાર્ય વિશે તસવીરો સહિતની જરૂરી માહિતી, તેમના વિચારવિશ્વનો અંદાજ અને તેમના હરફનમૌલા વ્યક્તિત્વનું ચિત્ર આ પાંચસો બાસઠ પાનાનું પાકી બાંધણીનું પુસ્તક આપે છે. તેના પહેલા વિભાગના ચારસો પાનાંમાં ‘ઉપવાસી’ના પચીસેક વૈચારિક પુસ્તકોમાંથી ચૂંટેલાં બાવીસ લખાણો છે. જેમાં ગાંધીવિચાર, સર્વોદય, લોકશાહી સમાજવાદ ઉપરાંત તેમને વિશેષ આકર્ષી ગયેલા હર્બર્ટ રીડ, ટૉલ્સ્ટૉય, શરચ્ચન્દ્ર, માર્ક્સ અને દુર્ગારામ મહેતા સહિત અનેક વિષયો પરનાં લખાણોનો સમાવેશ થાય છે. ભોગીલાલ ગાંધી જેવા વૈચારિક વ્યાપ સાથે સતત ગંભીરતાપૂર્વક લખતા રહેનારા લેખકો આપણે ત્યાં હવે ઓછા છે.

સામાન્ય વાચકને ધ્યાનમાં લઈને સંપાદન કરવામાં આવે તો ‘ભોગીલાલ ગાંધી અને તેમનાં પુસ્તકો’ વિભાગ પુસ્તકની શરૂઆતમાં મૂકવા જેવો છે. તેમાં ભોગીલાલ વિશેના ચરિત્રલેખો, તેમના ‘સાધના’ કાવ્યસંગ્રહ, ‘મિતાક્ષર’ લેખસંગ્રહ અને તેમણે વ્રત તરીકે ચલાવેલ વિચારપત્ર ‘વિશ્વમાનવ’ વિશેના લેખો છે. ત્રીજા વિભાગમાં કુટુંબીજનોનાં સંસ્મરણો છે. તેમાં (અને બીજા ભાગના વ્યક્તિચિત્રોમાં)  ભોગીભાઈ તેમ જ પ્રેમાળ અને  પ્રબુદ્ધ  સુભદ્રાબહેનનાં સભર દામ્પત્યજીવન વિશે વાંચવા મળે છે. સુભદ્રાબહેનનું પક્ષીવાત્સલ્ય, ભોગીભાઈની સંપત્તિનિર્લેપતા, ઉભયનો આતિથ્યાચાર, અપાર સ્નેહથી  પુત્રવધૂ નંદિની સાથેનું ભોગીભાઈનું અનુકૂલન (ઘર તેમણે દીકરા અમિતાભ નહીં પણ નંદિનીને નામે કર્યું હતું) જેવી હૃદયસ્પર્શી યાદો મળે છે.

અત્યારના સમયના કોઈ પણ સારા સંપાદનમાં હોવી જોઈએ તેવી કેટલીક બિલકુલ દેખીતી  બાબતો – ગુજરાતના શ્રેષ્ઠ-કનિષ્ઠ બંને કોટિના થઈને કુલ આઠ સાક્ષરોની બનેલી ટુકડીએ સંપાદિત કરેલા – આ મહત્ત્વના ગ્રંથમાં ચૂકી જવાઈ છે, જેને કારણે તેનું સંદર્ભમૂલ્ય ઓછું થાય છે. જેમ કે, ભોગીલાલભાઈની જીવનરેખા જે પ્રકાશભાઈના લેખમાં છે તે માહિતીના ઉમેરણ અને સાલવારી સાથે વધુ ઉપયોગી માંડણીથી પરિશિષ્ટ તરીકે મૂકી શકાઈ હોત. એવું જ લેખકના ગ્રંથોની બાબતમાં પણ થઈ શક્યું હોત. ઉપરાંત આવા પટવાળા ગ્રંથમાં એક કે વધુ સૂચિ કેટલી જરૂરી છે તે ભાગ્યે જ સમજાવવાનું હોય. વૈચારિક સ્તરે બે મુદ્દા. એક, ‘ઉપવાસી’ના સામ્યવાદથી ગાંધીવાદ તરફના અને વિવેકવાદથી ચમત્કાર-સમર્થન સુધીના સંક્રમણને લગતાં તેમનાં ખુદના અને/અથવા અભ્યાસીઓનાં લખાણોએ મૂલ્યવર્ધન કર્યું હોત. બીજો મુદ્દો, ‘સંપાદકીય’ થકી સંપાદક ટુકડીને ખુદને આ ગ્રંથની અંદરની સામગ્રી વિશેની હકીકતો નોંધવા સિવાય ભોગીલાલ ગાંધી અને તેમના વિચારવિશ્વ વિશે કશું કહેવાનું બનતું નથી તે આશ્ચર્યજનક છે.

સેવા રૂરલ ઝઘડિયાને દર્શક ફાઉન્ડેશનનો ગ્રામપુનરુત્થાન ઍવોર્ડ

શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન સન્માન સમારંભ ગુજરાત દિનની પૂર્વ સંધ્યાએ યોજાયો. સાહિત્ય માટેનું સન્માન  વાર્તાકાર હિમાંશી શેલતને મૂલ્યનિષ્ઠ  સર્જન માટે આપવામાં આવ્યું. ગ્રામ પુનરુત્થાન માટેનો ઍવૉર્ડ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલી ‘સેવા રૂરલ’ સંસ્થાને આપવામાં આવ્યું. ‘સેવા’ શબ્દ ‘સોસાયટી ફૉર એજ્યુકેશન વેલફેર ઍન્ડ ઍક્શન’ અંગ્રેજી નામના અદ્યાક્ષરોનો બનેલો છે. ઍવૉર્ડ કાર્યક્રમ ‘સેવા’ના પ્રાંગણમાં યોજાયો હતો.

સેવા રૂરલ સંસ્થા આદિવાસી તેમ જ ગરીબ દરદીઓ માટે માનવામાં ન આવે તેવા ઓછા દરે ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડવાનું કામ ત્રણ તપ કહેતાં, છત્રીસ વર્ષથી વ્યક્તિગત કે સંસ્થાકીય પ્રસિદ્ધિથી અલિપ્ત રહીને કરી રહી છે. દેખીતી રીતે જ અભાવગ્રસ્ત એવા સેંકડો દરદીઓથી ભરેલી સુસજ્જ, સુવ્યવસ્થિત અને સૌજન્યપૂર્ણ હૉસ્પિટલની મુલાકાત નતમસ્તક બનાવે છે. સહુથી મહત્ત્વની વાત એ કે અહીં દર વર્ષે ઓ.પી.ડી.ના ૫૫% અને દાખલ કરેલામાંથી ૮૫% જેટલા દરદીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. દર વર્ષે ઓ.પી.ડી.માં એક લાખ દરદીઓ આવે છે. દાખલ થનારાની વાર્ષિક સંખ્યા સોળ હજાર, પ્રસૂતિ ચાર હજાર, જુદાં જુદાં ઑપરેશન્સ સાત હજાર-પછાત વિસ્તારમાં, શહેરથી દૂર આવેલી, રિપીટ – શહેરથી દૂર આવેલી, આ હૉસ્પિટલનો લાભ ગામ ૨૬૦૦ ગામોને મળે છે. અહીં પૂર્ણ સમયના વીસ તબીબો સેવારત છે. નજીવા દરે સારવાર, દરદી માટે મફત અને સગાં માટે રાહતદરે ઉત્તમ ભોજન, ખૂબ ઓછી કિંમતે દવા અને ચશ્માં, આંખની સારવાર સ્ત્રીઓના રોગ અને અન્ય ઑપરેશનો માટેની શિબિરો, તાલીમ અને રોજગારના ઉપક્રમો જેવી અનેક બાબતો નોંધી શકાય.

દર્શક ફાઉન્ડેશનના મનસુખ સલ્લાએ સન્માન અવસર માટેની પત્રિકામાં સેવા રૂરલનો પરિચય આપ્યો છે. તેમાં તેના કાર્યને સમજવા માટે અનિવાર્ય બે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે જે વસાવી લેવાનો મનસૂબો પત્રિકા વાંચતી વખતે જ કરી લીધો હતો. પણ યજમાનોએ આ બંને પુસ્તકો ભેટ આપ્યાં. ઉપર્યુક્ત વિગતો તેમાંથી મળે છે. ‘વલોણું’ નામનું પુસ્તક સંસ્થાએ ઓગણીસમી ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ ત્રીસ વર્ષ પૂરાં કર્યાં તે નિમિત્તે તૈયાર થયું છે. સંસ્થાના ‘વલોણું’ નામના ૧૯૮૬થી બહાર પડતા ત્રૈમાસિક મુખપત્રના ચૂંટેલા છાંસઠ આરંભિક લેખો અહીં મૂકવામાં આવ્યા છે. એકસો પંદર પાનાંના આ પુસ્તકમાં તબીબો સહિતના કાર્યકર્તાઓને થયેલા અનુભવો અને અનુભવાયેલા સંવેદનોનું બયાન છે. સાથે સંસ્થાના વિવિધ ઉપક્રમોનો તપસીલ પણ મળે છે. આ પુસ્તકમાં એક બાજુ ગરીબ દર્દીઓનાં વીતક છે : જોખમભરી સુવાવડો, માતા અને બાળકની તંદુરસ્તીના સવાલો, અંધશ્રદ્ધા-અજ્ઞાન, ઍનિમિયા અને અંધાપો, મજબૂરી અને ગેરસમજ. સાથે ગરીબી-બેકારી-નિરક્ષરતા, માહિતીની ઉણપ, સમાજની કઠણાઈ, પાણી-વીજળી-રસ્તા-સાધન-શિક્ષણનો અભાવ જેવા અનેક અવરોધો છે. વળી, હિતશત્રુઓના કાવાદાવા અને સત્યકેન્દ્રી  સંઘર્ષકથાઓ છે. ભૂલ-સ્વીકાર માટેની સંસ્થાની પ્રામાણિકતા અને સુધારા માટેની તત્પરતાના કિસ્સા  છે. સરકાર અને સંસ્થાઓ સાથેનાં જોડાણ છે.  સાક્ષરતા, તાલીમ અને રોજગારી માટેના હૃદયપૂર્વકના પ્રયત્નો છે. સમજ-સહકાર-સંવાદિતા-સ્વમૂલ્યાંકન અને સતત નિઃસ્વાર્થ સેવાપરાયણતા સ્થાયી ભાવ છે. પુસ્તકના પ્રવેશક ‘પ્રગટ ચિંતનની સરવાણી’ માં પિંડવળ-બિલપુડીના મોટા  સમાજસેવક ભીખુ વ્યાસ લખે છે :

તળ ગ્રામ સ્તરે કામ કરતા નાના, અદીઠ અને અલ્પશિક્ષિત સેવક-સેવિકાઓ ‘વલોણું’માં એક અનોખા મિજાજમાં પ્રગટ થાય છે, તેમને જાણે સ્વયંભૂ વાચા ફૂટી છે … સેવા રૂરલ એ પ્રચલિત અર્થમાં સંઘર્ષને વરેલું જૂથ નથી. આરોગ્યને કેન્દ્રમાં રાખીને સમાજ પુનરુત્થાન તેની દિશા છે. તો પણ સંઘર્ષ અનિવાર્ય બની જાય ત્યાં તેને ટાળવાની નહીં પણ, પણ મૂલ્યોને જાળવી તેમાંથી સુપેરે પસાર થવાની ભરચક કોશિશ પણ નજરઅંદાજ કરી શકાય તેવી નથી.

સેવા રૂરલના બીજા પુસ્તકનું નામ છે ‘ધન્યતાની કેડીએ એકબીજાને સથવારે …’. વીતેલા વર્ષના આખરી દિવસે, સેવાના પાંત્રીસમા વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાની ‘ગરીબો-કેન્દ્રિત અને મૂલ્યલક્ષી અવિરત યાત્રા’નું પરિદૃશ્ય અનેક રંગીન છબિઓ સાથેની પદ્ધતિસર રજૂ થયેલી પુષ્કળ માહિતી આ સ્મરણિકામાં મળે છે. ‘ધન્યતાની કેડીએ …’ પુસ્તક સપનાં, કાર્યક્રમો અને ફળશ્રુતિ એવા વિભાગોમાં વહેંચાયેલું છે. ઇલાબહેન ર. ભટ્ટે લખેલા પ્રવેશકનું યથાર્થ શીર્ષક છે ‘સેવાકાંક્ષીની સાર્થકતા’.

પુસ્તકમેળામાંથી મળ્યાં …

દર વર્ષની જેમ, ધખતા ઉનાળામાં પુસ્તકમેળો યોજીને સુધરાઈએ સાંસ્કૃિતક ઓરતા પૂરા કર્યા. ઉનાળામાં વાતાનુકૂલિત સગવડોથી પુસ્તકમેળો યોજવાનો ખ્યાલ તુઘલખી છે. પુસ્તકવિક્રેતાઓની રેઇન્જ અને ગુણવત્તાવાળા પુસ્તકોનો અભાવ હતો. તેને કારણે,  સંસાધનોના ટાળી શકાય તેવા બગાડથી ઊભી કરવામાં આવેલી, પુસ્તકેતર ચમકદમક વધુ આભાસી લાગતી હતી. થોડાક અપવાદો બાદ કરતાં  પુસ્તકોની વાત બાજુએ રાખીએ તો  અહીં મનોરંજન માટે ઘણું હતું. દરેક વાદળમાં એક રૂપેરી કોર હોય છે એ મતલબની અંગ્રેજી કહેવત છે. તે મુજબ કેટલાંક સારાં પુસ્તકો વસાવી શકાયાં તેના વિશે …

બિલીફ ઇન ધ બૅલટ (પબ્લિકેશન્સ ડિવિઝન, નવી દિલ્હી, ૨૦૧૬, રૂ.૩૦૦/-)ઃ  ભારતના ચૂંટણી પંચે તૈયાર કરાવેલા આ પુસ્તકનું પેટા મથાળું છે ‘હન્ડ્રેડ હ્યૂમન સ્ટોરિઝ ફ્રૉમ ઇન્ડિયન ઇલેક્શન્સ’. વિશ્વભરમાં જાણીતી ભારતની ચૂંટણીઓને લગતી માનવરસની આ કથાઓ ચૂંટણી ફરજ બજાવનાર વ્યક્તિઓ તેમ જ પત્રકારોએ લખેલી છે. તેમાં ફરજપરસ્તી અને હિંમત, નાગરિક સભાનતા અને આશા, નિશ્ચય અને પ્રયત્ન, તત્પરતા અને પ્રેરણાના કિસ્સા છે. ભારતના ઉત્તર, પૂર્વોત્તર, પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ એમ ચાર વિભાગમાં આ સ્ટોરિઝનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલી કથા જમ્મુ-કાશ્મિરની બે હજાર નવની ચૂંટણી વિશેની છે. સાડા તેર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા રાલાકુંગ મતદાન મથકમાં ત્રેવીસ અને ફેમાના ચૌદ મતદારો નોંધાયેલા હતા. તેમના માટે કુલ ચોવીસ ચૂંટણી કર્મચારીઓની બે ટુકડીઓ હતી. તેમને આ દુર્ગમ જગ્યાએ ખરાબ હવામાનને કારણે હવાઈ માર્ગે લઈ જઈ શકાયા નહીં. પહેલો તબક્કો રસ્તા પરથી વાહનમાં શક્ય બન્યો. પણ પછીના અડતાળીસ કિલોમીટર ઘૂંટણ સુધીના બરફમાં થઈને ચાલતા કાપવા પડ્યા અને મતદાન થયું!

ગુજરાતની ચાર સ્ટોરિઝમાં પહેલી ત્રીસેક કલાક સળંગ કામ કરતા રહેનારા બે કર્મચારીઓ વિશેની છે. તે પછી, અંજાર તાલુકાના રત્નાલ ગામે વર્ષોથી મતદાન કરનાર સંપૂર્ણ અપંગ નાગરિક ધનજીભાઈ આહિર વિશે વાંચવા મળે છે. ચૂંટણી પંચના કર્મચારીઓએ પછાત રાજુલા મતવિસ્તારમાં મતદાનનું પ્રમાણ શી રીતે વધાર્યું તેની વાત છે. બનાસકાંઠામાં રાવળ, ભરથરી, વાદી અને સરણિયા એવી ચાર વિચરતી અને વિમુક્ત જાતિઓને ચૂંટણીકાર્ડ શી રીત મળ્યા તેનું બયાન છે. રાજકોટમાં નિયમિત મતદાન કરતાં સો કરતાં વધુ ઉંમરના ૧૨૯ મતદારોની સરસ વાત પણ જાણવા મળે છે. સૂઝથી ડિઝાઈન થયેલું આ મહત્ત્વનું અને આકર્ષક પુસ્તક ઝડપથી છૂટી પડે તેવી બાંધણીવાળું અને ભારેખમ શા માટે  બનાવ્યું હશે તે તો નિર્વાચન આયોગ જ જાણે!

લાઇવ્ઝ ઇન ધ વિલ્ડરનેસ : થ્રી ક્લાસિક ઇન્ડિયન ઑટોબાયોગ્રાફીઝ (ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ,૨૦૦૯, રૂ. ૪૫૦/-) :  માનવભક્ષી શ્વાપદોના જાણીતા શિકારી અને વન્યજીવન નિષ્ણાત જિમ કૉર્બેટ(૧૮૭૫-૧૯૫૫)ની આત્મકથા છે ‘માય ઇન્ડિયા’ (૧૯૫૨). માનવવંશશાસ્ત્રી અને બૈગા તેમ જ ગોંડ આદિવાસીઓ માટે કામ કરનાર કર્મશીલ વેરિયર એલ્વિન(૧૯૦૨-૧૯૬૪)ની આત્મકથા છે ‘ધ ટ્રાઇબલ વર્લ્ડ ઑફ વેરિયર એલ્વિન’ (૧૯૬૪) અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાન પક્ષીવિદ સલીમ અલી(૧૮૯૬-૧૯૮૭)ની આત્મકથા છે ‘ધ ફૉલ ઑફ અ સ્પૅરો’ (૧૯૮૪). આ ત્રણેય મહાનુભાવોની આત્મકથાના હિસ્સા ત્રણસો ત્રીસ પાનાંના ઉપર્યુક્ત પુસ્તકમાં કેટલીક છબિઓ  અને મનોહર રેખાચિત્રો (ચિત્રકારનું નામ જણાવેલ નથી !) સાથે વાંચ વા મળે છે. અગ્રણી સંશોધક, ઇતિહાસકાર  અને રાજકીય વિશ્લેષક રામચન્દ્ર  ગુહાએ ચમકદાર પ્રસ્તાવનાની શરૂઆતમાં લખ્યું છે : ‘ભારતીય આત્મકથા પર ગાંધી, નહેરુ અને નિરદ ચૌધરીની આત્મકથા-ત્રયી(ટ્રાયમ્વુરેટ)નો પ્રભાવ છે ….’ ત્યાર બાદ ગુહા કૉર્બેટ, એલ્વિન અને સલીમ અલીનાં સ્વકથનોની મહત્તા સમજાવે છે. 

રાજકોટના પ્રવીણ પ્રકાશનના બે રસપ્રદ પુસ્તકો મળ્યાં. ‘અમારું વાચનવિશ્વ’ જેમાં રેખા દવેના સંપાદનમાં ‘સાહિત્યસર્જકોની વાચનયાત્રા’ વિશેની કેફિયતો છે. જોરાવસિંહ જાદવ સંપાદિત ‘લોકસાહિત્યની અશ્વકથાઓ’ પુસ્તક મળ્યું. હમણાં ભારતીય જનતા પક્ષના રાજકીય માનવપશુ સમા એક ધારાસભ્યે દહેરાદૂનમાં સત્તાધારી કૉંગ્રેસ સામેનાં દેખાવો દરમિયાન પોલીસના હાથમાંથી લાકડી છીનવી લઈને શક્તિમાન નામના અશ્વ પર વીંઝી. આ ઉમદા માદાએ પહેલાં તેનો પગ અને પછી જીવ ગુમાવ્યો. એ વિશે વિચારતાં-વાંચતાં-લખતા એમ થતું હતું કે અશ્વોની ઉમદાઈ વિશે કશુંક વાંચવા મળે તો કેવું સારું, અને હવે આ પુસ્તક મળ્યું. નૅશનલ બુક ટ્રસ્ટના સ્ટૉલમાં હિમાંશી શેલતે અનુવાદિત કરેલું પુસ્તક મળ્યું ‘કૂતરાની તાલીમ વિશે સંપૂર્ણ માર્ગદર્શન’ (૨૦૧૨), લેખક ગૌતમ ઉન્ની. હિમાંશી બહેનનાં પુસ્તકોની બિલકુલ હમણાંની સૂચિમાં પણ આ પુસ્તકનો ઉલ્લેખ નથી. એટલે એમની સાથે ફોન પર વાત કરી. એમણે કહ્યું, ‘હું તો ભૂલી જ ગઈ હતી કે મેં એ કામ કર્યું છે!’                        

૧૧ મે, ૨૦૧૬

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 16-17

Loading

21 May 2016 admin
← પછાતવર્ગની અનામતનો પેચીદો પ્રશ્ન
મહિલાઓએ અન્યાય-અત્યાચારનો સામનો કરવો પડે છે ત્યારે ઇલાબહેનનો ‘અવાજ’ યાદ આવે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved