અત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં છે અને BJP માટે કર્ણાટકમાં વિજય મેળવવો જરૂરી છે.
અઢારમી સદીમાં થઈ ગયેલા બ્રિટિશ સાહિત્યકાર સૅમ્યુઅલ જૉનસને ખાસ વરાઇટીના દેશભક્તો માટે કહ્યું હતું કે પૅટ્રિઑટિઝમ ઈઝ ધ લાસ્ટ રેફ્યુઝ ઑફ અ સ્કાઉન્ડ્રલ અર્થાત્ દૃષ્ટિજનો પાસે જ્યારે મોઢું છુપાવવાનો કોઈ માર્ગ નથી બચતો ત્યારે તેઓ દેશપ્રેમનો આશ્રય લે છે. અત્યારે દેશમાં આવું જ ચાલી રહ્યું છે. દેશપ્રેમના નામે સામાજિક તિરાડો પાડવામાં આવે છે, દેશપ્રેમના નામે હુલ્લડો કરવામાં આવે છે, દેશપ્રેમના નામે બળાત્કારીનો બચાવ કરવામાં આવે છે, દેશપ્રેમના નામે મીડિયા પોતાનો ભય અને બિકાઉપણું છુપાવે છે અને દેશપ્રેમના નામે શાસકો પોતાની નિષ્ફળતા છુપાવે છે.
અત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં છે અને BJP માટે કર્ણાટકમાં વિજય મેળવવો જરૂરી છે. કર્ણાટક નિર્ણાયક એટલા માટે છે કે ગુજરાતના હાંફી જનારા વિજય પછી અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટાચૂંટણીઓમાં થયેલા પરાજય પછી સમર્થકોનું મોરલ ટકાવી રાખવું જરૂરી છે. આ ઉપરાંત કર્ણાટક પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાઓની ચૂંટણી યોજાવાની છે જ્યાં BJP માટે કપરાં ચઢાણ છે. જો મોરલ તૂટે તો લોકસભાની ચૂંટણીમાં પણ માર પડે. ૨૦૧૩માં કૉન્ગ્રેસની બાબતમાં આવું જ બન્યું હતું. આમ BJP માટે દક્ષિણાયન અનિવાર્ય છે એટલે દરેક માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેએ કર્ણાટકમાં કોમી ધ્રુવીકરણ કરવાના શક્ય એટલા પ્રયાસ કર્યા હતા. હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કર્ણાટકમાં ઉઘાડું કોમી રાજકારણ થઈ શકે એમ નથી. બીજું દક્ષિણનાં રાજ્યોમાં પ્રવેશ કરવો હોય તો હિન્દુત્વનું રાજકારણ એક હદથી વધુ ત્યાં અપીલ નથી કરતું. આ સ્થિતિમાં હિન્દુત્વવાદીઓને અને ભોળિયા દેશભક્તોના મત કઈ રીતે મેળવવા એ પ્રશ્ન હતો. હવે એનો ઉત્તર સંઘપરિવારે કર્ણાટકથી દૂર અલીગઢમાં શોધી કાઢ્યો છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘે ૧૯૩૮માં સ્ટુડન્ટ યુનિયન હૉલમાં મોહમ્મદઅલી જિન્નાહની તસવીર મૂકી હતી. એ સમયે મોહમ્મદઅલી જિન્નાહ મુસ્લિમ લીગના નેતા હતા, પરંતુ મુસ્લિમ લીગે મુસ્લિમ માટેની અલગ ભૂમિનો ઠરાવ નહોતો કર્યો. મુસ્લિમ લીગે આવો ઠરાવ ૧૯૪૦માં કર્યો હતો, પરંતુ જિન્નાહની તસવીર મૂકવામાં આવી એના એક વરસ પહેલાં વિનાયક દામોદર સાવરકરના અધ્યક્ષપદમાં હિન્દુ મહાસભાએ કર્ણાવતી (અમદાવાદ) અધિવેશનમાં દ્વિરાષ્ટ્ર થિયરી આગળ કરી હતી અને હિન્દુ અને મુસલમાન એક દેશમાં સાથે રહી શકે એમ નથી એવો ઠરાવ કર્યો હતો. એના શિરપાવરૂપે અટલ બિહારી વાજપેયીની સરકારે વિનાયક દામોદર સાવરકરની તસવીર ૨૦૦૩માં સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં મૂકી હતી. હવે ૮૦ વરસ પછી હિન્દુ યુવા વાહિની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી જિન્નાહની તસવીર હટાવવા માટે અંદોલન કરી રહી છે. આ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક અને અધ્યક્ષ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. દેખીતી રીતે ઉદ્દેશ કર્ણાટકમાં ચૂંટણી જીતવાનો છે અને નિશાન અને રણભૂમિ અલીગઢ છે. તેઓ કાયદો હાથમાં લઈને તોફાન મચાવી રહ્યા છે.
તેમની દલીલ એવી છે કે મોહમ્મદઅલી જિન્નાહ ભારતના વિભાજન માટે જવાબદાર હતા. તેમની આ દલીલ આંશિક રીતે સાચી છે, સંપૂર્ણપણે સાચી નથી. ભારતના વિભાજન માટે અનેક પરિબળો જવાબદાર હતાં, એકલા જિન્નાહ જવાબદાર નહોતા. એ અનેક પરિબળોમાં સૌથી વધુ જવાબદાર પરિબળોમાં એક અંગ્રેજો જવાબદાર હતા અને બીજા હિન્દુ રાષ્ટ્રવાદીઓ જવાબદાર હતા. અંગ્રેજો પોતાનું રાજ લાંબો સમય ટકી રહે એ માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. દેખીતી રીતે અંગ્રેજોની કુટિલ નીતિને નિષ્ફળ બનાવવાની જવાબદારી મોટા ભાઈ તરીકે હિન્દુઓની હતી. તેમણે જો મુસલમાનોનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં ગાંધીજીને સાથ આપ્યો હોત તો ભારતનું વિભાજન અટકાવી શકાયું હોત. એની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદીઓએ મુસલમાનોને ધમકાવવાની અને તેમની અંદર અસુરક્ષાની ભાવના પેદા કરવાની નીતિ અપનાવી હતી. મુસલમાનોએ અસલામતીથી પ્રેરાઈને મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરી હતી જેના પરિણામે ભારતનું વિભાજન થયું હતું.
મોહમ્મદઅલી જિન્નાહ એક સમયે રાષ્ટ્રવાદી સેક્યુલર મુસલમાન હતા. એક સમયે જિન્નાહ એવા મનોરથ સેવતા હતા કે તેઓ મુસલમાનોના ગોપાલ કૃષ્ણ ગોખલે બનવા માગે છે. એવા નેતા જે આધુનિક હોય અને જેમ ગોખલે હિન્દુઓને આધુનિક રાષ્ટ્રને અનુકૂળ બનાવવા માગતા હતા એમ તેઓ મુસલમાનોને આધુનિક રાષ્ટ્રને અનુકૂળ બનાવવા માગતા હતા. લોકમાન્ય ટિળક સામે જ્યારે રાષ્ટ્રદોહનો ખટલો મુંબઈની વડી અદાલતમાં ચાલતો હતો ત્યારે તેમણે લોકમાન્ય ટિળકના વકીલ તરીકે અદાલતમાં ટિળકનો બચાવ કર્યો હતો. મોહમ્મદઅલી જિન્નાહે મુસ્લિમ લીગને કૉન્ગ્રેસની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગનાં અધિવેશન એક જ સ્થળે એક જ મંડપમાં આગળપાછળ યોજાતાં હતાં એનું શ્રેય પણ જિન્નાહને જાય છે. ૧૯૧૬માં કૉન્ગ્રેસ-મુસ્લિમ લીગના લખનઉ અધિવેશનમાં જે સમજૂતી થઈ હતી એના આર્કિટેક્ટ જિન્નાહ હતા.
એ સમજૂતી લખનઉ પૅક્ટ તરીકે ઓળખાય છે.
જિન્નાહ અંગત જીવનમાં આધુનિક સેક્યુલર હતા. દસ વરસ પહેલાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા લાલ કૃષ્ણ અડવાણીએ મોહમ્મદઅલી જિન્નાહને સેક્યુલર મુસ્લિમ તરીકે ઓળખાવ્યા હતા ત્યારે તેમણે કંઈ ખોટું નહોતું કહ્યું. જિન્નાહ સેક્યુલર હતા અને વિભાજન પછી તેઓ પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માગતા હતા. બે દાયકા પછી જિન્નાહે અલગ રસ્તો અપનાવ્યો એની પાછળ મુખ્યત્વે બે કારણો હતાં. એક આગળ કહ્યું એમ હિન્દુ રાષ્ટ્રવાદીઓનું આગ્રહી અને શરતી રાજકારણ અને બીજું પરિબળ હતું તેમનો ગાંધીજી સામેનો દ્વેષ. ગાંધીજીની લોકપ્રિયતા સાવરકર અને જિન્નાહ એમ બન્નેને સતાવતી હતી અને ગાંધીજીની હાજરીમાં સાવરકર તેમ જ હિન્દુત્વવાદીઓનું હિન્દુ પ્રજામાં અને જિન્નાહનું મુસલમાનોમાં કાંઈ ઊપજતું નહોતું.
બન્નેની પીડા ગાંધીજીની લોકપ્રિયતા હતી જેને તેમણે કોમી રંગ આપ્યો હતો. ભારતના વિભાજન માટે જેટલા જિન્નાહ જવાબદાર છે એનાથી વધુ સાવરકર અને હિન્દુત્વવાદીઓ જવાબદાર છે. સાવરકર તો પહેલેથી જ કોમવાદી હતા અને તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા, જ્યારે જિન્નાહ પ્રતિક્રિયારૂપે કોમવાદી બન્યા હતા. તેઓ વિચારોથી કોમવાદી નહોતા અને એટલે તેઓ પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માગતા હતા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 મે 2018