Opinion Magazine
Number of visits: 9452510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં વંચિતોની ચળવળ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|6 May 2017

મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની  વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને  આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.

મનીષા અહીં દરેક પ્રકરણની શરૂઆત ચળવળમાં ગવાતાં ગીતો, રેલી જેવા દેખાવો ને જનસમુદાયના મિજાજ દર્શાવતાં દૃશ્યોથી કરે છે. પ્રવર્તમાન સંજોગોમાં  સામાન્ય લોકો શું વિચારે છે, કઈ રીતે વર્તે છે, પોતાની તળજમીની સ્થિતિ માટે શું અનુભવે છે, તેનું ઝીણવટભર્યું આલેખન કરે છે. આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીની ઐતિહાસિક ભૂમિકાની માંડણી પર ત્યાર પછીના સમયમાં જે બદલાવ સામાજિક, શૈક્ષણિક  રાજકીય, કાયદાકીય, આર્થિક અને સંાસ્કૃિતક સ્તરે આવ્યા, તેની પણ એ સારી એવી નોંધ લે છે. આ બદલાવે  પુરુષો અને સ્ત્રીઓ પર શું અસર કરી, તેમના દરજ્જામાં શું ફેરફાર આવ્યો, સકારાત્મક અસરકારક નોંધની સાથે રાજકીય ઇચ્છાશક્તિનો પ્રભાવ, આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાતી નોંધોનો પ્રભાવ, વૈશ્વિક સ્તરના આર્થિક પ્રવાહો અને પર્યાવરણ માટેની જાગૃતિ જેવા અનેક મુદ્દાને સમગ્ર પુસ્તકમાં સર્વગ્રાહી વલણ સાથેની ન્યાયિક રજૂઆત માટેની મનીષાની લેખિની બળકટ પુરવાર થાય છે. એ નિર્ભીક, તટસ્થ, નિર્મમ વિશ્લેષણ કરીને પણ સંતુલિત આલેખન કરે છે. પોતાના પૂર્વસૂરિ સમાજશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો તો એમની પરંપરા પ્રમાણે વખતોવખત ઉલ્લેખ કરે જ છે. તે રીતે જનસમુદાયને સહકારી પીઠબળ પૂરું પાડનાર સંસ્થાઓ-સર્વોદય પરિવાર ટ્રસ્ટ : પીંડવળ, બી- સેતુ : ભદ્રેશ્વર, ઉજાસ, ઉત્થાન, આનંદી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, ગુજરાત લોકસમિતિ, અવાજ જેવી સંસ્થાઓ, તેના સુકાનીઓ, જનઆંદોલનકારીઓના અગ્રણીઓ, કાન્તિભાઈ, સુજાતા, કાશીનાથભાઈ, માધવભાઈ, કેશવભાઈ, મનોહરભાઈ, જયપ્રકાશભાઈ, લખનભાઈ, આનંદભાઈ, અનસૂયાબહેન, ડૉ. કનુભાઈ કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ, ઇલાબહેન, કડવીબહેન, ઇબ્રાહીમભાઈ, સુષ્મા આયંગાર, ભરતભાઈ, રાકેશભાઈ, ઉસ્માનભાઈ, અચ્યુતભાઈ, આનંદ અને બીજાં અનેકની ભૂમિકાનો ઉલ્લેખ આ પુસ્તકમાં અવારનવાર થયો છે. છ પ્રકરણમાં આ પુસ્તકનો વ્યાપ છે.

મનીષા અહીં માહિતી-અધિકાર, જળ-જંગલ-જમીન પર આદિવાસીઓનો અધિકાર, પંચાયતી રાજમાં સ્ત્રીઓને મળેલી દૃશ્યતા, બેટીબચાવ, સ્ત્રી-અધિકાર માટેના રક્ષણાત્મક કાયદાની સારી અસર અને તેના અસરકારક પ્રભાવની નોંધ લે છે. કાયદાકીય અને પર્યાવરણીય બદલાવમાં અસરકારક અભિગમની પણ નોંધ લે છે. આ સાથે દેશદેશાવરની વિવિધ ચળવળોને અહીં યાદ કરી, તેને પણ આ ત્રણે આંદોલન સંદર્ભે મૂલવે છે. જેમ કે, દક્ષિણ ભારતમાં તેલંગણા, આફ્રિકી સ્ત્રીઓનું આંદોલન, ચીપકો-ચળવળ, નર્મદાબચાવ વગેરે. વિસ્થાપિતો અને તેમના પુનઃવસવાટની નીતિરીતિ, મુખ્ય પ્રવાહમાં સામાન્ય સમૂહનું ભળવું, ઓળખની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે બદલાતા પ્રવાહના સ્વરૂપ, તૃણમૂળ અને સ્થાનિક સ્તરે જ્ઞાતિવિષયક અને કોમવાદી માનસનો પ્રભાવ અને વર્તમાન સરકારનું વલણ જેવા મુદ્દાઓની વિશદ ચર્ચા અહીં થઈ છે.

તળજમીની વાસ્તવિકતામાં સ્ત્રીઓની દૃશ્યતા, એમનું રેલી – સભાસરઘસમાં સહભાગી થવું, પોતાની વાત કહેવી, જો ક્યાંક નજરઅંદાજ કરવામાં આવે, તો એની નોંધ લેવી, ગીતો બનાવવાં ને ગાવાં, કોઈ સ્થળે તો પુરુષોની સમકક્ષ પોતાનું કૌવત બતાવવું જેવી સકારાત્મક નોંધ  પણ છે. તેની સમાંતર દરેક ભૌગોલિક-સ્થાનિક સ્તરે નિર્ણયની ભાગીદારીમાં એમને બાકાત રાખવાનું વલણ, પિતૃસત્તાક પરિબળોનો પ્રભાવ, સ્ત્રીઓ પર હિંસા જેવા મુદ્દે મૌન, સરકાર સામે રજૂઆત સમયે ગ્રામીણ સ્ત્રીઓની નહીંવત્ સહભાગિતા, ચળવળની આંતરિક વ્યવસ્થામાં સ્ત્રીઓનું ગૌણત્વ, ક્યારેક સામાન્ય પુરુષોનું પણ ગૌણત્વ, કામની વહેંચણીમાં સ્ત્રીઓના ભાગે આવતું ઘરેલુ પરંપરાગત કામ જેવી સહજસ્વીકૃત બાબતોની મનીષા ઝીણવટથી નોંધ લઈ એને ચર્ચાની એરણે ચઢાવી સમાનતાના સર્વાધિકારી માપદંડમાં એની વાસ્તવિકતાને ધારદાર રીતે રજૂ કરે છે. સરકારી વલણને તો સ્પષ્ટ કરે જ છે, સમાંતરે આખી વાસ્તવિકતાની જટિલતા સમજાવી હજી લિંગભેદ-નાબૂદી માટે કેટલી દડમજલ બાકી રહે  છે,  તે પણ દર્શાવે છે. શું કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે, તેનું સમાપન આ રીતે કરે છે કે આ નિરંતર શિક્ષણની પ્રક્રિયા છે. એ માટે સતત બોલવું ને કરવું જોઈશે. એનું આશાવાદી વલણ પણ છે કે સ્થાપિત હિતોને પડકારીને બદલાવની શરૂઆત થઈ છે. કાર્ય મુશ્કેલ હશે. પરંતુ અશક્ય તો નથી જ. જનસમુદાયની સંગઠિત તાકાત તો જીતે જ છે ને જીતશે જ ને એક-બે મુદ્દે કહેવું છે કે મહુવા-આંદોલનમાં એ મોરારિબાપુની શું ભૂમિકા રહી તેની નોંધ લેવાનું ટાળે છે અથવા એ તેના ધ્યાનબહાર રહ્યું છે. તે રીતે સંચારમાધ્યમોના વલણ ને પ્રભાવની નોંધ પણ કંઈક અંશે ઓછી લે છે. આ ત્રણે ચળવળને આંતરરાષ્ટ્રીય મુલવણીનું પરિમાણ આપીને મનીષાએ લોકશાહી મૂલ્યોને પ્રણિપાદિત કરવાની દિશાને વેગવંત બનાવી છે, તે બદલ એ અભિનંદનને પાત્ર છે.                                

Email : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 08 

Loading

6 May 2017 admin
← રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન
VIP કલ્ચર લાલ બત્તી સે આગે જહાં ઔર ભી હૈ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved