Opinion Magazine
Number of visits: 9508554
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 December 2021

અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા હોય તેવા વૃદ્ધોને સરકાર સહાયિત વૃદ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રૂષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃદ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.

દુનિયાભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વલ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ મુજબ વિશ્વમાં ૨૦૧૯માં દર અગિયાર વ્યક્તિએ એક વ્યક્તિ પાંસઠ વર્ષથી વધુ વયની હતી. ૨૦૫૦માં તે વધીને દર છ વ્યક્તિએ એક હશે. ભારતમાં ૧૯૯૧માં ૫.૫૦ કરોડ, ૨૦૦૧માં ૭.૬૦ કરોડ, ૨૦૧૧માં ૧૦.૩૪ કરોડ વૃદ્ધો હતા. ૨૦૨૧માં ૧૩.૮૦ કરોડ છે. એ રીતે જોતાં ભારતમાં આજે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે. ભારતીયોની સરેરાશ ઉમર ૨૭.૧ વરસ છે. એટલે તે ડોમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો યુવા દેશ છે પરંતુ ૨૦૨૬માં વૃદ્ધોની વસતી વધીને ૧૭.૩ કરોડ અને ૨૦૫૦માં આશરે ૩૫ કરોડ થશે !

વાર્ધક્ય માનવજીવનનો અનિવાર્ય હિસ્સો છે. ઢળતી ઉમરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ નોકરી-ધંધો કે દાણાપાણી મેળવવાની જંજાળમાંથી માણસને મુક્ત થવું પડે છે. જો કે સમાજ વૃદ્ધોને ખોટા સિક્કા કે બિનઉપયોગી પણ ગણે છે. આખી જિંદગી વૈતરું કરનાર જ્યારે પાછલી અવસ્થામાં કોઈ ઉત્પાદક યોગદાન આપી ન શકે, આર્થિક રીતે પરાધીન હોય, શરીર નબળું પડ્યું હોય અને સંતાનો મોં ફેરવી લે ત્યારે તે ભારે લાચારી અનુભવે છે.

લોકોનું સરેરાશ આયુષ્ય કે જીવનદર વધ્યો છે. અને જન્મદર ઘટ્યો છે તેથી વૃદ્ધોની સંખ્યા વધી છે. લંબાયેલું જીવન જો સ્વસ્થ ન હોય (અને નથી જ હોતું) તો તે બોજારૂપ બની રહે છે. વૈશ્વિક આવરદા ૭૩.૩ વરસની પણ સ્વસ્થ જીવનના વરસો તો ૬૩.૭ જ છે. ભારતમાં સરેરાશ આયુષ્ય ૭૦.૮ વરસ છે પણ સ્વસ્થ જીવનના વરસો ૬૦.૩ એટલે કે સરેરાશ આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ જણાવે છે કે દેશનો દર ચોથો વૃદ્ધ એકાધિક બીમારીઓથી ગ્રસ્ત છે. દર પાંચમો વૃદ્ધ સ્મૃતિભ્રંશ અને તણાવ જેવી માનસિક બીમારીઓથી પીડાય છે. ચોથાભાગના વડીલો રોજિંદા કામો માટે બીજા પર આધારિત છે. દર ત્રીજો વૃદ્ધ હ્રદયસંબંધી બીમારીનો શિકાર છે. શહેરોમાં ૫૫ ટકા અને ગામડાઓમાં ૨૫ ટકા વૃદ્ધ લાંબા સમયથી બીમાર છે. શહેરોમાં ૩૩ ટકા અને ગામડાઓમાં ૨૮ ટકા ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. ૬૦થી વધુ વયના જયેષ્ઠ નાગરિકોમાં ૭૫ ટકા ગામડાઓમાં વસે છે અને તે પૈકી ૬૪.૮ ટકા ખેતીના કામો સાથે સંકળાયેલા છે. ૭૮ ટકા વૃદ્ધોને કોઈ પેન્શન મળતું નથી. ૩૩ ટકા ગરીબીની રેખા નીચે અને ૬૬ ટકા નિમ્ન મધ્યમ વર્ગનું જીવન બસર કરે છે. આ આંકડાઓ વૃદ્ધોની દારુણ સ્થિતિ દર્શાવે છે.

કમજોર શારીરિક સ્થિતિ સાથે વૃદ્ધોને એકલતા, ઉપેક્ષા, ઉપરાંત પ્રેમ, લાગણી અને હૂંફના અભાવની સમસ્યા સવિશેષ પરેશાન કરે છે. સંતાનો જીવનની જદ્દોજહદમાં વ્યસ્ત હોય છે કાં રોજી-રોટી માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે તેમને એકાકી જીવન જીવવું પડે છે. દેશની કુલ વૃદ્ધવસ્તીના ૨.૨ ટકા કે ૧૦ ટકા વૃદ્ધદંપતી સંતાનો વિના એકલવાયું જીવન જીવે છે. હજુ આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબ કે સામુદાયિક જીવન ટક્યાં છે એટલે ૮૭.૮ ટકા વૃદ્ધો કુંટુબ સાથે જ રહે છે. સંયુક્ત પરિવારોમાં વૃદ્ધોની દેખભાળ વધુ સારી રીતે થાય છે અને સ્થિતિ સહ્ય હોય છે. કદાચ માબાપે આખી જિંદગી સંતાનોના સુખ માટે હોમી દીધી હોવાનો લોકોને ખ્યાલ હોય છે એટલે લોક લાજનું તત્ત્વ પણ વૃદ્ધોની દેખભાળમાં જોઈ શકાય.

બુઝુર્ગોની ઉપેક્ષા, અવહેલના કે યોગ્ય દેખભાળના અભાવનાં ઘણાં કારણો છે. બદલાતાં જીવન મૂલ્યો, વિભક્ત કુટુંબોમાં વૃદ્ધિ, સંસાધનોનો અભાવ, બેરોજગારી-મોંઘવારી જેવી આર્થિક વિટંબણાઓ, સ્પર્ધાનો યુગ અને સમયનો અભાવ, કઠિન બનતું જીવન આ બધાને પરિણામે સંતાનો અને કુટુંબ વૃદ્ધજનો પ્રત્યે મજબૂરીવશ કઠોર બને છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ આ સમસ્યાને વકરાવે છે. ‘આ ધોળા વાળ તમને મોટા કરવામાં થઈ ગયા છે’, તેવી વૃદ્ધોની દલીલ અને સ્વતંત્ર મિજાજી નવી પેઢી વચ્ચે ટકરામણ ન થાય તો જ નવાઈ લાગે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાનું એક મુખ્ય કારણ વૃદ્ધ માબાપની જવાબદારી હોવાનું ઘણા કિસ્સામાં જોવા મળે છે.

એ સાચું કે નોકરિયાત દંપતીના નાનાં બાળકો વૃદ્ધ માબાપ પાસે આસાનીથી ઉછરે છે. આવા સંતાનો વધુ સુરક્ષિત છે અને તેમનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કુટુંબ વ્યવસ્થામાં બદલાવથી  નોકરિયાત પતિપત્ની માટે સંતાનોની દેખભાળ અને માબાપની જવાબદારીની પસંદગી કરવાની આવે છે ત્યારે તેઓ નાનાં બાળકોના ઉછેરના વિકલ્પે માબાપની જવાબદારી સ્વીકારતાં નથી. નફાકેન્દ્રી સામાજિક – આર્થિક વ્યવસ્થામાં કુટુંબ કે સામૂહિક જીવનનું સ્થાન ઘટ્યું છે. માણસ વધુ સ્વાર્થી અને એકલપેટો બન્યો છે. તેથી પણ વૃદ્ધોની દેખભાળની સમસ્યા વકરી છે.

વડીલ માવતરના હિતોની રખેવાળી અને બહેતર સંભાળ માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિક ભરણપોષણ કાયદો, ૨૦૦૭  ઘડ્યો છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન, રાષ્ટ્રીય વયોશ્રી, પ્રધાન મંત્રી વયવંદના અને વયોશ્રેષ્ઠ સન્માન જેવી સરકારી યોજનાઓથી થોડા નિરાધાર વૃદ્ધોને પાંચસો કે હજાર રૂપિયા જેવી સામાન્ય રકમના પેન્શનનું બટકું સરકાર નાંખે છે. આ વરસના બજેટમાં સિલ્વર ઈકોનોમીની જોગવાઈ કરી છે. આર્થિક સમૃદ્ધ વૃદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના ઉત્પાદનો, ઘેરબેઠા વિતરણ અને ઉપયોગની આ સિલ્વર ઈકોનોમી વૃદ્ધોના કલ્યાણને નહીં બજારને તાકે છે. ભરણપોષણનો કાયદો સંતાનોને જવાબદાર ઠેરવવાની ચાબુક છે. પરંતુ અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં છે તેવી કોઈ વ્યવસ્થા સરકારને કરવી નથી. ૨૦૦૭ના કાયદામાં વૃદ્ધાશ્રમોની સ્થાપના, આરોગ્ય સુવિધાઓ અને વૃદ્ધોનાં જીવન અને સંપત્તિની સુરક્ષાની જોગવાઈ છે પણ કાયદાને ભરણપોષણ પૂરતો અમલી બનાવી અન્ય બાબતો ભૂલવાડી દેવાય છે. સરકાર પાસે વધુ કલ્યાણકારી નક્કર પગલાંની અપેક્ષા રહે છે.

કોરોના મહામારીના કાળમાં વૃદ્ધો સાથેનાં વર્તન સંબંધી સર્વેક્ષણના તારણો ચિંતાજનક છે. તાળાબંધી અને મહામારી દરમિયાન ૭૩ ટકા વૃદ્ધો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા. ૩૫ ટકાને ઘરેલુ હિંસા સહેવી પડી હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ વધુ ભોગ બની હતી. વૃદ્ધ મહિલાઓ જીવનભર ઘર, કુટુંબ, સંતાન માટે ઢસરડા કરતી હોવા છતાં જીવનના અંતિમ પડાવે શારીરિક અશકતતા અને આર્થિક પરતંત્રતા તેને વધુ ઉપેક્ષિત બનાવે છે. ૯૬ દેશોના ગ્લોબલ એજ વોચ ઈન્ડેક્સમાં ભારત ૭૧મા ક્રમે છે. એટલે વડીલોના આદરની ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારોની વાતો બહુ ટકતી નથી. આ સર્વેક્ષણમાં ૪૪ ટકા વૃદ્ધોનું જાહેર સ્થળોએ થતાં અપમાનનું તારણ દર્શાવે છે કે ‘પીંપળ પાન ખરંતા હસતી કુંપળિયા’નો જ ઘાટ છે. અને યુવાનોને ‘મુજ વીતી તુજ વીતશે’ની ખાસ ચિંતા નથી. કરુણા અને સેવાને વરેલા મનાતા ગુજરાતમાં ઘણા વૃદ્ધાશ્રમો છે.પરંતુ વૃદ્ધજનોની દેખભાળમાં તેનો ક્રમ ઘણો નીચો છે. અપેક્ષાકૃત બુઝુર્ગ વસ્તી ધરાવતા રાજ્યોમાં વડીલોની સંભાળમાં ગુજરાત છેક દસમા ક્રમે છે.

બુઝુર્ગ વ્યક્તિઓ પણ સન્માનપૂર્ણ જીવનની હકદાર છે અને સંતાનોની એ ફરજ છે એવી સામાજિક ચેતના જાગે તો કોઈને વૃદ્ધાશ્રમમાં રહેવું ન પડે અને વડીલો પણ ‘ઘડપણ કોણે મોકલ્યું’ના નિસાસા નાંખી વૃદ્ધાવસ્થાને અભિશાપ કે બોજ  ન માને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

29 December 2021 admin
← શિયાળાની રાત
ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ? →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved