
રાજ ગોસ્વામી
ન્યૂયોર્કથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં, કથિત રીતે નશામાં ધૂત એક પુરુષ પ્રવાસીએ તેની એક વૃદ્ધ મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કર્યો હતો. આ ઘટના 26 નવેમ્બરના રોજ બની હતી.
બેંગકોકથી કોલકત્તા આવતી થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં, ભારતીય પ્રવાસીઓ વચ્ચે છુટ્ટા હાથની મારમારી થઇ. એક પ્રવાસીએ આખો વીડિયો શૂટ કર્યો અને સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યો. થાઈ એર હોસ્ટેસો બિચારી જોતી જ રહી ગઈ. આ ઘટના 22 ડિસેમ્બરના રોજ બની હતી.
ઇન્સ્તમ્બૂલથી દિલ્હી આવતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટમાં એક પુરુષ પ્રવાસીએ ભોજન બાબતે એવો દુર્વ્યવહાર કર્યો કે એર હોસ્ટેસ રડી પડી. તેની વહારે આવેલી બીજી એર હોસ્ટેસે પેલા સાથે ઝઘડો વહોરી લીધો અને સંભળાવ્યું કે “શટ અપ, હું વિમાનની કર્મચારી છું, તારી નોકર નહીં.” આ ઘટના 16 ડિસેમ્બરે બની હતી.
દિલ્હીથી મુંબઈ જવા માટે તૈયાર એર ઇન્ડિયાની ટેકનિકલ કારણોસર 8 કલાક મોડી પડી એટલે પ્રવાસીઓએ કોકપિટના દરવાજા પાસે જઈને હલ્લો કર્યો અને પાઈલટને ધમકાવ્યો. એક પ્રવાસીએ દરવાજા પર મુક્કા મારીને બૂમ પાડી કે, “દરવાજો નહીં ખોલે તો તોડી નાખીશ.” આ ઘટના 2જી જાન્યુઆરીએ બની હતી.
ઇન્ડિગોની ફ્લાઈટમાં પાઈલટની ફરિયાદ પરથી ત્રણ પુરુષ પ્રવાસીઓની પોલીસે એટલા માટે ધરપકડ કરી હતી, કારણ કે તેમણે વિમાનની એર હોસ્ટેસો સાથે નિર્લજ્જ વ્યવહાર કર્યો હતો. આ ઘટના 2020ની 10મી એપ્રિલે બની હતી.
ભારતના હવાઈ મુસાફરો કેટલા બદ્દ-તમીજ હોય છે તેનાં લેટેસ્ટ ઉદાહરણો છે. ભૂતકાળમાંથી બીજાં ઉદાહરણો પણ છે. 2014માં, ન્યુયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં ડ્રિંક આવતાં વાર લાગી એટલે પુરુષ પ્રવાસીએ એર હોસ્ટેસની છેડતી કરી હતી. એ જ વર્ષે, મેંગલોર પોલીસે દુબઈથી આવતી ફ્લાઈટમાં દારૂ પીને ધમાલ કરતા એક પ્રવાસીની ધરપકડ કરી હતી. 2018માં, બાલી-ઇન્ડોનેશિયાની એક હોટેલમાંથી રૂમની ચીજવસ્તુઓ ચોરતા એક ભારતીય પરિવારનો વીડિયો વાઈરલ થયો હતો.
બહાર ફરવા જાય જાય ત્યારે ફ્લાઇટ્સમાં રાજાપાઠમાં આવી જવું, સડકો પર કચરો ફેંકવો, સાઈટ-સીઈંગમાં ખૂણો જોઈને ‘ઊભા’ થઇ જવું, ચીસો પાડીને અવાજે બોલવું, દુકાનોમાં ચીજવસ્તુઓને અડાઅડ કરવું, હોટેલના રૂમમાંથી ટુવાલ કે શેમ્પુ-સાબુને બાપુજીનો માલ સમજીને બેગમાં મૂકી દેવાં, રેસ્ટોરન્ટમાં ખાતી વખતે અવાજ કરીને ચાવવું, વેઈટરને ‘એઈ…એઈ’ કહીને બોલાવવો, બીચ પર ગોરી સ્ત્રીઓના ફોટા ખેંચવા, ફ્લાઈટમાં, બસમાં, ટ્રેનમાં બાજુવાળાઓના મોબાઈલમાં ડોકિયાં કરવાં વગેરે ભારતીય મુસાફરોમાં જોવા મળતો આમ વ્યવહાર છે. વિમાનના કર્મચારી ગણની કાયમી ફરિયાદ હોય છે કે ફ્લાઇટ્સમાં ભારતીય પ્રવાસીઓ એવી રીતે વર્તતા હોય છે જાણે એ તેમનું ઘર હોય.
2007માં, યુરોપના 15,000 હોટેલ સંચાલકોના એક સરવેમાં ભારતીયોને બીજા નંબરના નઠારા પ્રવાસીઓમાં સ્થાન મળ્યું હતું. એ સરવેમાં આપણા માટે ‘આશ્વાસન’ એ હતું ફ્રેંચ લોકોને પહેલું અને ચીની લોકોને ત્રીજું સ્થાન મળ્યું હતું (જાપાનીઝ, અમેરિકન અને સ્વિસ લોકોને દુનિયાના શ્રેષ્ઠ પ્રવાસીઓ તરીકે સ્થાન મળ્યું હતું). સારા કે ખરાબની 10 કેટેગરીમાં, એ હોટેલોના મેનેજરોએ સભ્યતાની બાબતમાં ભારતીયો સૌથી તળિયે બેસાડ્યા હતા.
2019માં, આર.પી.જી. એન્ટરપ્રાઈઝના ઉધોગપતિ હર્ષ ગોયંકાએ, સ્વીત્ઝરલૅન્ડના ગસ્ટાડ શહેરની એક હોટેલ બહાર ‘ભારતીય મહેમાનો’ માટે મુકવામાં આવેલી ખાસ નોટિસનો ફોટો ટ્વીટ કરીને સોશ્યલ મીડિયામાં હલચલ પેદા કરી દીધી હતી. તેમાં ભારતથી આવેલા પ્રવાસીઓ માટે એવી સૂચનાઓ લખવામાં હતી કે એક બાજુ શરમ પણ આવે અને બીજી બાજુ અપમાન પણ અનુભવાય. જેમ કે – “બ્રેકફાસ્ટ બુફેમાંથી કોઈ ખાવાનું સાથે લઇ ન જવું, બ્રેકફાસ્ટ અહીં જ ખાવા માટે છે, લંચ બેગ જોઈતી હોય તો પૈસા ભરીને મળી શકશે, બાલ્કનીમાં જોર-જોરથી ન બોલવું, કોરિડોરમાં નીચા અવાજે બોલવું, અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવે છે અને તેમણે શાંતિ પસંદ છે.”
પૂજા સહાય નામની એક આન્ત્રપ્રેન્યોરે એક સમાચારપત્રને કહ્યું હતું કે યુરોપ અને સાઉથ ઇસ્ટ એશિયાની હોટેલના મેનેજરો ભારતીયોનું નામ સાંભળે છે અને ભડકે છે. પૂજા કહે છે કે તે સાત વખત થાઇલેન્ડ ગઈ છે અને દરેક વખતે હોટેલના મેનેજરે તેને ફરિયાદ કરી હતી કે બીજા દેશોના નાગરિકો રૂમ છોડીને જાય પછી 17થી 20 મિનિટમાં સાફ-સફાઈ થઇ જાય છે પણ ભારતીય પ્રવાસીઓના ગયા પછી રૂમ સાફ કરતાં 40થી 45 મિનીટ લાગે છે.
કોઈને આ એકલદોકલ વાત લગતી હોય તો 2018ના એક કિસ્સાને યાદ કરવા જેવો છે. દેશની એક તમાકુ પ્રોડકટ કંપનીના 1,300 કર્મચારીઓએ સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા જતા ક્રૂઝ શીપ પર પાર્ટીના નામે એટલી ધમાલ કરી હતી કે ક્રૂઝની કંપની રોયલ કેરબિયન ઈન્ટરનેશનલે ક્રૂઝ પરના બીજા પ્રવાસીઓની માફી માગવી પડી હતી અને તેમણે રીફંડ કરવું પડ્યું હતું.
મૂળ સમસ્યા એ છે કે ભારતીયોમાં એટીકિટ(શિષ્ટાચાર, વિવેક, તમીજ)નો અભાવ છે. આ એક સામાજિક મુદ્દો છે. શિષ્ટાચાર સામાજિક અસરનું પરિણામ છે. એક સમાજ તરીકે આપણે બહુ સદીઓ સુધી ગરીબી, નિરક્ષરતા અને બીમારીઓમાં રહ્યા છીએ. ગમે એમ કરીને જીવન ટકાવી રાખવું એ જ એક સૌથી મોટી પ્રાથમિકતા અનેક પેઢીઓ સુધી રહી હોવાથી, બીજી બાબતો ગૌણ અથવા બિનજરૂરી બની ગઈ હતી. જેમ કે આધુનિક જીવનનો પાયો યુરોપમાં નંખાયો હતો એટલે ત્યાં રોટી, કપડાં અને મકાનની સમસ્યાઓથી નિશ્ચિંત થયેલા લોકોએ વ્યક્તિગત અને સાર્વજનિક શિષ્ટાચારને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું હતું. એટલે ત્યાંની પેઢીઓ સભ્ય અને શાંત વાતાવરણમાં મોટી થઇ હતી અને આપણી પેઢીઓ બૂમાબૂમ અને ધક્કામુક્કીના વાતાવરણમાં મોટી થઇ હતી.
આ સામાજિક સંસ્કારની સમસ્યા છે. તમે ભારતમાં ગમે ત્યાં જાવ, લાઈન તોડીને આગળ જતા રહેવું, ધક્કામુક્કી કરવી, જોર જોરથી વાતો કરવી, વાહનમાંથી કે ઘરમાંથી કચરો ફેંકવો, શાંતિ જાળવવાની હોય ત્યાં બૂમાબૂમ કરવી, લોકોને અડાઅડ કરવું, લિફ્ટમાં સૌથી પહેલાં ઘુસી જવા ઉતાવળ કરવી અથવા બીજાને રોકવા લિફ્ટ બંધ કરી દેવી, ગમે ત્યાં થૂંકવું, જોર જોરથી બારણાં બંધ કરવાં, રેસ્ટોરન્ટમાં ખાવાનું ચાવતી વખતે અવાજ કરવો, જાહેર દીવાલ કે સીટ પર ચુન્ગમ ચોંટાડી દેવી, (પુરુષ હોય તો) જાહેરમાં પેશાબ કરવો, વેઈટર કે ઘર ચાકર સાથે ઉદ્ધતાઈથી વર્તવું, સાર્વજનિક જગ્યાઓ પર દીવાલો ચીતરવી જેવી અનેક ‘ખાસિયતો’ જોવા મળશે.
એક સમાજ તરીકે આપણે ત્યાં સાર્વજનિક શિષ્ટતાની બહુ દરકાર કરવામાં નથી આવતી. સામાજિક વ્યવહાર દેખાદેખીથી આવે છે. એ ઘરોમાં પણ જોવા મળે છે. ભારતમાં કેટલા ય ઘરોમાં નાના-મોટા સૌ ઉદ્ધતાઈથી વર્તતા હોય છે અને કોઈને કોઈ વાંધો નથી પડતો. જ્યારે એક પેઢી તેની અગલી પેઢીની અશિષ્ટતા જોઈને મોટી થઇ હોય પછી એવો વ્યવહાર સાર્વજનિક બની જાય છે. ઘણીવાર તો પરિવારો જ તેમના સંતાનોને આક્રમકતા અને ઉદ્ધતા શીખવાડે છે.
આપણે ત્યાં નમ્રતાને કમજોરીનો અથવા ‘સ્ત્રૈણ’ ગુણ માનવામાં આવે છે. દાખલા તરીકે, ઘરોમાં દરેક છોકરીને નમ્રતા રાખવાનું ભાષણ આપવામાં આવે છે પણ છોકરાને એ લાગુ નથી પડતું. છોકરો હોવું એટલે જાણે આક્રમક અને ઉદ્ધત હોવું એવું ગણિત છે. હિન્દી ફિલ્મોના મોટા ભાગના હિરો ઉદ્ધત વ્યવહાર કરે છે અને તેને મર્દાનગી ગણવામાં આવે છે.
અને આપણે દેશની વિધાનસભાઓમાં થતી મારામારીની તો વાત પણ કરતા નથી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર