Opinion Magazine
Number of visits: 9447696
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય દંપતી

માલિનીબહેન દેસાઈ|Opinion - Opinion|24 May 2019

ગુજરાતી આલમનાં એક ઊંચેરાં કમર્શીલ કેળવણીકાર, વિચારક લેખક દંપતી માલિનીબહેન − જ્યોતિભાઈ દેસાઈએ, ઘણું કરીને વિક્રમ સંવત 2044 વેળા, મધ્ય અમેિરકાનો શંતિસૈનિકને નાતે પ્રવાસ કરેલો. ત્યાંના અનુભવો તેમ જ સંસ્મરણોને આલેખતા એમણે જે પત્રો લખેલા, તેનું ‘અમાસ’ (મધ્ય અમેરિકાના પ્રવાસના છ પત્રો) નામે આ પુસ્તક 1988 વેળા પ્રગટ થયું હતું. તે પુસ્તિકાના પાન 54-58 પરે આ લેખ અપાયો છે.

સેન્ટૃલ અમેરિકામાં કોઈ ભારતીય મળશે એવી કલ્પના જ મૂર્ખામી ભરેલી ! ક્યાં ના ક્યાં ! અમને એમ જ લાગતું કે, આપણા પુરાણોમાં વર્ણવ્યું છે પાતાળમાં ઉલુપીને ત્યાં અર્જુનને જેમ લાગતું હશે તેવું ખરેખર હશે હોં કે ! શાંત પળોમાં હું વેડછી પહોંચી જાઉં અને ક્યારેક મારો બગીચો, ક્યારેક અમારી નજીકની મજૂરી કરી જીવન વીતાવતી વસતિનાં બાળકોની સેના બગીચામાં પાણી પાતી હોય એવું એવું જોઈ લઉં ! ક્યારેક ગાંધી વિદ્યાપીઠની મહિલાઓ, બાળકો, ભાઈઓ યાદ આવી જાય ! તો ક્યારેક અણુ શક્તિ વિરોધના છઠ્ઠી ઓગસ્ટના પોલીસદળ અને લોકો પર છોડેલા ઘોડાદળ યાદ આવે !

આઠમી ઓગસ્ટે આ અલકા અચાનક મળી ગઈ ! એટલાં તો ખુશ થયાં અમે પરસ્પર કે ન પૂછો વાત ! અલકા કહે, ‘કોઈ ભારતીય અહીં આવી શકે એવી કલપના અમે કરી જ નથી શકતાં ! માન્યામાં જ નથી આવતું ને ! તમે બે જણા આ ઉંમરે અહીં ! બસ ! હવે મારે ઘેર ચાલો-જમો અને તમારો સામાન હોટલમાંથી લાવી અહીં જ રહો.’ ઘરે લઈ ગઈ. પતિ શ્રી રઝા કહે, ‘એવું તે કાંઈ હોય ? અમે અહીં હોઈએ અને તમે હોટલમાં રહો ?’ એમની મોટરમાં ઘરે જતાં જતાં વાતોમાંથી આ દંપતીના અને અમારા-આપણા-ઘણા ઓળખીતા સમાન નીકળ્યા. મુખ્ય તો રઝાજી ભૂદાન, વિનોબાજી, સર્વોદય કેન્દ્રો અને તેમની ભૂમિકા ઇત્યાદિના સંપૂર્ણ જાણકાર ! મધ્ય પ્રદેશના બૈતુલના બુઝર્ગ કાર્યકર્તા બનવારીલાલ ચૌધરીના પૂરા પ્રશંસક અને પોતાને તેમના પુત્રવત્‌ માનનારા. ભારતમાં રઝાજી બાળકોને દત્તક લેનારી સંસ્થા વતી દરેકે દરેક રાજ્યમાં છાત્રાલયનાં બાળકોનો શિક્ષણનો ખર્ચ મેળવી આપવાની વ્વસ્થા કરેલી. અને એ નિમિત્તે સર્વત્ર ફરેલા ! તે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અનુસ્નાતક તેમ જ ઉત્તર પ્રદેશ મેરઠના વતની ! પછી કાંઈ અતિથિસત્કારમાં ઊણપ હોય ?

તાજેતરમાં (જુલાઈ 1987માં) થયેલા મેરઠના હિન્દુમુસ્લિમ તોફાનો દરમ્યાન એમના કાકાના દીકરા ભાઈ જેઓ ડોક્ટર છે તેમણે એક હિંદુનો જીવ બચાવ્યો. હુમલાખોરો સમક્ષ ઊભા રહી કહ્યું, ‘પહેલાં મને મારો પછી એને મારજો.’ અને પછી તેને પોતાને ઘેર રાખ્યો. ડૉ. રઝા એટલા લોકપ્રિય કે બન્ને કોમો એમની તરફ આદર અને પ્રેમથી જુએ. તેથી કોઈએ એક કદમ આગળ આવવાની હિમ્મત કરી નહિ. આવા કુટુંબના નબીરા તે આ રઝાજી. રઝાજી જુવાન અને બાહોશ વ્યક્તિત્વ ધરાવે છે. અલકા રઝાની જુવાન જોડી જોઈ અમે ખૂબ જ પ્રસન્ન થયાં. એમને ત્યાં જમીને અમારા નિવાસની હોટલે પાછાં આવવું પડ્યું. તે દિવસે અને ત્યાર પછી તો અમારે ઘણાં બીજાં કામો હતાં જ તેથી તરત તેમને ત્યાં ન જઈ શક્યાં. છેલ્લે તા. 15મી ઓગસ્ટે અમે બે દિવસ તેમને ત્યાં રહેવાને પહોંચી ગયાં.

પરસ્પર ખૂબ સારું લાગ્યું. વાતોના ગપાટા કરવાની મઝા આવી. કારણ ભાષા એક, વિષય એક, અને વિચારોની પણ ઘણી સમાનતા. પત્રકારને નાતે ભારતના રાજકારણની સંપૂર્ણ માહિતી. આથી અમને જાણે ઘરે પહોંચ્યા જેવું લાગ્યું. લગભગ અઢી મહિને ભારતના બધા સમાચાર મળ્યા. છાપાંયે મળ્યાં અને માસિકોયે મળ્યાં ! હિન્દી, અંગ્રેજી, તમામ ભારતથી મંગાવેલા ! અમને મઝા જ પડી ગઈ.

શ્રી રઝાએ અમારી પાસે સંપૂર્ણ વિદ્યાલય, ગાંધી વિદ્યાપીઠ, ભારતમાં ચાલતી શૈક્ષણિક, સર્વોદયી અને બીજી પ્રવૃત્તિઓ જેમાં જેમાં અમે સંકળાયેલા છીએ દાખલા તરીકે કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટૃ, આપણી અણુવીજકેન્દ્ર વિરોધી પ્રવૃત્તિ, સત્યાગ્રહ બધું જ જાણી લેવા પ્રયત્ન કર્યો. આમ કરતાં કરતાં એક વિચાર સ્ફૂર્યો. અહીં કેટલાંક શિક્ષણકારો, શિક્ષકો અને અન્ય એવા મિત્રો ‘સત્ય સાંઈબાબા’ના શિષ્યો છે ! તેઓને થોડી વધુ સમજણોથી કામ કરવા આકર્ષવા છે. ખાસ કરીને ગામડામાં નઈ તાલીમ, ઓછાં સાધનો કે નહિવત્‌ એવાં સાધનોની બાલવાડી આવું આવું બતાવવું, સમજાવવું છે. લગભગ દર વર્ષે એવા 50-60 મિત્રો ભારત – બેંગલોર તેમના ગુરુના દર્શને દેશ જોવા, યાત્રા કરવા, પવિત્ર થવા (!) આવે છે. તેમને તે પછી ગુજરાત આવે. થોડો સમય ત્યાં ગાળીને ગાંધીજીની વાતો સમજે અને નવાં પરિમાણો (dimensions) પ્રાપ્ત કરે તેવી યોજના બનાવીએ. આથી અહીંના પ્રશ્નોમાં પણ મદદ મળે.

રઝાજીને એ જાણ થઈ હતી જ કે U.N.ની Peace University – શાંતિની વિશ્વવિદ્યાપીઠે અમને આમંત્રણ આપીને કોસ્ટારિકા બોલાવ્યા છે. તો કહે કે, ‘આ આવા શૈક્ષણિક પ્રોજેક્ટમાં તે યુનિવર્સિટીનો ય સાથ લેવાય. હું ત્યાં જઈ આવું અને સંપર્ક કરી કાંઈક ગોઠવીએ !’ આ તો ગમી જાય તેવી જ વાત હતી ને. એ માટેની યોજનાનો પહેલો મુસદ્દો હજી હમણાં જ જ્યોતિભાઈએ તૈયાર કર્યો અને 26મી જાનેવારી 1988 રઝાજીને મોકલ્યો છે. મિત્રો, આ યોજનાની શક્યતા વધશે તો આશા રાખીએ કે તમારા સૌનો સહકાર મળી રહેશે. આપણે સૌ સાથે મળીને આ મિત્રોને રચનાત્મક અભિગમ મેળવી આપવા મથીશું તો કાંઈક તો પરિણામ આવશે જ !

આ વાતો ઉપરાંત અમારી સાથે કેવા કપરા અનુભવો થયા છે તેની વાતો પણ થઈ. કમાલ તો અલકાની. એને તો બે ખરા જોખમકારક અનુભવોમાંથી પસાર થવું પડ્યું.  એ વાતો રજૂ કરતાં રોમાંચિત થઈ જવાય છે. વાંચીને તમને શું લાગે તે તે ય જાણવાની ઇચ્છા છે. ત્યારે વાંચો એની વાતો : અલકાને બે વાર kidnap (ઉપાડી) કરેલી ! એકવાર કહેવાતા આતંકવાદીઓ અને બીજી વાર મિલિટરીએ ! બંનેમાંથી હેમખેમ પાર પડીને આવી ! અને અત્યંત નિર્ભયતાથી રહે છે.

એટલું ખરું કે ઘરની બહાર પગ મૂકતાની સાથે જ પૂછે, ‘પાસપોર્ટ લીધા, વીઝા છે ને ?’ ફરવા જાવ, કે બજારમાં ઘરમાં ય હાથવગું જ હોવું જરૂરી. તમારા ઓળખપત્ર એ જ મુખ્ય સાધન. અલકા પોતે પત્રકાર છે એટલે પત્રકારનો બધે હરવા ફરવાનો વિશેષ પરવાનો છે જ. રઝાજી તો આંતરરાષ્ટૃીય સંસ્થાના પ્રતિનિધિ છે માટે તેમને તો ખાસ V.I.P. સમો પાસ પ્રાપ્ત છે !

અલકા એમની પડોશણ બહેન સાથે (55-60 વર્ષનાં) બજાર જવાને સાડાચારની આસપાસ નીકળ્યાં. ઘર આંગણે જ મોટરમાં બેઠાં ને ત્યાં જ અલકાના ગળા ઉપર બંદૂકની નળી લગાડી એક જણાએ હુકમ કર્યો, ‘બિલકુલ હલનચલન કરતા નહિ. અવાજ પણ કરતા નહિ. મોટરની ચાવી મને આપી દો. ચલો જલદી કરો.’ ત્યારે અલકાને પૂરું સ્પેનીશ સમજાય નહિ એટલે એણે મોટરમાંથી નીચે ઊતરવાનો પ્રયત્ન શરૂ કર્યો. એ એમ સમજી કે મોટરમાંથી ઊતરી જવાનું કહે છે, આથી પેલો વધુ ગુસ્સામાં બોલ્યો, ‘જરા પણ હવે હલીશ ને તો ગોળી છોડીશ જ. તદ્દન સ્થિર થઈ જા.’ પણ અલકા સમજે તો ને ? પણ સાથેનાં બહેને રાડ પાડી, ‘અલકા શાંત થઈ જા ! તને સ્થિર રહેવાનું કહે છે. તારે બિલકુલ હલનચલન નથી કરવાનું. એને જે કરવું હોય તે કરવા દે.’ માંડ વાત પાટે ચઢી. પેલાએ મોટર કબજે લઈ હંકારવા માંડી. અલકા બિલકુલ મૌન ! અને સ્થિર ! હવે, પેલા પડોશણ બહેન પણ ગભરાયેલાં તો ખરાં પણ ઈશ્વને પ્રાર્થના કરી માર્ગદર્શન માંગવા લાગ્યાં. શું કરું ? ઓ સત્યસાંઈબાબા, મને રસ્તો સુઝાડો !! અચાનક જ તેને પ્રેરણા થઈ, ‘આ પ્રેમભૂખ્યો જુવાન છે. એને પ્રેમ આપ !’ બસ ! તે ક્ષણે એ બહેને નિર્ણય કર્યો કે આ તો મારો દીકરો જ છે. અને તેમ માનીને જ તેની સાથે વર્તવા સમજાવવા લાગ્યાં. ‘મારા વ્હાલસોયા, મારા કલેજાના કટકા ! શા માટે આ ધંધો કરે છે ? અમે કાંઈ તારા દુશ્મન નથી. તું તો પ્રેમનો ભૂખ્યો છે. હું તારી “મા” સમાન છું. દીકરા, આ બધું છોડી દે!’ વગેરે કહેવાથી પેલો જુવાન પ્રભાવિત થયો. ગળગળો થયો અને બોલ્યો, ‘હું તમને બેયને કોઈ ઈજા કરવાનો જ નથી. હું તો તમારા વિસ્તારમાં ફસાઈ ગયેલો. તમારા મહોલ્લાના સૈનિક કમાન્ડર પર અમારી ટુકડીએ હુમલો કરેલો પણ તેમના માણસો સતર્ક હતા તેથી અમારે ભાગવું પડ્યું. ભાગવામાં હું એકલો આ તરફ આવી પડ્યો. હવે, મારે તો મારા સ્થાને પાછા પહોંચવાને વાહનની અને તમારા બેયના સંરક્ષણની જરૂર પડી છે.  માટે મેં તમને બાન લીધાં છે. હું મારે સ્થળે પહોંચીને તમને તમારી ગાડી પાછી જ આપીશ અને સલામત તમે પાછાં જઈ શકો તેમ ગોઠવણ કરાવીશ!’ એમ પોતાને જવું હતું ત્યાં પહોંચીને તેમને વિદાય કર્યા. બિલકુલ કોઈ પ્રકારે હેરાન ન કર્યાં.

અલકા બજારે ગઈ છે અને તેને ચાર કલાક થયા અને પાછી કેમ નથી આવી તેવું કશું જ રઝાજીને ધ્યાન પર ન આવ્યું. તેઓ તો પોતાનાં કામોમાં નિરાંતે બેઠેલા. અલકા ઘેર આવી ત્યારે ખૂબ જ અસ્વસ્થ થઈ. ત્રણેક દિવસ તો બીમારશી રહી. પણ રઝાજીએ તેને તૈયાર કરી દીધી. આપણે અહીં રહેવાના છીએ માટે ખંખેરી નાંખો ભય! અને અલકા ઊઠીને ટટાર થઈ ગઈ. અને હવે, તો અલકા જ આપણને બધે ફેરવે એવી બહાદુર મહિલા છે. 1986ના નવેમ્બરમાં સેન સેલવેડોર ભૂકંપમાં તારાજ થયું. ત્યારે એ ભૂકંપ વખતે આ દંપતી શહેરમાં બધે ફરી વળ્યું.  ક્યાં કેવું નુકસાન થયું છે અને શું કરવાની તાત્કાલિક જરૂર છે તેનો પૂરો ક્યાસ મેળવી લીધો. અને મંડી પડ્યાં. તેમની કામગીરી અને બહાદુરી પર અહીંની આ મિલિટરી સરકાર પણ ખુશ થઈ અને તેમને પુનર્વસવાટની જવાબદારી ઉપાડવાને આમંત્ર્યાં. મુખ્ય વ્યવસ્થાપક રઝાજીને બનાવી દીધા. હજી, આજે ય શહેરમાં કાંઈક મોટાં મકાનો તરડાઈને પડ્યાં છે. ભૂકંપથી વાંકા વળેલા અને ઈંટો, સ્ટીલના ભંગાર વખતોવખત નજરે ચઢે છે. કહે છે, ભૂકંપમાં દસ હજારની જાનહાનિ થયેલી!

અલકાને મિલિટરીએ તો તેમના કેમ્પમાં જ પકડેલી. અલકા છાપાના ખબરપત્રીનું કામ કરે છે, એટલે તે માટે સામગ્રી એકત્ર કરવા ગયેલી ત્યાં એને પકડી. એના પર જાસૂસ છે એવો શક પડેલો. ચાર કલાક પૂછતાછ ચાલી. કેમે કર્યા માને નહિ. પણ, અલકા ડરી જાય તેમ ન હતી. બરોબર પ્રશ્નકારોને જવાબ આપતી રહી અને પોતાનો ‘આંતરરાષ્ટૃીય પત્રકાર પાસ’ના બળે છૂટી આવી.

મે પૂછ્યું, ‘आपको डर नहीं लगता ? ऐसी दो घटनाओं के बावजूद भी यहाँ रहने की हिम्मत कैसे करती हो ?’ બંને જણાએ તરત જવાબ આપ્યો, ‘अरे ! भारतीय है ! बहादूर कौम है भारतकी। भगोडे भारत के नहीं होते। डरके कैं कैसे काम चलेगा ? इसी तरह हिम्मतवाले बनेगे तभी तो दुनियामें शांति की स्थापना होगी।’

અમે એમને ત્યાં બે દિવસ રહ્યાં. ખાસ તો એમને ત્યાં 15મી ઓગસ્ટ ઉજવી. મેં સુખડી અને હાંડવો બનાવી ખવડાવ્યો. ખુશ થયાં.

અલકા હિન્દુ બહેન, અને રઝા મુસ્લિમ જુવાન ! બન્ને લગ્નગ્રંથિથી જોડાયાં. ખૂબ સારી રીતે રહે છે. ધર્મ આડે નથી આવતો. અલકા પૂજા પાઠ વ્રતો કરે છે. પણ રઝાને કોઈ દિવસ નમાજ પઢતા જોયો નહિ. આમ સંગીતના સાત સૂરો એકરાગિતામાં ગવાય છે. અમને ખૂબ સારી રીતે રાખ્યાં. ‘आप हमारे बुझुर्ग है। आपका ही घर है। जितने दिन चाहें रहें। भारतीय खाना चाहें बनवायें।’ ઇત્યાદિ દ્વારા અમારું ભરપૂર આતિથ્ય કર્યું. અમને દૂર સમુદ્ર કિનારો જે ખૂબ વખણાય ત્યાં 25 માઈલ પોતાની ગાડીમાં લઈ ગયાં. આમ અહીં સેલવેડોરમાં ભારતીય કુટુંબમાં રહેવા મળ્યું જે અકલ્પિત હતું. અમારા શાંતિ સેનાના મિત્રોને પણ 16મીએ રાત્રે જમવા ‘ઘેર’ બોલાવ્યા. ફિલીપ એન્ડરસનને ય આમંત્ર્યા હતા. પણ તેઓ ન જ આવી શક્યા. ‘અમારે મિત્રતા કરવી છે અને તમારા મિત્રો સાથે અમે પણ શાંતિનું કામ કરવા પ્રયત્ન કરીશું.’ આમ અમારું જ નહિ, અમારાં સાથીઓનું પણ તેમણે સ્વાગત કરી લેવાનું ગોઠવ્યું.

તા. 17મી તો અમારે કોસ્ટારિકા દેશે જવા નીકળવાનું હતું. વિમાની મથક તો ઘણું દૂર. ટેક્સીનો તો 75 ડોલર ખર્ચ થાય. પણ શહેરની ઓફિસેથી બસ નીકળે ત્યાં પહોંચવાનો રસ્તો, સરળ હતો. 23 દિવસ આ શહેરમાં રહીને અમે શહેર તો ખૂંદી જ વળેલા. પદયાત્રી અને બસયાત્રી ખરાંને ? ટેક્સી મોંઘી અને વળી ટેક્સીમાં ફરીએ તો આમ લોકોનો પરિચય થાય જ નહિ. તેથી અમે આ દંપતીને ઘણી ના કહી કે અમે જતા રહીશું. સવારે વહેલા નીકળવાનું છે. પણ આ મિત્રો તો ભારતીય આતિથ્યનાં આગ્રહી. તેથી ન જ માન્યા. વિમાની ઓફિસે અમને સવારે છ વાગ્યે પહોંચાડ્યાં. વિમાની બસ આવી તેમાં રઝાજીએ જ જાતે સામાન મૂકવાનો આગ્રહ રાખ્યો. અમને બેસાડ્યાં, ચરણ સ્પર્શ કર્યાં ! અને વિદાય કર્યાં. ભાવભીની વિદાય આપી અને કહે, ‘ફરી વધારે દિવસ માટે આવજો. અમે પણ વેડછી – ગુજરાત આવીશું.’

•

[મુદ્રાંકન : વિપુલ કલ્યાણી]

Loading

24 May 2019 admin
← દક્ષા પટેલ
Neerav Patel and the poetry of the oppressed →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved