સલામતી અને સુરક્ષા માટેના જાહેર સાહસોનું સુકાન સંભાળવા આપણી પાસે માણસો નથી અને બીજી તરફ આપણે અમેરિકન શસ્ત્રોની આયાત કરવા માટે સાબદા થયા છીએ

ચિરંતના ભટ્ટ
આ લખાઇ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુ.એસ.એ.ની સ્ટેટ વિઝીટ પર છે. ભારત અને યુ.એસ.એ. ઇન્ડિયા-યુનાઇટેડ સ્ટેટ્સ ડિફેન્સ એક્સલરેશન ઇકોસિસ્ટમ એટલે કે INDUS-Xના લૉન્ચની જાહેરાત કરી છે. આ પછી બન્ને દેશ વ્યૂહાત્મક ટૅક્નોલૉજી પાર્ટનરશીપ અને ડિફેન્સ – સુરક્ષાને લગતા ઔદ્યોગિક કો-ઓપરેશનનું વિસ્તરણ થાય તે દિશામાં કામ કરશે. આ માત્ર સરકારો વચ્ચે નહીં પણ બિઝનેસ અને સંસ્થાકીય ધોરણે પણ સુરક્ષાલક્ષી વિસ્તરણને આવરી લેશે.
સિનિયર એડવાઇઝ ગ્રૂપ એટલે કે SAG આ સંયુક્ત જોડાણના એજન્ડાના વિકાસ પર નજર રાખશે ને જરૂર પડ્યે સુરક્ષા લક્ષી સંસ્થાઓને સૂચનો આપશે, જેથી INDUS-Xના વર્તમાન અને ભવિષ્યની કામગીરીને બહેતર બનાવી શકાય. બે બહુ મહત્ત્વનાં ગણાય એવા ડિફેન્સ કરાર વડા પ્રધાનની આ મુલાકાતમાં બન્ને દેશ વચ્ચે થવાના છે. જેટ એન્જિન ટૅક્નૉલૉજી, આર્મ્ડ ડ્રોન્સ જેવા શબ્દો આ કરારનો અગત્યનો હિસ્સો છે. F414 જેટ એન્જિન સાથે જોડાયેલી ૧૧ ચાવીરૂપ ટેક્નોલૉજી ભારતને મળશે અને આમ થશે તો તે યુ.એસ.-ભારતના સુરક્ષા સંબંધી વિકાસ માટે એક સીમાચિહ્ન સાબિત થશે. વળી ભારત 31 MQ-9B અનમેન્ડ એરિયલ વેહિકલની ખરીદી પણ કરી શકશે. આ બધી લેવડ-દેવડ અંગેની વાતો આ મુલાકાતમાં અગત્યનો હિસ્સો રહી છે.
આ બધું તો જે આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહ્યું છે અને થશે તેની વાત છે પરંતુ ભારતમાં ડિફેન્સને લગતા જાહેર સાહસોને મામલે બધું ‘સબ સલામત’ છે તો એવું માની લેવું યોગ્ય નથી. 2021માં કેન્દ્ર સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળ એકતાળીસ ફેક્ટરીઓની કામગીરીનું કોર્પોરેટાઇટેઝેશન કર્યું છે. આ તમામમાં કામની સમાનતાને પગલે તેમને એક કરવામાં આવ્યા અને કુલ સાત જાહેર સાહસોની રચના કરાઇ. આ સાત જાહેર સાહસના એકમમાં મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મ્ડ વેહિકલ ઇન્ડિયા લિમિટેડ, એડવાન્સ વેપન્સ ઇન્ડિયા લિમિટેડ, ટ્રુમપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઑપ્ટેલ લિમિટેડ, ગ્લાઇડર ઇન્ડિયા લિમિટેડ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ બદલાવ કરીને તમામ કંપનીને, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યા છે. આ કરવાનો હેતુ એ હતો કે તમામ ઉત્પાદન એકમોની કાર્યક્ષમતા, સ્પર્ધાત્મકતા અને ગુણવત્તા બહેતર થાય. તમામ ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ્સના નિકાસ માટેના ઓર્ડર્સમાં વધારો થયો; વળી, એક માત્ર યંત્ર ઇન્ડિયા લિમિટેડે કંઇ બહુ ઉકાળ્યું નહીં બાકી બધા યુનિટ્સનું પરફોર્મન્સ સુધર્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ પબ્લિક સેક્ટર યુનિટ્સના વડાઓની નિમણૂક કરવામાં વિલંબ થયો છે અને તેને કારણે જુદા જ પ્રકારના પ્રશ્નો ખડા થાય છે. આ વડાઓેની નિમણૂક અને પસંદગીમાં ધરમૂળથી ફેરફાર થાય તે બહુ જરૂરી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, ભારત અર્થ મુવર્સ લિમિટેડ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ લાંબા સમયથી કોઇ યોગ્ય સુકાની વગર ચાલી રહી છે. તેમનું સુકાન જે પણ સંભાળે છે તેમને માટે તે એક વધારાની જવાબદારી છે. વળી આ તમામમાં અમુક વર્ટિકલ્સ છે જેમાં તો ડાયરેક્ટર્સ જેવી અગત્યના પદ પણ ખાલી છે.
આ પદવીઓ ખાલી છે તેનાથી કેન્દ્ર સરકાર અજાણ નથી. ચેરમેન કે મેનેજિંગ ડાયરેક્ટર જેવી ખાલી પોસ્ટ્સ પર પબ્લિક એન્ટરપ્રાઇઝ સિલેક્શન બોર્ડે લોકોને પસંદ પણ કર્યા છે કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ (ACC – Appointment committee of the Cabinet ) આ અંગે હજી મંજૂરીની મહોર નથી મારી. આ બધી ખાલી જગ્યાઓ વિશે ખબર હોવા છતાં પણ આ પદવીઓ હજી સુધી શા માટે ભરાઇ નથી એ એક એવો સવાલ છે જેનો જવાબ આપવો અત્યારના તબક્કે તો કોઇને ય જરૂરી નથી લાગતો. આ એવી પદવીઓ છે જેને માટે નિમણૂક કરવી સરળ નથી, વળી વહીવટની જવાબદારી જે મંત્રાલયની છે તેણે જે ફેરફાર કર્યા તેને કારણે પણ આ વિલંબ થયા હોવાની શક્યતા છે. વળી સરકારી અધિકારીઓ – બ્યુરોક્રેટ્સ અને ભારતીય સેના અધિકારીઓનું લોબિંગ એવું ચાલ્યું કે મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડનું સુકાન સંભાળવા કોઇ રહ્યું જ નહીં. વળી એવું ય નથી કે અહીં નિમણૂક માટે કોઇ કામગીરી નથી થઇ. અહીં નિમણૂક કરવા માટે તો ફેબ્રુઆરી 2022થી તૈયારી ચાલુ થઇ ગઇ હતી પણ તેનો કોઇ નિવેડો જ ન આવ્યો. ડિફેન્સ પ્રોડક્શનના ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ પદવી પર માણસ બેસાડવાના માટેના ધારાધોરણો એ રીતે બદલી નાખ્યા કે નેવીના અધિકારીઓને માટે એ જગ્યા ભરવું અઘરું થઇ પડે અને સનદી સેવાના અધિકારીઓ – બ્યુરોક્રેટ્સને એ જગ્યાએ ગોઠવાઇ જવું હોય તો સહેલું થઇ પડે. હજી સુધી અહીં કામ આગળ વધ્યું નથી અને આ જગ્યા હજી ભરાઇ નથી.
આવા સંજોગોમાં મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડે જર્મન કંપની સાથે એમ.ઓ.યુ. કર્યો છે. આ એમ.ઓ.યુ. ભારત માટે સબરમિન્સ બનાવવાનો છે, આ સબમરિન્સ પ્રોજેક્ટ-75 ઇન્ડિયા અંતર્ગત બનાવવાની છે. એક તરફ આપણે ભારતની સુરક્ષાની ચિંતા કરીએ છીએ તો બીજી તરફ જેમણે આવા અગત્યના નિર્ણયો લેવાના છે તેમણે સુરક્ષાનો પ્રશ્ન કરંડિયામાં ફેંકી વખારે નાખ્યો હોય એમ લાગે છે. આ સરકારી સનદી અધિકારીઓ ચાહે તો બધી જવાબદારી ભારતીય નેવી પર જ નાખી શકત કારણ કે અંતે તો આ વિષયમાં તેઓ જ નિષ્ણાત છે. એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધી કેબિનેટ આ ધારાધોરણના બદલાવો પર મંજૂરીની મ્હોર મારી દેશે પસંદગીનું કામ આગળ પણ વધી શકે. જો કે એ પહેલી મંજૂરી પછી નિમણૂક થશે ત્યારે પણ આ કેબિનેટે તેને પણ માન્યતાનો સિક્કો મારવો પડશે.
ભારત તો યુ.એસ. પાસેથી વધુને વધુ અમેરિકન શસ્ત્રો ખરીદશે પણ શસ્ત્રાગારને સંભાળનારા વડાની જગ્યા ખાલી હોય તો આ તમામ ડીલ્સનો શું અર્થ? આ ફાઇલો ફરવામાં અને અંતિમ નિર્ણય પર આવવામાં લાંબો સમય જતો રહે અને આ તરફ આપણે વૈશ્વિક સ્તરે બહુ મહત્ત્વની લેવડ-દેવડ કરવી હોય તો આપણે કેટલી રાહ જોવી જોઇએ?
બાય ધી વેઃ
સુરક્ષાના મામલે રાજકીય ચંચૂપાત ન જ હોવો જોઇએ પણ આટલા મહત્ત્વના પદ જરૂરી રાજકીય સંમતિ વિના અટકી જાય એ પણ ન ચાલે. આ પ્રકારના પદમાં રાજકીય સત્તા સામેલ થાય તે જરૂરી તો છે જ. ACCની કામગીરીની યાદી લાંબી હોય પણ એટલે કોઇ અગત્યની જવાબદારીમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થાય તે પણ ઠીક નથી. આ નિમણૂકની ફાઇલો પર સહી સિક્કામાં પણ સમય જાય કારણ કે ગૃહ મંત્રી અને વડા પ્રધાનની ઑફિસીઝા રાઉન્ડ પછી જ આ ફાઇલો લૉક થાય. આ એપોઇન્ટમેન્ટ સમિતિને કદાચ વધારે સત્તા આપવાની જરૂર છે જેથી તેઓ ઉમેદવારોની પસંદગી જલદી કરી શકે અને કામ આગળ વધારી શકે. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટામસ કરાર કરીએ પણ ઘર આંગણે આ વ્યવસ્થાઓમાં સુકાનીઓની ગેરહાજરી હોય તો રાષ્ટ્રીય સલામતીને મામલે કાચું કપાય તો કોનો વાંક કાઢવો એ એક પણ એક પ્રશ્ન છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023