
વિમુક્તા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા એક તાલીમ શિબિરમાં આજે આપેલા દોઢ કલાકના વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા :
(૧) બજાર એનું જ કલ્યાણ કરે કે જેના ખિસ્સામાં પૈસા હોય. જેની પાસે પૈસા ન હોય એને બજાર મારી નાખે છે કારણ કે બજાર નિર્દય છે. એટલે વંચિતો, ગરીબો, દલિતો, પીડિતોનું કલ્યાણ કરવાની જવાબદારી રાજ્યની એટલે કે સરકારની છે. એ જવાબદારી બંધારણમાં પ્રકરણ-૪માં જ લખવામાં આવેલી છે.
(૨) બધા જ ધર્મો અસમાનતા ઘટાડવામાં અને ગરીબી દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. ભગવાનની ભક્તિ કરવાથી અસમાનતા ઘટતી નથી કે ગરીબી દૂર થતી નથી, કારણ કે ભગવાન કશું કરતો જ નથી. અન્યાય દૂર કરવા માટે તો ભગવાન સામે પણ લડવું પડે તેમ છે કારણ કે ભગવાને બધા ધર્મોમાં તેના ઢગલાબંધ ઠેકેદારો પેદા કરેલા છે.
(૩) ભારતનું બંધારણ બધા ધર્મોને અને એમના ભગવાનોને કોરાણે મૂકીને મનુષ્યના કલ્યાણ અને તેના સુખ પર ભાર મૂકે છે અને એની વ્યવસ્થા કરે છે. ભારતના રાજ્યને કોઈ ભગવાન સાથે કશી લેવાદેવા છે જ નહીં.
(૪) ભારત નામનો દેશ હતો જ નહીં, એટલે એના ભાગલા થયા એમ કહેવું જ ખોટું છે. છેલ્લાં ૫,૦૦૦ વર્ષના ઇતિહાસમાં આજે છે તેવો ભારતનો કોઈ નકશો હતો જ નહીં, અને એ જૂના નકશા જોઈએ તો ક્યાં ય કોઈ રાજ્યનું નામ ભારત હોય એવું મળતું નથી, ભગવાન રામના રાજ્યનું પણ નહીં.
(૫) આપણે પહેલી વાર ભારત ૧૯૫૦માં બનાવ્યું છે અને તેને લોકશાહી દેશ બનાવ્યો છે અને તેનો ઉદ્દેશ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ સ્થાપવાનો રાખ્યો છે. આપણે અત્યારે એ સિદ્ધ કરવાની દિશામાં જઈ રહ્યા નથી પણ એનાથી ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ.
(૬) લોકશાહી મહત્ત્વની છે કારણ કે એમાં જ નાગરિકોના અધિકારો ટકે છે. બીજી કોઈ જ રાજવ્યવસ્થામાં નાગરિકો હોતા જ નથી, એમાં પ્રજા હોય છે. ભારતે ૧૯૫૦માં બંધારણ રચીને લોકોને પ્રજામાંથી નાગરિક બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી છે. આપણને ફરીથી પ્રજા બનાવવાની કોશિશ અત્યારે થઈ રહી છે. આપણે આપણી નાગરિકતા માટે લડવાનું છે. જો નહીં લડીએ અને લોકશાહીને નહીં ટકાવીએ તો આપણે ફરી રાજાશાહી સ્વરૂપની તાનાશાહીમાં સરી પડીશું.
(૭) કોઈ પણ નેતાની ભક્તિ આપણને તાનાશાહી તરફ લઈ જાય. આંબેડકરે નેતાની ભક્તિથી લોકોનું અને દેશનું પતન થાય એમ એમના સંવિધાન સભાના છેલ્લા ભાષણમાં કહેલું.
(૮) મહાત્મા ગાંધીએ દેશની આઝાદી પર નહીં દરેક વ્યક્તિની આઝાદી પર ભાર મૂક્યો હતો. દેશની આઝાદી તો તેમને માટે માણસની આઝાદી તરફ આગળ વધવાનું સાધન હતું. ભારત તો અત્યારે આઝાદ છે જ, એ હવે અંગ્રેજોનું ગુલામ હતું તેમ કોઈનું ગુલામ બનવાનું નથી. એ જમાના જતા રહ્યા. એટલે દેશની આઝાદીની નહીં, પણ દેશના નાગરિકોની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે.
તા.૦૪-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

