માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.
− ડૉ. હોમી ભાભાના તેમના પિતા પરના પત્રનો અંશ
ભારતની અણુશક્તિના જનક ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. ૧૯૬૬માં વિમાની અકસ્માતમાં થયેલા તેમના મૃત્યુને આજે અર્ધી સદી જેટલો સમય થયો છે. જુદાજુદા, ક્યારેક વાહિયાત લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે આપણા આ મહાન વિજ્ઞાનીને ઓળખીએ છીએ ?

ડૉ. હોમી જે. ભાભા
મુંબઇની એલ્ફિન્સ્ટન કૉલેજ અને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં ભણી આગળ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયેલા શ્રીમંત પારસી યુવાન હોમીને પિતાનું ફરમાન હતું, મિકેનિકલ એન્જિનિયર થવાનું. પણ હોમી સ્પષ્ટ હતો. તેણે પિતાને પત્ર લખ્યો, ‘માણસ જેને પ્રાણપણે ચાહતો હોય, જેમાં પોતાની સમસ્ત નિષ્ઠા આરોપી શકતો હોય તે ક્ષેત્રમાં જ તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. હું એન્જિન્યિરંગનો નહીં, ફિઝિક્સનો માણસ છું. મારી અંદર ફિઝિક્સની જ્વલંત જ્યોત જલે છે. મારું જીવન હું તેને જ આપવા માગું છું.’ પિતા માન્યા, પણ તેમણે શરત મૂકી, ‘પહેલા તું ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ એન્જિનિયર થઇ બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ હોમીએ સ્વીકાર્યું, એન્જિનિયર થયો અને પછી લાગી ગયો પોતાના પ્રિય વિષય ફિઝિક્સના અભ્યાસ અને સંશોધનમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કર્યું, નીલ બોહર જેવા ભૌતિકશાસ્ત્રના મહાન વિજ્ઞાનીઓ સાથે ખૂબ કામ કર્યું, ક્વૉન્ટમ થિયરી, કૉસ્મિક રેડિયેશન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનાં સંશોધનો કર્યાં અને પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના ફેલો બન્યા. ૩૧ વર્ષની ઉંમરે ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા ત્યારે વિજ્ઞાની તરીકે વિશ્વસ્થાપિત થઇ ચૂક્યા હતા. આ ધનિક, દેખાવડા અને બુદ્ધિમાન પારસી યુવાનને પોતાનો જમાઇ બનાવવા પ્રતિષ્ઠિત પરિવારો આતુર હતા, પણ આ બાબતમાં પણ હોમી સ્પષ્ટ હતો, ‘હું વિજ્ઞાનને વરી ચૂક્યો છું.’ ગુલામ ભારતમાં જન્મેલો કેવો મુક્ત આત્મા !
આ ડૉ. હોમી જહાંગીર ભાભા ૧૯૦૯ની ૩૦મી ઑક્ટોબરે મુંબઇમાં જન્મ્યા હતા. આજે દીપાવલિના શુભ દિવસે તેમનો જન્મદિન આવ્યો છે ત્યારે પ્રશ્ન થાય છે કે જુદા જુદા, ક્યારેક વાહિયાત પણ લાગે તેવા ‘ડે’ મનાવનારા આપણે સાયન્સ ડે કે એટમિક એનર્જી ડે મનાવવાનો વિચાર કદી કરીએ છીએ ? આપણા મહાન વિજ્ઞાનીઓને ઓળખીએ છીએ ? તેમના મહાપ્રદાનને સમજીએ છીએ ? આપણે તો તેમના ઐતિહાસિક બંગલાને પણ સ્મારકમાં ફેરવી શક્યા નથી, તેને તૂટી જવા દીધો છે. અજ્ઞાન, મીંઢાપણું અને મૌન ખૂબ ભારે પડી જાય તેવી ચીજો છે, પણ આપણે તો આંખ આડા કાન કરવામાં પણ નિષ્ણાત છીએ. ખેર, વાત ચાલતી હતી ૧૯૪૦માં ડૉ. હોમી ભાભા ભારત આવ્યા તેની. બેંગલોરની ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન શરૂ કર્યું. યુવાન વિજ્ઞાનીઓ દેશના ખૂણેખૂણે વિખેરાયેલા હતા, તેમને એક મંચ આપતી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઇમાં શરૂ કરી અને તેના ડિરેક્ટર નીમાયા ને કુશળ વટીવટ કર્યો. ડૉ. ભાભાની નેતૃત્વશક્તિ, નિષ્ઠા, મહેનત, ધન અને જવાહરલાલ નહેરુ સાથેના સંબંધોને કારણે સ્વતંત્રતા મળ્યાનાં થોડાં જ વર્ષોમાં દેશે સંશોધનની દિશામાં વિરાટ અને નક્કર પગલાં ઉઠાવ્યાં.
૧૯૪૮માં તેઓ ભારતના એટમિક એનર્જી કમિશનના પ્રથમ ચેરપર્સન બન્યા. ૧૯૫૬માં તેમના પ્રયત્નોથી ટ્રોમ્બેમાં પ્રથમ એટમિક રિએક્ટન્ટ શરૂ થયું. ૧૯૫૫માં જીનિવામાં અણુશક્તિના શાંતિમય પ્રયોગો માટે પહેલી યુ.એન. કૉન્ફરન્સ ભરાઇ ત્યારે ડૉ. ભાભાએ અણુશક્તિના નિયંત્રણ અને પ્રતિબંધ પર ખૂબ ભાર મૂક્યો હતો. ભારત અણુબૉમ્બ બનાવવાનું સામર્થ્ય કેળવે, પણ બનાવે નહીં – તેનું ધ્યાન અણુઊર્જાના ઉપયોગથી દેશની ગરીબી દૂર કરવા તરફ રહે તે તેમનો આદર્શ હતો. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર આજે પણ આ કરી રહ્યું છે. ભારતની પાર્લામેન્ટમાં વારંવારના આમંત્રણ છતાં તેઓ ગયા નહીં, નહેરુ અને શાસ્ત્રીના સાયન્ટિફિક એડવાઇઝર તરીકે સેવા આપતા રહ્યા. તેઓ ભારતની અણુશક્તિના જનક ગણાય છે. અમેરિકાએ યુરેનિયમ આપવામાં ઠાગાઠૈયા કર્યા ત્યારે ડૉ. ભાભાએ અણુઉત્પાદનમાં યુરેનિયમને બદલે થોરિયમ વાપરી શકાય છે તેવું ત્રિસ્તરીય અણુકાર્યક્રમ દ્વારા સાબિત કર્યું. દુનિયા સ્તબ્ધ થઇ ગઇ.
જેઓ ડૉ. હોમી ભાભાનાં સ્વપ્નો અને કાર્યો વિશે જાણે છે તેઓ એ પણ જાણે છે કે તેમનાં સ્વપ્નોને સાકાર કરવામાં ડૉ. હોમી સેઠનાની ભૂમિકા કેટલી અગત્યની હતી. આ બંને દિગ્ગજોની મુલાકાત અનાયાસે સ્વિમિંગ પૂલમાં થઇ હતી. સેઠના, ભાભાથી પંદરેક વર્ષ નાના. તેમનું તેજ અને તરવરાટ જોઇ ભાભાએ તેમને પોતાની ઑફિસમાં બોલાવ્યા અને નાના ઇન્ટરવ્યૂ પછી કામ પર રાખી લીધા. ડૉ. ભાભાના મૃત્યુ પછી તેમનું કામ અટકવા ન દેવામાં ડૉ. સેઠનાનો મોટો હાથ હતો.
અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો, અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓનો પ્રારંભ અને સભ્યપદ, અનેક રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધનો – કારકિર્દી ટોચ પર હતી ત્યારે એક વિમાની અકસ્માતમાં ડૉ. ભાભાનું મૃત્યુ થયું. ૧૯૬૬ની સાલ હતી. ડૉ. ભાભા વિયેના કૉન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. જીનિવાથી તેમનું વિમાન ઉપડ્યું ને આલ્પ્સના પહાડો વચ્ચે તૂટી પડ્યું. આ જ સાલમાં તાશ્કંદમાં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું હતું. એક થિયરી મુજબ ૧૯૬૫ની લડાઇમાં પાકિસ્તાન હાર્યું, ભારત અણુક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યું હતું ને રશિયા સાથે સારા રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. આમ જ ચાલ્યું તો જોતજોતામાં ભારત મહાસત્તા બની જશે – અમેરિકા ખળભળી ઊઠ્યું હતું. ભારતને નબળું બનાવવા માટે આ બંને મૃત્યુમાં સી.આઇ.એ. સંડોવાઇ હોવાનો પુરાવો પણ આ થિયરી આપે છે.
અને બંગલો. મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ડૉ, ભાભાએ પોતાના માતાપિતા મહેરબાઇ અને જહાંગીરના નામ પરથી ૧૭,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર એક વિશાળ બંગલો બંધાવેલો : મહેરાંગીર. ડૉ. ભાભાના મૃત્યુ પછી બંગલો તેમના ભાઇ ડૉ. જમશેદ ભાભા સંભાળતા હતા. તેમણે વીલમાં બંગલો એન.સી.પી.એ.ને લખી આપેલો. ૨૦૧૪માં બંગલાનું લિલામ થયું. ૩૭૨ કરોડમાં ગોદરેજ પરિવારે તે ખરીદ્યો તે પછી બે જ વર્ષમાં હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવા માટે તેને તોડી પાડવામાં આવ્યો. સેવ મહેરાંગીર કેમ્પેન દ્વારા તેને તૂટી પડતો અટકાવવાના, વિજ્ઞાન સંસ્થાઓ દ્વારા તેને ડૉ. ભાભાનું સ્મારક બનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એક અહેવાલ મુજબ સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરી જાણવા માગ્યું હતું કે મહેરાંગીરને હેરિટેજ લિસ્ટમાં મૂક્યો છે કે કેમ. સરકારે મૌન સેવ્યું, સ્ટે ઑર્ડર પણ ન આપ્યો અને આ જ વર્ષે – થોડા મહિનાઓ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યો. આ જ વર્ષે ઇંગ્લૅન્ડમાં આવેલો બાબા આંબેડકરનો બંગલો બત્રીસ કરોડમાં ખરીદીને બચાવી લેવામાં આવ્યો, કારણ ત્યાં મતપેટીનું રાજકારણ હતું.
આ દેશમાં જ નહીં, દુનિયામાં પણ દરેક બાબતમાં રાજકારણ છે શું ? રાજકારણના ગાઢ અંધકારમાં પ્રતિભાનાં કોડિયાંને ટમટમતાં રાખવાની જવાબદારી કોની છે ? આવતી કાલથી શરૂ થતા નવા વર્ષે મનુષ્ય તરીકે, નાગરિક તરીકે સાચા અર્થમાં જાગૃત થવાનો સંકલ્પ આપણે પણ લઇએ તો ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર 2023