
રમેશ ઓઝા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે બીજી વખત હોદ્દો સંભાળ્યો એને એક વરસ થયું. એક વરસમાં ટ્રમ્પે વિશ્વ રાજકારણનું સ્વરૂપ અને સમીકરણો બન્ને બદલી નાખ્યાં. ઘણા લોકોને એટલો મોટો આઘાત પહોંચ્યો છે કે એ આઘાતમાંથી હજુ પણ બહાર નથી નીકળી શક્યા અને એવા લોકોમાં એક આપણા વડા પ્રધાન છે. ટ્રમ્પનો વિજય થયો ત્યારે નરેન્દ્ર મોદીએ જે હરખ વ્યક્ત કર્યો હતો એ યાદ હશે. તેઓ જીતે એ માટે નરેન્દ્ર મોદીએ પ્રચાર પણ કર્યો હતો અને આવું જગતના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું. પણ ટ્રમ્પે પ્રમુખ બનતાની સાથે જ તેવર બદલ્યાં.
શરૂઆત અમેરિકામાં ગેરકાયદે વસતા વસાહતીઓને પાછા મોકલવાથી કરી. અમેરિકાનો એ અધિકાર છે. દરેક દેશ આવો અધિકાર ધરાવે છે. ભારત પણ આવો અધિકાર ધરાવે છે. ભારત કોઈ બોડી બામણીનું ખેતર નથી કે કોઈ પણ ઘૂસપેઠ કરી શકે. અમે સત્તામાં આવીશું તો બંગલાદેશીઓને અને અન્ય તમામ વિદેશી ઘૂસપેઠિયાઓને વીણીવીણીને તગેડી મૂકશું એવું દસ વરસ પહેલાં કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી ઘૂસપેઠિયાઓને લઈને કોઈ બસ સરહદે ગઈ હોય એવું જોવા મળ્યું નથી. ઊલટું પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવામાં આવે છે કે મમતા બેનર્જીની સરકાર બંગલાદેશી ઘૂસપેઠિયાઓને શરણ આપે છે. ભાઈ, સરહદ પર ચાંપતી નજર રાખવાનું કામ કેન્દ્ર સરકારનું છે કે રાજ્ય સરકારનું? પણ પત્રકારો આવો પ્રશ્ન પૂછશે નહીં, કારણ કે પ્રશ્ન નહીં પૂછવા માટે તેમને પૈસા મળે છે.
ખેર, આપણે વાત અમેરિકાની કરી રહ્યા છીએ. ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ સપાટો બોલાવ્યો, પણ એમાં તેમણે અતિરેક કર્યો. તેમનું વલણ કાયદેસર હોવા છતાં માનવીય નહોતું. અમેરિકામાં ગેરકાયદે વસેલા ભારતીય નાગરિકોને અમેરિકન પ્રશાસને હાથકડી અને પગમાં બેડી ફેરવીને ભારત પાછા મોકલ્યા. શું તેઓ ખૂની હતા? ભારતે વિરોધ તો ઠીક, નારાજગીનો એક શબ્દ ઉચ્ચ્ચાર્યો નહોતો. ભારતથી ઊલટું મેક્સિકોએ અમેરિકાને જણાવી દીધું હતું કે એ અમારા નાગરિકો છે અને તેમને માનભેર દેશમાં પાછા લઈ આવવાની જવાબદારી અમારી છે. મેક્સીકનોને હાથકડી અને બેડી પહેરાવવામાં નહોતી આવી. મેક્સિકોએ પોતાનાં વિમાન અમેરિકા મોકલ્યાં હતાં અને માનભેર પોતાના નાગરિકોને લઈ આવ્યાં હતાં. પણ ભારત તરફથી ટીકા તો ઠીક, નારાજગીનો એક શબ્દ નહીં. ઊલટું ભારતના વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કર્યો. પાછા મોકલવાનો અધિકાર માન્ય. હાથકડી અને બેડી પહેરાવવાનો અધિકાર? આની નિંદા ન થઈ શકે!
પછી આવી બીજી એપ્રિલ. ટ્રમ્પે એ દિવસને અમરિકન મુક્તિદિવસ (લિબરેશન ડે) જાહેર કર્યો. તેમણે કહ્યું કે કેટલાક દેશો અમરિકાની ઉદારતાનો લાભ ઉઠાવે છે. આયાતજકાત(ટેરીફ)ના ઊંચા દર રાખીને અમેરિકન આયાતને રોકે છે અને પોતાનો માલ અમેરિકાના નીચા દરનો લાભ લઈને અમેરિકામાં ઠાલવે છે. આને કારણે આયાત-નિકાસમાં અસંતુલન પેદા થાય છે અને અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચે છે. ટ્રમ્પનો આ પણ અધિકાર છે, પરંતુ તેમનું અજ્ઞાન અને તેમનું વલણ કોઈ એક જવાબદાર દેશના નેતાને શોભે એવું નહોતું. તેમણે જગતના તમામ દેશો પર લઘુતમ ૧૦ ટકાનો ટેરીફમાં વધારો કર્યો અને એ દેશોમાં એન્ટાર્કટિકાનો પણ સમાવેશ થતો હતો જ્યાં કોઈ મનાવવસ્તી જ નથી. ભારત પર ૨૫ ટકાનો વધારો કર્યો. તેમણે નવી સ્થિતિમાં અમેરિકા સાથે નવેસરથી વ્યાપારસમજૂતી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. નવો ટેરીફ દર પહેલી ઓગસ્ટથી લાગુ થવાનો હતો.
ટ્રમ્પના ટેરીફશસ્ત્ર સામે અલગ અલગ દેશોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી. કોઈકે આપલે કરીને સમજૂતી કરી લીધી. કોઈકે ટ્રમ્પની નિંદા કરી અને કોઈકે અમેરિકન માલ પર હજુ વધુ ટેરીફ લાદીને વળતો જવાબ આપ્યો. અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટેરીફની લડાઈ તો ગાંડપણના સ્તરની હતી. ચીને કચકચાવીને તમાચા માર્યા. દરમ્યાન ટ્રમ્પને પણ અક્કલ આવી કે આમાં અમેરિકાને વધુ નુકસાન થઈ રહ્યું છે. તેમણે પાછલે બારણેથી ચીન સાથે સંપર્ક કર્યો, ત્રીજા દેશમાં ચીનના નેતાને મળવા ગયા અને ચીન સાથે લગભગ શરણાગતીના સ્વરૂપની વ્યાપાર સમજૂતી કરી લીધી. આ સિવાય જ્યાં અમેરિકાને નુકસાન થતું હતું ત્યાં ટ્રમ્પે પીછેહઠ કરી, પણ ભારત સાથે હજુ સુધી સમજૂતી થઈ શકી નથી.
ભારત પર ટેરીફ વધારવાનો અમેરિકાને અધિકાર છે, પણ ભારતે કોની સાથે ધંધો કરવો જોઈએ અને કોની સાથે નહીં તેનો નિર્ણય લેવાનો કે તેમાં દખલગીરી કરવાનો અધિકાર અમેરિકન પ્રમુખને કોણે આપ્યો? ટ્રમ્પે ભારત પર હજુ વધુ ૨૫ ટકા ટેરીફ દંડ સ્વરૂપે લગાડી છે, કારણ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. આવી દાદાગીરી? આવું અપમાન અને એ પણ વિશ્વગુરુનું? પણ વિશ્વગુરુએ હજુ સુધી ટ્રમ્પને કહ્યું નથી કે તમે મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, ભારત એક સ્વતંત્ર દેશ છે સ્વતંત્રતાનો અર્થ થાય છે પસંદગીનો અધિકાર. અમે ગમે તેની સાથે વેપાર કરીએ તમે રોકનાર કોણ? એની જગ્યાએ અમેરિકાના દબાણમાં આવીને ભારતે રશિયન તેલની આયાતમાં ત્રીજા ભાગનો ઘટાડો કરી નાખ્યો અને છતાં ય અમેરિકાને સંતોષ થયો નથી અને હજુ સુધી વેપાર સમજૂતી થઈ નથી.
એની વચ્ચે ઓપરેશન સિંદૂરની ઘટના બની અને અચાનક યુદ્ધના ત્રીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી. ત્રીજા દેશનો નેતા આવી જાહેરાત કરે? ત્રીજા દેશે મધ્યસ્થી કરાવી હોય એવી તો અનેક ઘટના આપણે જાણીએ છીએ પણ ત્રીજો દેશ યુદ્ધવિરામની જાહેરાત કરે? કોણે આવો અધિકાર આપ્યો? અને પછી તેમનું મેં મેં. મેં (ડોનાલ્ડ ટ્રમ્પે) બન્ને દેશોના વડાને કહ્યું કે લડતા બંધ નહીં થાવ તો અમેરિકા તમારી સાથે વેપાર નહીં કરે. મેં તેમને કહ્યું કે લડવાનું બંધ કરશો તો અમેરિકા ફાયદો કરાવી આપશે, મેં ભારતનું ધ્યાન દોર્યું કે યુદ્ધમાં ત્રીજો દેશ (ચીન) અપ્રત્યક્ષ રીતે સક્રિય છે અને ડ્રોન દ્વારા ભારતની લશ્કરી હિલચાલની રીઅલ ટાઈમ જાણકારી પાકિસ્તાનને મળી રહી છે વગેરે વગેરે. આવો દોસ્તાર? ટ્રમ્પે અત્યાર સુધીમાં એક ડઝન વાર કહ્યું છે કે મેં યુદ્ધ અટકાવ્યું છે. પણ નરેન્દ્ર મોદીએ આજ સુધી કહ્યું નથી કે ટ્રમ્પનો દાવો ખોટો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે વડા પ્રધાન ટ્રમ્પનું નામ લઈને કહે કે ટ્રમ્પ જે કહે છે એ અસત્ય છે. વડા પ્રધાને એ પછી પણ મોઢું ખોલ્યું નથી. એ દરમ્યાન ૧૭મી જુલાઈએ ટ્રમ્પે પાકિસ્તનના લશ્કરી વડા જનરલ મુનીરને વ્હાઈટ હાઉસમાં જમણ માટે બોલાવ્યા હતા. જગતના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટાયેલા વડા પ્રધાનનું અપમાન કરવા જનરલને માન આપ્યું હતું.
અને છેલ્લો ડામ. ૧૩મી જાન્યુઆરીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે જે કોઈ ઈરાન સાથે વેપાર કરશે કે બીજા કોઈ પ્રકારની ભાગીદારી કરશે તેના પર અમેરિકા ૨૫ ટકા ટેરીફ લાદશે. ધમકી તો આ પહેલાં પણ આપી હતી, પણ આ વખતે ટેરીફના પ્રમાણ સાથે આપી. ભારતનો ઈરાન સાથે વેપાર તો બહુ બહોળો નથી (એનું કારણ અમેરિકાનું દબાણ છે, બાકી ઈરાન પાસે પુષ્કળ તેલ છે અને તેનું ૯૦ ટકા તેલ પાણીના ભાવે ચીન આયાત કરે છે, કારણ કે ચીનને અમેરિકાનો ડર નથી. ચીન રશિયન તેલનું પણ મોટું ગ્રાહક છે અને ભારતે રશિયન તેલની આયાતમાં ઘટાડો કર્યા પછી ચીનને હજુ વધુ ફાયદો થયો છે.), પણ ઈરાનના ચાબહાર બંદરને વિકસાવવાની ભાગીદારી ખૂબ મહત્ત્વ ધરાવે છે.
વાત એમ છે કે ચીન પાકિસ્તાનનું ગ્વાડર બંદર વિકસાવી રહ્યું છે કે જેથી ચીન સીધું ઈરાનના અખાત સુધી વાયા પાકિસ્તાન પહોંચી શકે. ભારત માટે આ ચિંતાની વાત હતી એટલે ભારતે બાજુમાં ઈરાનમાં ઈરાનના અખાતને લાગીને આવેલ ચાબહાર બંદર વિકસાવવાનો ફેંસલો કર્યો હતો. એમાં લાભ એ છે કે ભારત પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ કર્યા વિના ઈરાન માર્ગે રશિયા અને મધ્ય એશિયાના દેશો સુધી પહોંચી શકે. ભવિષ્યમાં ઈરાનનું તેલ પણ સમુદ્રમાં પાઈપલાઈન પાથરીને ભારતમાં આયાત કરી શકાય. ટ્રમ્પની ધમકીના કારણે એ બંદર વિકસાવવાનું શું થશે એ સવાલ છે. ભારતે છ મહિનાની મહોલત માગી છે, બંદર વિકસાવવાનું કામ ધીમું કરી નાખ્યું છે, વેબસાઈટ પરની વિગતો હટાવી દીધી છે વગેરે જોતાં અહીં પણ ભારત કરોડરજ્જુનો પરિચય કરાવી શકશે કે કેમ એ વિષે શંકા જાય છે. જે વિશ્વગુરુ છ વરસથી ઊંહકારો પણ કર્યા વિના ચૂપચાપ ચીનના ડામ ખમે છે અને એક વરસથી અમેરિકાના ડામ ખમે છે એ ચાબહાર બંદર બચાવી શકશે? શંકા જાય છે અને શંકા માટે કારણ છે. જો છ વરસમાં એકાદવાર મોઢું ખોલવાની હિંમત કરી હોત તો લોકો શંકા ન કરત.
તાકાત શૌર્યનાં ઢોલનગારા પીટવાથી નથી આવતી. જાગતિક સંબંધોમાં તાકાત બે પ્રકારની હોય છે; એક લશ્કરી અને બીજી આર્થિક. જેની પાસે આ બે પ્રકારની તાકાત હોય એ ધારે તો બીજાને મદદરૂપ થઈ શકે અથવા ધારે તો નુકસાન પહોંચાડી શકે. ભારત પાસે આ બેમાંની એકેય તાકાત નથી. એક સમયે ભારત પાસે જે કોઈ તાકાત હતી તેનો ઉપયોગ કરીને ભારત પાડોશી દેશોને મદદ કરતું હતું અને લશ્કરી તાકાત દ્વારા પાકિસ્તાનને તેમ જ અન્ય દેશોના ભારતવિરોધી લોકોને ડારામાં રાખતું હતું. અત્યારે પાડોશી દેશો ચીનની સોડમાં જતા રહ્યા છે. ઓપરેશન સિંદૂર વખતે જોવા મળ્યું કે ચીને પાકિસ્તાનને પાછળ રહીને સીધી મદદ કરી હતી. આ બહાદુરીના ખોટા દેખાડાનું પરિણામ છે. પાડોશી દેશો પણ દૂર જતા રહ્યા છે. સ્થિતિ જુઓ! બંગલાદેશની ક્રિકેટ ટીમ ભારત સાથે રમવાની ના પાડે છે.
વાતનો સાર એ કે વૈશ્વિક દબદબો તો બાજુએ રહ્યો, ભારત એકલું પડી ગયું છે. પાકિસ્તાનને પ્રતિષ્ઠા અને મિત્રો મળી ગયા છે. ટ્રમ્પની ગાઝા ક્લબમાં જોડાઈને પાકિસ્તાને નરેન્દ્ર મોદીને હજુ મોટી વિમાસણમાં મૂકી દીધા છે. અને હા, હજુ એક ડેવલપમેન્ટ ક્ષિતિજે આકાર લઈ રહ્યું છે. ગયા સપ્ટેમ્બરમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કરાર થયો હતો. કરાર એમ કહે છે કે બેમાંથી કોઈ દેશ પર કોઈ ત્રીજો દેશ આક્રમણ કરે તો તેને પોતાના પરનું આક્રમણ સમજીને સાથે મળીને લડવું. એ દ્વિપક્ષીય સંધિમાં હવે તુર્કી જોડાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે જો પાકિસ્તાન સાથે ભારત યુદ્ધ કરે તો સાઉદી અરેબિયા અને તુર્કી પણ પાકિસ્તાનની બાજુએ રહીને ભારત સાથે લડશે. તુર્કીએ ઓપરેશન સિંદૂર વખતે પાકીસ્સ્તાનને મદદ કરી હતી એ યાદ હશે. પાકિસ્તાન સાથે ચીન, અરેબિયા અને તુર્કી. ભારત સાથે? કોઈ નહીં. નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ની સાલમાં તુર્કીની પણ મુલાકાત લીધી હતી અને ગોદી મીડિયાએ દિગ્વિજયની તસ્વીરો બતાવી હતી.
તમે નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશનીતિ વિષે બોલવાનું બંધ કરી દીધું છે. કોઈ જગ્યાએ અનુકૂળતા નજરે પડતી નથી અને જ્યાં અનુકૂળતા હતી એ પણ પ્રતિકૂળતામાં ફેરવાઈ ગઈ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જાન્યુઆરી 2026
![]()

