
રમેશ ઓઝા
અહિંસાની, શાંતિની, વૈશ્વિક વ્યવસ્થાની, બીજાના અધિકારોની અને અન્ય માનવીય મૂલ્યોની વાત જવા દઈએ, માત્ર આપણા સ્વાર્થની વાત કરીએ તો અત્યારે જગતમાં જેની લાઠી એની ભેંસનો જે ન્યાય પ્રવર્તે છે એમાં ભારતને કોઈ ફાયદો થાય એમ છે? માત્ર સ્વાર્થનો વિચાર કરો અને કહો કે જેની લાઠી એની ભેંસના ન્યાયમાં ભારતને શું ફાયદો થાય? બીજી રીતે વિચારવું હોય તો એમ વિચારો કે બળિયાના બે ભાગના કાયદામાં કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય? જે લોકો માનવીય મર્યાદા અને મૂલ્યો કરતાં તાકાત અને સ્વાર્થને સર્વોપરી માને છે તેમણે તો ખાસ આ વિષે વિચારવું જોઈએ.
જવાબ બહુ સરળ છે. જે લોકો પાસે તાકાત છે એને ફાયદો થાય અને જે લોકો પાસે તાકાત ન હોય અને નિર્બળ હોય એને એમાં નુકસાન થાય. તાકાતવાનોને સંયમ, જવાબદારી, મૂલ્યોનું અનુસરણ, વૈશ્ચિક કે બંધારણીય વ્યવસ્થા, કાયદાનું રાજ, નિયમન વગેરે ગમતાં નથી. એને કારણે એને સંયમ રાખવો પડે છે અને તાકાત હોવા છતાં અને સ્વાર્થજન્ય ઇચ્છા હોવા છતાં, પણ મનમાની કરી શકતા નથી. બીજી બાજુ જે નિર્બળ છે એને એમાં સુરક્ષા મળે છે. ટૂંકમાં મૂલ્ય આધારિત સમાજ-રાજ્ય વ્યવસ્થા સબળાને અંકુશમાં રાખે છે અને નબળાને ન્યાય અને સુરક્ષા આપે છે.
હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે ભારત આમાં ક્યાં છે? સબળ છે, નિર્બળ છે કે કોઈક જગ્યાએ વચ્ચે છે? વિચારવાની આદત અને આવડત નહીં ધરાવતા હિંદુ દેશપ્રેમીઓ કહેશે કે ભારત સબળ છે. શૌર્ય અને મહાનતાના દાવાને અંદર રહેલી લઘુતાગ્રંથિ સાથે સીધો સંબંધ છે. જેટલી લઘુતાગ્રંથિ વધારે એટલા દાવા વધારે. પણ દાવા અને વાસ્તવ બે જૂદી વસ્તુ છે. વાસ્તવિકતા એ છે કે ભારત કોઈક જગ્યાએ વચ્ચે છે. લશ્કરી તાકાતની દૃષ્ટિએ, આર્થિક તાકાતની દૃષ્ટિએ, ભૌતિક વિકાસની દૃષ્ટિએ અને માનવીય વિકાસ(શિક્ષણ આરોગ્ય વગેરે)ની દૃષ્ટિએ એમ ભારત કોઈ પણ જગ્યાએ સરસાઈ ધરાવતું નથી. માપદંડના મધ્યબિંદુથી આર્થિક બાબતે જરાક ઉપર છે અને બાકી પાછળ છે. માનવીય વિકાસમાં તો ઘણું પાછળ છે. અને જો આ વાસ્તવિકતા હોય તો જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં ભારતને ફાયદો થાય કે નુકસાન? ભારતે ન્યાયી વ્યવસ્થાના પક્ષે ઊભા રહેવું જોઈએ કે માથાભારે અરાજકતાના પડખે? માત્ર સ્વાર્થની દૃષ્ટિએ વિચારો, મૂલ્યોને ઘડીભર બાજુએ મૂકો.
વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર સાયમન શમા(Simon Schama)એ આજની પરિભાષામાં કહ્યું હતું કે રાજ્ય (સ્ટેટ) એ હાર્ડવેર છે અને અને રાષ્ટ્ર (નેશન) એ સોફ્ટવેર છે. હાર્ડવેર હોય તો જ સોફ્ટવેર કામ કરે. રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની મીઠી કલ્પના સુકુન આપે છે, રાષ્ટ્રવાદ જુસ્સો પેદા કરે છે, એકતાની ભાવના પેદા કરે છે, પણ તેને શક્તિમાં રૂપાંતરિત કરવા માટે રાજ્ય નામનું હાર્ડવેર જોઈએ. દીર્ઘદૃષ્ટિ ધરાવનારા શાસકો સોફ્ટવેર કરતાં હાર્ડવેર પર વધારે ધ્યાન આપે છે. રાજ્યને તાકાતવાન બનાવવામાં રાષ્ટ્રીયતાની ભાવના મદદ કરે, પણ કેવળ રાષ્ટ્રીયતાની ભાવના કશું પેદા ન કરી શકે. જગતના ઇતિહાસ પર અને વર્તમાન પર એક નજર કરો, તમને ધ્યાનમાં આવશે કે જે શાસકોએ રાજ્યનાં હાર્ડવેર વિકસાવ્યાં અને એ દ્વારા રાજ્યને શક્તિશાળી બનાવ્યું એ શાસક એ દેશના ઘડવૈયા તરીકે ઓળખાય છે અને એ સમય જે તે દેશના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે.
ટૂંકમાં હિંદુબહુલ ભારતીય રાષ્ટ્ર ગમે તેટલું મહાન હોય, જો ભારતીય રાજ્ય (Indian State) શક્તિશાળી ન હોય તો મહાન રાષ્ટ્રીયતાનો કોઈ અર્થ નથી. તમારી મહાનતાના ગ્રાહક તમે એકલા હો છો, પણ તમારી તાકાતની નોંધ આખું જગત લેતું હોય છે અને એ મુજબ વહેવાર કરતું હોય છે. તાત્કાલિક સંદર્ભની વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ચીન અને રશિયા સાથેના વર્તનમાં અને ભારત સાથેના વર્તનમાં ફરક જોઈ શકો છો. તાકાતનાં બે પાસાં છે; એક તમે કેટલો ફાયદો કરાવી શકો છો અને બે, તમે કેટલું નુકસાન પહોંચાડી શકો છો. ભારત આવી બેમાંથી કોઈ તાકાત ધરાવતું નથી એટલે અમેરિકા અને ચીન તો ઠીક પાડોશી દેશો પણ નચાવે છે. આપણે મહાન એમાં કોઈ શંકા નથી, પણ આ પણ એક વાસ્તવિકતા નથી? કેટલા દેશોના વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા લાઈન લગાડે છે? કેટલા દેશોના લોકો ભારતમાં રોજગારી મેળવવા આવે છે? કેટલા દેશના લોકો ભારતમાં સ્થાયી થવા અને ભારતના નાગરિક બનવા ઝૂરે છે? આંકડા આનાથી વિપરીત છે. યુક્રેન જેવા દેશમાં ભારતના વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બે પૈસા રળવા રશિયાના લશ્કરમાં જોડાઈને યુક્રેન સામે લડવા (અને વખતે મરવા) ભારતના બેરોજગાર યુવકો જાય છે. જાનનું જોખમ લઈને અને જમીન વેચીને ડંકી માર્ગે યુવકો અમેરિકા-કેનેડા જાય છે. આ વાસ્તવિકતા નથી? તો આનો અર્થ એ થયો કે તમે કોઈને નુકસાન પહોંચાડવાની તો ઠીક ઉપયોગી થવાની પણ તાકાત ધરાવતા નથી.
ના થોભો, મોઢું ફેરવી લેવાથી વાસ્તવિકતા બદલાવાની નથી. આપણે મહાનનાં બણગાં ફૂંકવાથી પણ મહાન બની શકવાના નથી. એને માટે તો રાજ્ય નામના હાર્ડવેરને મજબૂત કરવું પડે, પણ સમસ્યા એ છે કે એ તાત્કાલિક નજરે નહીં પડનારુ ધીમું કામ છે. ભાખરા નાંગલ, ઈસરો, બી.એ.આર.સી., એઈમ્સ, આઇ.આઇ.ટી., વિજ્ઞાનસંસ્થા જેવી સંસ્થાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપી કે તરત તેમની વાહવાહ નહોતી થઈ, આજ થઈ રહી છે. ત્યારે તો શંકા જ કરવામાં આવતી હતી અને નેહરુની ટીકા કરવામાં આવી હતી. લોકો ભૂખે મરે છે અને આ માણસ અમેરિકાની બરાબરી કરવા નીકળ્યો છે. આપણે મહાનની વાતો કરતા નેહરુને પણ આવડતું હતું (વર્તમાન શાસકો કરતાં વધારે સારી રીતે આવડતું હતું કારણ કે એ વિદ્વાન માણસ હતો અને ભારત અને જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો), પણ તેમણે ભારતીય રાજ્યનાં હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ધૂળધોયાનું કામ છે, જલ્દી નજરે ન ચડે એવું કામ છે, લાંબેગાળે પરિણામ આપે એવું ધીમું કામ છે અને ધાર્યું પરિણામ ન મળે કે પછી વિપરીત પરિણામ મળે એવું જોખમી કામ છે. પણ ઇતિહાસ આવા ધીરજ ધરનારાને, કાલ માટે આજ વાવેતર કરનારાને અને જોખમ ઉઠાવનારા શાસકને મહાન શાસક તરીકે યાદ રાખે છે. નેહરુને યાદ કર્યા વિના એ લોકોનો દિવસ જતો નથી એ શું સૂચવે છે?
ભારતના સદ્દભાગ્યે ભારતને હાર્ડવેર પર કામ કરનારા શાસકો મળ્યા અને ભારત શક્તિના માપદંડ પર કેન્દ્રબિંદુની આગળપાછળ કોઈને કોઈ સ્થાન ધરાવે છે એ તેમના થકી. પણ એ પછી પણ ભારત એટલી શક્તિ નથી ધરાવતું કે કોઈને નુકસાન પહોંચાડે કે કોઈને મોટો ફાયદો કરાવી આપે. જગતમાં સોએક દેશો એવા પણ છે જેમને આવા શાસકો નથી મળ્યા અને તેમની કોઈ ગણના નથી. પડોશમાં પાકિસ્તાન આનું ઉદાહરણ છે. ઇસ્લામ મહાન, ઇસ્લામના દુ:શ્મનો ધરતી પરના એક માત્ર મહાન અને સાચા ધર્મના દુ:શ્મનો છે, આપણો ઇતિહાસ ગૌરવવંતો છે, આપણે મઝહબ માટે પ્રાણ પણ ન્યોચ્છાવર કરી શકીએ એવી બહાદુર પ્રજા છીએ વગેરેનું રટણ ત્યાંના શાસકો કરતા રહ્યા અને પાકિસ્તાન રાજ્યનું હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન ન આપ્યું. માટે રાજ્ય નામનું હાર્ડવેર હોય તો રાષ્ટ્રીય કે બીજી કોઈ અસ્મિતાનું સોફ્ટવેર કામ કરે, માત્ર સોફ્ટવેર કોઈ ઉપયોગનું નથી.
તો પછી ભારતના શાસકોએ શું કરવું જોઈએ? બે કામ કરવાં જોઈએ. એક તો હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. પણ એ આવતીકાલ માટેની ખેતી છે અને એમાં તાત્કાલિક જયજયકાર થવાનો નથી. બીજું જ્યાં સુધી કોઈને નુકસાન પહોંચાડવા જેટલી કે મદદરૂપ થવા જેટલી સાચી રોકડી તાકાત ન રળો ત્યાં સુધી માણસાઈ અને મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં ફાયદો છે. (આપણે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને વિવેચના કરી રહ્યા છીએ, મૂલ્યોની વાત નથી કરતા) જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનનારા માથાભારે લોકોને પડખે ઊભા રહેવામાં કોઈ ફાયદો નથી. ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણ આનું ઉદાહરણ છે. ચીનનું વલણ આનું બીજું ઉદાહરણ છે. શી ઝિંગપીંગના ઓવારણા લેવામાં પણ કાંઈ બાકી નહોતું રાખ્યું. મૂલ્ય આધારિત વૈશ્વિક વ્યવસ્થા હશે, સ્થિરતા હશે, સભ્યતા હશે, મર્યાદા હશે તો તેમાં ભારતને ફાયદો થવાનો છે. તાકાતવાન થવા માટે હજી ઘણી મઝલ કાપવાની છે અને તેને માટે જદ્દોજહદ કરવાની તક મળવી જોઈએ. જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનનારાઓ બીજાને તક આપતા નથી અને તકના અધિકારને સ્વીકારતા પણ નથી. નરેન્દ્ર મોદીને એમ લાગતું હતું કે તાકાતવાનોના પડખામાં ઘૂસી જશું તો તેઓ આપણને પણ માનસન્માન અને સ્થાન આપશે. પણ આવું બનતું નથી. પાકિસ્તાન અમેરિકાના પડખામાં ઘૂસી ગયું હતું એ પછી તેને બદલામાં શું મળ્યું? પોતાની તાકાત એ પોતાની તાકાત છે.
કાઁગ્રેસના હિંદુવાદીઓને અને હિન્દુ રાષ્ટ્રવાદીઓને ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયેલનું બહુ ઘેલું છે. કારણ એ કે ઇઝરાયેલ મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે અને ઝીંક ઝીલે છે. પણ હિંદુ રાષ્ટ્રવાદીઓને એ નથી સમજાતું કે ઇઝરાયેલે કેવળ યહૂદી રાષ્ટ્રવાદ, હિબ્રુ ભાષાનું પુરુત્થાન, વૈશ્વિક યહૂદી એકતા, ઇતિહાસના ઘાવને રૂઝાવા નહીં દેવા અને તેની યાદ આપાવતા રહેવું, યહૂદીઓના દુ:શ્મનોની યાદ આપાવતા રહેવું અને ડરાવતા રહેવું વગરે પર જ માત્ર ધ્યાન નહોતું આપ્યું, તેણે યહૂદી રાષ્ટ્ર ઇઝરાયેલ નામનાં રાજ્ય પર પણ ધ્યાન આપ્યું હતું. ટૂંકમાં સોફ્ટવેર કરતાં વધુ લક્ષ હાર્ડવેર પર આપ્યું હતું. જો ખોબા જેવડા ઇઝરાયેલે હાર્ડવેર પર ધ્યાન ન આપ્યું હોત તો ઇઝરાયેલ નકશામાંથી ક્યારનું ય ભૂંસાઈ ગયું હોત. આજે ઇઝરાયેલ લશ્કરી સામાનના વેપારમાં જગતમાં આઠમું સ્થાન ધરાવે છે અને ભારત તેનું સૌથી મોટું ગ્રાહક છે. જો દેશપ્રેમના ગરબા ગાવામાં સમય વિતાવ્યો હોત તો આ બન્યું હોત! અને હા હજુ એક વાત. ઇઝરાયેલમાં ઇઝરાયેલના શાસકોનાં નીતિશૂન્ય માથાભારેપણાનો વિરોધ કરનારા અનેક યહૂદીઓ ઇઝરાયેલમાં અને અન્યત્ર વસે છે. તેમને ઇઝરાયેલના શાસકો દેશદ્રોહી કે ધર્મદ્રોહી તરીકે ઓળખાવીને તેમને હેરાન નથી કરતા. માત્ર સોફ્ટવેર નથી હાર્ડવેર પણ છે. માત્ર ભાવનાનો અતિરેક નથી, કશુક નક્કર પણ છે. દેશપ્રેમી હિંદુઓ ઇઝરાયેલનાં ગરબા ગાય છે, પણ ઇઝરાયેલે અપનાવેલો માર્ગ અને તેની વિકાસયાત્રા પર નજર નથી કરતા.
તો સવાલ એ છે કે આપણે મૂલ્યો અને મર્યાદા પર આધારિત વૈશ્વિક વ્યવસ્થાની વાત જવા દઈએ અને માત્ર ભારતના સ્વાર્થની દૃષ્ટિએ વિચારીએ તો ભારતે અત્યારે શું કરવું જોઈએ? અમેરિકા અને ઇઝરાયેલને ટેકો આપવો જોઈએ? ઈરાનને ટેકો આપવો જોઈએ કે પછી તટસ્થ રહીને મૂલ્ય તેમ જ મર્યાદા આધારિત વૈશ્વિક મર્યાદા જળવાઈ રહે એવી ભૂમિકા લેવી જોઈએ? એટલા માટે નહીં કે આપણે મૂલ્યોને વરેલા છીએ, પણ એટલા માટે કે તેમાં આપણો સ્વાર્થ છે. શું ભૂમિકા લેવી જોઈએ?
ભારતના એક કરોડ લોકો પશ્ચિમ એશિયાનાં મુસ્લિમ દેશોમાં કામધંધો કરે છે. ઇઝરાયેલમાં ભારતીયોની વસ્તી માત્ર ૪૦,૦૦૦ છે. ભારતની ખનીજ તેલની કૂલ જરૂરિયાતમાં ઈરાન અને આરબ દેશોનો હિસ્સો ૫૫ ટકા છે. ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા એ પહેલાં મુસ્લિમ દેશોમાંથી આયાત કરાનારા ખનીજ તેલમાં ઈરાનનો હિસ્સો ૧૨ ટકાનો હતો. (ચીન અમેરિકાના પ્રતિબંધને ગાંઠતું નથી અને ગણતરીના ગ્રાહક તરીકે પાણીના ભાવે ઈરાની તેલ ખરીદે છે. અગેન ચીની રાજ્યના મજબૂત હાર્ડવેરે રળી આપેલી તાકાત) ઇઝરાયેલ પાસે એટલું ખનીજ તેલ નથી કે નિકાસ કરે. ઈરાન એક માત્ર દેશ છે જે ભારત સાથે તેલનો વ્યાપાર ડોલરની જગ્યાએ રૂપિયામાં કરે છે અને ત્રણ અઠવાડિયાની ઉધારી આપે છે. પાકિસ્તાનને બાયપાસ કરીને યુરોપ અને મધ્ય એશિયા પહોંચવા માટે જળમાર્ગ અને જમીન માર્ગ ઈરાનથી જાય છે. ચીનના વિસ્તાર અને વગને ખાળવા ઈરાન સાથે મળીને ઓમાનના અખાતમાં ચાબહાર બંદર વિકસાવવાની ભારતે ભાગીદારી કરી છે. ઈરાન શિયાબહુલ દેશ છે અને યુનોમાં એક કરતાં વધુ વખત સુન્નીબહુલ પાકિસ્તાનની વિરુદ્ધ ભારતનાં પડખે ઊભું રહ્યું છે. ઈરાન સાથે ભારતનો ખટરાગ થયો હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં બની નથી. આની સામે ઇઝરાયેલ પાસેથી શસ્ત્રસામગ્રી મેળવવા સિવાય ભારતને કોઈ બીજો લાભ મળતો નથી. (હા, વર્તમાન શાસકોને રાજકીય વિરોધીઓ પર જાસૂસી કરવા પેગાસસ નામનું સ્પાયવેર ઇઝરાયેલ પાસેથી મળ્યું છે) તો કેવળ લાભાલાભની દૃષ્ટિએ વિચારીએ તો ઈરાનને મદદ કરવામાં ભારતને ફાયદો છે, પણ જો તેમાં જોખમ નજરે પડતું હોય (અને જોખમ છે જ) તો તટસ્થ રહેવું જોઈએ અને યુદ્ધનો સભ્યભાષામાં વિરોધ કરવો જોઈએ. સીધો ટેકો આપ્યા વિના મૂલ્યોના પડખે ઊભા રહીને પણ જેની સાથે અન્યાય થતો હોય તેને મદદ કરી શકાય છે.
પણ આપણા સાહેબ તો હંમેશની માફક ચૂપ છે. તેમની સરસ્વતી નેહરુને ગાળો દેતી વખતે જ વહે છે. તેમની બહાદૂરી મુસલમાનોને ગાળો દેતી વખતે ખીલે છે. ચીને ભારતની ભૂમિ પર કબજો કર્યો. પણ ચૂપ! ઓપરેશન સિંદૂરમાં ભારતનાં વિમાનો તૂટી રહ્યાં હતાં, ચીન પાકિસ્તાનની પછવાડે હતું, ભારત ફસાઈ ગયું હતું અને મેં યુદ્ધવિરામ કરાવ્યું એમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક ડઝન વાર દાવો કર્યો છે પણ વડા પ્રધાન તેનો નકાર કરવા મોઢું ખોલતા નથી. અમેરિકાની દાદાગીરી સામે ઝૂકીને ભારતે રશિયન તેલની આયાત ઘટાડવી પડી, પણ વડા પ્રધાન ચૂપ. ટ્રમ્પની ટેરીફ દાદાગીરી ચાલી રહી છે, પણ વડા પ્રધાન ચૂપ. ટ્રેડ એગ્રીમેન્ટમાં ભારતે પોતાનાં કાંડા કાપી આપ્યા એની વિગતો વોશિંગ્ટન આપે અને ભારત તેનો નકાર પણ ન કરે. ઇઝરાયેલની નાગાઈનો આખું જગત વિરોધ કરે છે, પણ આપણા સાહેબ ચૂપ. નાગાઈનો વિરોધ ન કરો તો માણસાઈનો મહિમા તો કરો! એ પણ એક પ્રકારની પ્રતિક્રિયા છે. ઈરાનના ધાર્મિક નેતા અને શાસક ખોમૈનીની હત્યા કરવામાં આવી એ પછી તેમને અંજલિ આપવામાં ભારતે છ દિવસ લગાડ્યા. એન્કલ સેમનો ડર લાગતો હતો. શાંતિ કાજે ભારતનાં સમુદ્રમાં પરેડ કરવા આવેલા ઈરાની જહાજને અમેરિકાએ હિન્દી મહાસાગરમાં તોડી પાડ્યું, પણ ભારતે હજુ સુધી વિરોધ નોંધાવ્યો નથી.
તો વાતનો સાર એ કે સાચી નક્કર તાકાત હોય સાચું બોલવાની તાકાત આવે. અથવા કાળજામાં તાકાત હોય તો સાચું બોલવાની તાકાત આવે. ગાંધી અને નેહરુ એ તાકાત ધરાવતા હતા. જો એ બેમાંથી કાંઈ ન હોય તો ખરે ટાણે મૂંગા રહેવું પડે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2026
![]()

