વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય સંજોગોમાં ભારત એક ચાવીરૂપ રાષ્ટ્ર છે અને માટે જ યુ.એસ.એ.ને ભારત સાથે સારાસારી રાખવામાં રસ છે, જો કે કેન્દ્ર સરકાર પણ પૂરી રીતે મહાસત્તા અમેરિકાના પ્રભાવમાં આવ્યા વિના પોતાના લાભ-ગેરલાભની ત્રિરાશી માંડી આગળ વધે છે

ચિરંતના ભટ્ટ
આ મહિને 21થી 24 તારીખ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સના ઐતિહાસિક પ્રવાસે જવાના છે. આ પહેલાં પણ ભારતીય વડા પ્રધાનોએ યુ.એસ.એ.નો પ્રવાસ કર્યો છે પણ આ વખતની મુલાકાત બન્ને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારને માટે સીમાચિહ્ન બનશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછીની આ પહેલી અધિકૃત સ્ટેટ વિઝિટ છે. વ્હાઇટ હાઉસે પણ આ મુલાકાતને બે રાષ્ટ્રો વચ્ચેની ગાઢ અને નિકટની ભાગીદારીની પુનઃખાતરી કરાવનારી મુલાકાત ગણાવી છે. વડા પ્રધાનને ત્યાં ૨૧ તોપોની સલામી અપાશે તો વ્હાઇટ હાઉસમાં ઑફિશ્યલ ડિનર પણ હશે વળી યુ.એન.માં યોગ દિવસની ઉજવણી, ચર્ચા, પ્રેસ સ્ટેટમેન્ટ્સ, યુ.એસ.એ. કાઁગ્રેસમાં સહિયારી બેઠક વગેરે ઉપરાંત અમેરિકન સી.ઇ.ઓ. અને બિઝનેસ લીડર્સ સાથેની બેઠક વગેરે વડા પ્રધાનના કાર્યક્રમનો હિસ્સો છે.
આમ તો આ મુલાકાતના મુખ્ય એજન્ડાઓની ખૂલીને ચર્ચા થઇ નથી પણ ચીનની ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના, આધુનિક ડિફેન્સ ટૅક્નોલોજીનું શૅરિંગ અને GE-414 ટર્બોફેન જેટ એન્જિન્સના ઉત્પાદન ચર્ચાના મુખ્ય મુદ્દા હશે તેવી અપેક્ષા છે. વળી યુ.એસ.એ. ડિફેન્સ મેજર જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ, ઇન્ક. પાસેથી ભારત ૩૦ MQ-9B ડ્રોન્સ હસ્તગત કરે તેવી ચર્ચા પણ ચાલી છે. મૂળ તો ડિફેન્સ, ક્લીન એનર્જી, હેલ્થકેર, ટૅક્નોલોજી જેવા મુદ્દાઓ આ સ્ટેટ વિઝિટ દરમિયાન થનારી ચર્ચાઓના મુખ્ય મુદ્દા હશે. આ પહેલાં યુ.એસ.એ. સ્ટેટ વિઝિટ પર જનારા ભારતીય વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી, પી.વી. નરસિંહા રાવ, અટલ બિહારી વાજપાઇ, મનમોહન સિંઘનો સમાવેશ થાય છે. વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1949માં વિદેશ નીતિના કેન્દ્રમાં વિશ્વ શાંતિ રાખી હતી તો મનમોહન સિંઘે ૨૦૦૫માં વિદેશનીતિની ચર્ચા દરમિયાન એમ કહ્યું હતું કે ભારત ક્યારે ય પણ સંવેદનશીલ ટેક્નોલૉજીના પ્રસારનું કારણ નહીં બને. જો કે આ બન્ને પરિસ્થિતિઓ પછી ઘણું બદલાયું. આખરે જ્યારે યુ.એસ.એ.એ પાકિસ્તાનની ચિંતા નેવે મૂકીને ભારતને ન્યુક્લિયર ક્લબમાં ઉમેર્યો અને તેના પરિણામે 2009માં મનમોહન સિંઘની યુ.એસ.એ. સ્ટેટ વિઝિટ થઇ.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી આ તેમની પહેલી સ્ટેટ વિઝિટ છે જે ભારત અને યુ.એસ.એ. વચ્ચે બહેતર બની રહેલા સંબંધોનો સ્પષ્ટ સંકેત છે. વળી નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડા પ્રધાન છે જે યુ.એસ.એ. કાઁગ્રેસમાં બીજીવાર સંયુક્ત બેઠક સંબોધશે.
ઉપર જણાવેલી બાબતો સીધી સાદી હકીકતો છે એમાં ભારોભાર રાજકારણ હોવા છતાં ય કશું દેખીતું નથી. વાસ્તવિકતા એ છે કે યુ.એસ.એ. માટે ભારત એક અગત્યનો દેશ છે જેની સાથે સારા-સારી રાખવાથી તે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં જે શત્રુ રાષ્ટ્રો પર આધાર રાખવો પડે છે તેના સંકજામાંથી છૂટી શકે. જીઓપોલિટિક્સ –ભૌગોલિક રાજકીય સ્થિતિ કારણે યુ.એસ.એ. અને ભારતના સંબંધોમાં સૌથી મોટો ભાગ ભજવે છે. યુ.એસ.એ. અને ચીન વચ્ચેનું ટેન્શન ઘટી નથી રહ્યું અને રશિયાએ યુક્રેન પર કરેલું આક્રમણ આંતરરાષ્ટ્રીય વેપારની વ્યવસ્થાને ખોરવી ચૂક્યું છે. ચીની ઉત્પાદનો પર અમેરિકાની નિર્ભરતા અને રશિયાએ છેડેલા યુદ્ધને કારણે ખાદ્ય અને ઊર્જાના ભાવ જે રીતે આસામાને પહોંચ્યા છે તેમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને કોઇ નવો આકાર આપવા માટે યુ.એસ.એ. પણ મજબૂર થયો છે. યુ.એસ.એ., ચીન અને રશિયા વચ્ચેની ભૌગોલિક રાજકીય ખેંચતાણમાં ભારત પણ સપડાઇ જાય તે સ્વાભાવિક છે. જો બાઇડેનના વહીવટી તંત્રએ એક શબ્દ પ્રયોગ કર્યો છે, ‘ફ્રેન્ડ-શોરિંગ’ અને યુ.એસ.એ. બહુ સ્પષ્ટ છે કે તે ભારતને પોતાના આર્થિક સહયોગી રાષ્ટ્રોની કક્ષામાં જ રાખવા માગે છે.
મૈત્રી તો બે સરખા સ્તરના હોય તેમની વચ્ચે જ હોય – આ એક એવું વિધાન છે જે કૃષ્ણ-સુદામા સિવાય બધાંને લાગુ પડે છે. અમેરિકા એક સ્વાર્થી રાષ્ટ્ર છે અને ‘લાલો લાભ વગર લોટે નહીં’ વાળી કહેવત તેને બંધ બેસે છે. યુ.એસ.એ. અને ભારત ‘ફ્રેન્ડ્ઝ વિથ બેનિફિટ્સ’ છે. આ પહેલાં યુ.એસ.એ ક્યારે ય પણ લેવડ-દેવડ વાળા સત્તા સંતુલિત વહેવારમાં ભાગ નથી લીધો; વળી રાજીવ ગાંધી જ્યારે યુ.એસ સ્ટેટ વિઝિટ પર ગયા ત્યારથી માંડીને આજ સુધી ભારતીય વડા પ્રધાનોની આ બધી મુલાકાતોને પગલે ભારતને જે ઉચ્ચ સ્તરની અને ડ્યુઅલ-યૂઝ થઇ શકે તેવી ટેક્નોલોજી મેળવવી હતી, તે હેતુ તો હજી પણ પાર નથી પડ્યો. બીજી બાજુ યુ.એસ. 1985માં ભારતને સોવિયેત કેમ્પથી દૂર રાખવા માગતો હોત, યુ.એસ.એસ.આરના વિઘટન પછી ભારતનું કદ, પહોંચ, ભૌગોલિક ક્ષમતા વગેરેને પણ ગણતરીમાં લઇ 1991માં યુ.એસ.એ ભારતને સુરક્ષાને મામલે સહયોગ આપવા પ્રસ્તાવ મૂક્યો હતો તો 1998-2008 દરમિયાન ભારતે જ્યારે પરમાણુ પરિક્ષણો કર્યા અને આખરે યુ.એસ.ને સંતોષ થાય તે પ્રમાણેની ન્યુક ડીલ પર હસ્તાક્ષર કર્યા ત્યારે પણ યુ.એસ.નો એક માત્ર એજન્ડા હતો કે તે ઇચ્છે એ પ્રમાણે અને એટલી જ પરમાણુ શક્તિ અન્ય રાષ્ટ્ર પાસે હોવી જોઇએ, પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રોના પ્રસાર પર યુ.એસ.ને અમુક પ્રકારનું નિયંત્રણ જોઇતું હતું જે તેણે મેળવ્યું.
ભારત અને યુ.એસ વચ્ચેના દ્રિપક્ષીય સંપંધો પૂરેપૂરા યુ.એસ.ના સકંજામાં છે. ભારતે યુ.એસ સાથે ચાર સૈન્ય કરારો પર હસ્તાક્ષર કરીને એક રીતે પોતાની સુરક્ષા નીતિને યુ.એસ.ની ઇન્ડો-પેસિફિક નીતિની સાથે તાલ મેળવી દીધો છે. યુ.એસ.ની આ ઇન્ડો-પેસિફિક નીતિનો એક માત્ર એજન્ડા છે યુ.એસ.એ., તેના સાથીઓ અને તેની સાથે ભાગીદારી કરનાર લશ્કરી રાષ્ટ્ર એટલે કે ભારત ચીનના વિરોધમાં હોય. સાદી ભાષામાં ભારતે એક રીતે શત્રુ દેશો ચીન અને યુ.એસ. વચ્ચે બફર બનવાનું એટલે કે સંરક્ષણાત્મક વાડ બનવાનું સ્વીકારી લીધું છે.
આ આખા સમીકરણમાં રશિયા વાળું પણ ભારતે સાચવવાનું છે કારણ કે આપણે તેલના પુરવઠાને મામલે રશિયા પર આધારિત છીએ જે આપણને વાજબી ભાવે ત્યાંથી મળે છે. આપણે યુ.એસ. સાથે સંબંધો બહેતર થાય પણ રશિયા સાથે બગડે નહીં એ પણ જરૂરી છે. યુ.એસ. માટે આ જરા જુદું ગઠબંધન છે કારણ કે ભારત અને રશિયા વચ્ચે તો ડિપ્લોમેટિક સંબંધો હોવા છતાં યુ.એસ. ભારત સાથે સારાસારી રાખવા માંગે છે. ભારત યુ.એસ. માટે થઇને રશિયા સાથે નહીં બગાડે કારણકે ચીન અને પાકિસ્તાન સાથેનેના તણાવને પગલે એ સબંધ સવાય એ પણ જરૂરી છે.
વળી ભારતની રેસ ચીન સાથે છે અને એ રેસમાં જીતવા માટે પશ્ચિમનો હાથ હશે તો સહેલું થઇ પડશે એ વાત કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે. આપણી પાસે હજી એટલાં રિસોર્સિઝ નથી કે ગ્લોબલ સાઉથમાં આપણે એકલે હાથે ખડા રહી શકીએ, પશ્ચિમે ત્યાં સર્જેલા ખાલીપાનો બહુ ઓછો હિસ્સો આપણે ભરી શકીએ તેમ છીએ. ચીનને હંફાવવો એ ભારત અને યુ.એસ. બન્ને રાષ્ટ્રોની ભૌગોલિક-રાજકીય અગ્રિમતા છે. આપણા ભૌગોલિક રાજકીય સ્થાનને કારણે આપણે એક માત્ર એવું રાષ્ટ્ર છીએ જે વીસમી સદીમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના સંઘર્ષોને જન્મ આપનારા વિભાજનોને તોડી શકે છે.
બાય ધી વેઃ
યુ.એસ. અને ભારત વચ્ચેના સંબંધો સ્વાર્થના છે, દોસ્તીના દેખાડાને સાચો ન માની લેવો. ભારત પાસે અંગ્રેજી બોલી શકે એવી વસ્તી છે જે સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, ભારત યુ.એસ. માટે પ્રોડક્શન હબ બની શકવાની બધી ક્ષમતા ધરાવે છે. જો કે ભારતમાં સરકારી રેડ ટેપ, માળખાકીય સુવિધાઓની ખામીને હજી પહોંચી વળવું પડે કારણ કે આપણે ત્યાં હજી ચીનના સ્તરની ઉત્પાદન ક્ષમતા તો છે નહીં, વળી ભારતનું ઉપભોક્તા માર્કેટ પણ નાનું હોવાથી યુ.એસ.ની કંપનીઝને અહીં બહુ લાભ ન દેખાય તે સ્વાભાવિક છે. વળી ભારતીય કેન્દ્ર સરકાર પણ વોશિંગ્ટન પર વારી નથી જતી, એને પણ ખબર છે કે આ દોસ્તીમાંથી શું મેળવવાનું છે. યુ.એસ. માટે થઇને ભારતને રશિયા સાથે સંબંધ નથી બગાડ્યા પણ ટેક જાયન્ટ યુ.એસ. સાથે હાથ મેળવેલા હશે તો ઘર આંગણે વિકાસ કરવામાં સહેલું થઇ પડશે તે ભારતીય સરકાર સારી પેઠે જાણે છે. લટકામાં આ પણ જાણવું જરૂરી છે કે યુ.એસ.ના ઇન્ડો-પેસિફિક કમાન્ડે ભારતીય સૈન્યને ચીન સામેની તેમની વૈશ્વિક જીઓપોલિટીકલ સ્પર્ધામાં સામેલ કર્યું છે. આ બદલાયેલા સંજોગોમાં ભારત ચીન સાથે પ્રાદેશિક સ્તરે પણ હરીફાઇ કરવાની આશા રાખે છે કારણ કે કોઇ પણ દેશ ઉછીની લશ્કરી શક્તિ પર જીઓસ્ટ્રેટેજિક – ભૌગોલિક વ્યૂહાત્મક સત્તા ન બની શકે – ભારત ન તો લશ્કરી સાથી છે કે ન તો નોન-નાટો ભાગીદાર છે – આવામાં ભારત ધાર્યા કરતાં વધુ જોખમી ખેલમાં જોડાયો છે એ સમજી લેવું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જૂન 2023