હવે દોઢેક માસ પછી, બીજી નવેમ્બરે, ભારત સહિત આખી દુનિયાને પ્રભાવિત કરનારી અમેરિકી પ્રમુખની ચૂંટણીના પરિણામ આવશે. તેની પ્રતીક્ષા કરવાની આપણે પણ શરૂઆત કરી દેવી જોઈએ. સાથે એ વાતનું દુ:ખ થવું જોઈએ કે મીડિયાએ બહુ મહત્ત્વના સમયે લોકોનું ધ્યાન જાણીબૂઝીને બિનજરૂરી વિષયોમાં રોકી રાખ્યું છે. મહામારી વચ્ચે યુદ્ધની જેમ યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રવાહો સાથે આપણા ભવિષ્યને પણ સંબંધ છે.
ગયા વરસના સપ્ટેમ્બરની જ વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાત દિવસની અમેરિકા યાત્રા દરમિયાન હ્યુસ્ટનમાં ભવ્ય ’હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાનાં લગભગ બધાં જ રાજ્યોમાંથી ઊમટેલી પચાસ હજારની ભીડથી અભિભૂત પ્રધાનમંત્રીએ અમેરિકામાં વસતા ભારતીય મૂળના અમેરિકીઓને દસ ભારતીય ભાષાઓમાં આશ્વસ્ત કરતા કહ્યું હતું કે તેમણે જરા ય ચિંતિત થવાની જરૂર નથી. ભારતમાં બધું સરસ ચાલી રહ્યું છે. “ઓલ ઈઝ વૅલ” (હવે દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો જ છાતી પર હાથ રાખીને ઑલ ઈઝ વૅલની અસલિયત બતાવી શકે છે.)
ભારતના વડાપ્રધાને હ્યુસ્ટન રેલીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં જે એક જબરદસ્ત વાત કરી હતી તે એ હતી કે, “અબકી બાર ટ્રમ્પ સરકાર” રેલીમાં ઉપસ્થિત લોકોએ મોદીના આ નારાને જોરદાર રીતે વધાવી લીધો હતો. મોદી અને ટ્રમ્પ બેમાંથી એકેયે એ સમયે જરા ય વિચાર્યું નહોતું કે વરસમાં જ બેઉ દેશોનું ચિત્ર બદલાઈ જશે. અમેરિકીઓની સાથે ભારતીય મૂળના નાગરિકો પણ એમના અત્યાર સુધીના સૌથી મોટા ધર્મસંકટમાં છે કે હવેની વખતે ટ્રમ્પ સરકાર હોવી જોઈએ કે નહીં.
એ કહેવાની જરૂર નથી કે ભારતીય મૂળના અમેરિકીઓનો મત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને અસર કરે છે. એટલે ટ્રમ્પ અને તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન બંને ભારતીયોને રિઝવી રહ્યા છે. બાયડને તો ભારતીય મૂળની માતાની અશ્વેત દીકરી કમલા હેરિસનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. આમ કરીને ટ્રમ્પથી નારાજ અશ્વેત નાગરિકો અને ભારતીય મૂળના લોકો એમ બેઉને પોતાના પક્ષે કરવાનો તેમનો ઉદ્દેશ છે. મુદ્દો એ છે કે આ વખતની અમેરિકાની ચૂંટણીમાં ઘણુંબધું દાવ પર છે. આ વખતે અમેરિકાની સ્થિતિ પણ ભારતના જેવી જ છે.
એને કેવળ સંજોગ જ માની શકાય કે ચૂંટણીના થોડા સમય પહેલાં જાહેર થયેલી વ્હાઈટ હાઉસની ટેપ્સમાં ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસન એકદમ ઝેરીલા અંદાજમાં એમ કહેતા સંભળાય છે કે ભારતીય મહિલાઓ દુનિયાની સૌથી અનાકર્ષક સ્ત્રીઓ છે. ભારતીય મહિલાઓની સેક્સસંબંધી ક્ષમતાઓ પર પણ તેમણે બેહૂદી ટિપ્પણી કરી છે.
ભારતનાં સપનાંનું અમેરિકા આ સમયે ભારે કઠણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જો કે આપણને તેની પૂરી જાણકારી મળી રહી નથી. અમેરિકામાં હવે માત્ર કોરોનાના વધતા સંક્રમણ કે મોતના આંકડા સુધી જ સંકટ સીમિત નથી. તેની સડકો પર મહિનાઓથી હિંસક ઘટનાઓ ઘટી રહી છે. સરકારની વિરુદ્ધ જબરદસ્ત આંદોલનો થઈ રહ્યાં છે. પોલીસ પર પક્ષપાતપૂર્ણ અને રંગભેદી હિંસા આચરવાના અરોપો થઈ રહ્યા છે. (આવું આપણે ત્યાં પણ થાય છે!) આરોપ તો એ પણ છે કે ગોરાકાળા વચ્ચેના ભેદભાવને સરકારનું સમર્થન છે.
અમેરિકી સમાજ આ વખતે બે ભાગમાં વહેંચાયેલો છે. ખરાબ આર્થિક સ્થિતિ અને બેરોજગારીની પણ મોટી સમસ્યા છે. આ ચૂંટણી એ નક્કી કરશે કે ચામડીના રંગના આધારે ચાલતો રંગભેદ અને લઘુમતી અશ્વેતોના સમાન અધિકારો અંગે અમેરિકી મતદારોનું શું વલણ છે. ટ્રમ્પની પાર્ટીને સવર્ણો(ગોરાઓ)નું સમર્થન ધરાવતી પાર્ટીના રૂપમાં રજૂ કરાય છે. કહેવાય છે કે ટ્રમ્પની સત્તાવાપસી અમેરિકામાં લોકતંત્રને ખતમ કરી દેશે. એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે ટ્રમ્પ અમેરિકાને પુતિનના રશિયાની જેમ ચલાવવા માંગે છે. અને એ તો સતત કહેવાય છે કે ગઈ ચૂંટણી જેમ આ ચૂંટણીમાં પણ રશિયા હસ્તક્ષેપ કરશે.
અમેરિકાનાં ચૂંટણી પરિણામો દુનિયાના ભવિષ્યના વ્યાપારની દિશા, સૈન્ય સમજૂતીઓ, લડાઈઓ અને તેમાં થનારાં મોત, શાંતિ માટેના પ્રયાસો વગેરેને તો નક્કી કરશે જ. ઉપરાંત, જ્યાં કોઈ પણ પ્રકારની લોકશાહી છે તેવા દેશોને પણ અસર કરશે. ભારતમાં પણ આજે એ જ બધી સમસ્યાઓ છે જે અમેરિકામાં છે. અમેરિકામાં રંગભેદને લઈને જે આરોપ ટ્રમ્પ પર થાય છે, તે જ ભારતના સત્તાપક્ષ ભા.જ.પ. પર લઘુમતી મુસ્લિમો અંગેના તેના વલણ અંગે થાય છે. અમેરિકા જેવું વિભાજન અહીં પણ છે. ભારતમાં પણ સરકારની મૂળ તાકાત બહુમતી સમુદાય જ છે.
ભારતના કેટલાક નાગરિકો કમલા હેરિસનની ઉમેદવારીને લઈને ગર્વ અનુભવે છે, પણ ત્યાંના ચૂંટણી પરિણામોની ભારતના લોકતંત્ર પર પડનારી અસરોથી પૂર્ણપણે અજાણ છે. ટ્રમ્પ અગર જો એમ દાવો કરે છે કે મોદી તેમના બહુ જ સારા મિત્ર છે, તો અમેરિકી રાષ્ટ્રપતિ એ વાતની પણ પ્રતીક્ષામાં હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના ટેકામાં ભારતીયોને વોટ આપવા હ્યૂસ્ટન રેલીની જેમ ફરી કોઈ અપીલ કરી દેશે.
ઓપીનિયન પોલમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતાં આગળ હોય એવું ચિત્ર છે. જો કે, તે કદાચ ભૂલભર્યું ને છેતરામણું પણ સાબિત થઈ શકે છે. કોઈ ચમત્કાર જ ટ્રમ્પને હરાવી શકે છે. કહેવાઈ તો એમ પણ રહ્યું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વધુમાં વધુ બે વખત જ ઉમેદવારી કરવાની જે બંધારણીય મર્યાદા છે તે જો ન હોય તો ટ્રમ્પ પણ પુતિનની જેમ આજીવન રાજ કરવા સક્ષમ છે. અમેરિકાની સડકો પર જેટલું વધુ લોહી રેડાશે એટલું ટ્રમ્પની સત્તાવાપસીની તરફેણ કરતા મતદારોનું સમર્થન વધશે!
શાહીનબાગનો અનુભવ આપણે યાદ કરવા જેવો છે કે કેવી રીતે ધરણા પર બેઠેલી મુસ્લિમ મહિલાઓ પ્રત્યે સમર્થન અને હમદર્દી રાખનારા મુસ્લિમ નેતાઓ પછીથી ભા.જ.પ.માં જોડાઈ ગયા. હવે એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે આ સમગ્ર વિરોધ સત્તાધારી ભા.જ.પ.-પ્રાયોજિત હતો. સરકારો પોતાની જનતાને ખરેખર જાગ્રત જોવા માગે છે, એવા ભ્રમમાં રહેવાની આપણે જરૂર નથી. સરકારોની કલ્પનાના લોકતંત્રના રક્ષણ માટે જનતાનું લાંબા સમય સુધી મૂર્ખ બનવું બેહદ જરૂરી છે. અને આ કામ તે એ જ તત્ત્વોની મદદથી કરી શકે છે જેમના માથે નાગરિકોને સાચી માહિતી આપવાની જવાબદારી છે.
અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 05-06