છેલ્લાં અઠવાડિયાના થોડા શૈક્ષણિક સમાચારો વિગતે જોઈએ :

રવીન્દ્ર પારેખ
જૂનાગઢ જિલ્લાની ચાર તાલુકાની 10 પ્રાથમિક શાળાઓના 6, 7 અને 8 ધોરણના વર્ગો અન્ય ગામની શાળાઓમાં મર્જ કરી દેવાતાં વાલીઓ ને સ્થાનિકોએ પ્રવેશોત્સવ અને શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. વિસાવદર તાલુકાના મોટા હડમતિયા અને કેશોદના સાંગરસોલામાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, પણ વિદ્યાર્થીઓ શાળામાં ફરકતાં નથી. સરકારી નિયમ મુજબ 6થી 8 ધોરણમાં જે વર્ગમાં 20થી ઓછી સંખ્યા હોય તે વર્ગને નજીકના ગામની શાળાના વર્ગમાં મર્જ કરી દેવામાં આવે છે. એ હિસાબે માળિયા હાટી તાલુકાની એક, કેશોદની બે, માણાવદરની 3 અને વિસાવદર તાલુકાની 4 શાળાના વર્ગોને અન્યત્ર મર્જ કરવામાં આવતાં વાલીઓ અને સ્થાનિકોએ એ વાતે વાંધો લીધો છે કે વરસાદની ઋતુમાં બાળકોને શાળાએ પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ છે. ગામની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ આ રીતે સ્કૂલે પહોંચવું શક્ય જ નથી. આ અંગે શિક્ષણ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી વગેરેને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતાં ગામના સરપંચ સહિત લોકોએ શિક્ષણનો બહિષ્કાર કરતાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓએ સ્કૂલ શરૂ થઈ જવા છતાં વર્ગમાં પગ મૂક્યો નથી. શિક્ષણતંત્રે આ મામલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ ને બને ત્યાં સુધી ગામના વિદ્યાર્થીઓએ દૂર ન જવું પડે એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.
બીજા એક સમાચાર સુરતના છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરતે શાસનાધિકારીને આવેદન પત્ર આપીને જણાવ્યું છે કે સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. આવું મહાસંઘે એટલે કરવું પડ્યું કારણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો દસેક દિવસથી ચાલુ થઈ ગઈ હોવા છતાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યાં નથી. ગયે વર્ષે પણ છ-છ મહિના સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યાં ન હતાં, એટલે આ વખતે મહાસંઘ દ્વારા તમામ માધ્યમનાં તમામ પુસ્તકો અઠવાડિયામાં મળી જાય તેવી વિનંતી શાસનાધિકારીને કરવામાં આવી છે.
શિક્ષણ ખાતાંને અને એ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને નવું સત્ર ક્યારથી શરૂ થાય છે તેની માહિતી હોય જ છે, પણ દર વર્ષે પાઠ્યપુસ્તકો શાળાઓને પહોંચાડવામાં દાખવાતી ગુનાહિત બેદરકારી આડો આંક વાળે છે. કોઈ વર્ષે કોઈ મુદ્દે ગરબડ થાય તે સમજી શકાય, પણ આ બેદરકારી તો શિક્ષણ ખાતું અચૂકપણે ભૂલ્યા વગર જ દાખવે છે. એનું ગૌરવ લેવામાં તંત્રને કયો આનંદ આવતો હશે તે સમજાતું નથી.
આ એક સમાચાર પણ સુરતના જ છે. અત્યારે તો પ્રવેશોત્સવની ધમાલ ચાલે છે અને રાજકારણીઓના આદર સત્કારમાં કોઈ કમી ન રહે એ માટે સ્કૂલો તનતોડ મહેનત કરે છે. એમાં બાળકોને નામે પ્રવેશ તો ખરેખર રાજકારણીઓનો જ થાય છે ને તેમને તો આ નિમિત્તે વાલીઓના સંપર્કનું એક બહાનું મળી જાય છે. પ્રવેશોત્સવનાં એ ઉજવણાંમાં ય ઘણાં ઉઠમણાં થાય છે. એમાં ક્યારેક વિદ્યાર્થીઓને ભોગે નેતાઓ પોંખાતા હોય છે તો આયોજનમાં કોઈ કચાશ રહી જાય તો આચાર્યો, શિક્ષકોને ઠપકો ય સાંભળવાનો થાય છે. એક તરફ પ્રવેશ ઉજવાય છે તો બીજી તરફ પ્રવેશ નકારાય પણ છે. શિક્ષણ સમિતિની ખટોદરા કોલોનીમાં આવેલી એક શાળાના આચાર્યે ધોરણ ત્રણમાં એક વિદ્યાર્થીને પ્રવેશ આપવાની ના પાડી દીધી. ના એટલે પાડી કે શાળામાં શિક્ષકની ઘટ છે ને અસુવિધાઓ છે. વાલીએ એક પૂર્વ કોર્પોરેટરની મદદ લીધી અને તેણે આચાર્યને ઉપવાસની ચીમકી આપી તો બપોરની પાળીમાં વિદ્યાર્થીના પ્રવેશનું પાકું થઈ ગયું. ખબર નહીં, આચાર્યને શિક્ષકની ઘટ પુરાઈ કે નહીં, પણ મોં ખોલાવવા નાક દબાવવું જ પડે છે તે હવે નાનકડું છોકરું ય જાણે છે.
શિક્ષકોની અછત એટલી કારમી છે કે જામનગર મહાનગરપાલિકાની શાળા નંબર-1માં ધોરણ-5ના ક્લાસ, ધોરણ-8ના વિદ્યાર્થી લે છે. એક તરફ બધું સ્માર્ટ કરવાની ધૂન સરકારને ચડે છે, તો બીજી તરફ અત્યાધુનિક શાળા નં-1માં શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓ પાસેથી લેવાઈ રહ્યું છે ને તેની નાનમ કોઈને પણ નથી. આ સ્થિતિથી ત્રાસીને વાલીઓએ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી લઈને બીજે એડમિશન માટે પ્રયત્નો કરવા માંડ્યા છે ને આચાર્ય શિક્ષકો ફાળવવામાં નથી આવતા એનું રટણ કરવા સિવાય કૈં કરી શકતા નથી. રિલાયન્સ અનુદાનિત કોર્પોરેશન હસ્તકની આધુનિક શાળામાંથી શિક્ષકોના અભાવે 110 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. સવાર-બપોરની પાળીમાં 10-10 વર્ગો વચ્ચે 4-4 શિક્ષકોથી શાળા ચાલે છે. એટલે કે આચાર્ય ઉપરાંત શિક્ષકો તો ત્રણ જ છે, જેમાંથી એક તો ઘણુંખરું શાળામાં કારકૂની કરવા જ રોકાય છે. આમ પણ શિક્ષકો, શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં એવા રોકી દેવાય છે કે તેઓ શિક્ષણ તરફ ધ્યાન આપી શકતા નથી. જામનગરના શાસનાધિકારી પોતે કહે છે કે કોર્પોરેશનની 44 શાળાઓમાં 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે જેને 333 શિક્ષકો ભણાવે છે. 31 જુલાઇ, ‘22ના સેટ અપ મુજબ શિક્ષકોનું મહેકમ 424નું છે. એ હિસાબે 91 શિક્ષકોની ઘટ છે. આ તો જામનગરની વાત થઈ, પણ રાજ્યની ઢગલો શાળાઓમાં શિક્ષકોની ઘટ જૂનો રોગ છે.
જામનગર જેવામાં વિદ્યાર્થીઓ છે ને શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓને, શિક્ષણનું કાર્ય કરવા ફરજ પાડે છે, તો જૂનાગઢ જિલ્લાની ઉપર્યુક્ત શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ છે એટલે વર્ગો અન્યત્ર મર્જ કરવા પડે છે. બંને સ્થિતિ ટળવી જોઈએ, પણ કમનસીબે ટળતી નથી. એમાંનું કેટલુંક ઇરાદાપૂર્વક થાય છે. ગુજરાતનું આખું શિક્ષણતંત્ર એ હદે કથળ્યું છે કે તેનો ઈલાજ થાય એમ નથી ને થાય તો ય સરકારે તે કરવો નથી. શિક્ષકોની ઘટ આજની નથી, પણ તે વર્ષોથી પુરાતી નથી. એ ઘટ આપોઆપ પુરાવાની નથી. તે સરકારે પૂરવાની છે, પણ તે પૂરતી જ નથી. શિક્ષકને બદલે, વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષકનું કામ લેવું પડે એટલી ગરીબ સરકાર ક્યારે ય હતી નહીં, પણ તે આંગળા ચાટીને પેટ ભરે છે. શિક્ષકોની ઘટ ન પૂરીને સરકાર શું સિદ્ધ કરવા માંગે છે તે એ જાણે, પણ રાજ્યમાં શિક્ષકોનો દુષ્કાળ એ સરકારની આગવી ઉપજ છે. શિક્ષકો પેદા થવા બંધ થઈ ગયા છે, એવું નથી. એવું હોત તો ઢગલો પ્રવાસી શિક્ષકો ને વિદ્યાસહાયકો નોકરી માટે આમતેમ અટવાતા ન હોત. એક તરફ શિક્ષકો મળતા નથી ને બીજી તરફ પ્રવાસી શિક્ષકો ને વિદ્યાસહાયકોની ખોટ જ નથી. પ્રવાસી શિક્ષકો પણ એવી રીતે રખાય છે કે એમને વેકેશનનો પગાર ન ચૂકવવો પડે. બિલકુલ કામચલાઉ. વિદ્યાસહાયકોને પણ અજમાયશી ધોરણે રખાય છે. એમનું કામ સંતોષજનક લાગે ત્યાં સુધી જ તેઓ કામના છે. સાહેબને સંતોષજનક ન લાગે તો તેમણે નોકરી જતી કરવી પડે છે. જો કે, યોગ્ય વિદ્યાસહાયકોમાંથી ઘટતા શિક્ષકોની ખોટ પૂરી શકાઈ હોત, પણ એવું ખાસ થયું નથી. થયું હોય તો તેની વિગતો જાહેર થતી નથી.
સાચી વાત એ છે કે સરકાર પૂરા પગારે શિક્ષકો રાખવા જ તૈયાર નથી. પગાર ધોરણ સાચવવું ન પડે કે નિવૃત્તિ પછીના લાભો શિક્ષકોને આપવા ન પડે, એટલે બને ત્યાં સુધી શિક્ષકોની ઘટ સરકાર પૂરવા માંગતી નથી. સરકારનું આ દારિદ્રય અકળ છે. બી.એડ કે પી.ટી.સી. થયેલા શિક્ષકો નથી મળતા એવું નથી. બી.એડ કે પી.ટી.સી.ના વર્ગો બંધ થઈ ગયા છે એવું ય નથી. શિક્ષકો છે ને એમની પાસે નોકરી નથી ને સ્કૂલોમાં વગર શિક્ષકે ચાલતાં શિક્ષણકાર્યથી સંતોષ લેવાય છે તે બરાબર નથી. જે છે તે શિક્ષકો કે આચાર્યો વર્ગમાં શિક્ષણકાર્ય કરી શકે છે? એ તો ઉપરથી આવેલા પરિપત્રોના જવાબો આપવામાં જ ખર્ચાતા રહે છે. ઉપલી ઓફિસો ડેટા ક્લેક્ટ કરનારી, ફાઈલો સાચવનારી યાંત્રિક પૂતળીઓ જ છે. તે કાગળો પર થતા વિકાસથી જ સંતુષ્ટ છે. શિક્ષણ વિભાગ અને તેની ઓફિસોમાં શિક્ષણની નિસ્બતવાળા શિક્ષણ શાસ્ત્રીઓ છે? છે તો કેટલા? તેમનું શું ઉપજે છે? એની સામે રાજકીય વગ ધરાવનારા અધિકારીઓ કેટલા છે? એની વિગતો જાહેર થતી નથી એટલે બધું સચવાઈ જાય છે, બાકી, હાથમાં અસંતોષ જ આવે એમ છે.
વારુ, શિક્ષણને નામે જે અખતરાઓ થાય છે એમાં દૂરંદેશીપણાં સિવાય બધું જ છે. જ્ઞાનસેતુ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્કૂલો જોતજોતાંમાં સ્કૉલરશિપ થઈ ગઈ હોય એવું જગતમાં બીજું ઉદાહરણ નથી. 2020ની શિક્ષણનીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ તે ઉત્તમ પરિણામ આપે જ એ જરૂરી નથી. એવી કદાચ બહુ ચિંતા પણ નથી. સાચું તો એ છે કે નવી શિક્ષણનીતિનો અમલ થઈ શકે એવું વાતાવરણ જ ગુજરાતમાં નથી. સ્કૂલો શરૂ થઈ જાય ને પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી ન પહોંચે તો એ ભણશે કેવી રીતે એનો વિચાર કરવાનો કે કેમ? વિદ્યાર્થી ભણવા તૈયાર હોય ને એને ભણાવવાવાળો શિક્ષક જ સામે ન હોય ત્યારે કરવાનું શું? એ નવી શિક્ષણનીતિનો શો અર્થ રહે જો એ નીતિને શીખવનારની ઘટથી જ ચલાવવાનું હોય? ઉત્તમ રેસિપી હોય, સામગ્રી બધી જ હાજર હોય, તેને ખાનાર પણ ઉત્સુક હોય, પણ તેને બનાવનાર જ ન હોય તો ચાલશે? ટ્રેજેડી એ છે કે કોશિશ તો એના વગર ચલાવવાની જ થાય છે…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જૂન 2023