
સુમન શાહ
જેના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે એ ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓને મેં બીજા વર્તુળમાં મૂકી છે. વાંસલડીને વિષય બનાવીને દયારામે અનેક રચનાઓ કરી છે, પુનરાવર્તન કરીને કરી છે. દયારામમાં મને વાંસલડીનાં બે રૂપ પરખાયાં છે :
વાંસલડીનું એક રૂપ વશકરણી વાંસળી તરીકેનું છે :
આ વાંસળી એકંદરે રંગવાંસળી છે અને તેથી એનું કામણગારું હકારાત્મક મૂલ્ય છે. સુખ્યાત પંક્તિઓ સાંભળીએ : ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ! નાદે વેધી છે મારી પાંસળી રે લોલ! … હું તો સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ! મળવા થઇ છું અતિ આતુરી રે લોલ! તાલાવેલી લાગી છે મારા તનમાં રે લોલ! ગોઠતું નથી કંઇ ભુવનમાં રે લોલ!’ (‘કુંજમાં વાય છે વાંસળી’).
કૃષ્ણને ગોપી કહે છે : ‘વશકરણી છે તારી વાંસળી, જોતાં વશ કરી છે વ્રજનારને … સ્વર સૂણીને હું તો શુધબુધ વીસરી, દરદમાં ગરદ ગઇ છે મળી … સુધાથકી રે સ્વાદ એમાં છે ઘણો, મુને સાકર કરતાં લાગે છે ઘણી ગળી … ચટકો લાગ્યો રે ઝેરી ડંખથી ના ઊતરે … હવે લોક કહે, એ તો ચિત્તથકી ચળી …’ (‘વશકરણી વાંસળી’).
કૃષ્ણને ગોપી વળી પાછી કહે છે : ‘તુજ અધર ઉપર એ વાજે છે, સૂણી અંતર મારું દાઝે છે, એનો શબ્દ ગગનમાં ગાજે છે … એ વનમાં જ્યારે વાગે છે, મુને બાણ સરીખી લાગે છે, મુને વ્રેહની વેદના જાગે છે …’
વાંસલડીના આવા શબ્દે ગોપીનું મન મોહ્યું છે કેમ કે એ શબ્દ કૃષ્ણશબ્દ છે, કૃષ્ણસ્મૃતિનો વાહક પણ છે. ગોપીમાં અજંપો બ્હાવરવાટ અને ઘેલછા પ્રગટ્યાં, તે એને કારણે. એ શબ્દ કૃષ્ણના નિત્યના આકર્ષણનું વેધક કારણ બન્યો; વિરહની વેદના જાગી, તે એને લીધે. આમ ગમતો છતાં આમ અકળાવતો, કંઇક ના-ગમતો છે એ શબ્દ. સાથોસાથ, ગોપીએ એમ પણ જોયું છે કે વાંસલડીને ‘કૃષ્ણે કૃપાસાધ્ય કરી દીધી છે, માટે દયાપ્રીતમે કર લીધી છે.’ ખરું કારણ પકડાતાં એમ પણ સમજાવા લાગ્યું છે કે એ માટે વાંસલડીએ ‘તપની સાધના કીધી છે.’ (‘વાંસલડીને શબ્દે’).
આવી વાંસલડીની ઉપેક્ષા શી રીતે કરાય? પરવડે કેમ? એટલે વાંસલડીનું બીજું રૂપ ગોપીની અને વ્રજનારની વૅરણ તરીકેનું છે, શૉક્ય તરીકેનું, કુખ્યાત રૂપ છે :
જો કે એવી વાંસલડી ગોપીમાં ઇર્ષા પ્રેરનારી નીવડીને ય છેવટે તો એની પ્રેમભક્તિને પુષ્ટ કરનારું પરિબળ જ પુરવાર થાય છે. એનું એવું નકારાત્મક, પણ મૂલ્ય છે. જોવા જઇએ તો, એની ઉપેક્ષા શક્ય પણ નથી. ‘વાંસલડીના વાંક’-માં, તો સ્પષ્ટપણે કહી દીધું : ‘વૅરણ થઇ લાગી રે વ્રજની નારને … શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને …’
હવે ઇર્ષા પોતાનો વળ બદલીને ગોપીને એવું માનવા પ્રેરે છે કે વાંસલડી કૃષ્ણના અધર પર છે, તે ઠીક નથી. એને કૃષ્ણના અધરે રહેવાનો, એટલે કે સાન્નિધ્યનો, જે દુષ્કર લાભ મળ્યો છે તે પોતાને નથી મળ્યો. અને એ વાત બરાબર નથી. વાંસલડી કૃષ્ણસ્મૃતિનું સાધન રહે, ત્યાં લગી વાંધો નથી, પણ જો કૃષ્ણ પર એ આધિપત્ય જમાવી બેસે, તો તે ઠીક નથી. એવી વાંસલડીને તો ધિક્કારવી જોઇએ. અને ગોપી એને પોતા સમેત તમામ વ્રજનારની વૅરણ અને શૉક્ય ગણવા લગી વિકસી જાય છે.
ઇર્ષાભાવને જરા પણ છુપાવ્યા વિના કહી દીધું : ‘તું તો મોહનના મુખ પર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે, તું તો શૉક્ય થઇ અમને સાલે …’ દબાવી રાખેલો ગુસ્સો પણ જાહેર કરી દીધો : ‘હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ પર મ્હૅર ન આણતી, તારાં ડાળ સાહીને મૂળ તાણતી …’
ઇર્ષાનું એવું બદલાતું કેન્દ્ર પછી તો વિકસ્યું છે. શાણી ગોપીને એક યોગ્ય પ્રશ્ન થાય છે કે કૃષ્ણે વાંસલડીને આવું સ્થાન આપ્યું તે એની કઇ પાત્રતાએ કરીને. શું હશે એનું રહસ્ય? કવિએ સરસ સૂચક શબ્દ પ્રયોજ્યો છે, ‘ભેદગુણ’.
એને વરતાયું કે વાંસલડીના ‘ભેદગુણ’ ‘ભારી’ છે. એવા તે કયા, ભારી ભેદગુણ? સાર ગોપી એવો ગ્રહે છે કે કૃષ્ણકૃપાનું કારણ વાંસલડીનું તપ છે, એણે વેઠેલું કષ્ટ છે, સાધના છે. પોતામાં તો, એ નથી ! એને થાય છે, એવા ‘ભારી’ ગુણને પ્રતાપે એ અમારામાં ભેદ પડાવી શકે પણ ખરી! ને તો તેમાં નવાઇ પણ શી? ગોપીને વાંસલડી ઉત્તર આપે છે તેથી પણ આ જ સાર દઢ થાય છે : ‘ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે … તપસાધ્યાં વનમાં … ટાઢતડકા વેઠ્યાં તનમાં … અંગે વાઢિયા વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા, તે ઉપર છેદ પડાવિયા …’ વગેરે. (‘વાંસલડીનો ઉત્તર’).
એટલે પછી ગોપીમાં ઇર્ષાનું આક્રમક બળ ગળી જાય છે, આત્મનિરીક્ષા સ્ફુરે છે. ક્રોધ ઑગળી જાય છે અને માનીતી વાંસલડીને માટેનો માત્ર લાડભર્યો ઉપાલમ્ભ બચે છે. ‘માનીતી વાંસલડીને’-માં, વાંસલડીના ‘મીઠા શોર’-નો એણે જાણ્યે-અજાણ્યે સ્વીકાર કર્યો છે. ‘મીઠા શોર’-ને લક્ષ્ય કરીને ગોપીએ એને જાતભાતની રીતનો વ્હાલપભર્યો ઠપકો આપ્યો છે : ‘માનીતી તું છે મોહનતણી … અમારે શૉક્ય સરીખું તું સાલ રે … ઝેર ઘણું છે તારી ઝપટમાં … પતિવ્રતાનાં પ્રણ તેં મુકાવિયાં … તેં તો છોડાવ્યાં સતીઓનાં સત્ય રે … જોતાં તું તો કાષ્ઠકેરો કરકટો … તુંને આજ મળી ઠકરાત રે … ચોરની સંગે શીખી તું ચોરવા … વ્હાલે માખણ ચોર્યું ને તેં તો મન રે …’
સરવાળે એમ કહી શકાય કે વાંસલડી ઇર્ષા અને શીખ બન્નેનું કારણ બની છે. ને તથી એનું મૂલ્ય પ્રેમ અને ભક્તિ બન્ને સંદર્ભોમાં વિકસ્યું છે. વાંસલડી વડે એમ જ પુરવાર થયું છે કે છેવટે તો કૃષ્ણનું કંઇપણ, શામક અને માર્ગદર્શક જ નીવડવાનું!
આમ દયારામે, જોઇ શકાશે કે, વાંસલડીને પણ પુષ્ટિનું એક ઉપકારક અંગ ગણ્યું છે. એથી પણ પ્રેમભક્તિનો પુરુષાર્થ દૃઢ થયો છે.
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર