ભગવત્ ગીતા આમ તો મહાભારતનો હિસ્સો છે, પરંતુ તેને સ્વતંત્ર દાર્શનિક ગ્રંથ તરીકે જોવામાં આવે છે. આનું કારણ એ છે કે આસક્તિઓનાં કારણે સ્વધર્મ ચૂકનારા માણસને ભગવાન આસક્તિઓનું સ્વરૂપ, તેનાં આવરણો, આવરણોની નીચે છુપાયેલ પરમતત્ત્વ અને તેને વફદાર રહીને આચરવામાં આવતા સ્વધર્મની શિખામણ આપે છે. વાત શરૂ થાય છે રણમેદાનમાં અર્જુનના મનમાં પેદા થયેલા મોહથી અને મોહવશ ભયથી અને પહોંચે છે ઉપનિષદોના બ્રહ્મતત્ત્વ સુધી. આ જે વિચારયાત્રા છે એને કારણે ભગવત્ ગીતા સંપૂર્ણ ગ્રંથનું સ્થાન ભોગવે છે, એટલું જ નહીં ભારતનાં દાર્શનિક ગ્રંથોમાં ભગવત્ ગીતા સર્વોત્તમ સ્થાને છે.
અહીં હજુ એક વાત નોંધવી જોઈએ. ભારતનાં દાર્શનિક ગ્રંથોનું શ્રુતિ અને સ્મૃતિ એમ બે શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શ્રુતિને શ્રેષ્ઠ સમજવામાં આવી છે. જ્યારે શ્રુતિ અને સ્મૃતિનાં વચનો વચ્ચે વિરોધાભાસ જોવા મળે ત્યારે શ્રુતિ(વેદ-ઉપનિષદ)ના વાક્યને પ્રમાણ માનવું એમ કહેવામાં આવ્યું છે. ભગવત્ ગીતાનું સ્થાન તે મહાભારતનો હિસ્સો હોવાથી સ્મૃતિમાં છે અને છતાં એની મહત્તા શ્રુતિ જેટલી છે. ભગવત્ ગીતા પ્રસ્થાન ત્રયીમાં સ્થાન ધરાવે છે. મુમુક્ષુ બ્રહ્મતત્ત્વની ખોજમાં પ્રસ્થાન કરે ત્યારે તેને ઉપયોગી થનારા ત્રણ ગ્રંથોમાં ભગવત્ ગીતાનો સમાવેશ થાય છે. બીજા બે ગ્રંથો છે : ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર.
અહીં હજુ એક ત્રીજી વાત પણ નોંધવી જોઈએ. આપણે ત્યાં કેટલાક દાર્શનિક ગ્રંથોને આકર ગ્રંથ તરીકે ઓળખવામાં આવ્યા છે. આકર એટલે ખાણ. ખાણને ગમે એટલી વાર ઉલેચો એ ખાલી થવાની નથી અને જેમ જેમ ખોદતા રહેશો એમ નવા પદાર્થો હાથ લાગતા રહેવાના છે. ભગવત્ ગીતાનું ભાષ્ય કરનારા જેટલા ગ્રંથ લખાયા છે એટલા ભાગ્યે જ કોઈ બીજા ગ્રંથ વિશે લખાયા હશે. દરેક ભાષ્યકાર આપણને ગીતામાંથી નવું રહસ્ય કે નવો દ્રષ્ટિકોણ શોધી આપે છે અને એ અર્થમાં ગીતા આકર ગ્રંથ છે.
આવો આ મહાન ગ્રંથ છે જેને અનેક લોકો પોષણ કરનારી માતા તરીકે પણ જુએ છે. વિનોબા ભાવેએ તો ગીતાને ‘ગીતાઈ માઉલી માઝી’ તરીકે ઓળખાવી છે. દૂધ પીવડાવીને બાળકનું પોષણ તો દરેક માતાઓ કરતી હોય છે, પરંતુ ગીતામાતા આંખ પરનાં પડળો દૂર કરવાનું કામ કરે છે અને એનાં કરતાં મોટું કોઈ પોષણ નથી. આંખ પરનાં પડળો દૂર કરવાનો આ શ્રેણીમાં પણ એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેમાં સ્વાભાવિકપણે ભગવત્ ગીતા ઉપયોગી થાય એમ છે. स्वधर्मे निधनम् श्रेय એમ ગીતા કહે છે. પણ એ કયો ધર્મ? આજના જેવો સંખ્યાકેન્દ્રી ધર્મ નહીં, પણ ગીતામાં કહ્યો છે એવો સાંખ્યકેન્દ્રી ધર્મ. ધર્માનુયાયીઓની સંખ્યા અને સાંખ્યમાં જમીન આસમાનનો ફરક છે. એટલે તો ભગવત્ ગીતામાં એક રીતે વિષયપ્રવેશ કરાવનારા બીજા અધ્યાયને ‘સાંખ્યયોગ’ કહ્યો છે. અર્જુનની આંખો પર મોહનાં પડળ હતાં એ મહાભારતનું કથાબીજ છે અને બીજામાંથી જે વિચારવૃક્ષ વિકસે છે એ ગીતા છે.
મહાભારતનું યુદ્ધ આરંભ થવામાં હતું. કૌરવો અને પાંડવોની સેના રણમેદાનમાં ગોઠવાઈ ગઈ હતી. યુદ્ધના પ્રારંભના શંખનાદ શરૂ થઈ ગયા હતા. દુર્યોધન તેની સેનાના સેનાપતિ ભીષ્મને પોતાના સૈન્યનો તેમ જ બળવાન વીરોનો પરિચય કરાવી રહ્યો છે. આ બાજુ અર્જુન પણ એક ક્ષત્રિયને શોભે એમ યુદ્ધ કરવા આતુર છે. એટલે તો એ પોતાના રથના સારથી ભગવાન કૃષ્ણને કહે છે કે તમે રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ, જોઉં તો ખરો કોણ કોણ લડવૈયા છે.
અર્જુન રથી અને ભગવાન સારથી એ રૂપક જ ખૂબ સૂચક છે. યુદ્ધની સ્થૂળતાનો તો અહીં જ અંત આવી જાય છે. અર્જુનના કહેવાથી ભગવાન રથને બે સેનાઓની વચ્ચે લઈ જાય છે. અર્જુન ખુમારીભરી દ્રષ્ટિથી પોતાની અને કૌરવોની સેનાને નિહાળે છે અને ધીરેધીરે ખુમારી કરુણામાં પરિવર્તિત થવા લાગે છે. પરમ પૂજ્ય પિતામહ, ગુરુ, ભલે પિત્રાઈ પણ સાથે રમીને મોટા થયેલા ભાઈઓ અને બીજાં સગાંવહાલાઓને જોઇને અર્જુન ગ્લાનિગ્રસ્ત થઈ જાય છે. તે કૃષ્ણને પ્રશ્ન પૂછે કે આપ્તજનોને માર્યા પછી જો વિજય મળતો હોય અને વિજયને પરિણામે રાજ મળતું હોય તો એ શું કામનું? अपि त्रैलोक्यराज्यस्य हेतो: किं नु महीकृते. निहत्य धार्तराष्ट्रान : का प्रीति : स्या ज्जनार्दन (અધ્યાય ૧. શ્લોક ૩૫) અર્જુન કહે છે કે યુદ્ધના ફ્ળરૂપે મને ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ મારે નથી જોઈતું. ભાંડુઓને મારીને મને કયું સુખ મળવાનું છે?
અર્જુન વ્યગ્ર થઈ જાય છે. ગાત્રો ઢીલાં થઈ જાય છે. પરસેવે રેબઝેબ થઈ જાય છે અને આંખે અંધારાં આવવા લાગે છે. અર્જુન કૃષ્ણ સાથે લાંબી દલીલ કરે છે કે હે ભગવાન યુદ્ધ એ ધર્મ નથી, પણ અધર્મ છે. લાલચ છે. માનવીય સ્ખલન છે.
ભગવત્ ગીતાના પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયના નવમાં શ્લોક સુધી અર્જુન પોતાની ભૂમિકા બાંધે છે. કરુણા, અહિંસા, ત્યાગ, ઉદારતાને માનવીય ધર્મ તરીકે રજૂ કરે છે અને પૂરી દૃઢતા સાથે લડવાની ના પાડી દે છે. ગીતાનો પ્રારંભ બીજા અધ્યાયના ૧૧માં શ્લોકથી થાય છે. એટલે તો આદિ શંકરાચાર્યે ગીતાભાષ્યની શરૂઆત ૧૧માં શ્લોકથી કરી છે. બીજા અધ્યાયના ૧૧માં શ્લોકથી ભગવાન કૃષ્ણ અર્જુનની આંખ પરનાં મોહનાં પડળ દૂર કરવાનું શરૂ કરે છે.
અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે ગીતા રૂપક છે કે મહાભારતની કથામાં સ્વાભાવિક રીતે આવતો પ્રસંગ છે? અર્જુન લાગણીશીલ બની જાય છે અને ભગવાન તેને ઠપકા સાથે બોધ આપે છે. છેવટે અર્જુન લડવા માટે તૈયાર થઈ જાય છે અને મહાભારતના યુદ્ધમાં વિજયી નીવડે છે. જો ભગવત્ ગીતાને સ્થૂળ રૂપે લેવામાં આવે તો ગીતા કાવ્યનો હિસ્સો બની જાય, શ્રુતિ જેટલી ઊંચાઈ પ્રાપ્ત ન કરી શકે. જો તેને શ્રુતિની ઊંચાઈએથી જોવી હોય તો યુદ્ધના પ્રસંગને રૂપક તરીકે જોવો જોઈએ અને રૂપક તરીકે ન જોવો હોય તો નિમિત્ત માત્ર તરીકે જોવો જોઈએ. મોહ, ભય, ગ્લાનિ, વિજય, પરાજય વગેરેને સ્થૂળરૂપે જોવાં જોઈએ.
૧૯મી અને ૨૦મી સદીમાં રાષ્ટ્રીય પુનરુત્થાન અને રાષ્ટ્રીય ચેતના જગાડવા મથનારાઓમાંથી કેટલાકે ભગવત્ ગીતાનો આશરો લીધો છે. દુશ્મનો સામે લડવાના, ઐહિક સુખના, ભૂમિની રક્ષા કરવાના કે પછી સ્વરાજના કોઈ સગડ આપણને ઉપનિષદોમાં, જૈન અને બૌદ્ધ દર્શનમાં, મહાવીર અને બુદ્ધના સમકાલીન વિચારકોમાં, સાંખ્યદર્શનમાં, યોગસૂત્રમાં એમ કોઈ કહેતા કોઈ જગ્યાએથી મળતા નથી. યોગસૂત્રનું તો પહેલું સૂત્ર જ છે: योग: चित्तवृत्ति निरोध: ત્રિગુણ (સત્, રજસ અને તમસ) વિવેક અને વૃત્તિઓ પરનો વિજય એ જ આપણા માટે સૌથી મોટો પુરુષાર્થ છે.
અત્યાર સુધી તો જાણે ઠીક હતું, પરંતુ આધુનિક યુગમાં જ્યારે દેશને આઝાદ કરવા રાષ્ટ્રીય પુનરુત્થાન અને રાષ્ટ્રીય ચેતના જગાડવાનો પ્રસંગ આવ્યો ત્યારે કેટલાક વિદ્વાન નેતાઓને લાગ્યું કે હિંદુઓના (જૈન, બૌદ્ધ અને નાસ્તિકો સહિત) કોઈ ગ્રંથ રાષ્ટ્રીય ચેતના જગાડવામાં ખાસ કામમાં આવે એમ નથી; સિવાય કે ગીતા. ગીતામાં યુદ્ધને સ્વધર્મ કહ્યું છે એનો ઉપયોગ થઈ શકે. જો કે એ વિકલ્પ પણ સહેલો નહોતો. જો એમ કરવામાં આવે તો ભૂમિ માટેના યુદ્ધને સ્થૂળતા બક્ષવી પડે. તેમની સામે બહુ મોટી વિમાસણ હતીઃ ગીતા બચાવવી કે યુદ્ધ?
આપણો પીંડ અનેક માતાઓના ધાવણમાંથી બન્યો છે એમાં એક માતા છે; ગીતા. ગીતા નામની ધાત્રીને સાવ યુદ્ધપુરસ્કર્તા તરીકે જોતાં પણ આપણને સંકોચ થાય છે. જોઈ જાઓ શ્રી અરવિંદ, લોકમાન્ય તિલક, વિવેકાનંદ, પંડિત સાતવલેકર વગેરેનાં ભાષ્યોને.
e.mail : ozaramesh@gmail .com
25 ઍપ્રિલ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ઍપ્રિલ 2019