Opinion Magazine
Number of visits: 9507280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહ અને ‘ભારતમાતા કી જય’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2016

ભગતસિંહની પંચાસીમી સંવત્સરી સરહદની બંને બાજુએ અવનવાં સ્પંદનો જગવી ગઈ! આપણી બાજુએ તો સ્પંદનો ઉપરાંત કંઈક શોર પણ; કેમ કે ભાજપે ‘ભારતમાતા કી જય’ અને રાષ્ટ્રવાદનો ખાસ મુદ્દો બનાવવામાં ભગતસિંહને ય ઠીક સંડોવવા ધાર્યું છે. અધૂરામાં પૂરું, કૉંગ્રેસ સાંસદ શશી થરુરે જે.એન.યુ.ના કન્હૈયાકુમારમાં વર્તમાનકાળના ભગતસિંહ જેવી ઝલક જોઈ તે વિગતમાં આ ‘રાષ્ટ્રનેતાનું અપમાન’ જોવાની ભાજપની પ્રતિક્રિયા છે તો કૉંગ્રેસે પણ થરુરના અંગત મતથી કિનારો કરવામાં સલામતી જોઈ છે.

સીમાપાર તાજેતરમાં વરસોમાં ભગતસિંહને સંભારવાની કોશિશ પાછળની એક ચાલના એના આદર્શોથી ત્યાંનો નાગરિક સમાજ પોતાનું સંબલ મેળવવા ચાહે છે તે છે. તે સાથે પાકિસ્તાનના નાગરિક સમાજમાં એક એવો સળવળાટ પણ આ દિવસોમાં સંભળાયો કે રાણી એલિઝાબેથે (બ્રિટિશ તાજે) ભગતસિંહ પ્રશ્ને માફી માગવી જોઈએ. બેશક, લશ્કરશાહીને હવાલે ગયેલી લોકશાહી અને ઉશ્કેરણીના રાહે શોર્ટકટ પોલિટિક્સ ખેલતા મોટાભાગના રાજકારણીઓથી ઉફરાટે સંસ્થાનવાદ સામે જાનફેસાનીનું તેમ જ સર્વાંગી શોષણમુક્તિનું વિચારવિશદ સમણું જોનાર જીવનની અપીલ કંઈક ઓર જ હોય.

આપણે ત્યાં પણ આદર્શવાદી અપીલથી પરિચાલિત અને કુરબાનીના રાહે ખેંચાતા નાનાં નાનાં જૂથો બેલાશક છે. પણ આ ક્ષણે ભગતસિંહ મેગા પોલિટિક્સનો મુદ્દો થઈ પડ્યા છે એથી એને ઓળવવા મોટા પક્ષોનું લાલાયિત હોવું સમજી શકાય તેમ છે. એમાં પણ ભાજપે હૈદરાબાદ યુનિવર્સિટી અને જે.એન.યુ. ઘટનાક્રમને પગલે જમીન પર કોમી ફસલ અને આકાશમાં વિકાસની ખેતી સાથે ખાસ તરેહના રાષ્ટ્રવાદને આગળ કરવાનો વ્યૂહ વિચાર્યો હોઈ એની સક્રિયતા સવિશેષ છે. બલકે, વિકાસનાં વાતવાવેતર કરતાં રાષ્ટ્રવાદની રોકડી કદાચ સહેલો અને સલામત વ્યૂહ હોવાનુંયે સમજાય છે. મુશ્કેલી એ છે કે ભગતસિંહ માટેની અપીલને પક્ષ માટેની અપીલમાં પરિવર્તિત કરવું રાષ્ટ્રવાદના આરંભિક ગર્જનતર્જન અને ભાવોદ્રેક પછી બધો વખત સળંગ સહેલું નથી હોતું. ખાસ તો, ભગતસિંહ જેવી વ્યક્તિના વિચારવિકાસની વિગતો જેઓ જાણેસમજે તે કદાચ આવી અપીલમાં બધો વખત બંધાયેલા ન રહી શકે.

વડોદરામાં ભગતસિંહની પ્રતિમાની સાખે કૉંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડી પડ્યાના હેવાલો છે. એમના આંગિકમ્‌ની ચર્ચા તો ખેર છોડો; વાચિકમ્‌માં એકબીજાના અવાજને ડુબાડી દેતા સામસામા સૂત્રોચ્ચારો ‘ભારતમાતા કી જય’ (ભાજપ) અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’(કૉંગ્રેસ)ના હતા એમ છાપાં કહે છે. હવે, ‘ભારતમાતા કી જય’ એ સ્વાભાવિક જ ‘વંદે માતરમ્’ કુળનો સૂત્રોચ્ચાર છે. રાષ્ટ્રીય ચળવળમાં એની અપીલ એ ઇતિહાસવસ્તુ છે, અને પોતાના ઘડતરકાળમાં ભગતસિંહે પણ હોંશે હોંશે એવા પોકારો નહીં જ કર્યા હોય એવું નથી. અન્યથા પણ એવાં સૂત્રોને અવકાશ છે. અલબત્ત, એમાં બળજોરીને અવકાશ ન હોઈ શકે એ સાદો વિવેક છે. એમાં પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસ સહિત સર્વ પક્ષોએ એકત્ર થઈ એક સન્માન્ય સભ્યને ચોક્કસ સૂત્ર નહીં બોલવાને મુદ્દે ગૃહનિકાલ કર્યા તે દેશભક્તિને નામે આપણું જાહેર જીવન કઈ હદે અવદશામાં ઢસડાઈ શકે એનો નાદર નમૂનો છે.

નહીં કે કૉંગ્રેસે બહુ ઊંચું ને ઊંડું વિચાર્યું હશે (બલકે, મહારાષ્ટ્ર વિધાનગૃહની એની સંડોવણી કેવળ અવિચારી છે); પણ ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ જેવાં સૂત્રોને બદલે ભગતસિંહ થકી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ જેવું સૂત્ર સવિશેષ ચલણમાં આવ્યું એ ભારતીય ઉપખંડમાં જાહેર જીવનની દૃષ્ટિએ ગુણાત્મક પરિવર્તન હતું. આઝાદીની માગણી હવે કેવળ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીથી મુક્ત થવા માટેની નથી, પણ ઘરઆંગણાનાં જાગીરદારી-મૂડીવાદી તત્ત્વોમાંથીયે મુક્ત થવા માટેની આ લડત છે. આ રીતે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ એ ‘ભારતમાતા કી જય’ કરતાં આગળ જતું ને કોરા તગડમસ્ત રાષ્ટ્રવાદે નહીં ગંઠાઈ જતાં આર્થિક-સામાજિક ન્યાયને ધોરણે આમ આદમીની બાલાશ જાણતું સૂત્ર છે. કન્હૈયાકુમાર જ્યારે ‘ભારતની આઝાદી’ નહીં પણ ‘ભારતમાં આઝાદી’ની વાત કરે છે ત્યારે આવું જ કાંક કહેવા તાકે છે. આ અર્થમાં જોઈએ તો તે ભગતસિંહની નજીક છે. માત્ર, તરુણ ભગતસિંહની પ્રૌઢિ અને કન્હૈયાની કાચીકુંવારી સમજની સરખામણી અલબત્ત નથી.

ભગતસિંહના અનવરત અભ્યાસી ચમનલાલે દિલ્હી યુનિવર્સિટીના છાત્રો જોગ સંબોધનમાં આ વાતે ફોડ જરૂર પાડ્યો હોત, પણ અભાવિપ(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)નું ટોળું ભગતસિંહને નામે રાષ્ટ્રવાદની ધજાપતાકા લહેરાવવા જેટલું ઉત્સાહી હશે એટલું ભગતસિંહના વિચારો જાણવાસમજવા મુદ્દલ તૈયાર નહોતું. જો કે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ ત્યાગીને કારણે એ કલાકોમાં એક ક્ષણ જરૂર સચવાઈ ગઈ. ત્યાગી પોતે પાછા જે.એન.યુ.ના પૂર્વછાત્ર છે. એમણે થરુરની કન્હૈયા-ભગત સરખામણી સંદર્ભે સોજ્જી ટિપ્પણી કરી કે ન્યાયને માટે લડનાર હર કોઈ આપણા આ દંતકથારૂપ સ્વાતંત્ર્યજોદ્ધા(ભગતસિંહ)થી પ્રેરિત હોઈ શકે છે. ખબર નથી, અભાવિપને તે પલ્લે પડ્યું કે નહીં.

ભગતસિંહ બેશક એક જલતું જિગર એટલું જ સોચતું મગજ હતા. ટૂંકી જિંદગીનાં છેલ્લાં બેત્રણ વરસ અને એમાં પણ છેલ્લા થોડા મહિના એમની ઉત્તરોત્તર વૈચારિક સજ્જતાનાં હતાં. જેલ દિવસોમાં ભૂખહડતાળ પર હશે એ અરસામાં જવાહરલાલ નેહરુ એમને મળવા ગયેલા. એમણે આત્મકથામાં આ મિલનની સહૃદય નોંધ લેતાં ભગતસિંહના આકર્ષક ચહેરા પરની બૌદ્ધિક દીપ્તિની ખાસ જિકર કરી છે તો વાતચીતમાં ફોરતી ઋજુતા અને એક અનાકુલ અવસ્થાની છાપ પણ સંભારી છે. અલગ રસ્તા છતાં આ આત્મીય અને આદરપૂર્ણ ભૂમિકા બંનેના (અને તે વખતના એકંદર નેતામંડળના) ઉમદા ખવાસની દ્યોતક છે. જુદા રસ્તા છતાં ચંદ્રશેખર આઝાદને આર્થિક સહાય કરી શકતા નેહરુ કે આઝાદની અંત્યેષ્ટિમાં હકથી પહોંચી જતાં કમલા – એવો એ જમાનો હતો.

હમણાં વૈચારિક સજ્જતાની જિકર કરી. એનો એક અચ્છો નમૂનો ભગતસિંહની એ નુક્તેચીનીરૂપે પણ તમને જોવા મળશે કે સુભાષ અને જવાહર બેઉ યુવાનોને આકર્ષતાં નેતૃત્વ છે. પણ સુભાષના ભાવાવેશને મુકાબલે જવાહરની આર્થિક-સામાજિક ન્યાયની સમજ ને પ્રતિબદ્ધતાની અપીલ સવિશેષ છે. એટલે સામ્પ્રત સંદર્ભમાં યુવા પસંદગી જવાહર ભણી ઢળતી હોવી જોઈએ. આ નુક્તેચીનીને એમણે પિતાને કરેલ એ સૂચન સાથે મૂકીને જુઓ કે તમારે સૌએ ગાંધી અને કૉંગ્રેસની સાથે રહેવાપણું છે. નહીં કે ગાંધીજીના નેતૃત્વ વિશે કે કૉંગ્રેસની કાર્યશૈલી વિશે ભગતસિંહનું આગવું મૂલ્યાંકન અને ધોરણસરનાં ટીકાટિપ્પણ નહીં હોય. બલકે, એવું ન હોય તો એ ભગતસિંહ પણ શેના હોય. પણ દેશના પ્રવાહો વચ્ચે લોકઆંદોલનની વાસ્તવિકતામાં આ સૂચન રોપાયેલું હતું.

કેમ કે ગાંધીની વાત નીકળી જ છે અને ભગતસિંહની ફાંસી નહીં રોકનાર તરીકે એ કસુરવાર કહેવાતા રહ્યા છે, અહીં બે શબ્દો એ સંદર્ભમાં વાજબી થઈ પડશે. ૧૯મી માર્ચે ગાંધીજીએ અર્વિનને મળીને ભગતસિંહને ફાંસી આપવાથી પરહેજ કરવાની અપીલ કરી હતી, અને વાંસોવાંસ ‘યંગ ઇન્ડિયા’માં લેખી ઉમેદ પ્રગટ કરી હતી કે ‘ચેરિટી ઑફ અ ગ્રેટ ક્રિશ્ચન’ – એક આગળ પડતા ખ્રિસ્તજનની સમુદારતા અને માનવતાને ધોરણે વિધાયક પ્રતિસાદ મળશે. એ પછી એક વહેલી સવારે અર્વિન જોગ પત્ર એમણે તૈયાર કર્યો, પણ ૨૩મી માર્ચે જ સહસા ફાંસીનો અમલ થઈ ગયો હતો. એથી સ્વાભાવિક જ ૨૯ માર્ચથી શરૂ થઈ રહેલી કરાચી કૉંગ્રેસ એક ઓછાયા અને ઓથાર તળે મળી રહી હતી, અને એ દિવસોમાં ગાંધી સામે કાળા વાવટાના દેખાવો પણ થયા હતા. જો કે ૨૬મી માર્ચનાં અર્વિનનાં એ વિદાયવચનો ભાગ્યે જ કોઈને ઝટ સાંભરતાં હશે કે ‘અહિંસામૂર્તિ (એપોસલ ઑફ નૉનવાયોલન્સ) ગાંધીની, ભગતસિંહને ફાંસીની સજા રદ કરવાની એ આરતભરી (અર્નેસ્ટ) અપીલ સાંભળી હું ગંભીર વિચારમાં સરી પડ્યો હતો કે તેઓ શા વાસ્તે આવી રજૂઆત કરતા હશે … પણ, મારે પક્ષે, ફાંસીની સજા સચોટપણે લાગુ પડતી હોય એવો આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી.’

ફાંસીની સજાની અનિવાર્યતાનો આ કેસ હતો એ કેવળ નિજી આકલનનો મુદ્દો, માનો કે, અર્વિનને પક્ષે હોત તો ગાંધીની આરતભરી અપીલથી – અને જેમાં ભગતસિંહનો પ્રશ્ન સીધો સંડોવાયેલો નહોતો એ દાંડીપગલે ગાંધીઅર્વિન સમજૂતીની સફળતા માટે જરૂરી વાતાવરણની દૃષ્ટિએ આ સજામોકૂફીથી શક્ય લાભની ગણતરીએ – અર્વિન કદાચ કબૂલ પણ થઈ શક્યા હોત. પણ વાત માત્ર આટલી જ નહોતી, ન તો અર્વિન તેમ જ ગાંધી અને બીજા ભારતીય નેતાઓ પૂરતી સીમિત પણ હતી.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી સબબ આંબેડકરે મરાઠીમાં લખેલ ટિપ્પણી હજુ હમણે જ અંગ્રેજીમાં અવતરી પહેલી જ વાર ભારતવ્યાપી ધોરણે સુલભ બની છે. આનંદ તેલતુંબડેની અથાક કોશિશને એનું શ્રેય જાય છે. આંબેડકરે કરેલ મુદ્દાઓમાંથી આપણી ચર્ચા પૂરતો એ એક વિગતમુદ્દો બસ થશે કે અર્વિન છેવટે તો બ્રિટનની સરકારને જવાબદાર હતા. બ્રિટનની સરકાર ઘરઆંગણાના લોકમતની દૃષ્ટિએ ભગતસિંહને ફાંસી આપવામાંથી પીછેકૂચ કરવાની સ્થિતિમાં નહોતી. દેશની રૂઢિચુસ્ત (ઉર્ફે રાષ્ટ્રવાદી) લોકલાગણી બગાવતી ગાંધી સામે બ્રિટિશ તાજના હિંદી પ્રતિનિધિ કરાર કરવાની હદે ઝૂકે એ ઘૂંટડો કેમે કરીને ગળે ઉતારી શકે એમ નહોતી. આ સંજોગોમાં જો ભગતસિંહને ફાંસી ન અપાય તો પેલી રાષ્ટ્રવાદી લાગણી (સરકારવિરોધી લાગણી) ઇંગ્લૅન્ડમાં ઓર ભડકે એવું હતું. સ્વાભાવિક જ બ્રિટિશ વડાપ્રધાન અને હિંદી વજીર આ માટે તૈયાર નહોતા – તેથી અર્વિનને માટે ‘આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી’ એવું ન હોય તો પણ સજાના અમલ સિવાય છૂટકો નહોતો તે નહોતો.

ગમે તેમ પણ, એ વરસો ગાંધી-ભગતસિંહ (અને બીજા) અખાડાઓ છતાં એકંદરે સરજાતા અને સ્ફૂટ થતા આવતા નવ્ય કોન્સેન્સસનાં હતાં. હમણાં કહ્યું તેમ ‘વંદે માતરમ્’ તબક્કે નહીં અટકતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ ભણીની અર્થપૂર્ણ સંક્રાન્તિનાં હતાં. સશસ્ત્ર પ્રતિકારની રુમાની અપીલ કરતાં ભગતસિંહનો ભાર શોષણમુક્તિનાં સમાજકારણ, રાજકારણ, શાસનકારણ વાસ્તે જરૂરી લોકઆંદોલન પર હતો. તેથી સ્તો આપણે નોંધ્યું તેમ તેઓ સુભાષના પ્રશંસક છતાં નેહરુની આર્થિક-સામાજિક સિદ્ધાંતમથામણને વધુ માર્ક્સ આપતા હતા. નાત જાત કોમ ધરમ મજહબને વટી જતી મીઠાની અનન્ય લડતે અને ભગતસિંહ પરના મુકદમાથી પ્રસરેલા ક્રાંતિકારી વિચારોએ જે હવા બનાવી એમાંથી કરાચી કૉંગ્રેસમાં ‘મૂળભૂત હક્કો’ના ઠરાવનો પથ પ્રશસ્ત થયો. ૧૯૨૯માં જવાહરલાલના પ્રમુખપદે થયેલા ‘મુકમ્મલ આઝાદી’(પૂર્ણ સ્વરાજ)ના ઠરાવની વ્યાખ્યા ૧૯૩૧માં વલ્લભભાઈના પ્રમુખપદે ‘મૂળભૂત હક્કો’ના ઠરાવ વાટે સ્પષ્ટ બની. છૂટપૂટ હિંસક ઘટનાક્રમ અને રુમાની રાષ્ટ્રવાદને વટી જતી તેમ જ કોમી ધ્રુવીકરણથી ગંઠાતા રાષ્ટ્રવાદની શક્યતાને ઓગાળી શકતી આ વાત હતી.

‘ભારતમાતા કી જય’ બોલતાં ન સંકોચ હોય, ન એને સારુ બળજોરી હોય – જેવું ‘જય સિયારામ’ના સહજ અભિવાદનમાંથી ‘જય શ્રી રામ’ના યુદ્ધનાદમાં થયેલી સંક્રાન્તિમાં જોવા મળ્યું હતું. સવાલ હમણાં વર્ણવી તે ઇતિહાસ-સંક્રાન્તિની પૂરી ને પાધરી ખબર તેમ જ કદરનો છે. ‘રાષ્ટ્રવાદ’ના ખાસ ચાહકોને તેમ ટીકાકારોને પ્રજાકીય આત્મનિરીક્ષાપૂર્વક આ સંક્રાન્તિની લગરીકે રગ આવે તો વાત બનતાં બને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 03-04

Loading

4 April 2016 admin
← ભગતસિંહ કોના? કૉંગ્રેસના, ભાજપના કે સામ્યવાદીઓના?
યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના →

Search by

Opinion

  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved