
રવીન્દ્ર પારેખ
સાધારણ રીતે માણસ તરફનો ભાવ વધવો જોઈએ તેને બદલે ઘટે છે ને ચીજવસ્તુઓના ભાવ ઘટવા જોઈએ, તે વધે છે. બીજી તરફ, માણસનું વજન ઘટવું જોઈએ તે વધે છે ને ચીજવસ્તુઓનું ભાવને હિસાબે, વજન વધવું જોઈએ, તે ઘટે છે. પહેલાં ભારે ગુણ ઊંચકવા માટે માણસનું વજન ઓછું પડતું, હવે પેકિંગનું વજન ઓછું પડે છે ને માણસ ન ઊંચકાય એવો થતો આવે છે. કોઈ માણસ વજન કાંટે ઊભો રહે તો કાંટો જ બોલી ઊઠે છે – ભાઈ, એક સાથે એક જ આવો ! મોંઘવારીએ એટલું કર્યું છે કે માણસ સસ્તો થઈ ગયો છે ને તે પાણીને ભાવે મળે છે ને પાણી દૂધને ભાવે ખપે છે. એક જમાનામાં દૂધ સંપૂર્ણ ખોરાક ગણાતું, તે હજી સંપૂર્ણ ખોરાક છે જ, પણ ડેરીઓ માટે ! બે દિવસ પર જ અમુલ ડેરીએ દૂધનો ભાવ રાતોરાત જ લિટરે ત્રણ રૂપિયા વધારી દીધો છે. એણે ગયા ઓગસ્ટ, ઓક્ટોબરમાં પણ ભાવ વધારેલો જ, પણ 2023નાં વર્ષમાં મહિનો થઈ જવા છતાં ભાવ વધારવાનું અમુલને યાદ જ ન આવ્યું, તે કદાચ પોતાનું દૂધ પીવાની અસર નહીં થતી હોય એટલે હશે કે બીજું દૂધ પીધું હશે તેથી, પણ એકાએક યાદ આવ્યું, એટલે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભાવ વધારી દીધા ને બીજું દૂધ પીવાનું ચાલુ રહેશે તો ભાવવધારો નિયમિતપણે જળવાઈ રહે એમ બને. અમુલ ગુજરાતની ડેરી છે એવું યાદ આવ્યું હશે કે કેમ, પણ તેણે આ ભાવવધારો ગુજરાતમાં લાગુ ન કરીને ગુજરાતની દયા ખાધી છે એટલે અહીંનાં બાળકોને તો જૂના ભાવે તંદુરસ્તી જળવાશે, પણ અન્ય રાજ્યોનાં બાળકોને એ લાભ વધેલા ભાવે જ જાળવવાની છૂટ છે. એમ બધાંની દયા ખાતાં પાર કયાં આવે? આખી દુનિયાની વસ્તીનો રેકોર્ડ ભલે ભારત તોડે, પણ અમુલ ભાવવધારાનો રેકોર્ડ તોડે તો ય ‘આણંદ’ થાય. મહિને, બે મહિને ભાવ વધારતા જઈને ગિનેસ બુકમાં નામ નોંધાવવાનું સહેલું નથી. એમાં વળી અમુલ તો પ્રમાણિક દૂધ ડેરી છે. દૂધાળું ઢોરને પોતાનું દૂધ માફક નહીં આવતું હોય કે અન્ય કોઈ કારણે, દૂધ, ડેરીમાં ભરાય છે, પણ દાણના ભાવ વધ્યા, ઘાસ મોંઘું થયું, ઉત્પાદન ખર્ચ વધ્યું … જેવાં અગાઉ આપેલાં તે જ કારણો ભાવ વધારવા માટે અમુલે આપ્યાં છે. અમુલ ડેરીનો ઉપકાર એટલો કે તે કિંમત વધારે છે, પણ પેકિંગમાં લિટરથી ઓછું દૂધ આપતી નથી. પ્રોમિસ એટલે પ્રોમિસ ! પ્રાણ જાય, પર વચન …
એનાથી ઊલટું પારલે-જી બિસ્કિટનું છે. પારલે કંપની કિંમત વધારતી નથી, પણ વજન ઘટાડે છે. તેનું 5 રૂપિયાનું પેકેટ 1994થી 2021 સુધી 4 રૂપિયામાં મળતું હતું. એ હવે 5 રૂપિયાનું થયું છે. વચ્ચેનાં વર્ષોમાં ભાવ વધારી શકાય એમ ન હતું, કારણ પાર્લે ગ્લુકો જોડે બાળકોને અને ઘણાંને એક પ્રકારનું અનુસંધાન હતું. એટલે ભાવ ચાર રૂપિયા રાખીને કંપનીએ 100 ગ્રામ વજન ઘટાડી અનુક્રમે 92.5, 88, 55 ગ્રામ કર્યું. 55 ગ્રામ વખતે 4નાં 5 રૂપિયા થયા. આજે પણ 5 રૂપિયામાં બિસ્કિટ્સ તો મળે છે, માત્ર વજન 45 ગ્રામ થયું છે. હા, 5 ગ્રામ એકસ્ટ્રા પણ અપાય છે. 5 રૂપિયામાં 5 ગ્રામનું તો કંપની જ દાન કરે છે. બહુ આનંદ થાય છે કે આપણી પ્રજાને સરકાર મફત અનાજ આપે છે, પાર્લે કંપનીની જેમ કેટલીય કંપનીઓ આપણને તેલ, ઘી જેવી ઘણી સામગ્રી એકસ્ટ્રા આપે છે, એ ઉપરાંત બીજા કેટલાં બધાં તો ડિસ્કાઉન્ટ પણ આપે છે, આખો દેશ એક પર એક ફ્રી, ડિસ્કાઉન્ટ, એકસ્ટ્રા, ફ્રી ને એવી જાતભાતની સ્કિમો પર નભે છે. કમાલ છે ને કે આપણે જીવદયા પર, રામ ભરોસે કેટલી બધી પ્રગતિ કરી નાખી છે !
અમુલે ભાવ વધાર્યો, પણ વજન પૂરું આપ્યું, પારલેએ ભાવ ન વધાર્યો ને વજન ઘટાડ્યું, જ્યારે પતંજલિએ ભાવ પણ વધાર્યો ને વજન પણ ઘટાડ્યું. ગયા ઓકટોબર સુધી પતંજલિનું એક શેમ્પૂ 200 એમ.એલ.ના 105 રૂપિયાના ભાવે મળતું હતું, તે નવા પેકિંગમાં 120ના ભાવે 180 એમ.એલ. લઈને આવ્યું છે. 15 રૂપિયા વધ્યા ને 20 એમ.એલ. ઘટ્યું. આ ત્રણેક કંપનીની તો નમૂના દાખલ વાત કરી, બાકી, આવું બીજી ઘણી કંપનીઓ દ્વારા કરમુક્ત મનોરંજન અપાતું જ રહે છે, શરત એટલી કે પૈસા ફેંકો, તમાશા દેખો. 15 રૂપિયા વધારે આપો ને 20 એમ.એલ. ઓછું મેળવો ને એવું એવું તો આપણે લલ્લુઓ એટલું બધું પામીએ છીએ કે છેડો જ ન આવે ને છેડો મૂકવાનું મન થાય તે નફામાં !
બિસ્કિટનું પેકેટ લો, તો તેનાં પર ટેક્સ ! કોઈ વેપાર તમારે નામે ન કરો, તો પણ જી.એસ.ટી. તો ખરો જ ! જી.એસ.ટી.માં ને જી.એસ.ટી.માં તો સરકાર તરી ગઈ ને બીજાં ઘણાં તો હજી ગળચકાં ખાતાં પરવારતાં જ નથી. કોઈ હોટેલમાં જાવ, તો ખાધાં વગર બહાર આવશો, પણ ટેક્સ વગર નહીં અવાય. ટ્રેનમાં જાવ, પ્લેનમાં જાવ, ટેક્સ ખરો જ. ઓક્સિજન સિલિન્ડર કે ગેસનું સિલિન્ડર, બંને કહેવાય તો સિલિન્ડર જ. એટલું આપણે ગિલિન્ડરો સમજીએ જ છીએ ને આપણે સમજીએ કે ના સમજીએ ટેક્સનો ધર્મ છે લાગવાનો એટલે એ તો લાગવાનો જ ! એ બધા પર ટેક્સ ચૂકવ્યા પછી, વર્ષને અંતે ઇન્કમ ટેક્સ પણ ભરવાનો. ઇન્કમ હોય કે ન હોય, ટેક્સ તો હોય જ ! ત્યારે કોઈ લલ્લુ પૂછે કે સાહેબ, સેલ્સટેક્સ, સર્વિસટેક્સ, ડ્યૂટી, જી.એસ.ટી. વગેરે વગેરે ચૂકવી તે રકમ ઇન્કમમાંથી જ ગઈ છે, તો તે મજરે આપોને, તો સાહેબ કહેશે, લલ્લુ, 50 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દાંડિયા રાસ રમવા આપ્યું છે? ને લલ્લુ કહે કે 50,000થી વધારે ગજવામાંથી જાય છે ને ઇન્કમ જેવું તો કૈં રહેતું જ નથી, તો સાહેબ કહેશે, બેટા, ઇન્કમ ન હોય તો સરકાર માઈબાપની મફત અનાજની લાઇનમાં ઊભો રહી જા. આટલાં બધાંને મફતનું ખાવાની ટેવ પાડી છે તે એકાદ બે મફતિયા વધી જશે તો સરકારને કૈં ખૂટવાનું નથી. સરકાર આમ પણ દયાળુ છે, ભલે વજન વધારે હોય, પણ તું ભારે નહીં પડે !
ટૂંકમાં, આપણા પર કેટલાં બધાંની મહેર છે તેનું આપણને ભાન જ નથી. પારલે કંપની 5 ગ્રામ એકસ્ટ્રા આપે ને તે ય 5 રૂપિયામાં. એ લાભ વહેલી તકે લઈ લેવો જોઈએ. અત્યારે 5 રૂપિયામાં 50 ગ્રામ તો આવે છે ! એવું ન થાય કે કાલે 5 રૂપિયાનું પેકેટ લેવા જઈએ ને હાથમાં બિસ્કિટને બદલે રેપર જ આવે. આટલી મોંઘવારીમાં 5 રૂપિયાનું રેપર મળે તે ઓછું છે? એક સમય હતો જ્યારે સ્ટાન્ડર્ડ રેટ ને વેટનો જમાનો હતો. જે ભાવે તે ખવાય, પણ ગમે તે ભાવે વેચાય નહીં. એવી જ રીતે વજન 10, 20 કે 5, 10નાં ગુણાંકમાં જ નક્કી થતું. એ હવે બદલાઈ ગયું છે. એક બિસ્કિટ 9.4546 ગ્રામનું પણ હોય. તેલ, દિવેલ 452.5142 એમ.એલ. પણ ભરાય. તમને શંકા હોય તો જાતે વજનિયા લાવીને ભજનિયા ગાઈ લો. એક જમાનામાં તોલમાપ-ધારો હતો. હવે તોલમા-પધારો તેવી સ્થિતિ છે. શું છે કે હવે બધું મુક્ત થઈ ગયું છે, એટલે અર્થતંત્ર પણ મુક્ત થયા વગર કેમ રહે? એ ખબર નથી પડતી કે આ જ જો મુક્ત અર્થતંત્ર હોય તો અનર્થતંત્ર કોને કહેવાતું હશે?
– ને આ મોંઘવારી મોંઘવારીનું શું માંડ્યું છે તમે લોકોએ? સરકાર આટલાં મોંઘા ઘઉં, ચોખા ખરીદતી હોય, તેને ય બધા જ ટેક્સ લાગતા હોય ને તે જો અનાજ મફત આપી શકતી હોય, તો આપણે શેનાં મોંઘવારીની મેથી માર્યાં કરીએ છીએ? સાચું તો એ છે કે આપણને ટેવ પડી ગઈ છે, રડવાની, બાકી કેટલા બધા એવા છે જેમને હજાર રૂપિયે લિટર પેટ્રોલ થાય તો ય પેટનું પાણી હાલે એમ નથી, ન જ હાલે, કારણ પેટમાં પાણીને બદલે પેટ્રોલ પડેલું છે. એક બાજુ સરકાર બજેટમાં, કરદાતાને હજારો રૂપિયાનો ફાયદો, જુદી જુદી સ્કિમ હેઠળ કરાવી શકતી હોય ને તે જો ટેક્સ જતો કરી શકતી હોય તો આપણે શેનું કૂટ્યાં કરીએ છીએ, આખો દિવસ? મોંઘવારી તો સરકારને ય લાગે જ છેને ! એને ટેક્સ ન લાગે, પણ મોંઘવારી ય ન લાગે એવું નથી ! સીધી વાત છે કે કમાવું તો સરકારે પણ હોય જ છે. તેને માટે ટેક્સ નાખવો જ પડે ને ટેક્સ પડે એટલે વસ્તુ મોંઘી થાય જ. થોડી ધીરજ રાખો, એવી સ્કિમ આવવાની છે કે બધું જ મોંઘું થાય તો પણ લોકોને ટેક્સ ભરવામાંથી જ ફુરસદ નહીં મળે. ટેક્સ ભરવાનું કામ આપીને સરકાર બેકારી ઘટાડે એમ બને. એ મજૂરી જ એવી હશે કે માથું જ ન ઊંચકાય, કરદાતા જ ‘ઊંચકાઈ’ જાય ! માથું ઊંચકાય તો મોંઘવારીની બૂમ ઊઠેને ! મોંઘવારી દૂર કરવાનો આનાથી મોટો બીજો કીમિયો નથી.
માનીએ કે ન માનીએ પણ આપણે તો છેક હવે આઝાદ થયાં છીએ. કૈં પણ કરો, કોઈ પૂછે જ નહીં ! આવી આઝાદી અગાઉ હતી? કોઈને ભાવ આપો કે ગમે તે ભાવ લો, કોઈ ના પૂછે. અંગ્રેજોના વખતમાં 92.5 ગ્રામનું કે 45 ગ્રામનું બિસ્કિટનું પેકેટ હતું? કાલે ઊઠીને કોઈ 1.234 ગ્રામ ચોખાનો ભાવ 4.321 રૂપિયા માંગે ને કોઈ 4.567 રૂપિયાની કડકડતી નવી નોટ ધરીને બાકીના રોકડા માંગે તો આપવા પડે એનું નામ મુક્ત અર્થતંત્ર. આજે ફરિયાદ કોઈ કરતું નથી. કરે તો તેનું ભાગ્યે જ કૈં ઊપજે એમ છે. કોઈ નાનો વેપારી પાંચ રૂપિયાનું પેકેટ 6 રૂપિયામાં વેચે તો તેની સામે ફરિયાદ થઈ શકે, પણ કોઈ કંપની 2.4 રૂપિયામાં 3.2 ગ્રામ બિસ્કિટ આપે તો તેને પડકારી શકાય કે કેમ તે નથી ખબર ને હવે તો નાનો વેપારી 5નું પેકેટ 6માં વેચે તે કંપની કૈં અક્કલ વેચીને બેઠી છે કે તે પોતે જ 5નાં 6 છાપીને ન વેચી શકે? નાનાં વેપારીનું એ ગજું નથી કે તે 5નાં 6 કરે, એ કામ હવે કંપનીઓએ જ માથે લઈ લીધું છે. નકામી એ બિચારાને કાળા બજારની તક ક્યાં આપવી? સાચું ખોટું તો ક્યાં કરવા જવું, પણ આપણે ભ્રષ્ટાચારમાં, અત્યાચારોમાં, ખૂનામરકીમાં, કાયદા ચાતરવામાં, દવાદારૂમાં વૈશ્વિક સ્તરે આખી દુનિયાને પાછળ પાડી દીધી છે. કોઈ દેશે સ્વતંત્રતા પ્રાપ્ત થયાનાં 75 વર્ષમાં જ આટલી પ્રગતિ કરી હોય એવો બીજો દેશ દેખાતો નથી. તમને દેખાય છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2023