
ચંદુ મહેરિયા
તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો. પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુદ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્ત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.
જીવનની કોઈ પણ બાબતને ધર્મનાં ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદ્દભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે,
લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ.
ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ.
ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તર પ્રદેશના અમરોહામાં ઈ.સ. ૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે.
પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે. તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો, અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃદ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે.
૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કાઁગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા. તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી. તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ન હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ.
આજે ઉર્દૂને સંકીર્ણ દૃષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન (રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ ભારતીયોનો એક વર્ગ દુ:શ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે.
સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે:
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી
ક્યોં મુઝ કો બનાતે હૌ
તાજ્જુબકા નિશાના
મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના
દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના
અપને હી વતન મૈં હું
મગર આજ અકેલી
ઉર્દૂ હૈ મેરા નામ
મૈં ખુસરો કી પહેલી.
“પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુદ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુદ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ.
e.mail : maheriyachandu@gmail.com