શિક્ષક : અલ્યા, આ સુધાર.
વિદ્યાર્થી : શું સુધારું?
શિક્ષક : ભાર તમારો દેશ છે – એ!
વિદ્યાર્થી : શું લખું?
શિક્ષક : ભારત મારો દેશ છે, એમ લખ.
ભાર તમારો દેશ છે – એ ખોટું છે …
વિદ્યાર્થી : સોરી, 'ભારત'માંથી 'ત' ખસી ગયો.
શિ. : ને 'મારો' સાથે જોડાઈ ગયો.
વિ. : ને 'મારો'નું 'તમારો' થઈ ગયું.
શિ. : એમ ચાલે? ને આ શું કર્યું?
વિ. : શું?
શિ.: ભારતના નકશામાં
કરાચી, ઇસ્લામાબાદ, રાવલપિંડી બતાવ્યું?
એ તારા ફાધરનું છે તે ભારતમાં બતાવ્યું?
વિ. : ફાધર સુધી જવાની જરૂર નથી, સાહેબ!
શિ. : તને ખબર નથી એ પાકિસ્તાનમાં છે તે?
વિ. : પણ પાકિસ્તાનને ખબર નથી તેનું શું?
શિ. : શું ખબર નથી?
વિ. : એ જ કે જૂનાગઢ, લડાખ, જમ્મુ-કાશ્મીર,
સિયાચીન ભારતનું છે તે !
શિ. : એ તો એમ પણ કહેશે કે ચીન, અમેરિકા
રશિયા પાક.નું છે, એટલે એનું થઈ જશે?
વિ. : આટલી સામાન્ય બુદ્ધિ પણ એનામાં નથી?
શિ. : કારણ કે એ સામાન્ય છે ને
બધામાં એ સામાન્ય હોતી નથી !
૦૦૦
અટપટું ચટપટું
૦
'તું મારી ચામાં ખાંડ કેમ ઓછી નાખે છે?'
'બકવાસ નહીં, આજકાલ ચીની 'ક્મ' ચાલે છે.'
૦
‘સાહેબ, મારું લાઈટબિલ બહુ આવ્યું છે?'
'ક્યાં રહો છો?"
'સૂરત.'
'એ તો સૂરતમાં રિક્ષાના મીટર ફરતાં નથીને! '
'એટલે?'
'એટલે વીજળીના મીટર બમણું ફરે છે.'
૦
‘સાહેબ, લાઈટનું બિલ વધારે આવ્યું છે'
'લાઈટ વાપરો તો બિલ તો આવે જને!'
'મારે તો પાવર જ ન હતો. મીણબત્તી વાપરેલી.'
'આ એનું જ બિલ છે.'
૦
‘સાહેબ, મારું લાઈટબિલ મોટું આવ્યું?'
'મોટું આવે, પણ ખોટું ન આવે!'
‘સાહેબ, આ ખોટું જ છે.'
‘સારું. મીટર ચેક કરાવી લઈશ.'
'પણ સાહેબ, મારે તો મીટર જ નથી!'
૦
''ભાભીજી પાપડ' ખાવાથી રોગ નહીં થાય?'
'એ શું છે?'
'એક સાંસદ કહે છે, 'ભાભીજી પાપડ' ખાવ, રોગ ભગાવ.'
'એનો પાપડનો ધંધો લાગે છે.'
'પાપડ ખાય, તો રોગ જાય?'
'પાપડથી તો નહીં, થાપડથી જાય તો જાય.'
૦
'સુરતમાં આટલી હદે સ્થિતિ બગડી કેવી રીતે?'
'તમને હવે પહેલા કેસથી કરી બતાવવું પડશે કે?'
૦
'ખાનગી સ્કૂલોએ ૯૦ ટકા સુધી પગાર કાપી લીધો છે?'
'દસ ટકા પણ શું કામ આપ્યો?'
'ક્યાં આપ્યો છે? એ તો જીવદયા ફંડમાં ગયો.'
૦
૦૦૦
e.mail : ravindra21111946@gmail.com
સૌજન્ય : ‘કાવ્યકૂકીઝ’, 14 ઑગસ્ટ 2020