Opinion Magazine
Number of visits: 9447387
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેન, હું તો એક સાધારણ ઔરત

આશા બૂચ|Opinion - Opinion|12 June 2017

"બે'ન, હું તો એક સાધારણ ઔરત."

આ વિધાન છે એક મહિલાનું કે જેને હું દર અઠવાડિયે, એક દિવસ, ફોન કરું છું.

છેલ્લા ચારેક વર્ષથી બ્રિટનની ‘સિલ્વર લાઈન’માં વોલન્ટિયર તરીકે કામ કરું છું. એસ્થર રાન્ટ્ઝન – આ દેશની એક જાણીતી હસ્તી, કે જેણે નાના બાળકો પર થતા અન્યાય અને અત્યાચારને વાચા મળે તે માટે ‘ચાઈલ્ડ લાઈન’ શરૂ કરેલી. આ ‘સિલ્વર લાઈન’ પણ તેમનું જ સર્જન છે. આવાં ટેલિવિઝન પ્રેઝન્ટર તરીકેની સફળ કારકિર્દી ધરાવનાર સન્નારીના પતિનું અવસાન થયા બાદ ખુદને એક પ્રેમાળ કુટુંબ હોવા છતાં તેઓ એકદમ એકલતાનો અનુભવ કરવા લાગ્યાં અને એસ્થરને વિચાર આવ્યો કે જેઓને પોતાનાં સંતાનો નહીં હોય કે દૂરના સ્થળે રહેતાં હશે, જેમણે લગ્ન નહીં કર્યાં હોય કે કુટુંબમાં ખાસ કોઈ સંભાળ રાખનાર નહીં હોય, જેઓનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે ઘરની બહાર નીકળીને પાસ પડોશ કે મિત્રો સાથે સંપર્ક રાખી નહીં શકતાં હોય તેમની શી હાલત થતી હશે? એકલા રહેવું અને એકલતા સાલવી એ પરિસ્થિતિમાં ફરક છે.

એકલતાનો અનુભવ કરનારને ભૂખ ન લાગવી, સતત ડરનો અનુભવ થવો, કંટાળો આવવો, પોતાનું કોઈ નથી માટે આ જીવનનો કોઈ અર્થ નથી એવી લાગણીઓ થતી હોય છે જેને પરિણામે તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ નબળું પડતું હોય છે.

‘સિલ્વર લાઈન’ના વોલન્ટિયર તરીકે અઠવાડિયે એક દિવસ આવા એકલતાનો ભોગ બનેલ સ્ત્રી-પુરુષો સાથે પંદર-વિસ મિનિટ વાત કરીને તેમની સાથે મૈત્રી કેળવવાનું કામ મને ઘણું રોચક લાગે  છે.

આજે જે મહિલાની વાત માંડવી છે તે દક્ષિણ ગુજરાતના સુરત પાસેના સંજાણ નામના એક નાનકડા ગામમાં જન્મેલાં. એમને આપણે રાઝિયા તરીકે ઓળખીશું (આ એમનું ખરું નામ નથી). શાળાકીય શિક્ષણને નામે એમની પાસે ખાસ કશું જમા નહોતું થયેલું. તેમનાં નાના-નાની પાસે બદામ, અંજીર વગેરેની વાડીઓ હતી એટલે ખાધે પીધે બહુ સુખી હતાં. ચૌદ વર્ષની ઉંમરે રાઝિયાનાં ફઈના દીકરા સાથે લગ્ન કરી દેવામાં આવ્યાં. જો કે પોતે માને છે કે આદમી અને ઔરત મોટાં થાય પછી પોતાની મરજીની વ્યક્તિ સાથે પરણે તે સુખી થાય. આ તો નાની ઉંમરમાં લગ્ન થાય તે જબરદસ્તી કહેવાય, તે સારું નહીં. લગ્ન પછી આઠ-નવ વર્ષ પતિ સાથે રહ્યાં તે દરમ્યાન ચાર સંતાનોને જન્મ આપ્યો. ત્રણ દીકરી અને એક દીકરો. રાઝિયા કહે, “અમારે દીકરા-દીકરીમાં કાંઈ ભેદ નહીં. જો કે બધી ધાર્મિક વિધિ મરદો જ કરે. તમે તો દીકરીને લક્ષ્મી માનોને? મારા વર યુનાઇટેડ કિંગ્ડમ આવ્યા અને પછી હું ચારથી અગિયાર વર્ષનાં ચાર બચ્ચાંને લઈને અહીં (યુ.કે) આવી. આજે એ વાતને 45 વર્ષ થયાં.”

પતિ કોઈ ફેક્ટરીમાં કામ કરતા અને તેઓ પોતે પણ કપડાં સીવવાની પેઢીમાં કામ કરતાં. થોડા સમય બાદ પતિ બીમાર રહેવા લાગ્યા. એ કોમના રિવાજ મુજબ રાઝિયાને પાડોશી, કુટુંબીઓ કે મિત્રો કોઈની સાથે હળવા મળવાની છૂટ નહોતી એટલે જીવતે જીવત કબ્રસ્તાનમાં રહેતાં હોય તેવું લાગતું. આ બધો ગમ દિલમાં લઈને અલ્લાહની બંદગી કર્યા કરે. 26 વર્ષ પહેલાં પતિનું અવસાન થયું. ચારે ય સંતાનોને ભણાવ્યાં અને પરણાવ્યાં, પણ કમનસીબે એક પણ સંતાન તેમની સાથે સંબંધ નથી રાખતા. જ્યારે મેં રાઝિયા સાથે વાત કરવાની શરૂઆત કરી, ત્યારે હંમેશ પોતાની પુત્રવધૂ અને જમાઈની બદદાનત અને ગેર વર્તણૂકની વાતો કરે અને તેમના પાડોશીઓ તેમને કઈ કઈ રીતે હેરાન કરે છે, તેની માંડીને વાતો કરતાં. રાઝિયાના મનમાં અશ્વેત અને શ્વેત લોકોની રહેણી કરણી માટે આદરનો અભાવ છે. ઘરની બહાર જવાનું ન બને, કોઈ સાથે વાતચીત ન થાય તેથી તેમની પાસે વાતોના વિષયોની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. તેમના દિલમાં હતાશા, બીજા માટે અવિશ્વાસ અને નારાજગી ઘર કરી ગયેલી જણાઈ. સહુથી વધુ તો તેમને પોતાના વિષે ખાસ ઊંચો અભિપ્રાય ન હોવાને કારણે અન્યો પ્રત્યે પણ નકારાત્મક ભાવ પીડતો રહે. પરંતુ સમય જતાં પોતાના સંતાનો વિશેની ફરિયાદ ઘટી, પાડોશીઓની રંજાડ વિશેના ઉલ્લેખોનું સ્થાન પોતાના બાળપણની મીઠી યાદોએ લીધું.

હું ચાલાકીથી દર વખતે અલગ અલગ મુદ્દાઓ વિષે વાત છેડું. એક અશિક્ષિત એવી મહિલાના પ્રત્યાઘાતો જાણવા રસપ્રદ થશે. એક દિવસ મારાં આ નવાં મિત્ર કહે, “તમારી દિવાળી નજીક આવે છે ને? તમારાં રામ અને સીતાની વાર્તામાં આવે છે તેમ આદમીએ ઔરતની ઈજ્જત સાચવવી જોઈએ, મને એ વાતો બહુ ગમતી.” આ બધું ક્યાંથી જાણવા મળ્યું એમ પૂછવાથી કહ્યું કે ટેલિવિઝન, ફિલ્મો જોવાથી અને દેશમાં હતાં ત્યારે ઘરના લોકો તથા પાસ પાડોશીઓ પાસેથી સાંભળેલી વાતો પરથી ઘણું જાણવા મળતું.

‘સિલ્વર લાઈન’ની માર્ગદર્શિકાને અનુસરતી હોવાને કારણે આ એકાકી મહિલા પોતાનો આત્મ વિશ્વાસ પાછો મેળવે અને દેશ-દુનિયાના પ્રવાહો વિષે વાત કરીને ઘરના બંધ બારી-બારણાં ખોલી બાહ્ય જગત સાથે અનુસંધાન કરે, એ હેતુથી એક દિવસ મેં ‘દંગલ’ ફિલ્મમાંની કથાની વાત કરી અને મલાલાનું પુસ્તક વાંચું છું તેના પરથી ઇસ્લામ ધર્મ અને સ્ત્રી શિક્ષણ, સ્વાધીનતા અને કુરિવાજોની ચર્ચા કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાઝિયાના વિચારો કંઈક ઉદાર મતના છે. અચાનક ભારતના રાજકારણ વિષે તેમણે વાત ઉપાડી અને કહ્યું, “આજની સરકાર આપણા ગુજરાતીની છે ને? એ તો આપણા ગાંધી બાપુનો દેશ, તો પછી આ હિન્દુ-મુસ્લિમ વચ્ચે દરાર વધે એવું કેમનું કરે, ભલા?”

મિડલ ઇસ્ટ, આફ્રિકન દેશો અને અન્ય દેશોમાંથી આવેલ લોકો તેમનાં પાડોશીઓ છે જેમના તરફથી થતી હેરાનગતિ અને પોતાની તબિયત વિશેની વાતો કર્યા બાદ રાઝિયાએ જાતે જ કુરાનમાં લખેલ કેટલાક ઉસૂલોની વાત કરી. કહે, “ઇન્સાન બધા સરખા, બધા અલ્લાહના બંદા, તો પોતાના પરાયાનો ભેદ કરીને ઝઘડવું કે મારવું એ તેના હુકમની ખિલાફ, મને ન ગમે.” એમ તો રાઝિયાનો એવો દાવો છે કે પોતે ભારતમાં રહેતાં એટલે ગુજરાતી તો એમની પોતાની જ ઝુબાન, પણ સાથે સાથે હિન્દી, મરાઠી અને બાંગ્લા પણ સમજતાં અને થોડી બોલી પણ લેતાં, વળી અરબી તો કુરાન પઢવાને કારણે જાણે જ. મુંબઈના તાબૂતને સોના-ચાંદી ચડાવે અને અજમેરની મીરા દાતારની દરગાહની વાતો કરતાં એકદમ ઉત્સાહમાં આવી ગયાં।.પછી કહે, “હું કુરાન પઢુને, ત્યારે ગીતા પઢીએ ત્યારે મળે તેવું સકૂન મળે.”

સામાન્ય રીતે એમ મનાય છે કે દરેકને ભાગે પડતું સુખ-દુઃખ ભોગવવું પડતું હોય છે, પણ કેટલાકને ભાગે દુઃખનો કટકો સુખના કટકા કરતાં ખાસ્સો મોટો હોય છે. સંતાનોએ મોં ફેરવી લીધા પછી સાલતી એકલતા ટાળી ન શકવાથી, રાઝિયાને મજબૂરી લાગે, પણ ઉપરવાળા પર ભરોસો રાખી એ લોકોને માફ કરે એટલે જીવ્યે જાય. હવે આ કેવી ફિલોસોફી? કોઈ અભ્યાસુ કે સિદ્ધ વ્યક્તિ જ આનો અમલ કરી શકે. મને કહે, “હું કોઈ પર નારાજ નથી થતી, ગલત કામ કરનારને અલ્લાહ હિસાબ કરીને ન્યાય કરશે. આપણે તો સમુન્દર જેવા થવું જોઈએ, ખરાબ વસ્તુ કિનારા પર ફેંકી દેવી, તો જ મોતી મળે.” એવું નથી કે ‘સિલ્વર લાઈન’ કોલર રાઝિયા સાથે માત્ર આવી ગંભીર વાતો જ થાય છે. ખુશ હોય તો ક્યારેક હિન્દી ફિલ્મનાં ગીતો અને સંવાદ બોલવા લાગે. કોઈ વખત ખીર, લાડુ, ભજિયાં, મેથીના લાડુ અને ચેવડો કેવા ભાવે એની યાદમાં સરી પડે. મેં આ એક વર્ષ દરમ્યાન નોંધ્યું કે આવી ઘરેલુ વાતો કરવાથી એમના અવાજમાં હતાશા દૂર થતી જતી હોવાનું અને હાસ્ય, મશ્કરી અને કટાક્ષ કરવાની તેમની આદત પાછી આવતી હોવાની સાબિતી મળવા લાગી, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારી નિશાની છે.

જે માતા-પિતાને પોતાનાં જ સંતાનો તથા કુટુંબીજનો કોઈને કોઈ કારણસર તરછોડી જાય કે કાળજી ન કરે તેમના મનમાં પોતે તદ્દન નકામાં છે અને અન્યને મન તેમનું કોઈ મૂલ્ય નથી એવું માનવા લાગે અને તેથી કરીને તેમનો આત્મવિશ્વાસ સાવ શૂન્યવત્‌ બની જતો હોય છે. એવા સંયોગોમાં જીવન બોઝિલ લાગવા માંડે, કશી બાબતમાં રસ ન પડે અને પોતાની જાત માટે કાળજી લેવાનું કોઈ કારણ ન રહે. રાઝિયાની બાબતમાં કઇંક એવું જ બન્યું છે. આથી જ તો હું તેમની વાતો પરથી તેઓ કેવાં સમજુ છે, શાણાં છે, તેમને કેટલી બધી વાતોમાં રસ છે તેમ કહું જેથી કરીને તેઓ હતાશાની ગર્તામાંથી બહાર આવે. આ યુક્તિ સફળ થવા લાગી છે. દેશ છોડીને આવ્યાં બાદ, પાંચ વર્ષે, કુટુંબને મળવા ગયેલાં અને તે પછી માંડ ચાર-પાંચ વખત ભારત જઈ શક્યાં હોવા છતાં એ ધરતીની ખુશ્બુ, ત્યાંનો ખોરાક, લોકોનો માયાળુ સ્વભાવ અને સામાજિક રીત રિવાજોની વાત કરે ત્યારે ખુશ થઇ જાય. આ હમવતની રાઝિયાને વતનની યાદ સતાવે ત્યારે વરસાદની ઋતુ આવે, ખેડૂતો ધરુ કરે, દેશનાં શાક અને ફળો તાજાં હોય એટલે તેનો સ્વાદ બહુ સારો હોય એની વાતો કરે. ભારતના લોક મહેનતુ બહુ. ઘરની ચક્કીના પીસેલા લોટની રોટી મીઠ્ઠી લાગે. પોતે ચક્કી પીસતાં, અનાજ દળતાં એ બધું યાદ કરે. તેઓ આ દેશમાં આવ્યાં ત્યારે પોતાના ખાધા ખોરાકીની બધી વસ્તુઓ ન મળતી, હવે બધું મળે તે ગમે પણ તો ય વતન બહુ યાદ આવે. મને કહે, ચાલો આપણે બંને સાથે દેશ જઈએ. આમ, તેમને કોઈ પોતાનું છે એવો અહેસાસ થવા લાગ્યો છે.

ધીરે ધીરે રાઝિયા મને ઇસ્લામના ઉસુલો, તહેવારોની ઉજવણી અને રિવાજોની વાત પણ કરવા લાગ્યાં છે. કેમ કે ‘મને તમારી પાસેથી આજે ઘણું શીખવા મળ્યું’ તેમ હું કહું તેથી પોરસ ચડે જ ને? એક દિવસ મને કહે, “અરે બહેન, તમને ખબર છે, સાઉદી અરેબિયામાં મક્કા છે ને, ત્યાં લોક હજ કરવા જાય. રસુલલ્લા સૈયદ એ પથ્થર ઊંચકીને લાવેલા. કાબાને ફરતે બધા હજ કરનારા ચાલે; જેમ તમે મંદિરમાં દર્શન કરીને તેને ફરતે આંટો મારોને એમ જ. હજ કરે તે ઔરતને હાજિયાણી કહેવાય (હવે મને આ વિષે જરા પણ માહિતી નહોતી). જુઓની આ બધા દુઃખમાં અલ્લાહને યાદ કરે, સુખમાં નહીં, આપણે તો હર વખત યાદ કરવામાં માનીએ, નહીં?” આ વાત જાણે કોઈ એક શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને કહે તે રીતે કહેવા લાગ્યાં. મેં કહ્યું, “તમે, આપણે તો હર વખત યાદ કરવામાં માનીએ નહીં?” એમ કેમ કહ્યું, આપણે ક્યાં સરખો ધર્મ પાળીએ છીએ? હવે એમનો જવાબ વાંચો, રાઝિયા કહે, “બહેન, આપણા મઝહબ જુદા પણ સંસ્કૃિત તો સરખી ને? આ જુઓની હું તો કેઉં કે શરીરમાંથી રૂહ જાય પછી આ બોક્સનું શું કામ? તો તમે પણ એમ જ કેવાના કે ની?” પછી અચાનક મને હું સ્વર્ગમાં માનું છું, કયામતમાં માનું છું વગેરે ગંભીર પ્રશ્નો પૂછ્યાં. મેં માનવ શરીર પંચ તત્વનું બનેલું છે, કેમ જન્મે અને મૃત્યુ પછી શરીરનું શું થાય એ જાણ્યા પછી સ્વર્ગ-નર્ક વિષે મારી માન્યતા અલગ છે, તેમ કહ્યું તો કહે, “તમે ભણેલા ની એટલે ચાલે, અમારે કુરાનમાં કહે તે સાચું.”

આમ અંગત કુટુંબીઓના બુરા વર્તાવ, પાડોશીઓની પજવણી અને પોતાની તબિયત વિશેની સતત ફરિયાદ કરનારી એક ‘અશિક્ષિત’ ગણાતી મહિલા ધીરે ધીરે વકરેલો આતંકવાદ, બ્રેકસીટ, સીરિયાના સંઘર્ષ વગેરે જેવા વિષયો પર બોલવા લાગ્યાં છે. મને કહે, “આ સરકાર આપણને મોંઘવારી વધે ત્યારે ખરચમાં ધ્યાન રાખવાનું કહે, પણ પોતે પગ પહોંચે તેટલી ચાદર  બિછાવે તો ગરીબને સહાય થાયને? અમારે તો વ્યાજ ખવાય પણ નહીં અને દેવાય પણ નહીં, જે કાંઈ મુનાફો થાય તે ગરીબોને આપી દેવો જોઈએ, પણ હવે એવું કોણ કરે છે? મને તો આ સરકાર વાલા બુરી વાત કરે તે પણ ના ગમે. આ જુઓ ઇન્ડિયામાં પેલો નવો મોટો માણસ આદિત્યનાથ છે તે કેવું બોલે છે? બે કોમના લોકોને જુદા ગણે અને તેની બુરાઈ કરે તે સારું કહેવાય? બધા ઇન્સાન જ છે અને દરેક કોમમાં સારા અને બુરા ઇન્સાન હોવાના વળી. આજે તો અંધેરી નગરી અને ચોપટ રાજા એવો ખેલ છે. આપણે તો પહેલાં આપણો ઈશ્વર સાચો અને બીજા આપણા મા-બાપ એમ માનીએ.”

બોલો હવે મારે એમને શું કહેવું? જ્યારે હવામાન અને પોતાની તબિયતની રામાયણ ન હોય ત્યારે રાઝિયા કોઈ હિન્દી ફિલ્મના સંવાદો બોલે, ગીતોની કડી ગાય અથવા પોતાના મઝહબની વાત કરે. એક દિવસની વાત, મને કહે, “આજે તમને ગમે એવી વાત કરું. તમે સૂરજને માનો ને? અમે પણ સૂરજને ખૂબ માનીએ. મહંમદ પયગંબરે સૂરજને નીચે ઉતારીને તેના તાપથી ગોશ્ત પકવી આપેલું. અલ્લાહે જે આપ્યું છે તે સાચવવાનું કામ આપણું (તેઓ પર્યાવરણની સંભાળ રાખવાનું કહેતાં હતાં). આ દુનિયાના બધા સવાલો બહુ બાળ બચ્ચાં થાય એટલે થયા છે. કેટલાં બાળબચ્ચાં કરવા તે આદમી અને ઔરતે નક્કી કરવાનું, ઓપરેશન કે બીજી વસ્તુ વાપરવી સારી નહીં, જાતે સમજવું જોઈએ. ઈન્દિરાબહેને કેવું કરેલું? એવું ના કરાય, બધાને સમજાવાય.”

લંડન અને માન્ચેસ્ટરમાં થયેલ આતંકી હુમલાઓની વાત કરીને વ્યથિત થતાં રાઝિયા કહે, “એવા માણસો બધાને પોતાના ગણે તો આવી કત્લ ન કરે, આ તો અલ્લાહનું નામ બદનામ કરે છે. કાલા હોય કે ગોરા, પણ બધાના દિલ તો સરખા હોય ને? આવા કમ અકલ વાળાને પૈસા આપીને કોઈના જાન લેવા કહે. ઘરકા ભેદી લંકા જાય એવું છે. કોઈનું ભલું ન કરી શકો તો બૂરું શા સારું કરવું? ખાડો ખોદે તે પડે, ઉપરવાળો બધું જુએ છે. કેટલાક માણસો તો છોકરીઓને ઉપાડીને લઇ જાય, બળાત્કાર કરે અને મારી પણ નાખે. બીજાની મા અને બહેનને પોતાની મા-બહેન ગણીએ તો ગુનાહ કેમ કરીએ? ગોરા લોક આપણને આ મુલ્કમાં કેટલી મદદ કરે છે? તેને માટે તો દુવા કરવી જોઈએ, એ લોકો આપણા રિશ્તેદાર નથી તો પણ કેવા સારા છે કે બીમારીમાં દવા આપે, ઘર આપે, તો એને તો વફાદાર રહેવું જ જોઈએ. જે મુલ્કમાં રહીએ તેના કાનૂન પાળવા જોઈએ. કોઈ મઝહબના લોક મુલકના કાનૂનથી પોતાના મઝહબનો કાનૂન જુદો હોય તેમ કહે તે તો બકવાસ છે.”

આમ સાવ અભણ એવી એક મહિલા, કે જેના સંતાનો તેનાથી મોં ફેરવીને નજીક રહેતા હોવા છતાં પોતાની ફરજ ચૂકી ગયાં હોવાથી સાવ એકાકી જીવન જીવે છે, તેનામાં કોઠા સૂઝ કેવી છે તેનો અહેસાસ તેની સાથેના અઠવાડિક વાર્તાલાપ પરથી થાય.

અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે મેં તેને રમઝાન મુબારક કહ્યું, ત્યાં તો એકદમ દ્રવી જઈને બોલ્યાં, “તમે નજદીક હોતે તો તમને ઈદની દાવત આપતે (અહીં નોંધવું રહ્યું કે તેઓ જાતે રસોઈ નથી કરી શકતાં, દીકરી ભાણું આપી જાય તે ખાય છે), કંઈ નહીં, તમારે માટે દુવા કરીશ.” આવી પોતાની જાતને સાવ સાધારણ ઔરત માનતી સ્ત્રી પણ કહેવાતા આગેવાનો અને રાજકારણીઓ કરતાં પાયાની છતાં અસાધારણ આંતરસૂઝ ધરાવતી હોય એવું બને ખરું. અલ્લાહ તેને સલામત રાખે.

e.mail : 71abuch@gmail.com

Loading

12 June 2017 admin
← ક્રિકેટનું સુપરસ્ટાર કલ્ચર અને આપણી ભક્તિ પરંપરા
The New Cabinet →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved