લખું છું ત્યારે બેફામ લખું છું,
કલમ ન થાકે ત્યાં સુધી લખું છું.
વ્યથા લખું છું, કથા લખું છું,
મારી તમારી વાતો લખું છું. – લખું છું ત્યારે …
કોડભરી કન્યાની વાતો લખું છું,
વસમી વિદાયની વ્યથા લખું છું,
વેદનાની કથાને શબ્દોથી મઢું છું,
સિતમના ચિત્કારની કથા લખું છું. – લખું છું ત્યારે …
લખું છું ત્યારે બસ લખ્યા જ કરું છું,
થોકબંધ ઠોસ વાતો લખું છું,
દહેજના ખપ્પરમાં હોમાતી અબળાઓની
કથાને આક્રોશયુક્ત વાણીમાં ઢાળું છું. – લખું છું ત્યારે …
તૂટેલાં ઝૂંપડાની વાતો લખું છું,
તો ક્યારેક લખું છું ખાલીખમ ઠામની વાતો,
ચિત્કારની કથાઓને શબ્દોમાં રચું છું,
પ્રસંગોને પડકારતી વાતો લખું છું. – લખું છું ત્યારે …
જીવતા માણસની લાશો વિશે લખું છું,
તો ક્યારેક લખું છું ખાલી પેટની વાતો,
માણસના ચહેરામાં છુપાયેલા શયતાનની વાતો લખું છું,
ક્યારેક થાકીને આકરી વાતો લખું છું. – લખું છું ત્યારે…
બળબળતા બપોરની વાતો લખું છું,
ખુલ્લે પગે ભટકતા ઇન્સાનની વાતો લખું છું,
ક્યારેક લખું છું દિલોજાન દોસ્તોની વાતો,
તો ક્યારેક લખું છું મહેનતકશ ઇન્સાનની વાતો. – લખું છું ત્યારે …
સવારથી સાંજ સુધી બસ લખ્યા જ કરું છું,
જન્મથી મરણ સુધીની વાતો લખું છું,
લખું છું નક્કર વાતો લખું છું,
ચિનગારી ફૂટે ત્યાં સુધી લખું છું. – લખું છું ત્યારે …
તા. 4-12-2000
e.mail : koza7024@gmail.com