Opinion Magazine
Number of visits: 9519296
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે શાશ્વત કોયડા

VK - Ami Ek Jajabar|12 November 2025

પ્રાસ્તાવિક

સર્વ જગતને મનમાં સતત રાખતાં રાખતાં ભોજન ગ્રહણ કરવાનું જાણે કે વ્રત રાખ્યું હોય તેવા મોહનદાસ કરમચંદ ગાંધીને, ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિલાયત જતી વેળા, ફ્રાન્સના વિખ્યાત બંદર માર્સેલ્સ(Marseille)માં જકાત અધિકારીઓએ રોક્યા અને અટકમાં લીધા. પોતાની કને જે કંઈ સરસામાન હોય તેની માહિતી-વિગત આપવા એમને જણાવાયું. એમની તરતપાસ દરમિયાન ગાંધીજીએ કહ્યું : “હું તો ગરીબ ભિખારી છું; મારા સરંજામમાં છે–છ રેંટિયા, જેલના તાંસળાં, બકરીના દૂધનો એક ડબો, છ લંગોટીઓ અને ટુવાલ, અને મારી આબરૂ–જેની બહુ કિંમત હશે નહિ!” [ગાં.દિ., ૧૧-૯-૧૯૩૧][1]

બી. આર. નંદા સરીખા ઇતિહાસકાર લિખિત In Search of Gandhi (essays and reflections)નો હવાલો આપતાં, કાર્નેગી મેલૉન યુનિવર્સિટીમાં ઇતિહાસ બાબતના અમેરિકી અભ્યાસી, અધ્યાપક નીકો સ્લેટ (Nico Slate) Gandhi’s Search for the Perfect Diet (2019) પુસ્તકના પ્રાસ્તાવિકમાં કહે છે કે પોતાની આ અતિ અલ્પ માલમતાની સરખામણીએ ગાંધીની ખ્યાતિ ક્યાં ય વિશેષ હતી. ગોળમેજી પરિષદમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના એક માત્ર અધિકૃત પ્રતિનિધિને નામે એ ઇંગ્લૅન્ડના રાજવીને ય મળવાના હતા અને બ્રિટિશ શાસકો જોડે ય હિંદની આઝાદી સારુ વાટાઘાટ કરવાના હતા.

આ અગાઉ બ્રિટિશ કન્સર્વેટિવ પક્ષના નેતા વિન્સ્ટન્ટ ચર્ચિલે ૧૯૩૧ના જ ફેબ્રુઆરીમાં ગાંધીજીની તત્કાલીન વાઇસરૉય સાથેની ચર્ચા મુદ્દે ત્યાં સુધી કહેલું કે “મિડલ ટૅમ્પલનો એક વકીલ ગાંધી (ગાંધીજી મિડલ ટૅમ્પલના નહિ પણ ઈનર ટૅમ્પલના વકીલ હતા) જે, પૂર્વમાંના બહુ જાણીતા પ્રકારના ફકીરનો સ્વાંગ સજી રહ્યો છે, અને જે હજી સવિનયભંગની રાજ વિરુદ્ધની ચળવળ ગોઠવી અને ચલાવી રહ્યો છે તે, સમ્રાટના પ્રતિનિધિ સાથે, સમાન દરજ્જે ચર્ચા કરવા માટે, અર્ધનગ્ન દશામાં વાઈસરોયના મહેલનાં પગથિયાં આજે ચઢી રહ્યો છે–એ દૃશ્ય ભયજનક અને ઘૃણાસ્પદ છે.” [ગાં. દિ., ૧૭-૨-૧૯૩૧] પરંતુ ગાંધીજીને પાકું સમજાતું જ હતું કે એમનો બાહ્ય દેખાવ એ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે માટે તદ્દન સુયોગ્ય છે. આર્થર એલ. હરમન Gandhi and Churchill[2]માં લખે છે તેમ, ગાંધીજીને મન એમના દેખાવ અને આહાર અંગેના સંબંધ વિશે લોકો શું કહે છે તે લગીર અગત્યનું નહોતું તે નહોતું જ. 

એ દિવસોમાં ગાંધીજીનું વજન આશરે સોએક રતલ[3] માંડ હશે. એમની ઊંચાઈ પાંચ ફૂટ ને છ ઇંચ હતી. અહિંસાના રસ્તે અને સત્યની શોધમાં આગળ વધતાં વધતાં એમણે પોતાના રોજિંદા આહારમાં સમય સમયે ફેરફાર કરવાનું રાખ્યું હતું. બારિસ્ટર બનવા સારુ વિલાયત પહોંચ્યા ત્યારથી એમણે આહાર વિશે સતત વિચાર કરવાનું જોયું છે. એ વખતે તેમની ઉંમર વીસ વર્ષની હતી. એ યુવાન ગાંધી હતા, મોહનદાસ ગાંધી હતા. એમણે તેની વાત પણ કર્યા કરી છે અને તેને સારુ ભાતભાતના પ્રયોગો ય કર્યા છે. 

નીકો સ્લેટ લખે છે : શાકાહારીપણું, નિમકનો તેમ જ મીઠાઈનો મર્યદિત ઉપયોગ, પ્રક્રમણિત ખોરાક(processed food)ને સંપૂર્ણપણે ત્યાજ્ય ગણવા, વણરાંધેલો ખોરાક લેવો, ઉપવાસ કરવા એમના આહારના પાયાગત આધાર હતા. આ સઘળું એમની રાજકીય ગતિવિધિ સાથે પૂર્ણપણે સંકળાયેલા હતા. આગળ વધીને તેઓ કહે છે, આ તો મૂળે તેમની અહિંસા અંગેની વિચારધારાના ભાગરૂપ જ હતા. એમની અહિંસા અને શાકાહાર એમને માટે અંગત, રાજકીય તેમ જ આહારવિહાર બાબતે સર્વસમાનતાના ભાગ તરીકે નીખરી રહ્યા. જીવન પર્યન્ત આવી સર્વસમાનતામાં જ ગાંધીજી રહ્યા. આહાર આધારિત અહિંસામાં એ લંડનથી દક્ષિણ આફ્રિકા ગયા તે વચ્ચે જ્યાં જ્યાં ગયા ત્યાંના આહારની અનુકૂળતા તપાસતા ગયા અને શક્ય બન્યું તે ગ્રહણ કરતા રહ્યા. 

કેટલાક તજજ્ઞો આ વૃત્તિને culinary cosmopolitanism લેખે છે. વિશ્વનાગરિકપણાનું જ તે એક અગત્યનું પગલું.

આશરે ૨૪૦ પાનના આ, Gandhi’s Search for the Perfect Diet પુસ્તકમાં લેખક, નીકો સ્લેટ સાત પ્રકરણો આપે છે. અને આ પ્રકરણો છે : નિમક, ચોકલેટ, બકરાનું માંસ અને મગફળીનું દૂધ, વણરાંધેલું-છાંડ્યા વિનાનું-અસલ અનાજ, કુદરતી ઓસડિયા, ખેતીવાડી તેમ જ ઉપવાસ; અને સમાપન લેખમાં કેરી અને મહાત્માને વણી લેવાયાં છે. વળી, ઉપસંહારમાં ગાંધીજીના આહાર તેમ જ તે આહાર બનાવવાની રીતરસમને આવરી લેવાયાં છે.

પ્રસ્તુત પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ પુસ્તકમાં ગાંધીજીના આહાર બાબતને સમજતા સમજતા આપણે આ મનેખને અને એમની જીવનીને સમજવા પ્રયત્ન કરીશું. એ માટે નિમિત્ત બનેલા નીકો સ્લેટના પુસ્તક ઉપરાંત, જૉસેફ ઑલ્ટરકૃત Gandhi’s Body [University of Pennsylvania, June 2000] તેમ જ પરમ રૉયકૃત Alimentary Tracts [Duke University Press, Nov. 2010], મો. ક. ગાંધી લિખિત સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને આરોગ્યની ચાવી[4] જેવાં પુસ્તકો અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથમાળા તથા ગાંધીજીની દિનવારી [સં. ચંદુલાલ ભગુલાલ દલાલ, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ૧૯૭૦] જેવા અન્ય પણ ઘણા સંદર્ભોને ઓજાર રૂપે સામે રાખી, ઇતિહાસના બે શાશ્વત કોયડા અંગે પણ પડપૂછ કરી શકીએ : કેવી રીતે જીવન ગુજારવું અને શો આહાર લેવો.

– વિપુલ કલ્યાણી

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ

પુસ્તકના સંપાદકીય માટે લિંક માતા પૂતળીબાઈની સાક્ષીએ — | Opinion Magazine | Opinion Online Gujarati Thoughts Journal

***

પુસ્તક : પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ • લેખક : વિપુલ કલ્યાણી, પૂરક લેખન અને સંપાદન : કેતન રૂપેરા • પ્ર. 3S પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર, 2025 • પેપર બૅક, સાઇઝ : 4.75” x 7.0”, પૃષ્ઠ 112 • ₹ 100

-.-.-

[1] ગાંધીજીની દિનવારી (1915-1948), સંગ્રાહક : ચંદુલાલ ભગુભાઈ દલાલ, પ્ર. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય. 1970

[2]  Gandhi & Churchill: The Epic Rivalry That Destroyed an Empire and Forged Our Age, Bantam Books, 2008

[3]  એક રતલ = આશરે સાડા ચારસો ગ્રામ

[4]  હકીકતે, आरोग्य વિશે सामान्य ज्ञान મથાળા હેઠળ ૧૯૦૬માં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં પ્રકાશિત એ લેખ શ્રેણી, જે પછીથી હિન્દી અને અંગ્રેજીમાં પણ પુસ્તકાકારે પ્રકાશિત થતી રહી. પોતાના પ્રયોગોના નિચોડ રૂપ આરોગ્યની ચાવી પુસ્તકના ‘પ્રાસ્તાવિક’માં, ૧૯૪રમાં આગાખાન મહેલમાં નજરકેદ ગાંધીજી લખે છે, “મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં આટલું લોકપ્રિય નથી થવા પામ્યું જેટલું મજકૂર પુસ્તક. … आरोग्यनी चावी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોના અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા બંધાવી શકું છું.” (ર૭-૭-૧૯૪ર)

Loading

12 November 2025 Vipool Kalyani
← ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

Search by

Opinion

  • ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
  • નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ
  • ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી
  • ‘ડિ-સ્ટ્રેસ’ થવા તમે શું કરો છો?
  • કોલર ટ્યુન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved