વાઇરસ,
બે પગે ચાલે છે
એવું કહું તો તમને
એલિયન જેવું આશ્ચર્ય થશે.
ભિન્ન ભિન્ન વાઇરસ
અમને રોજ મળતા.
એમ કહું તો
તમને ગળે નહીં ઊતરે.
ખરું કહું છું
એક દિ' ઝમકુ ડોશી
ઘાંટો તાણીને બરાડી ઊઠી'તી.
જેમ વીંછી ડંખ્યો હોય એમ જ.
મને જોતાં થરથરી ઊઠી'તી
હાથમાં ભેંસના પોદળા સાથે
વાંસીદું વાળતાં વાળતાં બોલી,
એ..ય સાયબ જરીક છેટા હાલોની.
અડી જશો તો !
આજે,
સરકાર જેમ એકબીજાને અડવાની
ના પાડે છે એમ જ.
ઝમકુ ડોશીએ મને ના પાડી'તી
ઢોરમાંથી માણસ બનેલો હું
વિસ્ફારિત આંખે
અપલક નજરે
તાકતો રહ્યો'તો
એ ઢોરના પોદળાને.
ત્યારે,
મને પોદળાની ભારે ઈર્ષા થઈ હતી.
હવે,
તમને નથી લાગતું
અહીં
માણસ કરતાં
પોદળાને આસાનીથી અડી શકાય છે.
ને,
વાઇરસ,
બે પગે ચાલે છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020