મોતની સડક
ચાલ પ્રિયે, ચાલીએ આ મોતની સડક,
ચાલ પ્રિયે, ચાલીએ લઈ મોતનું કફન.
તારા હાથમાં લઈ લે તું બચકું,
મારા હાથમાં લઉં વસ્તાર હું,
ગજવાં ભરી લે હિંમતનાં,
ચાલ પ્રિયે, ચાલવું જ પડશે, મોતની સડક.
હું ભરી લઉં બાટલો પરસેવાના એક એક બુંદનો,
તું પણ ભરી લે તારું દિલ પ્રેમથી, બસ પ્રેમથી.
નહીં ખૂટે આ સડક જો મન ગયું ખૂટી,
તારા અડવાણા પગને કેવી શેકતી હશે સડક,
ચાલ્યા કર પ્રિયે, આ અન્યાયની સડક.
પ્રિયે લથડતી નહીં, જો આ બાળ પણ ચાલે,
તું આંખ બંધ ના કર પ્રિયે, કોણ ચાલશે સડક?
કોણ જાણે ક્યારે ઘર આવશે, જીતાશે આ સડક?
•
વૉરિયર
અહીયાં વૉરિયર જન્મથી પેદા થાય છે,
બધાંને લડવાનો હક નથી,
સફાઈ કામદારોને આખરે વૉરિયર કહ્યાં,
એમના જન્મથી, નહીં?
કલમ નહીં, પણ ઝાડુ પકડો,
તલવાર નહીં, આ ચામડું પકવો,
ગામ આખું ચમકાવો પણ
ગામમાં ના પેસો વૉરિયર,
કોરોના કોઈને અછૂત નહીં ગણે,
બાથ ભીડો વૉરિયર,
તમે કોઈ દિવસ અડ્યાં બી નહીં પડછાયાને પણ,
આજે વૉરિયર કહો છો?
કદાચ, જ્યારે જ્યારે દેશ સંકટમાં હતો,
ત્યારે આમ જ વૉરિયર કહ્યાં હોત.
પણ જન્મ વિશેષાધિકારના મદમાં
માનવમૂલ્યોની આહુતિ આપી દીધી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020