શાહી પૂરી થઈ
કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે,
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.
ગણતરી કરીને હિસાબ લખવો હતો જિંદગી વિશે,
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.
સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકીકત વિશે,
અને વાત કરવી હતી મારે તો થોડાં સ્વપ્નો વિશે.
વાંચે કોણ જિંદગીના અમુક અટપટા વાક્યો વિશે,
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે.
અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે,
પણ શાહી પૂરી થઈ ગઈ લખવામાં જિંદગી વિશે.
ક્યારેક તો પૂછ તું!!
જીવનના આ સંગ્રામમાં સાથ વિશે ના પૂછ તું,
પરંતુ સમયાંતરે છૂટેલા હાથ વિશે તો પૂછ તું!
ક્યારેક સામે મળે તો મારા હાલ વિશે ના પૂછ તું,
પરંતુ પાછળથી લાગેલા ઘા વિશે તો પૂછ તું!
સાવ સીધા-સરળ દેખાતા રસ્તા વિશે ના પૂછ તું
પરંતુ વળાંકો વાળા અકસ્માતો વિશે તો પૂછ તું!
જિંદગી જીવવી હોય તો રાહત વિશે ના પૂછ તું,
પરંતુ આહત આ મનના સ્તરો વિશે તો પૂછ તું!
ઠીક છે, ચાલ, ભલે જિંદગી વિશે ના પૂછ તું,
પરંતુ ક્યારેક તો ખુદના હાલ વિશે તો પૂછ તું!
e.mail : parthdhjoshi@rediffmail.com